ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/બિપિન પટેલ/વાંસનાં ફૂલ

Revision as of 12:34, 18 June 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} એ સમયે જિંદગી મને ખેંચતી હતી અને હું એની ગતિએ ચાલતો હતો. કલ્પન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

એ સમયે જિંદગી મને ખેંચતી હતી અને હું એની ગતિએ ચાલતો હતો. કલ્પના સાથેના સંસારમાં એવો કોઈ રગડો-ઝગડો નહીં, એમ તો ખાસ્સો રાગ એકબીજા માટે. તેથી લગ્નનાં વીસ વર્ષ પછી પણ એને ગુણુ કહેવાનું છોડ્યું નહોતું, પણ સતત એવું લાગતું હતું કે બધું અટકી ગયું છે. આવો અટકાવ અટક્યો અટકતો નથી ને કોઈક કિસ્સામાં તો જો લાંબો ચાલે તો પછી ધેર ઇઝ નો પૉઇન્ટ ઑફ રિટર્ન – ઈર્રરિવર્સિબલ થઈ જતો હોય છે.

ઘર અને ઑફિસમાં શરીર હતું પણ મન ક્યાંય નહોતું. બદલીના સ્થળે નવા પરિચયો થયા હતા પણ એ પરિચય મૈત્રીમાં બદલવાનું મન નહોતું થતું. કોઈક અજ્ઞાત ભયથી કે પૂર્વના સ્થળે ગાઢ મિત્રો તરફથી થયેલા કડવા અનુભવોને કારણે એ દિશામાં ડગ નહોતો માંડતો અને એમનાં ડગ મારા ભણી મંડાય તો પાછો ખસી જતો. અને લોકોય કાંઈ નાસમજ કે ગરજાઉ થોડા હોય કે ભાવ ન જુએ તોય નજીક આવતા જ જાય! અને આજના વ્યવહારજગતમાં કંઈક મેળવવાની ગણતરી હોય તોપણ મારી પાસે છે શું કે મેળવે?

ચા, લંચ ને એવાં નિમિત્તે રસેશ, પલાશ, અને પ્રકાશને મળવાનું જરૂર થતું, નિયમિત વાતોય ઘણી થતી, પણ લક્ષ્મણરેખાની બહાર નહોતું જવાતું. જ્યાં અટકી ગયો હતો એ પડાવ રાશ આવી ગયો હતો એટલે કશી ફરિયાદ નથી. પણ વેગે વહેતી જિંદગી ને અટકાવમાં ફેર તો ખરોને? હૃદયના અતળ ઊંડાણમાં ક્યાંક એવી ઝંખના પડી હશે ખરી કે વેગે વહેવાનું થાય તો કેવું?

અમે બધા કૅન્ટીનમાં ટી ટાઇમે રિચ્યુઅલી પહોંચી જતા. એકબીજાના પરિચિતો કોક વાર ઉમેરાતા પણ ખરા. ઘણું કરીને વસંતના દિવસો હશે. એક નોંધ લખવામાં રોકાયેલો હતો તેથી હું થોડો મોડો પડ્યો. રેગ્યુલર પાર્ટનર ગોઠવાઈ ગયા હતા. હું મારી ધૂનમાં બેસવા જતો હતો અને મારી બાજુમાં બેઠેલી સુનીતા તરફ નજર પડી. એણે સાડી પહેરી હતી. સાડી પહેરેલી સ્ત્રી અન્ય પોશાકને મુકાબલે વધારે સુંદર દેખાય. કદાચ પહેરવેશની વર્લ્ડ કૉન્ટેસ્ટમાં સાડી મેદાન મારી જાય. પ્રભાવિત થયો હોઉં તેમ સુનીતા તરફ નજર ઠેરવી ને પરત ખસેડી લીધી. ટુ સ્ટેર ઍટ ઍન અનનોન વૂમન ઇઝ અનસિવિલ. મને એમ કે કૅન્ટીન ચિક્કાર હતી એટલે બધા સુનીતાના ટેબલ પર બેઠા હશે. પ્રકાશે પરિચય કરાવ્યો, ‘આ મોહિત અવર રેગ્યુલર કમ્પેનિયન અને આ સુનીતાબ…’ એને અટકાવીને સુનીતાએ કહ્યું, ‘સુનીતા’ ‘અને તમારા સહુથી નાની છું એટલે મારો અધિકાર છે.’ મેં કહ્યું, ‘સાતમા દાયકા પછી બધી સ્ત્રીઓ અધિકારની ભાષામાં વાત કરવા માંડી છે. સૉરી હોં, તમારી લાગણી દુભાઈ હોય તો. આપણા મુલકમાં લાગણીનું એવું છે, એ છાશવારે હર્ટ થાય છે.’ એ મારા જાંબુડિયા રંગના સિલ્ક શર્ટ અને ચહેરા પરના મિજાજને જુદા ભાવથી જોઈ રહી. એની આંખમાં રોષ કે નકારનો છાંટો ન હતો. મારી સામે જોઈને, ‘નૉ પ્રોબ્લેમ, દરેક પોતાની સમજ પ્રમાણે બોલે. આમે અત્યારનો સમય વાણીસ્વાતંત્ર્યનો પણ ખરોને?’

મારા સાથીદારો સહેજ ગભરાયા. હમણાં હમણાંથી મારામાં આવી ગયેલી વક્રતાને એ સમજીને સંભાળી લેતા હતા. પણ સુનીતાએ ફરી મારી સામે જોઈને કહ્યું, ‘તમે પણ એક્ટિવિસ્ટોની જેમ હાફ શર્ટ પહેરો છો? જોકે શર્ટિંગ કર્યું છે એટલા જુદા ખરા. એમ તો બેલ્ટ પણ પહેર્યો છે.’ હું ‘હા’ કહીને અટકવા જતો હતો પણ આગળ આવતા વાળ હથેળીથી પાછા ખેસવીને બોલ્યો, ‘તમે અહીં મિસફિટ છો. ટ્રાય ઇન એન.આઈ.આઈ.એફ.ટી.’

‘ઍનીવે, મને એ કર્મશીલો સાથે ન સરખાવશો. આઈ ફુલ્લી ઍન્ડોર્સ ધેર આઇડિયા ઑફ ઇન્ડિયા, પણ સમસ્યાને સુલઝાવવવાના એમના તૉર-તરીકા સાથે પૂરી અસહમતી.’ સુનીતાએ માથું હલાવીને મારી સામે જોયું એમાં સહમતીથી વિશેષ ભાવ એની આંખોમાં દેખાયો. હું વિચલિત થયા સિવાય ફરી મારા કોચલામાં ભરાઈ ગયો. ચા પિવાઈ, વાતો થઈ. મેં ઘડિયાળમાં જોયું. સુનીતાએ ઊભા થતાં તપન સાથે વાત કરતાં કહ્યું, ‘તમારા મિત્રની ડ્રેસ સેન્સ જોરદાર છે. એમના સ્કીન ટૉન સાથે જાય તેવા કલરનું શર્ટ છે. આપણે ત્યાં દેખાવ માટેની સભાનતા અને બુદ્ધિ એકસાથે ઓછાં જોવા મળે છે. ઇન્ટેલેક્ટ વિથ ચાર્મિંગ ફેસ.’ સુગુણા પણ મારી સંવાદકળા પર ક્યાં કુરબાન નહોતી શરૂ શરૂમાં? હું થૅન્ક્સ કહેવાનો વિવેક ન દાખવી શક્યો કારણ કે, હું ક્યાં આ જગતમાં હતો?

૨ લાંબા સમયથી પ્લૅટફૉર્મ પર પડેલી ટ્રેન આંચકા સાથે ઊપડે ત્યારે જેમ હડદોલો લાગે તેવો અનુભવ સુનીતાને તે દિવસે મળ્યો ત્યારે થયો. થોડા દિવસ બંનેમાંથી કોઈની હિંમત ના ચાલી, કૉરિડૉરમાંથી પસાર થતાં માત્ર સ્મિતની આપ-લે થતી. એનું ધ્યાન મારા શર્ટ પર અને મારું એની સાડી પર અચૂક જતું.

એક વાર મૂડ નહોતો તેથી લંચમાં નહોતો ગયો. ત્યાં જ મારો ફોન રણક્યો. લંચ પાર્ટનરનો હશે ને વળગશે પાછો લંચમાં જવા એમ માનીને ન ઉપાડ્યો. રિંગ લાંબે સુધી વાગતી રહી. મને થયું સામેવાળાને જગતમાં અપાર શ્રદ્ધા લાગે છે. મેં એનો વિશ્વાસ ન તૂટવા દેવો હોય તેમ ફોન ઉપાડીને ‘હૅલો’ કહ્યું, ત્યાં જ સુનીતાનો અવાજ. મારા મૂડને હળવી ધ્રુજારી અને મારામાં ચેતન. સુનીતા બોલતી હતી, ‘અવાજ ઓળખાયો? એક વારના મિલનમાં ક્યાંથી ઓળખાય?’ મેં મારા અસલી મિજાજમાં કહ્યું, ‘મૅડમ, આઇ હૅવ ઍન એલિફન્ટાઇન મેમરી. ડુ યૂ નો?’ ફોન પર એને ક્યાંથી દેખાય? બધા કહે છે એવી અકડાઈ નહોતી તે દિવસે. સહેજ ભયમાં સુનીતાએ ઓ.કે. ઓ.કે. કહ્યું, ‘આઇ વોન્ટ ટુ બી પ્લેઝન્ટલી સરપ્રાઇઝ્ડ. ચાર વાગે આવશો, મારી ચેમ્બરમાં? યુ આર વૉર્મ હાર્ટેડલી ઇન્વાઇટેડ.’ મેં કહ્યું, ‘આટલું બધું ડેકોરેટિવ ન બોલ્યાં હોત તો પણ આવત.’

ચાર વાગવાને ઘણી વાર હતી. સમય પસાર કરવો અઘરો થતો જતો હતો. વ્યગ્ર ચિત્ત કશું કામ કરવા નહોતું દેતું. મેં ‘ધારવા’ની ગેમ રમવી શરૂ કરી. એણે કયા રંગની સાડી પહેરી હશે? પીળી, વ્હાઇટ, બ્લૅક, મજેન્ટા? ગેમ જામી નહીં. બ્રાન્ચમાં આસપાસ નજર ફેરવી. અમુક ઘોડામાં નિર્વસ્ત્ર ફાઈલો, (સુનીતાને કદાચ આ ઇમેજ વલ્ગર લાગે), અમુક પૂંઠામાં બંધાયેલી ફાઈલો. સંબંધો પણ આમ જ બંધાઈ જતા હશે ને ડિક્લાસિફાય થવાના સમયે હવા-પાણી પામતા હશે. બધા સંબંધોનું એમ ન હોય તેવું આશ્વાસન લીધું. ટેબલ પર પડેલી ‘આઉટ’ની ટ્રે ખાલી હતી જ્યારે ‘ઇન’ની ટ્રે-નો વૃદ્ધિ પામતો ઢગલો મને ઢાંકતો જતો હતો. પોતપોતાના કામમાં વ્યસ્ત શાખાસભ્યોને મારી શૂન્યમનસ્કતાની નવાઈ ન હતી. હું કેવી રીતે સમજાવું કે ‘શ’ને બદલે ‘અ’ અક્ષર ઉમેરાવાનો છે, આજે ચાર વાગે. ચાર વાગે કે પછી તે દિવસે ટી ટાઇમે ઉમેરાયો હતો?

ચારમાં પાંચ કમે એની ચેમ્બર બહાર ઊભો હતો. અંદર જવું ના જવું એની અવઢવ હતી. એને પન્ક્ચ્યુઆલિટી ગમશે કે પછી લબડુ ધારી લેશે? કેમ એણે તો બોલાવ્યો છે! પટાવાળાએ મારા કાન પાસે મોં લઈને ‘જોવ ન તમતમાર શાયેબ. ચ્યમ બીવરોણયા ક શ્યૂ? મૂ પૂછુ મૅડમન?’ ‘બેસ બેસ પૂછવાવાળી, રેંજીપેંજી નથી. બોલાવ્યો છે ને આવ્યો છું.’ મનમાં ગણગણ્યો. છેવટે મેં ચેમ્બરનો દરવાજો ખોલ્યો. ‘આવો’ કહેતાં ચેરમાં અધી ઊભી થઈ ગઈ. એનું લાવણ્ય બ્લૅક કલરની વ્હાઇટ ગુલાબી ઝીણી ભાતભરેલી સાડીમાંથી નીતરીને મારી આંખે ઊડ્યું. એ સારી એવી ઊંચી હતી. ઘઉંવર્ણ એનો દેહ પહેલી વાર ધારીને જોયો. મને ધોળી સ્ત્રીઓ સુનીતાની હાજરીમાં એવો ‘ચોક્કસ’ વર્ડ મનમાં ન આવ્યો. અ સિરીન બ્યૂટી. આંખો તે દિવસે કૅન્ટીનમાં જોઈ હતી તેવી, કરુણા ઝમતી, સમગ્ર વિશ્વને એક સરખા ભાવથી જોતી. મેં ટેવવશ વાળ પાછા કરવા હાથ ફેરવ્યો તો પરસેવો હાથ લાગ્યો. ‘બેસો’ કહેતાં, ચમકી હોય એમ ખુરશીમાં પાછી પડી. એ ખડખડાટ હસી પડી. એનું હસવું હજું રોકાયું ન હતું. એને જોઈને હુંય હસી પડ્યો. કારણ નહોતો જાણતો તેથી ખડખડાટ ન હસ્યો. મારી સામે જોઈને કહે, ‘ઓ હેન્રીની વાર્તા ‘ગિફ્ટ ઑફ મેગી’ જેવું થયું.’ સાંભળીને મારા કાન સતર્ક થયા. ‘મારી ચેમ્બરમાં તમારા કડક ચહેરા પરથી લાંબા વાળ ઉલાળતા તમને જોવા હતા, નજીકથી, પહેલી વાર મળીએ ત્યારે. કચરો થઈ ગયો. આપણે ધાર્યું હોય કંઈક ને થઈને ઊભું રહે સાવ બીજું જ.’ બોલી મારા તાજા કપાયેલા વાળ સામે જોઈ ફરી હસી પડી ને કહેવા લાગી, ‘બબૂકડી ચોપડી જેવા વાળ તમને સહેજેય સારા નથી લાગતા. હૅરડ્રેસર બદલો. તમારા જેવા ડિસન્ટ માણસને…’ એને અટકાવીને મેં કહ્યું, ‘તેમ થાઓ. ગુરુની આજ્ઞા વિચાર્યા વિના માનવી.’ ‘હું તમારી ગુરુ?’ ‘ગમતાં સહુ કોઈ ગુરુ’, મેં ઉમેર્યું. ‘ફોર કલર, સ્ટ્રાઇપવાળું શર્ટ દાદુ છે, જામે છે’ એ બોલી.

૩ છેલ્લા મિલનના દસ દિવસ પછી કૅન્ટીનમાં દૂરના ખૂણે બેઠેલી એને જોઈ. એ પણ મને જોતી હતી. તે દિવસે ચા સહેજેય ન ભાવી.

૪ તે પછીના સોમવારે અમારી શાખાનો ઝીરો પિરિયડ ચાલતો હતો. આગલે દિવસે રવિવાર હતો તેથી વાચનના જ્ઞાનભારથી હું ફુલ્લી લોડેડ હતો, એનિમેટેડ હતો. સુનીતાના મારા જીવનમાં પ્રવેશ પછી મારા બદલાયેલા તેવરને જોઈ કુતૂહલ તો બધાને ઘણું થતું હશે પણ આખરે બૉસના ગળે ઘંટ કોણ બાંધે? અને સહુને છોલાઈ જવાની ધાસ્તી વધારે હતી. હું ભ્રષ્ટાચાર દૂર કરવા સારુ ઊપડેલા અન્નાના આંદોલન પર બોલતો હતો. મારો અવાજ મોટો થતો જતો હતો. ત્યાં જ દરવાજામાં સુનીતાને ઊભેલી જોઈ. મારું વાક્ય ગાળામાં અટકી ગયું. શાખાના સૌ સભ્યો સ્તબ્ધ. કેસૂડા રંગની સાડીમાં એ એરેસ્ટિંગ લાગતી હતી. મારી બાજુમાં બેસતાં મને સંભળાય તેમ ‘કૂલ કૂલ…માય’ પછીનો શબ્દ બદલાઈ ગયો હોય તેમ એ ‘જેન્ટલમૅન’ મોટેથી બોલી ને મારો બધો રોમાંચ ઓસરી ગયો હોય તેમ શાખાના બધા સભ્યો સામે અદાથી જોઈને મેં કહ્યું, ‘બધા ચૂપ કેમ થઈ ગયા, કન્ટિન્યૂ ધ ડિસ્કશન.’

હવે સુનીતા બધા સભ્યો સાંભળે એમ બોલી, ‘એમ તો અમે પણ થોડાંઘણાં જ્ઞાની છીએ. ચર્ચામાં યથામતિ ભાગ લેવા મથશું, છેવટે ટાપસી તો જરૂર પૂરશું, ને કાંઈ ન બને તો શ્રવણસુખ તો છે જ ને?’ મેં ચા-કૉફી માટે પૂછ્યું. એણે ‘ના’ કહેતાં માત્ર હું સાંભળું તેમ કહ્યું, ‘મને પીવા કરતાં પાવામાં વધારે આનંદ આવે છે.’

મેં આવવાનું પ્રયોજન પૂછ્યું તો કહ્યું, ‘ખાસ પ્રસંગ માટે મહાનુભાવને ફોન પર આમંત્રણ ન અપાય.’ ‘હું મહાનુભાવ?’ મારા પ્રશ્નની નોંધ લીધા સિવાય, ‘આજે લંચમાં મળીએ છીએ. લંચબૉક્સ ના લાવતા. જન્મદિવસ છે.’ બધાંને ‘સૉરી’ કહેતાં ‘રંગમાં ભંગ પાડ્યો’ કહી ઝડપથી ઊભા થઈ બારણા તરફ જવા લાગી ‘રંગમાં’ વાક્યે લંચ સુધી મારો કેડો ન મૂક્યો.

લંચમાં કેટલી બધી આઇટમ્સ પાથરી હતી ટિપૉઈ પર. કૅક, સમોસા, સેવ-ખમણી, ગાજરનો હલવો, પૂરી, સૂકી ભાજી અને લટકામાં દાળભાત. ગુજ્જુ દાળભાત બોલતાં બોલતાં વણથંભ હસવા લાગ્યો. મેં કહ્યું, એના કરતાં ઘેર જમવા બોલાવ્યો હોત તો? એણે કહ્યું, ‘એય થશે યોગ્ય સમયે.’ એકબીજાને કૅક ખવડાવી. ઠાંસી ઠાંસીને ભરેલી ડિશ મારા તરફ ખસેડી. મેં યાદ દેવડાવ્યું, ‘લંચ લાઇક અ માઇઝર’. એણે પહેલી વાર સહેજ ચીડમાં, ‘એવાં બધાં નિયંત્રણ ન હોય, આજે પ્રોફેસરસાહેબ. ફિલ ફ્રી જેટલું લેવાય એટલું.’

૫ એક પખવાડિયા પછી પુરુરવા-ઉર્વશીની જેમ અમે પુષ્પક વિમાનમાં ઊડતાં હતાં. હવે એકબીજાને મળ્યા વગર પળ પણ નહોતું ચાલતું. બાર અને ચાર વાગે ચા માટે અને અઠવાડિયાના છેલ્લા દિવસે અચૂક મળતાં.

એ દિવસે હું હળવા મૂડમાં હતો. હવે મારી વાંકાઈ ચાલી ગઈ હતી. મેં આંખ ઝીણી કરીને કહ્યું, ‘શું કરે છે તમારા પ્રમાદધન મુજ સ્વામી સાચા, સતીષકુમારજી?’ એણે ગુસ્સો કરીને કહ્યું, ‘કેમ તમને કંઈ તકલીફ? સ્ત્રીઓ જ નહીં પુરુષો પણ ઈર્ષાખોર હોય છે એની આજે ખબર પડી.’ ‘અરે યાર ટેક ઇટ લાઇટલી.’ મેં માફીના સૂરમાં કહ્યું. એણે વાત બદલતાં કહ્યું, ‘તમારી વાતોમાં સુગુણાબહેન’ મેં વચમાં ફાંસ મારી, ‘એ એનું સાચું નામ નથી.’ એણે ‘હા હા’ કહીને, તમારી સુગુણાને જોવી પડશે, તમે વર્ણવો છો એવાં છે કે પછી… સારું છોડો એ વાત, તમે કલ્પનાબહેનને કેટલું ચાહો, અઢળક? એનો ચહેરો તંગ થવા જતો હતો ને એણે સંભાળી લીધું હોય એમ ફરી પૂછ્યું, અઢળક ને? ‘પણ એને રોકીને મેં કહ્યું, ‘As Much As I Love You, પણ તારું કેવું?’ ‘એ કંઈ કહેવાની વાત છે?’ એણે તરત જવાબ આપ્યો.

૬ તે પછીના એક શુક્રવારે સાંજે ચાર વાગે ટી ટાઇમે, હું તે દિવસે ઑફિસકામના ટેન્શનમાં હતો. આગલે દિવસે સેક્રેટરીએ ખખડાવ્યો હતો. એવું પહેલી વાર બન્યું હતું, કારણ મેં ક્યારેય ખખડવાની તક નહોતી ઊભી થવા દીધી. બાકી અમારે ત્યાં તો સેક્રેટરી પાસે ખખડીને આવી હીરોઝ વેલકમ મેળવવાનું કૃત્ય કર્યું હોય તેમ બ્રાન્ચમાં કથારસ વહેંચવાનો રિવાજ, કારણ કે સાહેબ બોલાવે એ જ મોટી વાત.

તેથી તે દિવસે હું ચૂપ હતો. મૂંગા મૂંગા ચા પીધી. થોડી વાર પછી ઊભો થવા જતો હતો ને એની પ્રશ્નચેતના સળવળી કે મને મૂડમાં લાવવા જગાડી હશે, એને ખબર. હવે એ પણ મને તું કહે છે. ‘બોલ મોહિત, સ્ત્રી અને પુરુષના પ્રેમને તું કેવી રીતે ડિફાઇન કરે?’ એણે પૂછ્યું. મેં કહ્યું, ‘Love for man is his whole life’ એને ગમ્યું હોય તેમ યસ… કહીને ઉત્સાહિત થઈ ગઈ. ‘અને સ્ત્રી માટે?’ એ બોલી. મેં કહ્યું, ‘Her whole existence’ – એણે રિપીટ કર્યું,

‘Love for Woman is her Whole Existence.’

‘અને સાચો પ્રેમ?’ સુનીતાએ પૂછ્યું, મેં શેક્સપિયરની પંક્તિ ટાંકી,

‘Love is not Love which alters When it Alteration finds, or bend with the Remover to Remove.’

અમે બંને એકસાથે બોલ્યાં, ‘તો આપણે બંને શું કરીએ છીએ?’ ‘એ ઑલ્ટરેશન ના કહેવાય?’ સુનીતાએ પૂછ્યું. હું માત્ર એની આંખોમાં આંખો મેળવીને બેસી રહ્યો. મારા મનમાં દુષ્યંતકુમારની પંક્તિ ગુંજતી હતી:

‘તુમકો નિહારતા હૂં, સુબહસે ઋતંભરા અબ શામ હો ગઈ, પર દિલ નહિ ભરા.’

કેટલો વખત ચૂપચાપ બેઠાં રહ્યાં એનો ખ્યાલ જ ન રહ્યો. એની ચેમ્બરના અર્ધા ખુલ્લા પર્દામાંથી હમણાં ડૂબનાર સૂરજના ઓળા પડતા હતા. અજવાળું ડૂબતું હોય તેમ આછું થતું જતું હતું. એનો હાથ લાઇટની સ્વીચ પર ગયો. મેં ઇશારાથી ના કહી અટકાવી. મનમાં ગણગણ્યો…

‘ભલે આખું આભ રેલી જાય ગળા સમું ઘાસ ઊગી જાય.’

પટાવાળાએ ધડામ દઈને બારણું ખોલ્યું, ‘મેમ કોંય ફાઈલ-બાઈલ હોય તો નોખતો આવું.’ સુનીતાએ પૂછેલા પ્રશ્નનો જવાબ મેં ઊભા થતાં આપ્યો.’ ‘હા’ અને ‘ના’. આપણા કયા સંબંધને ઑલ્ટરેશન કહીશું?

૭ ઍક્ઝેક્ટલી એક મહિના પછી, ‘મોહિત ડુ યૂ નો, આઇ ઍમ મૅરીડ? અટકીને વી બોથ આર મેરીડ?’ પહેલી વાર સુનીતાએ ગુસ્સાથી મારી સાથે વાત કરી. એની આંખ મારું બેરોમીટર, એનો ભાવ જોવાનું. આંખમાં નહોતો રોષ, નફરત, નકાર પણ વેદના જરૂર હતી. એનું હૃદય ઊછળતું હતું. હાથ એકબીજામાં જકડાઈ જઈને ટેબલ પર ચોંટી ગયા હતા. મેં એ શાંત થાય ત્યાં સુધી રાહ જોઈ પૂછ્યું, ‘શું થયું સુની?’ હવે એ મને ‘મોહ’ અને હું એને ‘સુની’ કહેતો.

એણે જવાબ આપ્યો, ‘ઘણુંબધું’.

‘ઑફિસમાં કે ઘેર?’

જવાબ આપ્યા સિવાય સુની ફાઈલમાં જોતી બેસી રહી. મારી સામે જોવાની હિંમત ન હોય તેમ ઊંચું જોયા સિવાય ફાઈલ બાજુમાં મૂકી ટેબલના કાચ નીચે મૂકેલી કાવ્યપંક્તિ ‘a course of true love never did run smooth’ વાંચીને ડેબ્બા જેવડાં બે આંસુ પડ્યાં.

૮ મળવાની ફ્રિક્વન્સી ઘટતી જતી હતી. કોણે બંધ કર્યું, કેમ બંધ કર્યું એનો કોઈ કજિયો નહોતો. મારા દિવસો ફરી અનઇન્ટરેસ્ટિંગ, અનઇવેન્ટફુલ, બોરિંગ પસાર થતા હતા. અગાઉ મેં પૂછ્યું ત્યારે તપને સાચી સલાહ આપી હતી કે આગળ ન વધીશ. એમાં પીડા સિવાય કશું નહિ મળે. હવે કૅન્ટીનમાં, કૉરિડૉરમાં કે મિટિંગમાં મળવાનું થતું ત્યારે પૂર્વેના બધા સંબંધો ઓગળી ગયા હોય એમ અમે માત્ર પરિચિત રહ્યાં હતાં.

૯ તે દિવસે ખબર નહોતી કે અમારું એ છેલ્લું મિલન હશે. વિભાગીય યોજનાની સમીક્ષા બેઠકમાં એકસાથે થઈ ગયાં ત્યારે મેં પહેલ કરીને પૂછ્યું, ‘આપણે મળીએ તો?’ એણે માથું હલાવ્યું. હું પાછળ પાછળ સુનીતાની ચેમ્બરમાં ગયો. હર વખતના ‘બેસો’ના કોઈ પણ વિવેકની રાહ જોયા વગર હું બેઠો.

મેં કહ્યું, ‘સુની, કૅન વી નૉટ કન્ટિન્યુ?’ એણે કહ્યું, ‘ઇટ ઇઝ ઇનફ.’ મારી કહેવાની હિંમત નહોતી કે આપણો સંવાદ મથીને ત્રણ મહિના ચાલ્યો હશે ને તને ઇનફ લાગે છે? સુનીએ કહ્યું, ‘સારું ત્યારે.’ ‘કેમ ચા પણ નહિ પાવાની?’ મેં કહ્યું. ‘કહે તો તારી મંગાવી દઉં, બાકી મારો મૂડ નથી.’ સુનીએ મુલાકાત ટૂંકાવવી હોય એમ કહ્યું, ‘તો રહેવા દે… ચાલશે’ એમ હું પરાણે બોલ્યો. અમારી મૌન યાત્રા કેટલું ચાલી હશે એ યાદ નથી. મારું ઊભા થવાનું મન જ નહોતું. એનું પણ કદાચ એમ જ હશે.

સુની અચાનક ઊંઘમાંથી ઝબકીને જાગી હોય તેમ, ‘મોહ આપણે સાવ ક્રૂર થોડાં થઈશું એક બીજા પર? યાદ કરવા માટે કેટલી બધી ઘટનાઓ બની છે આપણી વચ્ચે? ધસમસતી નદીના વેગે વહ્યાં છીએ આપણે. મોહ ક્યારેક યાદ તો કરીશ ને?’ મને માર્ક્વેઝને એની પ્રથમ પ્રેમિકાએ પૂછેલો પ્રશ્ન યાદ આવ્યો. છૂટા પડ્યા પછી બે-એક દાયકા પછી મળવાનું થયું ત્યારે એની પ્રેમિકાએ પૂછ્યું, ‘ગત બધાં વર્ષોમાં મને ક્યારેય યાદ કરી હતી? કેવી રીતે?’ માર્ક્વેઝનો જવાબ હતોઃ ‘એવો એક પણ દિવસ નહિ ગયો હોય કે તને યાદ ન કરી હોય. પ્રેમ, પ્રથમ પ્રેમ ભૂલ્યો ભુલાતો નથી. કદાચ સ્મૃતિના સાતમા અતળ ઊંડાણમાં ધરબાયેલો હોય તોપણ વૃક્ષના અંકુરની જેમ ફૂટી નીકળે છે, વાંસનાં ફૂલની જેમ ખીલી ઊઠે છે વર્ષો પછી, ને મહોરી ઊઠે છે આપણી જિંદગી. પછી ભલે ક્ષણ પૂરતી. આ વાત સુનીને કહેવાનું મન હતું, પરંતુ કહ્યા સિવાય ઊભો થયો. મનમાં હતું તે વાક્ય ‘મળીએ ત્યારે’ને બદલે ‘જાઉં સુની’ કહી ચાલી નીકળ્યો.’

૧૦ ત્રણેક વર્ષ પછી મને માસિવ હાર્ટ ઍટેક આવ્યો. સુગુણા સતત મારી પાસે બેસી રહી. એના એક એક આંસુમાં ઈશ્વરનો, ડૉક્ટરનો, મારો આભાર ટપકતો હતો. અનેક લોકો મળવા આવ્યાં. ઑફિસનાં લગભગ બધાં જ ખબર પૂછવા આવ્યાં. તપને પૂછ્યું, ‘રાહ જુએ છે?’ મારે પૂછવું હતું, ‘એ આવવાની છે? એણે કઈ કહેવડાવ્યું છે?’ હું જેવો તકિયાને અઢેલીને ઊભો થવા ગયો કે સુગુણાએ ચૂપ રહેવા ઇશારો કર્યો. એ તપન માટે ચા બનાવવા ગઈ. તપને કાન પાસે મોં લઈ જઈ કહ્યું, ‘તારી માંદગીની ખબર ઑફિસમાં પડી તે દિવસે જ મૅડમે મને બોલાવ્યો હતો, ટેબલ પર કૉફીના બે કપ પડ્યા હતા. કૉફી પર બાઝેલી તર પંખાના પવનમાં ચામડીની જેમ થરકતી હતી. મૅડમ થોડી વાર મૌન બેસી રહ્યાં. મને થયું લાવ હું આઇસ બ્રેક કરું. કૉફીનો કપ ઉપાડવા જાઉં ત્યાં જ ચીસ પાડીને ‘નો નો તપનભાઈ એ કૉફી…’ વાત બગડતી અટકાવતાં હોય એમ, ‘રહેવા દો… ઠંડી થઈ ગઈ છે. વળી ઘડીક મૌન થયાં ને બોલ્યાં, ‘કહો તો ચા મંગાવી દઉં.’ મેં ના પાડી.’

એ ઊભાં થયાં. તિજોરી ખોલીને પ્લાસ્ટિકમાં લપટાયેલાં ફૂલ કાઢ્યાં. હું જોઈ રહ્યો એટલે સમજાવતાં કહ્યું, વાંસનાં ફૂલ છે. વાંસને ત્રીસ વર્ષે ફૂલ આવે અને ફૂલ આવે એ જ વર્ષે વાંસનો અંત આવે. એમના હાથરૂમાલથી વાંસનાં ફૂલનો ગુલદસ્તો ચોખ્ખો કરીને તિજોરીમાં વ્યવસ્થિત ગોઠવી તિજોરી બંધ કરી બેઠાં. મને કહ્યું, ‘મોહિત, મોહિતભાઈની મારા વતી ખબર પૂછજો.’ મેં કહ્યું, ‘બીજું કઈ કહેવડાવવું છે મૅડમ?’ ‘બીજું તો શું કહું? ઈશ્વર એમને સાજાસમા કરી દે.’ મેં પૂછ્યું, ‘હું જવાનો છું ખબર પૂછવા. તમે પણ ચાલોને?’ એ ઊભાં થયાં. મારી સાથે લિફ્ટ પાસે આવ્યાં. લિફ્ટનું બારણું ખૂલતાં મેં એમને પહેલાં જવા ઇશારો કર્યો. એમણે મને જવા કહ્યું. લિફ્ટનું ડોર બંધ થયું ત્યાં સુધી અંદર આવવાને બદલે ત્યાં જ ઊભાં રહ્યાં.


(‘નવનીત સમર્પણ’, માર્ચ, ૨૦૧૭)