ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/અજિત ઠાકોર/ખરજવું
છેક કાલની ટપાલમાં એનો કાગળ આવ્યો. ઘણા વખતથી તેજુ ટોક્યા કરતી હતીઃ આળસ છોડી પહેલાં પીપરડી જઈ આવ. વરસાદ સાથે જ ખરજવું ઊભરવા માંડશે. પહેલાં તો વેકેશન પડ્યું નથી કે પીપરડી ગમી પપૂડી મૂકી નથી. હમણાં બે વરસથી જાઉં જાઉં કરીને છેલ્લી ઘડીએ ભાંગી પાડે છે. ને હાં, પેલો ચણોઠીવાળો ઇલાજ પણ પૂછ્યાવજે. એટલે બૅગ તૈયાર કરી. પણ નીકળતામાં ઝાપટું આવ્યું. કહ્યું, કાલે જઈશ. તેજુ ચિડાઈ ગઈઃ ઝાપટું દુનિયા આખીને નંઈ તને એખલાને તાણી જવાનું છે? પછી હસતાં હસતાં કહેઃ કાંણે જતો હોય એવું મોઢું ના કરીશ, પ્લીઝ!
હું નીકળ્યો. ચારેગમી ઊબ ને બાફ બાફ છે. બહાર નીકળતાં ખાબોચિયામાં પગ પડ્યો. ધારે ફરતો મંકોડો અંદર પડ્યો. સામે પાર જવા પગ હલાવવા માંડ્યો. થાક્યો હોય એમ ઘડીક પડી રહ્યો ને પાછો પગ હલાવવા માંડ્યો. મેં પગ ઝંઝેરી ચાલવા માંડ્યું. ભીનીભદ માટી પગ મૂકતામાં પચકાવા લાગી.
છેક કાલે કાગળ આવ્યોઃ તું આવે તો સાથે જઈ આવીએ. જૂના વૈદ છે. નવરાશ હોય તો જરૂર. પછી પેન્સિલથી પૂરું કર્યું હતું? આવ, રીફીલ પૂરી થઈ છે એટલે વધારે નથી લખતો. પાછળ આઇબ્રો કરવાની પેન્સિલથી પુષ્પીએ: ‘મજા આવશે’ લખી સરનામું કર્યું હતું. એના વધારે પડતા મરોડ ‘ભાઈ’ જેવા અક્ષરો કાઢવાની સભાનતા દેખાડતા હતા. મને મ્હોરાં ગોઠવી તૈયાર રાખેલું એસબોર્ડ દેખાવા લાગ્યું.
તાપમાં રસ્તો કપાતો નથી. લોખંડની પટ્ટીની જેમ સામેનો રસ્તો જાણે બેન્ડ વળી જઈને પગમાં ઘૂસી જાય છે. અચાનક કો’ક લ્યૂના ઘૂરકતું ઘૂરકતું ખાબોચિયું વલૂરીને દોડી ગયું. ગરમાળાના ઝુમ્મર જેવો દુપટ્ટો મારા પર લહેરાઈ ગયો. પેન્ટ પર ઊડેલા છાંટા ગમી જોતાં ખાબોચિયામાંથી ઊછળી ફેંકાયેલું અળસિયું જોયું. તપેલા રોડ પર રબ્બરની દોરીની જેમ ઊછળી ઊછળીને અમળાતું અળસિયું.
તે દિવસે પાછો ફર્યો ત્યારે ધધરી વેળા થઈ ગયેલી. બધા જ રસ્તા કોહ્યલી દોરીની જેમ પગમાં લટકતા હતા. એને છેડે સદુનું ઘર – કાળા માદળિયા જેવું.
પગે થાકના કાળા તીખા રેલા ઊતરતા હતા. આંખ અંધારિયું ખાબોચિયું. જીભ પાંખમાંથી ખેંચી કાઢેલું પીંછું. સદાનંદ હીંચકે બેઠો હતો. જોઈને ઊભો થયોઃ ફિકર ના કર, દવેસાહેબનો કાગળ છે. ખંડ સમયની જગ્યા છે. તું કે તખુ ગમે તે આવી જાવ. હું ભોંય પર દૂધની જેમ ઢોળાઈ ગયોઃ તું જઈ આવ.
એ મારી હથેળી દબાવવા લાગ્યો, પછી આંગળી ફેરવતાં કહેઃ ખેતી કોણ કરહે મૂરખા? હું જોઈ રહ્યો.
– પણ મારી મુસીબત તું શું કરવા ઓઢી લે છે?
– હાથબાથ ધોવા ઓ’ય તો ધોઈને ખાઈ લો પે’લા. ભાભી સદુ તરફ તાકતાં ઊભાં થઈ ગયાં. હું ઊઠવા જાઉં ત્યાં કપડામાંથી કાનખજૂરો ગંગેરાઈ ગયો ને પગે ચડવા માંડ્યો. સદાનંદ ઝડપથી ઝંઝેરવા ગયો. પણ ચીસ પાડી ઊઠ્યો. જરાવારમાં લીલોપીળો ગોટલો ઘાલી ગયો. હાથમાં વેળ ઘાલતાં એ કણસવા લાગ્યો. હું એનો હાથ દાબતો રહ્યો.
ડેપો ક્યારે આવી ગયો એનીય ખબર ના પડી. જોઉં તો બસ તૈયાર. ચિક્કાર ભરેલી. ના નીકળ્યો હોત તો સારું. માથું મારીને ઘૂસ્યો.
– મેં સેન્સબેન્સ છે કે નંઈ?
જોયું તો ધોળીફક છોકરી. એનામાંથી બાફેલી બટાકી જેવી વાસ આવતી હતી. પગથિયાં પરથી આધાર શોધતા મારા હાથને એણે ખભા ચડાવી ઝંઝેરી નાંખ્યો. જાણે એ કાનખજૂરો ના હોય!– સૉરી! હું છોભીલો પડી ગયો. એ ભવાં ચડાવી ફૂલેલી છાતી ભણી જોતાં હોઠ મરડી બોલીઃ ઘરે મા-બેન છે કે નંઈ?
મને ખૂબ ઘવડ આવીઃ પણ નીચે હાથ લઈ જતાં છાતી નડતી હતી, લાવ ગમે ત્યાં ઘવડી નાખું. હથેળી ઘવડવા લાગ્યો.
બસ ચાલુ થઈ. કોથળાને કાના પકડી હલાવતાં ઘઉં હહી જાય એમ બસના હડદોલાથી ભીડ પણ ધીમે ધીમે હહી ગઈ. મેં પણ ઉપરનો સળિયો પકડી બસની ગતિ સાથે મારા શરીરની ગતિનો દોર સાંધી દીધો. તપખીરિયા અંધારામાં બધું તરવા લાગ્યું. હથેળી ઘવડવા લાગ્યો. ઘવડતાં ઘવડતાં લોહી નીકળ્યું. ધસમસ ધસમસ રાતું પૂર. એટલામાં દૂરથી કશુંક ખેંચાતું આવ્યું. મારી આંગળીએ વીંટાઈ વળ્યું, કાનખજૂરો! મેં ઝંઝેરી નાંખ્યો. એ આંખ ખોલીને બેઠો થઈ ગયો. સદાનંદ મને ઘવડવા લાગ્યોઃ મને તું ઘવડે ત્યારે બહુ સારું લાગે છે, હું આવું બોલું ત્યાં તો એ મારી હથેળીમાં આંગળી ફેરવવા લાગ્યોઃ તારી આંગળી આટલી પાતળી ને લીસી ક્યારની થઈ ગઈ? એ તાકી રહ્યો, મેં જોયું તો એ પુષ્પીનો હાથ હતો. મેં ઝંઝેરી નાંખ્યો.
બટાકી છોભીલી પડી ગઈ. ધામણ રાફડામાં ભરાય ને પૂંછડીનો બહાર રહી ગયેલો છેડો અમળાય એમ એની આંગળી મરડાયા કરતી હતી. એની તીરછી ભૂખરી આંખના ખૂણામાંથી ચણોઠી ખરવા લાગી. છાતી પર બે ઢગલી રચાઈ ગઈ.
– ચણોઠીને વાટીને ખરજવા પર ઘસીએ તો ફેર પડે. મને તેજુની વાત યાદ આવી. થોડી ચણોઠી ખાવાનું મન થયું. પણ ઘરે માબેન છે કે નઈ? એ યાદ આવતાં રવરવાટ સુકાઈ ગયો. હથેળી તતડવા લાગી. હું હથેળી ઘવડવા લાગ્યો. એ નખ કરડવા લાગી.
કોઈ સ્ટૅન્ડ આવ્યું. બેલ વાગતાં જ ફાળિયાવાળો સફાળો ઊભો થઈ ગયો. બાજુમાં બેઠેલા શીળીચાઠાંવાળા માણસે ચણોઠડીને બેસવા ઈશારો કર્યો. પણ હું તો ધબ દઈ પડ્યો. એનો સીટ રોકવા લંબાયેલો હાથ કચડાયો. એ મને તાકી રહ્યો. એની નજર સહેજ તીખી થઈ, પછી ઝંખવાઈને છેલ્લે પોચી પડી ગઈ. એનો શીળીનાં ચાઠાં ભરેલો ચહેરો બધેબધથી ટોચી નાંખેલા તાંબાના ઢાંકણ જેવો લાગતો હતો. ખાલી નાકના ટેરવે જ ટાચકું નથી બાકી અદ્દલ સદાનંદ જ જોઈ લો! એની હથેળી જાણે દાઝી ગયેલું જુવારનું બી. સદુની હથેળી સાથે હથેળી ઘસવાનું મને ઘણી વાર મન થતું. એ હસીને કહેતોઃ કેમ હથેળીની અદલાબદલી કરવી છે? એ તારા કામની નથી. મને જ જોને એ ઘોની જેમ ચોંટી પડી છે…
મેં એક વાર લખેલું: જો છોકરી હોત ને તો તને જ વરમાળા પહેરાવત. ઇન્દ્રધનુની વરમાળા. મન થાય છે તારી ઊડતી ધૂળ જેવી જિંદગી પર ઝરમર ઝરમર વરસું. તારી ભૂખરી ઉદાસી પી જાઉં. તારી હથેળીમાં મોગરો ખીલવું. સદુ, તારું કપાઈ ગયેલા થડ જેવું મોં હું જોઈ શકતો નથી.
એ મળ્યો ત્યારે મને તાકી રહ્યો: ગોઝારો કૂવો છું. હું ઓવારીને ઢોળી દીધેલો કળશ્યો છું. એની આંખ કાળો કાળો કાદવ હતી. એના મોં પર ઝાડીઝાંખરાં ફૂટી નીકળ્યાં હતાં.
પહેલી વાર મળ્યો ત્યારે એ સફેદ ગુલાબ હતો. મઘમઘતું ગુલાબ. હું બેંચ બદલીને એની સાથે બેઠો હતો. પિરિયડ પૂરા થયા એટલે અમે નદી તરફ ચાલવા માંડ્યું, હાથમાં હાથ ગૂંથીને. હું એની હથેળી દબાવ્યા કરતો હતો. આંગળી ફેરવતો હતો. નખ મારતો હતો. વચ્ચે ગાંડા બાવળિયા આવ્યા. એના રસ્તો રોકતા ડાળખાને ખસેડતા અમે આગળ વધ્યા.
– ચાલ બેસીએ: મેં કહ્યું. એણે કાંટાથી મારું નામ લખ્યુંઃ તખુ. કાંટાથી નહીં આંગળીથી લખઃ મેં કહ્યું, કાંટાથી જ ચોખ્ખું લખાય. એ આકાશ તરફ જોવા લાગ્યો.
એકાએક મેં એક કીડાનું ઊંચું થયેલું શીંગાળું માથું જોયું. સફેદ રુવાંટી ચળકચળક થતી હતી. હું ચીસ પાડી ઊઠ્યોઃ શું થયું? એણે કાંપતા આવજે પૂછ્યું. કીડો! મારો અવાજ ફાટી ગયો, રેશમી કપડાની જેમ. એનું ચળકતું ચીંદરડું ફરફરવા માંડ્યું. એ ચૂપ થઈ ગયો. મેં જોયું તો ગુલાબ વચ્ચોવચની પાંખડી કાટ લાગ્યો હોય એવી પીળી પડી ગયેલી. મેં એની હથેળીમાં આંગળીથી લખ્યુંઃ સદાનંદ. પાણી પર લખતો હોય એમ શું લખ્યું?ઃ એણે પૂછ્યું. – હા, તારી હથેળી હું તરંગિત કરીશ. એ ધૂળ ખંખેરી ઊભો થઈ ગયો. બાવળિયાની સૂકી પાંદડી ઊડીને પડી. હું આંખ ચોળવા લાગ્યોઃ ચાલ નદીએ જઈએ, મેં કહ્યું.
– ના, ઘરે જવું પડશે. મામા રિસાઈને ચાલ્યા ગયા છે. એટલે ચાર લાવવાની છે. રોટલા પણ બનાવવાના હશે.
અમે પાછા ફર્યા. સામો પવન હતો. એકાએક એ બોલ્યોઃ લગ્ન કરવાં જ પડે એમ હોય તો શું કરવું?
– પદ્મિની મળે તો હું સામે ચાલી એનામાં પુરાઈ જાઉં! મેં હસતાં હસતાં કહ્યું
– તું તો કવિ છે, મારે તો રાજયોગ સાધવો છે. એ અડદોલું ખાઈ ગયો. નખ દબાવીને કણસવા લાગ્યો. મેં એના અંગૂઠે રૂમાલ બાંધી દીધો. રૂમાલ બગડશે, એ કરુણ સ્વરે બોલ્યો. હું પાછો વળી પથરો ઉખેડવા મથવા લાગ્યો.
– રહેવા દે! એ નહીં ઊખડે! એણે મારો હાથ પકડ્યો. અમે ચાલવા માંડ્યું. એકાએક અમે જાણે એકલા પડી ગયા. થોડું ચાલ્યા એટલે હું જાઉં, કહી એ ડેપો બાજુ ફંટાયો. હું જોઈ રહ્યો.
– પીપરડી! ઘંટડી અને કંડક્ટરનો અવાજ ભોંકાઈ ગયા. હું સફાળો ઊભો થઈ ગયો. ઊઠીને બાજુમાં જોયું તો ચાઠાંળો માણસ ને ચણોઠડી બંને ન હતાં. હું ઊતરી પડ્યો.
ધૂળ ધૂળ ધૂળ. સૂસવાતી દઝાડતી ધૂળ. ઉજ્જડ વેરાન ખેતરાં. ઝાંઝવાંમાં તરતાં ડૂબતાં ડૂબતાં તરતાં ખેતરાં, કજળી ગયેલા પોસ્ટકાર્ડ જેવાં. ખૂંપરા-કરાંઠી ઊડી પડેલાં–વેરવિખેર જટિયાં. બુઠાડી કાઢેલા બોડાબટ પ્રેત જેવાં સમળાં વેરાયેલાં. ખેતરાં ફરતી ભૂખરી લીલી થુવેરની વાડ. કેર-કંથાર લીલાં. જાણે ત્રણ કલાકમાં તો જુદા જ મલકમાં આવી પડ્યો. ચુડેલની રાતી ઓઢણી જેવી સડક લહેરાયેલી. મેં ચાલવા માંડ્યું.
શેરીમાં પેઠો. મહાદેવની ધજા ફરફરે. રંગ ઊતરી ગયેલો ભગવો. ફાટી ગયેલી વચ્ચે વચ્ચે. સિમેન્ટનાં થીંગડાંથી. સંધાયેલું ડેરું. કળબના સાંઠા વેરાયેલા. ફળીની વચ્ચે પારસ પીપળો. ધોળા દોરા વીંટાયેલા. મૂળિયાં સપોલિયાંની જેમ બહાર નીકળી આવેલાં. ત્યાં બંધાયેલાં ઢોર. આંખ ઢાળી વાગોળે. કાન પૂંછડું હલાવી બગાઈ ઉરાડે. કૂતરાં જાગી પડ્યાં. ટીલવો આખા શરીરે કાળો, ખાલી કપાળે જ ધોળું ટીલું. મેં બૂચકાર્યો. એ ધીમું ધીમું ઘૂરકતો પગ સૂંઘવા લાગ્યો.
– કોક અજાણુ મનેખ લાગે છે. બા બહાર નીકળી. હટ હટ વાલ્લામૂઆઃ કરીને ખદેડવા માંડ્યો. મને જોઈને કહેઃ કોણ તખુ? પ્હો ફાટતાં જ મોભે કાગડો બોલેલો. મેં સદુને કીધુંય ખરું કે હા કો’ કે ના કો’ આજ તો તખુ નક્કી આવવાનો! ઉંબરાપૂજન વખતનાં કરેણ કરમાઈ ગયાં હતાં. રાતું સ્વસ્તિક ભૂંસાઈ જવા આવ્યું હતું. સદુ તો કે’, તખુ આવ્યો તો આવ્યો, નીં તો હરિ ઓમ. બા ઝડપભેર ઘરમાં ગયાં. હું ય ઘરમાં ગયો.
આગલી પરસાળમાં સદાનંદ ને પુષ્પી પાટી ખેંચેઃ
આવ, સદાનંદ પાટી ખેંચતાં બોલ્યો.
– કાગળ મળી ગયો? કરતીકને પુષ્પી પાટી ખેંચવાનું છોડી પાસે આવી. એની માંજરી આંખ તીણા કાચની જેમ ચમકતી હતી.
– બા, તખુભાઈ માટે પાણી તો લાવો! પુષ્પીની ટકોર સાંભળી બા ઝંખવાઈને ઊભાં થયાં.
– હું લઈ આવું, કહી સદાનંદ ઊઠ્યો. મારા ખભે હાથ મૂકી પુષ્પી બોલીઃ કેમ છે? તેજુભાભી કેમ છે?
– ભાઈને જરા પોરો તો ખાવા દે! બા બોલ્યાં. પુષ્પી હાથ ઝટકાવી હોઠ મરડતી ચાલી થઈ.
– નંદુભાભી નથી?
– અશે, શે’રાના બજારમાં ફરતી અશે. હાંજં હોરી આવે તો આવે. બા મોઢું બગાડી હાથ ઘસવા લાગ્યાં. સદાનંદ માંખ ઉડાડતો કહેઃ ગયા જૂનમાં આવેલો. પુષ્પીના એડમિશન માટે. ખબર તો હતી કે તું કાંક બહાર જવાનો છે. પછી કંઈ સમજાયું નઈ તારા ભણીથી, એટલે અંધ, શે’રામાં, લઈ લીધું.
– ડિફિકલ્ટ કેસ હતો, હું થોથવાઈ ગયો.
– જે થિયું તે હારું થિયું. પારકી પોરીની ચંતામાં ને ચંતામાં ઘરના પોયરા ઘંટી ચાટ્હે, બા મનમાં બબડતાં હોય એમ બોલ્યાં.
– તારા સગ્ગા ભાઈની દીકરી પારકી ગણાય? સદાનંદ તમતમી ઊઠ્યો. પાછળ પુષ્પીની માંજરી આંખો તગતગતી હતી. રતૂમડો દુપટ્ટો ઝાટકાભેર પાછળ નાંખી એ ધબધબ કરતી માળિયે ચડી ગઈ.
– બા એવું નથી. વિજુને દસમાની તિયારી કરાવવા હારુ તો એ આ ઉનાળામાં મારી બાજુ હો નીકળો નથી! મેં ખરજવું ખંજવાળતાં ખંજવાળતાં કહ્યું. બા મારા તરફ જોઈ રહ્યાં. હું હાથ-મોં ધોવા ઊઠ્યો. ડોલ નળ નીચે મૂકી તો નીચેથી પાણીનો રેલો નીકળ્યો.
– બા, સારી ડોલ લાવો ની?
– સદુને કઈ કઈને જીભ થઈ ગૈ પણ નવું બધું નથી લખાવી લાવતો.
– આમેય નવું બુધું લખાય એવું રીયુંય કાં’છે? હું બબડ્યો. પહેલાં તો આવતો કે વાછડાને જોતાં ગાયની ઘૂઘરી રણકે એમ ઘર રણકી ઊઠતું. પણ આજે વાટે મોગરો વળી ગયો છે. મેશ વળેલું ફગફગતું ફાનસ જાણે. છતાં આ ઘર તરફ પગ કેમ ખેંચાઈ આવે છે? આંગળી બાળીનેય મોગરો ખેરવી નાંખવાનું ઝનૂન આવે છે. પણ મારી આંગળી મોગરા સુધી કેમે કરી પહોંચે ત્યારે ને? ખીસામાંથી રૂમાલ કાઢી મોં લૂછતો ઘરમાં આવ્યો તાંઃ બીજું હોધ્યાપ, બા ખોંખાખોળાં કરતાં બબડતાં હતાંઃ અલાધિયાને આખો દા’ડો પાનાં ટીચવાં છે ને લોકના ઓટલા ભાંગવા છે. એના બાપને હો પડી છે કંઈ? વિજુએ બાબરી ઉછાળી મને જોયો ન જોયો કર્યો ને પગ પછાડતો ચાલ્યો ગયો. મારી સામે ‘કાકા આવ્યા’ની વધામણી ખાવા એક હાથે ચડ્ડી પકડી શ્વાસભેર દોડી આવતો ને હાથમાંની બૅગ ઊંચકી લેવા મથતો વિજુ તરતરવા લાગ્યો. – ના ઊંચકાય બેટા! મોટો થઈને ઊંચકજે. હું બબડવા માંડ્યો. – શું ક’યું તખુ? – કંઈ નંઈ, સદુ ક્યાં છે? માળિયા તરફ ઇશારો કરી બા ચા બનાવવા ગયાં. માળિયે ચડીને જોઉં તો સદુના ખોળામાં માથું નાંખી પુષ્પી રડે! શું થયું? મેં એના માથે હાથ મૂક્યો. – હું જ વધારાની છું આ ઘરમાં! હું તો આ ચાલી મારે ઘેર! એ મારી સામે જોઈ રહી. એની પાંપણે ચણોઠી જેવડું આંસુ થરકતું હતું. મેં આંગળીથી લૂછી લીધું. એ હળવી થઈ ગઈ.
એવામાં ચા થયાનો અવાજ આવ્યો. ઘડીવારમાં એ ફૂદાની જેમ આમતેમ ઊડવા માંડી. પુષ્પી ચા લાવી. મલાઈ નાંખેલો કપ લઈ બાજુમાં બેસતાં બોલીઃ તખુભાઈ! આ મલાઈવાળીમાં મારો હો ભાગ! સદાનંદ અકળાયોઃ બાની ક્યાં છે? – રસોડામાં! એ હસવા લાગી. મને ઘવડ આવવા લાગી.
– આંબાવાડિયા ગમી જઈશું? ચા પૂરી કરતાં મેં કહ્યું: નંઈ ખાડી ગમી મસાણે મજાવશે, કહી પુષ્પી વાડામાં ગઈ ને કપડાં બદલીએ ત્યાં તો ટુવાલથી મોં લૂછતી આવી પહોંચી.
– આટલું ના ઘહ! ચામડી ઊખડી જહે! મેં કહ્યું.
– રુવાંટી વધી ગઈ છે, એ જોરથી ઘસવા લાગી. મેં જોયું તો સફેદ રુવાંટી ચળક ચળક થતી હતી. એણે બંને મીંજલાને ઉપર તરફ વાળી રિબિન બાંધી દીધી. જાણે ભૂખરી ભૂખરી શીંગડી ઊગી ગઈ!
– સીમમાં કોઈ જોવા આવવાનું નથી તને! મેં કહ્યું.? તમે તો છો ને! એ હસી પડી.
સદાનંદે પુષ્પી સામું જોયું. જાણે ઠરવા આવેલા અંગારા પરથી રાખ ઊડી પડી! એના આખા ચહેરા પર શબ્દો ઝમી આવ્યા. ઘડીભર એનો ચહેરો તગતગી ઊઠ્યો!
અમે નીકળ્યા. – બા, વજેસીંગના ઘેર જઈ વૈદબાપાની ખબર કાઢ્યાવજે. હવારે જવું છે, સદાનંદે પાછા ફરીને કહ્યું. પાદરે નીકળતાં લખુભા મળી ગયો. કઈ બાજુ? – આ ખાડી ગમી, ચાલ આવવું હોય તો! મજા’વશે. સદુએ એનો હાથ પકડી લીધો. – ચાલ તા’રે, ભેગોભેગો ખાડીવાળે આંટો માર્યાઉં, કરતો એ સાથે થઈ ગયો. બંને ખેતીની વાતે વળગ્યાઃ જુવારમાં મધીયો છે. કપાસમાં લશ્કરી ઇયળ છે. સફેદ માખીનો ત્રાસ છે. દેવાનાબૂદી આંદોલન, નર્મદાયોજના જેવા શબ્દો વહેવા લાગ્યા. સદુ મોટેમોટેથી ને મુઠ્ઠી વાળીને બોલતો હતો. હું દૂર દૂર ખેંચાવા લાગ્યો.
મેં સદુને કહેવા સંઘરી રાખેલી વાતો તળિયે જઈને બેસવા લાગી. બધું ભારે ભારે થઈ ગયું. નેળીની બાજુ થુવેર-કેરની વાડ. એમાંથી અંધારું ઝમી ઝમીને ખાબોચિયાં ભરાયાં છે. પુષ્પી
બા-ભાભી-વિજુ ને સદુની વાતો કરે છે. અરે! આખું પુરાણ કાઢ્યું છે પણ મને કંઈ રસ પડતો નથી. મારામાં તો સદુને કરવાની વાતો ચળક્યા કરે છે. મને બેચેની થાય છે.
– સાપ! પુષ્પી એકાએક ચીસ પાડીને વળગી પડી.
– અરે પગલી! અહીં વળી સાપ કેવો? મેં એનો ખભો થબથબાવતાં કહ્યું. એની છાતી ધડકે છે. ઊના ઊના શ્વાસના લાલલીલા લિસોટા પડે છે.
– અરે ડર નહીં. જો, આ હાથમાં પકડ્યો, કહેતાં કહેતાં હું વળ્યો. એ મારો હાથ જોરથી પકડી રહી. એકાએક ફુત્કારતું કશુંક રેશમની દોરી જેવું લીસું ઊછળતુંક સડસડાટ સરકી ગયું વાડમાં. હું તો જાણે થાંભલો. મગજ રાતું પીળું સુન્ન. હાથ લીલું લીસું ઝણઝણે. પુષ્પી કંઈ થયું તો નથી ને? કરતીક વળગી પડી.
સદુનો હોંકાર આવતાં અમે ધીમું ધીમું ચાલવા માંડ્યું. પુષ્મી મારી હથેળી દબાવવા લાગી. ખાડી આવી.
આ બાજુ સદાનંદે હોંકારો કર્યો. પુષ્પી મારો હાથ ખેંચીને ઢોળાવ પર દોડવા લાગી: પણ પગ મચકાશે, કાંટા વાગશે! હું બોલતો જ રહી ગયો.: બીક્કણ! એક બાવળિયા નીચે એ હાંફથી બેસી પડી. એની છાતી ઊછળીને મારા હાથમાં આવી પડશે એવો ડર લાગવા માંડ્યો. આછા ઝાટકા સાથે એણે મારો હાથ ખેંચીને બેસાડ્યો. ખાડી ચોથના ચંદ્ર અને તારલે લખલખતા આભલાને કારણે ચીતર્યા સાપ જેવી ભાસે છે, ચોટે તો ઊખડે નહીં.
બાવળની છાયામાંથી બ્હાર નીકળેલા પુષ્પીના ઊજળા ઊજળા શંખ જેવા પગ પર આછી ચાંદની ઢોળાય છે. એની કાયા પર ઝીણી ઝીણી નકશી અંકિત થઈ છે, એ બાવળના કાંટાથી મારી હથેળીમાં એનું નામ લખવા માંડીઃ વાગી જશે! મેં કહ્યું. હસતાં હસતાં એણે મારા અંગૂઠાના ટેરવે કાંટો ભોંક્યો: કાંટાથી જ ચોખ્ખું લખાય! એના અવાજમાં કેવડો મહેકતો હતો. એના ઝીણા ઝીણા કાંટાથી હું ઉઝરડાયો. વેદનાની નાની નાની ઘૂઘરીઓથી હું રણકી ઊઠ્યો. ઘડીક જાણે મૂર્છિત થઈ ગયો. ને ઊંહકારા સાથે બહાર આવ્યો. જોઉં તો લોહીનું ગોળ ચળકતું બુંદ! બાવળની ઝરમર છાંયામાં એ ચણોઠી જેવું લાગતું હતું. એ વેગથી મારો અંગૂઠો મોંમાં મૂકી ચૂસવા લાગી. મેં હાથ ઝટકાવીને ખેંચી લીધો.
– કિસ મી! એણે મારો ખભો ઝાલી લીધો. અધિકાર અને આજીજીના રાતાપીળા ઝલમલ શરબત જેવો એનો અવાજ ઢોળાઈ ગયો.
– અરે! ગાંડી થઈ ગઈ છે? હું એનો હાથ ઝંઝેરતોક ઊભો થઈ ગયો. એ સુન બેસી રહી. એનો હાથ મરેલા સાપની જેમ પડ્યો રહ્યો. મેં સદુ તરફ ચાલવા માંડ્યું.
ચારે ઓળા ઘર તરફ વળ્યાં. આવતાં જ બાએ ખબર આપીઃ વૈદબાપા તો આજ હવારે જ અંદાદ દીકરીને તાં’ ઊપડી ગીયા. વેજો કે’તો’તો કે શનિએ તો બાપા ચોક્કહ આવહે!
– હત્ત તેરીકી, ફેરો પડ્યો! સદુએ કપાળે હાથ અડાડ્યો. મેં કપડાં ભરતાં કહ્યુંઃ સદુ, હુંય જમીને સાડા નવની બસમાં ઊપડું હવે! ઘરે તેજુ એકલી જ છે!
એની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. મને થયું હમણાં રોકાવાનું કહેશે! અમે ચૂપચાપ જમ્યા. સડાકાના આવા પડછંદા મેં કદી સાંભળ્યા ન હતા. આખો વખત અંગૂઠે શાકનો રસો ચચરતો રહ્યો.
જમીને હાથ લૂછતાં એ કહે: આપણે તો કંઈ વાત થઈ જ નંઈ! હું રાહ જોવા લાગ્યો.
નીકળતાં ફરી કહ્યુંઃ ફેરો પડ્યો, નંઈ?
– એ બહાને પાછું મળાશે મેં ચાલવા માંડ્યું. વળાંક વળતાં પાછું જોયું. કોઈ નો’તું. ખાલી શામળી શેરીની જાંઘ પર વવરાવતું કાળું ખરજવું!