સોરઠી સંતવાણી/દાર્શનિક જેઠો રામનો

From Ekatra Wiki
Revision as of 06:20, 29 April 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


દાર્શનિક જેઠો રામનો


‘સજણાં’નાં પ્રેમ-મૌક્તિકો : અને એની પડખોપડખ રામ–સીતાનાં વિરહ-મૌક્તિકો : [ટાંચણપોથીને] મથાળે લખેલ છે ‘જેઠીરામના છકડિયા’ : છકડિયા એટલે છ-છ પંક્તિના ટુકડા —

1

મોર વણ સૂનો ગરવો સીતા વણ સૂના રામ;
હંસલા વન્ય સ્રોવર સૂનું, ગુણિયલ વન્ય સૂનું ગામ;
ગુણિયલ વિણ સૂનું ગામ તે હરિ!
મનખો પદારથ નૈ આવે ફરી.
ગઈ સીતા ને રામચંદર રો ના!
જેઠો રામનો કે’ ગરના ડુંગર મોર વિણ સૂના.

પતિ–પત્ની વચ્ચે આવો વિજોગ પાડનાર રાવણને ‘જેઠો રામનો’ શો માર્મિક ઠપકો આપે છે?

2

લોઢું મ ગળ્ય, લંકાના રાજા! જીરવ્યું કેમ જાશે!
ઘણ પડશે માયલા ઘટમાં, પછી ઉમ્મર ઓછી થાશે;
ઉમ્મર ઓછી થાય તે સૌ
ચૌદ ચોકડીનું રાજ જાશે ભૈ!
મેલ્ય મારગ ને ખોલ દરવાજા;
જેઠો રામનો કે’ લોઢું મ ગળ્ય લંકાના રાજા!

‘લોઢું મ ગળ્ય!’ આવડા મોટા કુકર્મને માટે લોઢું ગળવાની ઉપમા બરાબર બંધબેસતી બની છે, નહીં?

આ જેઠો કવિ બિચારો કોઢથી પીડાતો હોવો જોઈએ —
જેઠાને પગે જાનવો, કાયામાં નીકળ્યો કોઢ;
સાડા ત્રણ મણની સામટી, માથે વળી ગ્યો લોઢ;
લોઢ વળ્યો કેયીં ક્યાં?
દાતાર પીર જમિયલની કચેરી ત્યાં.

જેઠો ગિરનારમાં દાતારને ડુંગરે કોઢનો રોગ હરનારા પીર જમિયલને શરણે જાય છે. લોકકવિ જેઠાને કોમ–ધર્મના ભેદ નથી.
ગરવે જાયીં તો ગણ થાય, ભાગે જમની ભે;
હિન્દુ મુસલમાન હાલી નીકળ્યાં, દાતાર દર્શન દે.
દાતાર દર્શન દે તે વડી,
હિલોળા દઈયેં ગરવે ચડી.
ઊંચી સખર દાતારની, નીચે ગૌમુખી ગંગા વ્હે,
જેઠો રામનો કે’ ગરવે જાયીં તો ગણ થાય, ભાગે જમની ભેં.
દાતારની ટેકરીનું ઇસ્લામ-શિખર : અને ગૌમુખી ગંગાનું હિન્દુ તીર્થોદક : બે વચ્ચે કવિ જેઠો સુમેળ જુએ છે.
કોઢ માટે કવિ જેઠાએ પ્રથમ તો વિધાતાને ખખડાવી —
વિધાતા વેરી થઈ, મારા અવળા લખ્યા લેખ;
સરા ન માની સંસારની, ને ઊલટા કીધા અલેખ.
ઊલટા કીધા અલેખ તે લેવા,
ભવેસરની બજારે ઢાલોળા દેવા
……મનની મનમાં રૈ.
જેઠો રામનો કે’ વિધાતા વેરી થૈ.
પણ જેઠો તો દાર્શનિક છે! સમાધાનમાર્ગી છે. તુરત બીજે વિચારે —
વિધાતા બચાડી ક્યા કરે, જેવાં તમારાં કરમ,
કાં તો માર્યા મોરલા, કાં તો હેર્યાં હરણ.
હરણ હેર્યાં તે હરોહરિ
ગૌહત્યા બ્રાહ્મણની નડી.
કીધીયું કમાણીયું, રિયા સેવો!
જેઠો રામનો કે’ વિધાતાને દોષ શેનો દેવો!
હે જીવ! તમે જ કુકર્મ કીધાં છે. મોરલા માર્યા એ મોટું કુકર્મ : સ્ત્રીઓનાં હેરણાં હેરવાં — હરણ કરી જવાં — એ પણ ઘોર પાતક : એ કરેલી કમાણીને હવે તો રહ્યા રહ્યા સેવી લ્યો, હે જીવ!
આ બધા છકડિયા એક જ માણસે ઉતરાવ્યા લાગે છે. શાહી કલમ ને લખાવટ એકધારી છે, લખાવનાર યાદ આવતો નથી.
[‘પરકમ્મા’]