સુમન શાહની નિબન્ધસૃષ્ટિ/કૉપનહેગન, સિલ્કઅ અને કિર્કેગાર્ડ

From Ekatra Wiki
Revision as of 07:30, 25 April 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કૉપનહેગન, સિલ્કઅ અને કિર્કેગાર્ડ


બોઇન્ગ 747 ઘણું લાંબું હતું ને મારો સીટ-નમ્બર પણ છેડે 60-H હતો. 2-સીટેડ રૉ-માં મારી વિન્ડો-સીટ હતી. હું વિમાસણમાં હતો કે જોડેની સીટમાં કોણે ય આવશે. ઘણા સમય સુધી કોઈ આવ્યું નહીં. નિરાંત થઈ કે ચાલો, સીટ ખાલી રહેવાની. પણ ત્યાં તો એક વિદેશી યુવતી આવી ને ગોઠવાઈને બેઠી. સામસામે જોવાઈ જતાં, એકમેકને અમે ફૉર્માલિટી-સ્માઇલ આપ્યું. પ્લેન ટેક-ઑફ્ફ થયું પછી મને પૂછે: આર યુ ગૉઇન્ગ ટુ આમ્સ્ટર્ડામ?: પ્રશ્ન વિચિત્ર હતો કેમકે ફ્લાઇટ જ મુમ્બઈ ટુ આમ્સ્ટરડામ હતી. મેં કહ્યું: ઓ યાય્યા!: એણે કહ્યું: આયૅમ ગોઇન્ગ યુ કૉપનહેગન, આઈ હેવ ટુ ચેન્જ ધ ક્રાફ્ટ: મેં કહ્યું: યાય્ ઓકે… ગુડ…. કૉપનહેગન સાંભળીને મને સુખ્યાત ફિલસૂફ કિર્કેગાર્ડ (૧૮૧૩-૧૮૫૫) યાદ આવી ગયેલા, કેમકે એ એમનું વતન. યુવતી કૉપનહેગન જતી’તી. બાજુમાં બેઠી’તી, તે હું એને જાતજાતનું પૂછવાને આતુર થઈ ગયેલો. પૂછવા માંડ્યું: આઈ હોપ, યુ નો કિર્કેગાર્ડ: અફકોર્સ! ગ્રેટ ફિલૉસૉફર ઑફ માય કન્ટ્રી ડૅન્માર્ક: પણ પછી, બટ, હાઉ, કમ, યુ…?… કરીને એણે મને અનેક સવાલ કરેલા. મેં કહેલું કે ક્લાસમાં ઍક્ઝિસ્ટેન્સ્યાલિઝમ ભણાવતી વખતે હું કિર્કેગાર્ડ વિશે પણ કહેતો. હું ભાષા-સાહિત્યનો પ્રોફેસર હતો; રાઈટર છું. કિર્કેગાર્ડની ફિલસૂફીનો ચાહક છું. બીજા વિદ્વાનોની જેમ હું પણ કિર્કેગાર્ડને ‘ફર્સ્ટ ઍક્ઝિસ્ટેન્સ્યાલિસ્ટ ફિલૉસૉફર’ માનું છું: બાય ધ વે, મે આઈ નો યૉર ગુડ નેમ, પ્લીઝ?: સિલ્કઅ (Silke). વૉટિઝ યૉર નેમ?: સુમન: પછી અમે અમારા નામોના અર્થ કહી બતાવ્યા. મેં કહ્યું, યુ મસ્ટ બી હૅવિન્ગ ક્વૉલિટીઝ ઑફ સિલ્ક: સોનેરી વાળવાળું માથું એણે સ્મિત સાથે હકારમાં નમાવેલું. એ કશા અંગત કામે બૅન્ગલૂર આવેલી. સોસ્યોલૉજીની સ્ટુડન્ટ, કૉપનહેગનમાં માસ્ટર્સનું ભણે. ઘણી વાતો જાણી: કૉપનહેગનમાં હાઈ-રાઇઝ્ડ બિલ્ડિન્ગો થવા લાગ્યાં છે, પણ શહેર નાનું છે. અમારે ત્યાં અંગ્રેજી માધ્યમમાં ભણાવાય ખરું છતાં બધાં માતૃભાષા ડૅનિશને જ ચાહે: મેં પૂછેલું કે લન્ચમાં રોજ શું જમો: જાણ્યું કે એમનું લન્ચ આપણાં દાળ-ભાત-શાક-રોટલી જેવું સ્ટીરિયોટાઇપ્ડ નથી; બદલાતું રહે: ઓલ્ડ ડ્રેસિઝ છે હજી?: નો; વી હેવ લૉસ્ટ નાઉ: મેં ખાસ તો આ પૂછ્યું: હાઉ કિર્કેગાર્ડ ઇઝ રીસિવ્ડ ટુડે?: એવરિવન ઇન ડૅન્ લવ્ઝ સોરેન ઑબે કિયર્કિગો: એમ એણે મને Soren Aabye Kier-kegaard-નો ડેનિશ ઉચ્ચાર શીખવાડ્યો. મને કહે, ધૅર ઈઝા ગ્રેટ સ્ટૅચ્યુ ઑફ હિમ ઇન ધ રૉયલ લાઇબ્રેરી ગાર્ડન ઇન કૉપનહેગન. કિર્કેગાર્ડ સ્વયં કવિ હતા. મશ્કરીમાં પણ એમણે સાચું કહેલું કે કવિમાણસ દુખિયો જીવ છે. હૃદયની ભીતરે ઘેરી વ્યથાને સંતાડી રાખે. પણ એના હોઠની રચના એવી કે ત્યાંથી નિસાસા ને દુ:ખાવાઓની આવ-જા થયા કરે; તેથી લાગે કે ત્યાંથી કશુંક સંગીત પ્રગટી રહ્યું છે! કિર્કેગાર્ડની ફિલસૂફીનો પ્રમુખ સૂર તો મનુષ્ય-વ્યક્તિ અંગે છે. જીવનની આકરી વાસ્તવિકતા આગળ વ્યક્તિને ફિલસૂફોની અમૂર્ત વાતો પરવડતી નથી. આ સંદર્ભે સંસ્થાપિત ધર્મની એમણે કડક સમીક્ષા કરેલી. અમૂર્ત વાતોમાં વ્યસ્ત રહેનારા ફિલસૂફોની સિદ્ધાન્તપરાયણ વિદ્વત્તાના તેઓ ટીકાકાર હતા. કહેતા કે એઓ બધા એકબીજાને ઉતાવળે સમજી લેવાની ભૂલો કરતા હોય છે. અસ્તિત્વવાદ ભણાવવાનું એક કારણ તો ૧૯-મી ૨૦-મી સદીમાં સાહિત્યકલામાં સંભવેલા આધુનિકતાવાદી ઉન્મેષો –જેમાં વ્યક્તિનું અસ્તિત્વ કેન્દ્રમાં હતું. ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં મેં આધુનિકતાનું આખું પેપર દાખલ કરાવેલું. સાહિત્યકલામાં આધુનિકતા શું છે તેના ઓરિઍન્ટેશન માટે ૭-દિવસીય પરિસંવાદ યોજેલો. મારું ‘સાહિત્યમાં આધુનિકતા’ પુસ્તક પણ એ વર્ષોમાં સમ્પન્ન થયેલું. (૧૯૮૮). ૧૯-મી સદીના યુરપમાં શરૂ થયેલા પરિવર્તનો અંગે કિર્કેગાર્ડે અનેક નિરીક્ષણો આગળ કરેલાં. એક નિરીક્ષણ એ હતું કે મનુષ્યજીવનમાં પ્રગટેલી આધુનિકતા -modernity- ભાવાવેશ વિનાની બેજાન વસ્તુ છે. એમાં બધું મિકેનિકલ અને મૅથેમિટિકલ છે. બીજું એમણે એ જોયું કે ટોળાંશાહી વિકસી રહી છે. વ્યક્તિઓનો ટોળાંમાં વિલય થવા માંડ્યો છે. સંખ્યાબળનો મહિમા વધતો ચાલ્યો છે. સત્યના નિર્ણયમાં સંખ્યા જોવાય છે. જે કંઈ સમાનતા કે પ્રગતિ વરતાય છે, એ તો ગાણિતિક છે. ૨૧-મી સદીની પ્રવર્તમાન સંસ્કૃતિમાં સંખ્યાનો જાદુ કેટલો વકર્યો છે એ આપણે રોજે રોજ અનુભવીએ છીએ. ભારતમાં અને બધા જ લોકશાહીય દેશોમાં સંખ્યા સંખ્યા ને સંખ્યાનો જ મહિમા છે! ટોળાંઓ જૂથો મંડળીઓ કે પોલિટિકલ પાર્ટીઓ નક્કી કરે એને જ સત્ય કહેવાય છે. આપણા સાહિત્યમાં પણ એ જ માનસિકતા પ્રવર્તે છે કે કોની સંખ્યા મોટી છે. આધુનિકતાવાદીઓ ઘટી ગયા છે? સરસ! પરમ્પરાવાદીઓ ખુશ થઈ જાય છે. દરેક મોવડી એમ સમજાવે કે મારી સાહિત્યરસમને સ્વીકારનારા અનુસરણકાર જો વધ્યા, તો વિકાસ છે, નહિતર રકાસ! સંખ્યા માણસને પક્ષિલ બનાવીને છેલ્લે રાજકારણમાં ધકેલે છે. વિચારવું જરૂરી નથી કે એમાં ધકેલાઈને આપણે સાવ ખૂંપી ગયા છીએ? વાચકોને આ જાણવામાં રસ નથી કે કયો સાહિત્યકાર ખરી વ્યક્તિ છે, ને કયો, મંડળીનો ભાયાત છે. પ્રજાજનોને પણ એટલું જ જાણવું હોય છે કે સલમાન કે અક્ષયકુમારની ફિલ્મોએ કેટલા અબજનો બિઝનેસ કર્યો. સોસ્યલ-નેટની વ્યાખ્યાનું પણ મુખ્ય લક્ષણ એ છે કે ઇન્સ્ટાગ્રામ્સને, ટ્વીટર્સને કે ફેસબુકર્સને કેટલાં likes મળ્યાં ને પરિણામે કેટલા અબજોનાં ટ્રાન્ઝેક્શન્સ થયાં. આ સંખ્યાવાદી દુષ્પરિણામની કિર્કેગાર્ડને કેટલી તો વહેલી ભાળ મળી ગયેલી! એમણે સ્ટેટ-રીલિજ્યનની પણ ટીકા કરેલી. સમજાય એવું છે કે માથાં ગણીને રાજ્ય હરેક વાતે મુસ્તાક રહી શકે, પણ નાગરિકને ખ્રિસ્તી ન બનાવી શકે. કે હિન્દુ ન બનાવી શકે. ખ્રિસ્તીત્વ, હિન્દુત્વ કે કશું પણ ધર્મત્વ વ્યક્તિનો વિષય છે. રાજ્ય મત-મતલબે ધર્મસંગાથી હોવાનો ડૉળ કરે છે. કિર્કેગાર્ડ કહેતા કે ધર્મ પ્રભવે છે વ્યક્તિમાં, જેમ પ્રેમ પણ વ્યક્તિમાં જ પ્રભવે છે. એમની આ વ્યક્તિલક્ષી ફિલસૂફી અસ્તિત્વવાદનો પાયો છે. એમનું સુખ્યાત વચન છે, ‘સબ્જેક્ટિવિટી ઇઝ ટ્રુથ’. આત્મલક્ષીતા અથવા આત્મત્વ સત્ય છે. આત્મત્વથી જ વ્યક્તિ, વ્યક્તિ હોય છે. વ્યક્તિ પોતાના અસ્તિત્વને અધિકૃત બનાવે તો સમાજ અધિકૃત બને. વ્યક્તિ પોલી હોય, અસ્તિત્વ ખોખલું હોય, તો સમાજ સંસ્કૃતિ કે સભ્યતા પણ, એમ જ હશે. આજે રાષ્ટ્રો આધુનિકતા બાબતે ઘણી પ્રગતિ કરી રહ્યાં છે. પણ નથી લાગતું કે એ આત્મત્વ વિનાની, દોડાદોડી છે? મેં સિલ્કઅ-ને પૂછેલું કે કૉપનહેગનના લોકો કયો ધર્મ પાળે છે. એણે ‘ખ્રિસ્તી’ કહેલું પણ એણે એ પણ કહેલું કે અમે કોણ કયો ધર્મ પાળે છે એ નથી પૂછતાં; એમ પુછાય જ નહીં; બીકૉઝ રીલિજ્યન ઇઝ પ્યૉરલિ અ પર્સનલ મૅટર. એના એ મન્તવ્યથી મને સમજાયેલું કે ધર્મને વ્યક્તિની અંગત ચીજ ગણવાની વાતે કિર્કેગાર્ડ ડૅન્માર્કમાં જ નહીં, વિશ્વ સમગ્રમાં સ્વીકારાયા છે. છૂટા પડતી વખતે મેં સિલ્કઅ-ને કહેલું કે -ઑન બીહાફ ઑફ મી, પ્લીઝ, બિડ માય સૅલ્યુટ ટુ સ્ટૅચ્યુ ઓવ કિયર્કિગો… એણે સૂચક સ્માઇલ સાથે ‘બાયાય’ કહેલું…

= = =