સોરઠી સંતવાણી/થોડે થોડે પિયો!
અજરા કાંઈ જર્યા નહીં જાય.
એ જી વીરા મારા! અજરા કાંઈ જર્યા નહીં જાય.
થોડે થોડે સાધ પિયોને હાં.
તન ઘોડો મન અસવાર,
તમે જરણાંનાં જીન ધરોને જી.
શીલ બરછી સત હથિયાર,
તમે માયલાસે જુદ્ધ કરોને હાં.
કળીયુગ કાંટા કેરી વાડ્ય,
તમે જોઈ જોઈને પાંઉ ધરોને હાં.
ચડવું મેર અસમાન,
ત્યાં આડા અવળા વાંક ઘણા છે હાં.
બોલિયો કાંઈ ધ્રુવ ને પ્રેહલાદ
તમે અજંપાના જાપ જપોને હાં.
અર્થ : હે મારા ભાઈઓ! સાધુતાને તમે થોડા થોડા પ્રમાણમાં પચે તેમ પીજો. એ અજર વસ્તુ એકી સાથે આરોગી જવાથી જરશે નહીં, હજમ થશે નહીં. શરીરને ઘોડો બનાવો, એ ઉપર પલાણ જરણાનાં અર્થાત્ તમારી પાચન કરવાની આત્મશક્તિનાં બિછાવો, ને મનને એ સ્વારીનો અસ્વાર બનાવો. સદાચારની બરછી અને સતના શસ્ત્ર વડે તમે માયલા સાથે — પોતાની માંહી છુપાઈ રહેલા અહમ્ સાથે યુદ્ધ કરો. કલિયુગ કાંટાની વાડ જેવો છે. તેમાં જોઈ તપાસી પગ ધરો. આપણે તો આવી સ્વારી કરી, આવાં શસ્ત્રો સજી, ‘માયલા’ને મારી પછી પહાડોની વાટે સ્વર્ગે ચડવું છે. માર્ગમાં વાંકાચૂંકા રસ્તા છે. માટે સંભાળીને ચાલો. ધ્રુવ ને પ્રહલાદ બોલી ગયા છે કે હે વીરાઓ! તમે અજંપાના જાપ જપો — તમે વણજંપ્યા જાગતા રહો, સંતોષ પકડીને સૂઈ ન જતા. ભક્તિ ખાંડા કેરી ધાર ભક્ત જેઠીરામે કહ્યું કે ભક્તિનો મારગ એ તો સુવાસિત ફૂલ-પાંખડી છે. હવે રાજ અમર નામના સંત ભાખે છે, કે ભક્તિ ખડ્ગની ધાર સમી છે. ભગતી છે ખાંડા કેરી ધાર જી ભગતી છે ખાંડાની ધાર તેમાં કોઈ વિરલા સમજે સાર. — ભગતી છે. સમજ્યા ને નર થયા સુખિયા ના’વ્યા ઉદર મોજાર એ; સમજી બાળા વ્રજની જેણે છોડ્યાં નિજ ભરથાર જી. — ભગતી છે. પીપો સમજ્યો, સજનો સમજ્યો, સમજી કુબજા નાર જી; શવરી સમજી બોર લાવી, આરોગ્યા કૌશલ્યાકુમાર. — ભગતી છે. મળે નહીં આવો દેહ ઉત્તમ,
- સંતો વારમવાર જી;
રાજ અમર કે’ એવા જન મારા પ્રાણના આધાર. — ભગતી છે.