ચારણી સાહિત્ય/2.શાંતિનિકેતનનાં સંસ્મરણો

From Ekatra Wiki
Revision as of 09:21, 29 April 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|2.શાંતિનિકેતનનાં સંસ્મરણો| }} {{Poem2Open}} ઇતિહાસ નર છે, લોકવાણી ના...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
2.શાંતિનિકેતનનાં સંસ્મરણો

ઇતિહાસ નર છે, લોકવાણી નારી છે “આ બાજુ આવો ખરા?” એવું પુછાણ ત્રણેક માસ પર શાંતિનિકેતનમાં ભણતા ગુજરાતી વિદ્યાર્થી ભાઈનું આવ્યું. એમણે લખેલું કે “આંહીંની અમારી ગુજરાતી સંસદ તમને સત્કારશે.” મેં જવાબ વાળ્યો : “ત્યાં આવવાનું ઇજન તો આઠ વર્ષોથી ઊભેલું છે.” મેં યાદ આપ્યું : કવિવર ટાગોર મુંબઈ આવેલા, વિશ્વભારતી માટે નાણાં મેળવવા નાટ્યમંડળી લઈને, તે વખતે ઓચિંતા એક સ્નેહીને ઘેર કવિવરના સાથી ને વિશ્વવિખ્યાત કલાધરશ્રી નંદબાબુની જોડે પ્રસંગ પડેલ, ગુજરાતી લોકગીતો એમને કાને નાખેલ, ને એમણે જઈ કવિવરને વિનવેલ કે ગુજરાતનું આ સાહિત્ય આપે એકવાર સાંભળવું ઘટે. પરિણામે વળતા દિવસના પ્રભાતે, નંદબાબુના સૌજન્યના ફળ રૂપે, કવિવરના માનીતા ગુજરાતી શિષ્યો શ્રી બચુભાઈ શુક્લ ને શ્રી પિનાકીન ત્રિવેદી કવિવરે આપેલ સમયે મને એમના ઉતારે લઈ ગયેલા, ને મેં એમને ગીતો સંભળાવેલાં. એમણે પોતાની પાસે હતો તે કરતાં ત્રણ ગણો સમય આ ગીતોના શ્રવણપાનને આપ્યો, તેમના મોં પર પ્રસન્નતા છવાઈ ને તેમણે મને કહ્યું : “તું અમારે ત્યાં શાંતિનિકેતન આવ, આપણે ત્યાં તમારાં ગુજરાતી લોકગીતો ને અમારાં બંગાળી લોકગીતોની મેળવણી કરશું, ને એમાંથી ચૂંટીને અંગ્રેજી અનુવાદ સાથે પ્રકટ કરશું. તું જરૂર આવ. ને શિયાળામાં આવજે, હો! ઉનાળો બહુ ગરમ હોય છે અમારે ત્યાં.” પણ એ ઇજનનો ગેરલાભ લઈને હું એકાએક કશી રીતસરની ગોઠવણ વગર એ મહાપુરુષ પાસે કેમ જ જઈ ચડું! એ તો કાંઈ એમને આંગણે જઈ, બિસ્તર ઉતારી ‘એ હું આવ્યો છું.....ઉં!’ એવા ઢંગની વાત થોડી કહેવાય! હોય એ તો, સહૃદયતા છે એક મહાપુરુષની, કે જ્યાં સૌંદર્ય દેખે ત્યાં અંતર પાથરે. પણ એ એક વાત હતી ને શાંતિનિકેતનમાં નોતરવાનું પ્રયોજન એ જુદી વાત હતી. એને માટે કંઈક વિધિ, કંઈક કાર્યક્રમ, કંઈક પદ્ધતિ જોઈએ. થોડા દિવસ થયા, ને મારી તાજ્જુબી વચ્ચે, એક પત્ર આવીને પડ્યો : ‘સમસ્ત શાંતિનિકેતનની વિદ્યાર્થી સંમેલનની તમને ગુજરાતી લોકસાહિત્ય પર ચાર વ્યાખ્યાનો આપવા અતિ આદર ને પ્રેમથી સર્વાનુમતે ઠરાવ કરીને તેડાવે છે, અમે ઘણું સાંભળ્યું છે; જરૂર આવો, આંહીં તમારાં સુખસગવડ માટે યથાશક્તિ બધું જ કરશું.” વાત વિચારમાં નાખનારી હતી. એક બાજુએ ગુજરાતના લોકસાહિત્યને આંતરપ્રાંતીય દુનિયાને દ્વારે લઈ જવાની કેટલાક સમયથી અભિલાષા હતી, ને સાથે સાથે શ્રદ્ધા પણ હતી કે અન્ય પ્રાંતોના લોકસાહિત્યની સરખામણીમાં આપણું આ આત્મધન ઊતરતું નથી, અવશ્ય એ બીજાને આંગણે શોભા પાથરશે. બીજી તરફ દિલને સંકોચ પણ ઓછો નહોતો. અંગ્રેજીમાં આ વિષયને મૂકવાનો મહાવરો નહોતો, ને એક વિશ્વ-કવિનાં ગાને-સાહિત્યે રસાતી-પોષાતી, ભિન્ન પ્રાંતીય જનતાની બનેલી મહાન સંસ્થાની સામે ખડા થવાનું હતું. ડર તો લાગ્યો જ હતો. આખરે વિચાર્યું : હું કવિવરનો કરજદાર છું. આઠ વર્ષનું વ્યાજ પણ ચડ્યું છે; ઉપરાંત, ગુજરાતી વિદ્યાર્થીઓની ઇજ્જતનો પણ આ સવાલ છે. ન જવામાં કાયરતા છે. અને મારા ઇષ્ટ વિષયનું શ્રેય અને મારી પ્રગતિશીલતાની કસોટી પણ ત્યાં જઈને ઊભવામાં, ત્યાંની સુવર્ણ-તુલાએ ચડી તોળાવામાં જ છે. મોડું થઈ ન શક્યું. નોતરનારા અધીરા બન્યા હતા, સત્રની સમાપ્તિ નજીક આવતી હતી : કાગળો આવતા હતા : ‘ઝટ આવો, જલદી આવો.’ j પહોંચ્યો તે દિવસ માર્ચની 12મી હતી : સમ્મેલનીના ત્રણ પ્રતિનિધિઓ બર્દવાન સુધી સામા આવેલા. બોલપુર સ્વાગત થયું. પણ તે પછી એક એવો કાર્યક્રમ તે જ સાંજે ગોઠવાયો હતો કે જેને માટે હું જરાય તૈયાર નહોતો. શાંતિનિકેતનના સર્વશ્રેષ્ઠ અતિથિગૃહ તાતા-કુઠીમાં મને ઉતારો આપેલ ત્યાં એક વ્યક્તિ મળવા આવી : બેઠી દડીનો દેહ, કાબરી દાઢી, ખુલ્લું ટાલદાર મસ્તક, ચમકતો ગુલાબી ચહેરો, પરિશુદ્ધ નેત્રો, ને 40નું વય છતાં, કૈં કૈં આપદા-ભારે ક્ષીણકાય બનેલ વિનયમૂર્તિ શ્રી મલ્લિકજી. આખું નામ શ્રી ગુરુદયાળ મલ્લિક. મૂળ રહીશ ડેરા ધરમાલ ખાનના : સરહદી ખમીર : ગ્રેજ્યુએટ ઝેવિયર કૉલેજના : અદ્યારમાં સ્વ. એની બેસન્ટ પાસે રહેલા, ને ‘ન્યુ ઇન્ડિયા’ દૈનિકના સંચાલનમાં સાથે હતા, ગાંધીજીની પાસે હતા, ને આજે ચુસ્ત ગાંધીવાદી છે, સંત એન્ડ્રુઝના મંત્રી હતા ને આજે એકવીસ વર્ષથી શાંતિનિકેતનના સેવક બની રહ્યા છે : ગુરુદેવ ટાગોરના પ્રીતિપાત્ર, નાનાં-મોટાં સર્વ વિદ્યાર્થીઓના વહાલસોયા, સૌના સહાયક, સૌના સરખા આદરણીય, અગિયાર ભાષા જાણનારા : ગુજરાતી તો જાણે એમની માતૃભાષા જ હોયની! એમણે આવીને કહ્યું, સાંજે તમારા માટે માનપત્રનો સમારંભ છે! આ અકળામણ નવા જ પ્રકારની હતી. બાપગોતર કોઈ દિવસ માનપત્ર દીઠેલું નહિ! પણ મારો વાંધો ને વિનવણી અતિ મોડાં હતાં. ચીના-ભુવન નામની સંસ્થાની અગાસી પરની સભામાં મને વાંચી બતાવવામાં આવેલું એ માનપત્ર માનપત્ર નહિ પણ પ્રેમપત્ર હતું એમ કહું તો જ એમાં મને અપાયેલ અંજલિનો બચાવ થઈ શકે. એ પ્રેમપત્રમાં મેં છેલ્લાં 21 વર્ષમાં કરેલી લોકસાહિત્યની ઉપાસનાનો ઉલ્લેખ હતો. જનસાધારણનાં હૈયાંમાં પડેલી આપદાઓ, કામનાઓ અને ઉત્કંઠા-અશ્રુધારાઓના એ સાહિત્ય દ્વારા મેં કરાવેલ પરિચયની પ્રશંસા હતી. જવાબ વાળતાં મેં કહ્યું : “તમે સૌએ મને પ્રત્યક્ષ પિછાન્યા વગર, કેવળ મારાં ગુજરાતી બાંધવો-બહેનોના અભિપ્રાય પર ઇતબાર રાખીને આ પ્રેમાદરનો અભિષેક કર્યો છે, એ વિશ્વાસબુદ્ધિને મારાં વંદન છે. વિશ્વના સર્વોત્તમ શાયરોમાંના એક જ્યાં બિરાજે છે તે સ્થળના આકાશ નીચે મારા વિશેની આ પ્રશંસા મને શરમિંદો બનાવે છે. પણ તમે ચૌદસો માઈલના અંતર પર તમારો પંજો લંબાવી મારી જે મોહબ્બત માગી છે, તેનો હું જવાબ દેવા આવ્યો છું. એ જવાબ દઉં તે પૂર્વે આ માનપત્ર આપવામાં તમારો હેતુ મને મારી જવાબદારીનું ભાન કરાવવાનો ભાસે છે. મારે તમારાં આદરમાન માટેનો મારો અધિકાર મારાં વ્યાખ્યાનોમાં પુરવાર કરવો રહેશે. “હું તો આવું છું એક જ વાત રજૂ કરવા, કે મારી ગુજરાતના આજના નવઘડતરમાં જે થોડાં બળો કામ કરી રહેલ છે — ને જેમાંનું એક બળ તો તમારું બંગાળા જ બનેલ છે — તે પૈકીનું આ લોકસાહિત્ય પણ એક બળ રૂપે ભાગ ભજવી રહ્યું છે. મારી જન્મદાત્રી ગુજરાતના ભૂતકાળનો પરિચય દેનાર આ લોકસાહિત્યે ઇતિહાસ જેને કહેવામાં આવે છે તેના દફતરે ન સચવાઈ શકેલી એવી કેટલીક વાતો જનેતાની અદાથી ચીંથરીઓમાં સાચવી છે. ઇતિહાસ નર છે, લોકવાણી તો નારી છે. મારી ગુજરાતના આજના નવજાગરણમાં પ્રેરણા પૂરનાર એનો ભૂતકાળ શું બોલે છે તે તમને એક જ વાતથી બતાવું. “આજે અમે ઊજવીએ છીએ તે ઉત્સવ અમારા પરમ સામ્રાજ્ય-નિર્માતા સિદ્ધરાજ જયસિંહનો નહિ પણ તેમના સાથી, માર્ગદર્શક અને તત્ત્વજ્ઞ એક સાધુનો. ને તે દિવસે પણ, અમારા પાટનગર પાટણના રાજમાર્ગો પર હાથીની રત્નજડિત અંબાડીએ ચડી શહેર-ગલીએ અને આંગણેબરે જાહેર લોકપૂજા પામનાર કોણ હતું? સમ્રાટ જયસિંહના સામ્રાજ્યવિસ્તારની મહોજ્જ્વલ તાતી તરવાર? ના, ના, એ તો હતું એક પુસ્તક : એક વ્યાકરણ-ગ્રંથ : પોતાને આંગણે શિક્ષા લેતા સરસ્વતીપુત્રોને પરભૂમિના ગ્રંથો ભણવા પડે છે. કેમકે ગુજરાતમાં વિદ્વત્તા ને સાહિત્ય નથી, એ જાણ્યું ત્યારે સિદ્ધરાજને સામ્રાજ્યવિજય શરમાવનારો લાગ્યો, એણે પૂછ્યું, ‘આપણે ત્યાં કોઈ ન રચી શકે આપણું નિજનું વ્યાકરણ?’ જવાબ હેમચંદ્ર સાધુએ વાળ્યો ને આખરે એનો રચેલો, હિંદ સમસ્તની મગરૂબીરૂપ એ વ્યાકરણગ્રંથ અંબાડીએ ચડ્યો. “એ બતાવે છે ગુજરાતનો સંસ્કાર. અમારી ગુજરાતને વિદ્યા પરમ વહાલી છે. સત્તાવાદ અમને સ્પર્શ્યો નથી. એ વિદ્યારસને પોષવામાં લોકસાહિત્યે કેવો ભાગ ભજવ્યો છે તે એક જ દાખલાથી કહું. મેં ય વીસ વર્ષ પર જ્યારે આ સાહિત્યની શોધખોળ અને એની જાહેર લહાણી આદરી ત્યારે મને વિરોધ મળેલો, મારી હાંસી થયેલી, ને એક પ્રથમ હરોળના ગુજરાતી વિદ્વાનો તો એમ પણ કહેલું કે આવી ‘વલ્ગર’ (ગમાર, ગ્રામીણ) વસ્તુને તું શીદ જોર આપી રહ્યો છે! એનો જવાબ તે દિવસ મારી પાસે નહોતો. પણ કાળે જે એનો જવાબ આજે દીધો છે. અને કારાવાસ ભોગવતા એ જ વિદ્વાને, હિન્દી માસિક ‘સર્વોદય’માં આજની કોમી અધોગતિની સામે એક નૂતન આદર્શનો પુરાતન કિસ્સો રજૂ કરેલ છે — ને તે ક્યાંથી? મારા સંગ્રહેલ લોકસાહિત્યમાંથી. મૂળીના પરમાર યોદ્ધા આસા અને સિંધના જત યોદ્ધા ઇસા વચ્ચે પાંચ સૈકા પર બનેલો એક યુદ્ધભૂમિ પરના સંધ્યાકાળનો એ પ્રસંગ છે : “શુદ્ધ હિંદુ દેવને પૂજનારા ચુસ્ત રાજપૂત પરમારોએ, કોઈ પણ ઠેકાણે આશરો ન મેળવી શકનાર અને કચ્છ, નગર જેવાં મહાન રાજ્યોમાંથી પણ જાકારો પામનાર મુસ્લિમ જતોને આશ્રય આપ્યો હતો. જતોની પાછળ સિંધનો સુમરો રાજા પડ્યો હતો. સુમરાને જત આગેવાનની રૂપાળી દીકરી જનાનામાં પૂરવા જોઈતી હતી. સુમરાનાં દાવાનલ સરીખા સૈન્યોએ આવી પરમારોનું મૂળી ઘેર્યું. પરમારોએ લડાઈ આપી. જત-પુત્રીને ખેસવી નાખીને જતો ને પરમારો સુમરાઓને હાથે ત્યાં કપાયા. એ જખમીઓ પૈકીના બે પડ્યા હતા. એક ટેકરી ઉપર ઇસો જત ઊંચાણે ને આસો પરમાર નીચાણમાં. ઇસાના જખ્મોમાંથી વહી જતું લોહી નીચાણે ઢળે છે. ને તે દેખી ઇસો જત પોતાની મૃત્યુઘડીનું રહ્યુંસહ્યું જોર વાપરી હાથેથી એ પોતાના લોહીની નીક આડે માટીની પાળ કરે છે, પ્રવાહને આસાજીથી બીજી દિશામાં વાળવા મથે છે. આસો પૂછે છે કે ‘ઈસા, શું કરે છે?’ ઇસો કહે છે કે ‘તારા જેવા ધર્મનિષ્ઠ હિંદુનું મોત, મારા મુસ્લિમ લોહીના સ્પર્શે આભડછેટ ન પામે માટે બીજી દિશાએ વાળું છું’. આસોજી પરમાર એને વારે છે — [દુહો] ઈસા, સુણ! આસો કહે : મરતાં પાળ મ બાંધ, જત-પરમારાં એક જો, રાંધ્યો ફરી મ રાંધ! ‘ઓ ઈસા! આપણે જત-પરમારો વચ્ચેનો સંબંધ તો એક વાર રંધાઈ ગયો છે. વિપત્તિમાં આપણે લોહીભાઈ બન્યા. હવે આભડછેટ હોય નહિ. મૃત્યુકાળે આપણી વચ્ચે દીવાલ બાંધ નહિ’. “એ મૃત્યુએ જત-પરમારોને સદાના લોહીભાઈ બનાવ્યા. આવો મહિમાવંત પ્રસંગ એક દુહામાં લોકસાહિત્યે પોતાના જનેતા-હૈયે સંઘર્યો. ઇતિહાસે એની નોંધ રાખી નથી. અમુક માર્મિક ઘટનાઓને તો લોકવાણી જ કંઠોપકંઠ પકડે છે ને જતન કરી જાળવી રાખે છે. મારા પ્રયત્નોને ગ્રામીણ (વલ્ગર) કહેનાર એ અમારા સાહિત્યમણિની કલમે આ સામગ્રીનો આટલો ગૌરવાન્વિત ઉપયોગ થયો દેખી હું ફુલાયો છું. “પણ આંહીં તો હું ગુજરાતની કોઈ ગર્વિષ્ઠ વિશિષ્ટતા દેખાડવા, ગુજરાતના ન્યારાપણાનાં બણગાં ફૂંકવા નથી આવ્યો. લોકવાણીનો બધો જ ઝોક હંમેશાં નિરાળાપણા પર હોવાને બદલે સહિયારાપણા ઉપર, સમાન તત્ત્વ પર હોય છે. એ તો સદા દેખાડે છે મળતી આવતી રેખાઓ. પ્રાંતપ્રાંતના લોકસાહિત્યને પોતપોતાની ભૂમિગત વિશિષ્ટતા ભલે હો, એ વિશિષ્ટતામાં વિરોધનો, ‘અન્ય સૌથી હું જુદું ને ચડિયાતું છું’ એવો હુંકાર નથી હોતો. માટે જ હું કહું છું કે ગુરુદેવે દીધેલ નોતરાના જ ભાવમાં હું તો આવું છું, આપણી લોકવાણી વચ્ચેની સમાનતાને પકડવા — ‘ટુ કમ્પેર નોટ્સ’. “ને એ કામ તો મારું શરૂ પણ થઈ ગયું છે. આજે જ મને કહેવામાં આવ્યું કે આંહીં ગામડાના પ્રદેશમાં ‘કવિ-ગાન’ નામે સમારંભ થાય છે તે મને દેખાડવો છે. ‘કવિ-ગાન’ એટલે ગ્રામકવિઓની સામસામી શીઘ્ર-રચનાઓના સાહિત્ય-સંગ્રામો : આવા સંગ્રામો તો છેક ઇંગ્લંડમાં પણ મચે છે — લોકોના મેળાઓમાં : જ્યાં સામસામી જમાતો રચી, અડ્ડા લગાવી, લોકટોળાં બેસે છે, ને સામસામી છાવણીમાંથી ઊઠેલા લોકકવિઓ સામસામા અઢાર કલાકો સુધી જૂની વાણીની પટ્ટા-બાજી ખેલે છે ને જૂનું ખૂટી જતાં નવી કવિતા સ્વયંસ્ફુરણાથી રચ્યે જાય છે. “એ જ હકીકત છે મારા સૌરાષ્ટ્રના મેળાની, એવા એક મેળામાં, ગિરનારના શિવરાત્રિ મેળામાં, થોડાં વર્ષો પર હર સાલ બે-બે છાવણીઓ પડતી — એક મારા પોતાના ગામ બગસરાના મલ્લાંની, ને સામી એક બરડાની મેરાણી સ્ત્રીની, મલ્લાં મુસલમાન, ને મેરાણી હિંદુ. મલ્લાં મર્દ ને મેરાણી ઓરત : સામસામાં મંડાતાં, ત્રણ-ત્રણ દિવસ ને રાત સુધી સતત, પોતાની જગ્યા છોડ્યા વગર, દુહા ગાયે જતાં, ભૂખ લાગતી તો સાથીઓ ત્યાં ને ત્યાં દૂધ પાતા ને છેવટે કોણ જીતતું તે તો અહીં બેઠેલાં બહેનોને કહેવાની જરૂર નથી : વિજય તો સદા સ્ત્રીનો જ છે ને! મેરાણી જીતતી. “એવાંઓની વાણી લઈને હું તમારી પાસે હાજર થયો છું. તમને પુન: પુન: વંદું છું, તમારી ઉદારતા મને પાવન કરે છે.” આ જવાબને તેઓ જાણે પીતાં હોય એવી શાંતિથી સાંભળતાં હતાં. આ જવાબ દ્વારા મારી ને મારાં શ્રોતાઓની વચ્ચે એક ભૂમિકા ઊભી થઈ ગઈ, ને એ ઝાંખા તારાપ્રકાશમાં મેં નિહાળ્યા — અનેક ઉત્કંઠિત, પુલકિત, પારદર્શક પ્રેમલ યુવાન ચહેરાઓ. આસ્થા ને આદર તેમના ઉપર પથરાયાં હતાં. એક અજાણ્યા ગુજરાતીની આવડી મોટી ધૃષ્ટતા પ્રત્યે રંચ માત્ર તુચ્છકાર કે સંકુચિતતા એ ચહેરાઓ પર દીઠી નહિ. મારો ડર ગયો. j લોકવાણી પડકારે છે માનવભક્ષી મહાકાળને વ્યાખ્યાનો વગેરેનો સમય શાંતિનિકેતનમાં સંધ્યા પછીનો, પોણા સાતે ઉપાસના ખતમ થયા પછી આઠ વાગ્યે ભોજનનો ઘંટારવ થાય ત્યાં સુધીનો હમેશાંને માટે મુકરર કરેલો છે. આ એક સુખની વાત હતી. બે ઘંટારવોની પાળ વચ્ચે જ વ્યાખ્યાતાએ પોતાનું વક્તવ્ય વહેતું રાખવું પડે એટલે કોઈ ભાષણકાર લસણ લઈને લાગ્યો જ ન રહે, તેમ બીજી બાજુએ શ્રોતાઓ પણ રાતનું ભોજન પેટમાં ઠાંસીને કેવળ લહેરને ખાતર સાંભળવા આવી, ઝોલાં ખાતાં ખાતાં ન બેસે. પ્રમુખસ્થાનનો શિષ્ટાચાર પણ મારા સમારંભોમાં નહોતો રખાયો એટલે મારી જવાબદારી વિશેષ હતી. સવા કલાક સુધી મારે જ એકલાને પેટ ભરી બોલવાનું હતું, ને એ સવા કલાકનો સમય પરમ ગંભીર પળોનો બનેલો હતો, હળવોફૂલ હતો, મુદ્દાસર બોલવા ગાવા ને અંગ્રેજીમાં સમજાવવા માટે ગનીમત હતો. ‘ચીના ભુવન’ નામે ઓળખાતા ચીનાઈ વિદ્યાસંસ્કૃતિની ‘ચૅર’ માટે નિર્માણ પામેલા એ સુંદર મકાનનો મધ્યખંડ મને તો અનાયાસે મળેલા લાભ જેવો હતો. (કાયમી સભાગૃહમાં પરીક્ષાઓ ચાલતી હતી.) એ વ્યાખ્યાન-ખંડની દીવાલોએ ચારેય દિવસ સુધી મારા કંઠનું લાલન કર્યું, મને જરાકે શ્રમ ન પડવા દીધો. હિંદી કે બંગાળીમાં બોલવાનો કાબૂ ન મળે, એ થોડું શરમાવા જેવું હતું. બધું જ કામ મારે લગભગ પહેલી જ વાર અંગ્રેજી મારફત લેવાનું આવી પડ્યું. પણ મને લાગે છે કે આ વિદેશી ભાષાએ શાંતિનિકેતન ખાતે મને દગો ન દેતાં ઊલટાની કેટલીક સરળતા કરી આપી હતી. યુરોપાદિ દેશોના લોકસાહિત્ય પરનું અંગ્રેજી પુસ્તકોનું પરિશીલન મને આંહીં સારી પેઠે મદદ કરી ગયું. તા. 13મીની પહેલી સાંજરે પ્રારંભ કરતાં મેં મારી શ્રદ્ધાને જ આગળ ધરી કહ્યું કે — “આપણા કવિવરે દિન-પ્રતિદિન એક ભવ્ય સ્તોત્ર ગાયા કરેલ છે કે ‘અમૃતસ્ય પુત્રા: વયમ્’. આપણે માનવીઓ તો એ અજર અમરનાં, એ મૃત્યુહીનનાં સંતાનો છીએ. એ સ્તોત્રના સત્યનો સાક્ષાત્કાર મને લોકસાહિત્યમાં હંમેશા થયો છે. માનવ જાતિએ પોતાને અમર કરવા માટે, પોતાનો કોળિયો કરી જનાર કાળને સદા પડકાર્યો છે, મોત આપણને ભલે ખાઈ જતું, આપણે તો પેઢાનપેઢી આપણો જીવન જીવવાનો દૃઢાગ્રહ ધરાવ્યો છે, આ પારના જીવનને આપણે સત્ય માન્યું છે, એ જીવન પરનો કાબૂ આપણે છોડ્યો નથી. જીવન પરનો આપણો આ મોહ કોઈ કાયરનો, કે એદી-પ્રમાદીનો નથી. આપણે માનવોએ તો જીવનને બળવાન, ફળવાન અને શ્રીમાન અર્થાત્ સુંદર બનાવવાની અનંતાનંત તરકીબો કર્યા કીધી છે. કેવળ શક્તિનો સંચય નહિ, કેવળ ફળપ્રાપ્તિનો જ લોભ નહિ, પણ એ શક્તિને ને એ જીવન-ફળને રૂપે મઢવા અને રસે સીંચવા માનવીએ શું શું કરવું બાકી રાખ્યું છે! એ રૂપમંડિત શક્તિને તેમ જ એ રસસિંચી પ્રાપ્તિને માનવસમૂહે પેઢાનપેઢી પોતાનાં સંતાનોને વારસામાં આપ્યા જ કરેલ છે. ને એ રીતે માનવીએ કાળને ઠેકડીએ ઉડાવીને પોતાનું અમરત્વ નક્કર કરી કાઢ્યું છે. “તેમ જ કાળબળોએ જો માનવી માનવીને નોખાં પાડી ભેદો પર ભાર મૂક્યો છે, તો માનવીઓએ આ સુંદરતાના તત્ત્વ મારફત અન્યોન્ય વચ્ચેની યોજનપહોળી ને અંધારી ઊંડી ખાઈઓ પર સૌંદર્યના સેતુ બાંધ્યા છે, સહિયારાપણા ને સમાનતાનો મેળ મેળવ્યો છે. “લોકસાહિત્યનો પ્રધાન સૂર મને આ લાગ્યો છે : વૈવિધ્ય વચ્ચેથી એકતાનું તારણ, જટિલતા વચ્ચેથી સરળતાનું તારણ, ને સૌંદર્ય દ્વારા જીવનના અમરત્વની ઉપાસના. “અથોક અને અસંખ્ય એવી એ લોકવાણીનો, હજારો વર્ષોથી ગર્જતો આવતો જો આ પ્રધાન સૂર ન હોત, તો મેં એનું સેવન ન જ કર્યું હોત. પુરાતન વસ્તુઓના સંગ્રહસ્થાનમાં હાડપિંજરોના નિરીક્ષક લેખે કે પોતાની વાડીમાંનાં પતંગિયાને મારી મારીને પછી પોતાના ઘરની દીવાલ પર એનાં નિષ્પ્રાણ રૂપરંગની વિવિધતાનો નકશો બનાવનાર કોઈ ‘ટૉમી’ તરીકે કે દેશદેશાંતરની પુરાણી સ્ટેમ્પો એકઠી કરનાર કોઈ શ્રીમંતની ‘હૉબી’ કેળવવા માટે મેં આ લોકવાણીના મહાલયમાં બેસવું પસંદ ન કર્યું હોત. આ ગીતો ને કથાઓ, જોડકણાં ને હાલરડાં, ઉખાણાં ને કોયડા, કહેવતો ને કહાણીઓ, દુહાઓ ને ભજનો — એમાં મને પ્રતીત થયું છે જીવનબળ, જીવનની સ્ફૂર્તિ, અને આનંદની ઉપાસક એવી સંજીવન શક્તિ શોધવાની અથાક લગન. “અભણ અને અક્ષરજ્ઞાન વગરનાં માનવીઓ, સત્તા-જુલમોમાં ભુંજાતાં ને રૂઢિ તેમજ ધર્મઢોંગની વચ્ચે પિસાતાં માનવીઓ પોતાના જીવનક્રમની પ્રત્યેક ક્રિયાને, ગર્ભાધાનને, જન્મને, પારણે પોઢતી બાલ્યાવસ્થાને, ડગુમગુ પગ માંડતી પંગૂ-દશાને, આંગણાં તેમ જ શેરીઓમાં નાચવા-કૂદવાની ચેષ્ટાને, ભણતરને, પરણેતરને અને આખરે મરણને પણ ગીતો કથાઓમાં લાડ લડાવી વ્યક્ત કરે, કવિતામાં એ સર્વ સ્થિતિઓને ઉચ્ચારણ આપે — ને એક-બે કે પાંચ-પચાસ કે પાંચસો સાધનવંતો ને નવરાંઓ નહિ પણ લાખો-કરોડો ઘરેઘરમાં એનું કાવ્યોચ્ચારણ કરે, એકાદ-બે પ્રસંગો-સમારંભો પૂરતા જ નહિ પણ સેંકડો વર્ષોથી વહેતી જીવનની સમસ્ત ધારાને કાવ્યે ને કલ્પનાએ, રૂપકે ને ઉપમાએ, ગાને ને છંદે કે તાલે ને નૃત્યે નવતર તેમ જ નિરોગી રાખે — એને આપણે માનવ-કુલનું પરમ ગૌરવાન્વિત મહિમા-દૃશ્ય કેમ ન કહીએ?” આટલા પ્રાથમિક વિવેચન વડે મારા શ્રોતાસમૂહને મેં મારું લક્ષ્ય સમજાવીને પછી ગર્ભાધાનથી માંડી, પ્રસવનાં ગીતો, હાલરડાં, નચાવવા-કુદાવવાનાં જોડકણાં, શેરી-ગીતો, લગ્નગીતો વગેરે બારેક ગીતો ગાઈ બતાવ્યાં, ને તેના અર્થો કરતો ગયો. સ્ત્રીજનોને ને બાળકોને બેઠાં બેઠાં કે કૂદતાં કૂદતાં ગાવાનાં ગીતોના વિભાગોમાં શ્રોતાજનોને ફેરવીને મેં ‘સ્ટ્રીટ-સીંગર’ના અર્થાત્ આપણી શેરીઓમાં ને ગલીઓમાં, ઘરને ઉંબરે ને બહારવટિયાઓને ડુંગરે ટુકડો રોટીથી સંતોષાઈને ભટકતા રાવણહથ્થાવાળાઓના ગીતપ્રદેશમાં જરાક ડોકિયું કરાવી, સ્ત્રીઓનાં ગરબા-સાહિત્યને આરે આણી મૂક્યાં. સૈકાઓથી ચગદાતા-ભુંજાતા સ્ત્રીજીવનમાં એ ગીત-નૃત્ય ને કવિતાનું સુંદર શક્તિત્વ મૂકવા માટે પુરુષ પોતે જ કેવો કોડભર્યો રહેતો તે દાખવતું છેલ્લું ગાયું : ગોરી મોરી, આછા સાળુ ઓઢો જો, પરબતડી ભીડો તો દીસો પાતળાં રે લોલ. ગોરી મોરી, હળવે તાળી પાડો જો, હાથડિયા ચમચમશે ખંભા દુઃખશે રે લોલ. ગોરી મોરી, હળવે ફૂદડી ફરજો જો, ફેરડિયા ચડશે ને થાશો આકળાં રે લોલ. ગોરી મોરી, ઝીણા રાગે ગાજો જો, જશોદાનો જીવણ જોવા આવશે રે લોલ. એ ગરબા-પ્રદેશને બીજા દિવસ પર રાખીને મેં વાળુનો ઘંટ પડતાં પહેલી સાંજ ખતમ કરી. એ રીતે બે દિવસ હું નિયમિત રહ્યો તેની છાપ સારી પડી : મને કહેવામાં આવ્યું કે ‘કેટલાક પ્રખર વક્તાઓ, આંહીંનો સમય ન સાચવતાં આગળ ને આગળ ઝીંક્યે જાય છે ને શ્રોતાઓની સ્થિતિ વિકટ કરી મૂકે છે. એટલે તારી ચીવટ અમને ગમી છે’. પહેલી સાંજ પતાવી બહાર નીકળતાં જ મને ભિન્ન ભિન્ન પ્રાંતોના અધ્યાપકોએ તેમ જ વિદ્યાર્થીઓએ મળી મળીને જે કહેવા માંડ્યું તેનો મર્મ આ છે કે : અમારા કાન પર તારા આ લોકસ્વરો જાણે અમારા પોતાના હોય, ને અમે અમારી ભૂમિનાં પડમાંથી જાણે સદા સાંભળ્યાં જ કર્યા હોય તેવા લાગે છે. સ્વરો તો પોતાના લાગે છે તે સાથે આ ગીતોની રચનાઓ, મરોડો, ભાવસ્પન્દનો, ભાષામર્મો, ને ચિત્રોના પ્રકારો વગેરે બધું જ અમારું લાગે છે. છેક ચીનમાંથી આવેલા એક સ્કૉલર તે ટાણે શ્રી નંદબાબુને કહી રહ્યા હતા કે અમારી પેકિંગ યુનિવર્સિટી માટે આવાં દોઢેક હજાર ચીની લોકગીતોનો સંગ્રહ અમે કરાવ્યો હતો, પણ દુર્ભાગ્યે એક વિદ્યાર્થિની પાસેથી એની હસ્તપ્રત ગુમ થઈ ગઈ, ને હવે તો માત્ર ગ્રામોફોન રેકર્ડમાં ઊતરી ગયેલાં થોડાંક લોકગીતો હાથમાં રહ્યાં છે. વળતા દિવસે તો લોકસાહિત્યનાં પ્રેમીજનોનું કૂંડાળું પહોળાયું. આથમણી સાગર-પાળેથી ઊઠેલા સોરઠી લોકસૂરના પડઘા જાણે ઉત્તરાદા હિમાલયમાંથી ઊઠ્યા, ને દક્ષિણાદા આંધ્રમાંથીયે ઊઠ્યા. લોકસાહિત્યે મને એ દિવસે ત્યાં પહાડનાં બે બાળકોનો સંપર્ક કરાવ્યો. એક તો મને નિમંત્રણ મોકલનાર, તે વખતના સમ્મેલની-પ્રમુખ શ્રી ત્રિભુવન પાંડે, ને બીજાં એમનાં બહેનજી કુ. જયન્તીબહેન પાંડે. શાંતિનિકેતનમાં ભણતાં તેમ જ ભણાવતાં આ ગ્રેજ્યુએટ બહેને, પોતાની વાત કરી : પોતાનું ઘર આલ્મોડામાં છે. પિતાજી રાજકોટ રાજકુમાર કૉલેજના અધ્યાપક હોઈ બેઉ ભાંડુ સોળ વર્ષો સુધી તો સૌરાષ્ટ્રને ખોળે જ ખેલ્યાં ને ભણ્યાં છે. પોતે આલ્મોડા જાય ત્યારે સુંદર પહાડી, ગઢવાલી ને કુમાઉની ગીતો એકઠાં કરે, કુટુંબીજનોમાં આ ગીતો હલકાં લેખાય એટલે પ્રોત્સાહનને બદલે હાંસી જ સાંપડે, છતાં પોતે એ ગીતોના સૌંદર્ય પર શ્રદ્ધા રાખીને મોટી સંખ્યામાં સંગ્રહ કર્યો, પોતાને બીજાઓ તરફથી આ ગીતો પ્રસિદ્ધ કરવાનો ઘણો આગ્રહ છતાં પોતે વધુ નક્કર સંગ્રહ ન કરે ત્યાં સુધી પ્રકટ કરવાની ઇચ્છા થતી નથી ને પિતાજી હવે બેંગ્લોર તરફ રહે છે એટલે પહાડોની હિમાલય-ગોદમાં જવાનું સુલભ નથી વગેરે વગેરે વાતો કરીને એ બહેને, પોતાને ક્ષોભ થતો હોઈ, એક બંગાળી વિદ્યાર્થી પાસે આ ગીતો પૈકી કેટલાંક ગવરાવ્યાં. એ પહાડી સૂરોએ મારા અંતર પર જે વ્યથાયુક્ત સંજીવનીનાં નીર છાંટ્યાં છે તેનું વર્ણન હું અત્યારે કરતો નથી; હું તો શ્રી જયન્તીબહેને જે કહેલું તે દૃશ્ય જ કલ્પનામાં ગોઠવી રહ્યો છું, કે એક પહાડ પરથી એક પુરુષ ગાય, બીજા પહાડ પર ઊભેલ સ્ત્રી કે પુરુષ બીજી કડી ગાય, ત્રીજી ટૂકેથી ત્રીજું માનવી ટૌકી ઊઠે : પહાડોનાં કલેજાં જાણે ગળી પડે : હિમાલય પોતાની પુત્રીઓનાં ક્રંદનોમાં સાદ પુરાવે : એવાં એ નાનાં નાનાં કુમાઉની ગીતોના થોડા નમૂના, ખોબો ભરીને શ્રી જયન્તીબહેને આપ્યા તે આ રહ્યા — યો આયો ચૅત કો મહિના ઇજુ મેરી રોલી મેરી ઇજુકી બાંય્યું લટી છે મહિના માં ખોલી. [સાસરવાસી પહાડ-બાળા ગાય છે કે આ ચૈત્ર મહિનો આવ્યો. મારી મા રોતી હશે. માએ બાંધી દીધેલ લટોના મીંડલા મેં છ મહિને છોડ્યા છે. (સાસરીમાં દીકરીનું માથું જોવા-ઓળવા-ગૂંથવાની કોઈ પરવા નહિ કરે એ બીકે માએ લટો ન છૂટે તેવી ગૂંથેલી.)] ગાય ગોઠ બલ્દ ઘાંટ બાજન્ છૅ ટિન્ટિના માયા લાગી બારો માસા બાટુલી દિન્દિના [મહિયર-ઘરની ગાયોની ગમાણ (ગોઠ)માં બળદોની ડોકેથી ટિન્ટિન ઘંટડીઓ બજતી સાંભળું છું. ને બારે માસ ઘરની એવી માયા લાગી છે કે રોજેરોજ મને હેડકી (બાટુલી) આવે છે.] પંછી બાંશુ બારો માસા કપૂ બાંશુ જેઠ, હામી પરદેશ ઇજુ કબ હોલી ભેટ! [બીજાં પંખી તો દર મહિને આવે છે, પણ કપૂ નામની ચકલી તો ફક્ત જેઠમાં જ આવે. (કપૂ= કોયલ) હું તો પરદેશમાં છું, મા, મને ક્યારે એનો મેળાપ થશે?] પડી ગો બરફ પંછી હુંન્યું ઊડી જાન્યું ઇજુકી તરફ! [આ હવે બરફ પડ્યો છે. બધાં પંખી ઊડીને ચાલ્યાં જાય છે. હું યે પંખી હોત તો મા (ઇજુ) પાસે ઊડી જાત.] એ દીકરીનાં વિરહ-ગીત પછી એમણે મને આપણા દુહા જેવાં પહાડી કાવ્ય-મોતીડાં સંભળાવ્યાં. એમાંનાં ઘણાંખરાં તો પ્રેમ-કવિતાનાં મોતી હોય છે, ને પહાડે પહાડે સામસામા મળતા હોંકારાની માફક એ મોકળે કંઠે ગવાય છે : બેડુ પાકો બારો માસા, કાફલ પાકો ચૈતા મેરી છૈલા! [બેડુ (અંજીર) ફળ તો બારેય માસ પાકે છે, પણ કાફલ (એ નામનું કુમાઉ વૅલીનું મીઠું ફળ) તો ચૈત્રમાં જ પાકે છે, હે મારી છેલડી! (વહાલી!)] ભાંગી ભાંગી રીતુ બેની, પુજે દે મેરા મૈતા નેનીતાલા નંદાદેવી ફુલ ચઢુંની પાતી મેરી છૈલા! [એકની એક ઋતુઓ આવ્યા કરે છે; જેઠ મહિનો ગમતો નથી. મને મારે માવતર મોકલી દે, તો નૈનીતાલના નંદાદેવી મંદિરે ફૂલ ચડાવી શકીશ, હે મારા છેલ!] સુવા રીટો હાંગ ફાંગ મેં રીંટ્યું તેરા દિલમાં [તું રીટ્યે મેરા દિલમાં.] [સૂડલો (પોપટ) જેમ ખેતરમાં ને ઝાડની ડાળમાં ફૂદડી ફરે છે તેમ હું ય તારા દિલમાં ફૂદડી ફરું છું. (અથવા તું ય મારા હૈયામાં ફૂદડી ફરી રહેલ છે).] પ્રેમના ટળવળાટ-તલસાટને માટે આવું બંધબેસતું રૂપક આપણે પહેલી જ વાર લોકસાહિત્યમાંથી પામીએ છીએ. એથીય વધુ ચોટદાર રૂપક તો આજના ખાદીધારીઓને ગમે તેવું મળ્યું : કતુવા રીટી રીટી તુ રીટ્યે મેરા દિલમાં [હે પ્રિયા! તું મારા દિલમાં તકલીની માફક ફરે છે!] આતરેકી ગટી! અધીન-બટી મુંવે માલા પછીન-બટી લટી તેરી મેરી પિરિતા લાગી નાંછના બટી! [હે અત્તરની પૂંભડી! (અથવા હે ગાંજાની કળી! મારી પ્રિયતમા) તારા ગળાના આગલા ભાગમાં (છાતીએ) મગમાળા ઝૂલે છે ને પાછલા ભાગમાં (પીઠ પર) વેણી ઝૂલે છે. તારી ને મારી પ્રીત તો નાનપણથી જ લાગી છે.] j આવાં પાણીદાર ગીત-મોતીડાંનો સંગ્રહ પોતે જલદી સંપાદન કરે ને પોતાના ભાઈ શ્રી ત્રિભીની મદદથી તે પ્રત્યેકના દેવનાગરી પાઠની સામે અંગ્રેજી ભાષાન્તર પણ મૂકીને પ્રકટ કરે તેવો ખૂબ ખૂબ અનુરોધ શ્રી જયન્તીબહેનને હું કરતો આવ્યો છું, કારણ કે મેં એને કહ્યું છે કે સાત માળનાં મહાલયો પડી જશે તો ફરી બાંધી શકાશે પણ તૂટેલા એકેય ડુંગરાને કોઈ ઇજનેર ઊભો કરી શકવાના નથી. ફુવારા ચણી શકાશે પણ કુદરતી ઝરણાં તો એકવાર વિનાશ પામ્યાં તે સદાને સારુ, તેવી જ મિસાલે આ ગીતો જો ગુમાવ્યાં તો ફરી સાંપડવાનાં નથી. મારી દલીલો એ બહેનને ગળે ઊતરી છે ને આ રજામાં જ પોતે એ કામ હાથ પર લેવાનાં છે એવું જ્યારે એમના જેવાં જ્ઞાનગંભીરને મોંએથી સાંભળવા પામ્યો ત્યારે મેં એને મારી યાત્રાની એક મોટી સફળતા માની. સામાં હૈયામાં પડઘા ઊઠતા જોઈ મને મારા બીજા કાર્યક્રમમાં બેવડો ઉલ્લાસ પ્રકટ્યો. j સોરઠનું લોકસાહિત્ય બીજો દિવસ ‘ટેઇલ્સ ટોલ્ડ ઇન વર્સ’, ગીતોમાં, ખાસ કરીને ગરબા-ગીતોમાં, નિરૂપેલી જાતજાતની જીવનકથાઓનો હતો. તેનું વિવરણ કરતાં હું બોલેલો કે — “તે કાળનું જીવન-કૂંડાળું સાંકડું અને એકસૂરીલું હતું. એના પરિણામે તે કાળની આ લોકકવિતા, અમુક થોડા વિષયોના વર્તુલમાં જ પુરાઈ રહી સમાપ્ત થતી હતી, એ તો સ્વાભાવિક જ હતું. કારણ કે લોકકવિતા એટલે સત્યપરાયણ કવિતા : ‘સિન્સીઅર પોએટ્રી’. ખુદ અંતરમાં જેટલું અનુભવાય તેટલું જ કવિતામાં સીંચાય. અનુભવ વગરની બનાવટ એમાં પેસી શકતી નહિ. એટલે એ કવિતાનો ભંડોળ ભલે વિપુલ ન બન્યો. (ને કોને ખબર છે કેટલાંય ગીતો ગવાયા પછી કાળપલટાને પરિણામે અવાસ્તવિક ઠરીને કાળ-ભગવાનની ચાળણીમાંથી ચળાઈ ફેંકાઈ ગયાં હશે!) છતાં જેટલો એ ભંડોળ હાથમાં રહ્યો છે તે તો પેલી જીવનની સંકુચિતતાને હિસાબે ઘણો વૈવિધ્યવંતો ને બહોળો નથી શું? “એવું વૈવિધ્ય ને એવી વિપુલતા સોરઠી ગીતોમાં છે ને તે શાને આભારી છે? સોરઠના સંસ્કાર-વૈવિધ્યને આભારી છે. પુરાતનતાને ખોળે ઝૂલેલું સુરાષ્ટ્ર એક વાર શારદાનું મહાધામ હતું : મધ્ય યુગને ખોળે ખેલતું સોરઠ એક યુદ્ધક્ષેત્ર હતું ને છેક પંચસિંધુ સુધીની કૈં કૈં માલધારી, નેસવાસી, અરણ્યવાસી જાતિઓનું મહામિલનસ્થાન હતું. સાહસશૂરાઓનાં ઘોડલે ઘમસાણ, ગૌપાલકોના નેસડે ઘૂમતાં વલોણાં-શોર, હેડ્યુંના હાંકણહારાઓની વણઝાર-ઘંટડીઓ, દેશદેશાવરી સંતોના તંબૂર-રવ, ત્રિફરતી સાગર-પાળનાં વહાણવટાંએ ઠાલવેલા વિદેશી તેજાનાની જોડાજોડ દેશાવરી ગીતો-વાતોના અવિરત ઘોષ : એ સમસ્તની, આંહીં સંસ્કાર-ભાત પડી. તમારે આંહીં બંગાળાની સૌંદર્યભરપૂર ભૂમિની ભોંય પર જેમ સાવ સફેદ વસ્ત્રોની સુમેળવંતી ભાત પડી, તે રીતે, અમારી સૂકી ને સળગન્તી, રંગવિહોણી ને ભૂખરી સોરઠ ધરા પર રંગભરપૂર ભાતના ભડકલા ઊઠ્યા. જેવી ભોંય, તેથી ઊલટા જ ભરત, એ છે પ્રકૃતિનો નિયમ, ને એ છે પ્રકૃતિ-પાયો માનવ-સંસ્કાર. “પરિણામે સોરઠની ધરાને ખૂંદવા ઊતરી પડેલી જાતિઓના શોણિતપાત ગૌણ બન્યા, ક્ષીણ પડ્યા; મોખરે તો આવ્યા ને ઘાટા-ઘૂંટાયા પ્રેમશૌર્યના કસુંબલ રંગો. રૂઢિચુસ્તતાના કિલ્લા પર જ નવતર સંસ્કારના વજ્ર-હથોડા પડ્યા. જ્ઞાતિઓ હતી. તેમાં મારીને મુસલમાન કરવાને બદલે કે શેરા સાટુ શ્રાવક બનવાને બદલે વૈરીજનોની છાવણીઓ વચ્ચે જ આંતરજાતીય વિવાહના સંબંધો રોપાયા, પ્રેમમાંથી વીરત્વવંતી ઓલાદ નિપજાવવાની ઇચ્છાએ વટાળ થયા, અસ્પૃશ્યતાના રૂઢિરુંધ્યા સમાજ-જીવનમાં કોઈએ પણ ન શીખવેલી એવી મોકળાશ આવી. ચમાર રોઈદાસનો કુંડ અમારું જૂનું ગીરગામડું સરસઈ બતાવે છે. તુલસીશ્યામના હિંદુતીર્થ પાસે તાતા પાણીના પુનિત કહેવાતા કુંડો છે, તેમાં ઢેઢના કુંડની પાળ છો જુદી હો, નીર તો એ-નું એ જ છે. રૂઢિના આગ્રહી ‘દેવીપુત્રો’ કહેવાતા ચારણોની આઈ જાનબાઈના ખોળામાં આજે ય ઢેઢ-ઢેઢડીની ખાંભી છે. આઈ જાનબાઈના દેરડી ગામની વાવમાં પાણી ભરવાનો ટાળો (ભેદ) નથી કરી શકાતો. એક જ આરે સવર્ણો ને હરિજનો પીતા આવે છે, ને એક દિને સુગાનાર એક વૈષ્ણવ ગોંસાઈની ગરદન ખડી ગયેલી એવું લોકોમાં કહેવાય છે. “વગેરે વગેરે તત્ત્વોએ સાંકડા જીવનને વિપુલ તેમ જ કાવ્યમય બનાવ્યું ને લોકનારીએ માઝમ રાત ગરબે ઘૂમી ઘૂમી ગાયે રાખ્યાં — વીરત્વ અને દગલબાજી, વહુવારુઓની વેદનાઓ ને એ વેદનાઓમાંથી થયેલાં દીકરીઓનાં પરિત્રાણ, લંપટ રાજાઓને વાણિયણોએ સુણાવેલા ચંડી-શા જવાબો ને સ્વામીઓએ પોતાની પત્નીના અપહર્તાઓને પોતાનાં લીલવણી માથાં ચુકાવીને પતાવેલા હિસાબો.” એનાં દૃષ્ટાંતરૂપ ગીતો ગાયા પછીનો ત્રીજો વાર્તાલાપ ‘ધ બાર્ડિક લોર’, ‘ચારણી વાણી’, પર હતો. આ વિષય પર બોલવાની મને ખાસ ભલામણ કરનાર હિંદી ભુવનના આચાર્ય ને હિંદી સાહિત્યના પ્રખર વિદ્વાન શ્રી હજારીપ્રસાદજી દ્વિવેદી હતા. એમણે કહેલું કે આ ચારણ-સંસ્થા બંગાળ વગેરેમાં ન હોવાથી એ વિશેની પિછાન આંહીં નવી ને રસદાયી થઈ પડશે. મારા શ્રોતાઓને વિષય-પ્રવેશ કરાવતાં મેં તેમની સામે ત્રણ દૃશ્યો રજૂ કર્યાં: પહેલું દૃશ્ય : કૌમુદીઊજળી કોઈક રાત્રિ, શેરીનો ચોક, ચાલીસેક ચૂડલિયાણા હાથના તાળોટા, ચાલીસ પગના ઠમકા, વીસેય પાતળિયાં શરીરોના સ્ફૂર્તિ-ભરપૂર ગતિ-હિલ્લોલ; લહેરાતાં ગળાં, ને ગવાતું ગાન — કાં તો ‘મોરબીની વાણિયાણ’નું અથવા તો ‘તને રાજા બોલાવે, રંગભીલડી’ : તને રાજા બોલાવે, રંગભીલડી મારી મેડિયું જોવા આવ, રે રંગભીલડી! તારી મેડિયું જોઈ જોઈ શું કરું, માંરે ઝૂંપડાં સવા લાખ. — રે રંગ. તને રાજા બોલાવે, રંગભીલડી, મારા હાથી જોવા આવ. — રે રંગ. તારા હાથી તે જોઈ જોઈ શું કરું, મારે પાડા સવા લાખ. — રે રંગ. તને રાજા બોલાવે, રંગભીલડી, મારી મૂછ્યું જોવા આવ. — રે રંગ. તારી મૂછ્યું જોઈ જોઈ શું કરું, મારાં બકરાંને એવાં પૂછ. — રે રંગ. દૃશ્ય બદલે છે. ભાંગતી રાત છે. મહિનાની અજવાળી બીજ છે. એક ઓરડો છે. મૂંગાં મૂંગાં સ્ત્રી ને પુરુષો બેઠાં છે. ત્યાં કોઈ પ્રતિમા નથી, છે ફક્ત ઘીના દીવાની ઝીણી એક જ્યોત. બાર-પંદર ભજનોની ઝૂક બોલી ચૂકી છે. એ ઝૂક બોલાવનાર ઝાંઝ અને પખવાજ, કાંસિયાં તેમ જ મંજીરાંના ઠણકાર ખતમ થયા છે. બજે છે ફક્ત એક એકતારો ને એક જ જોડ મંજીરાં. ગાય છે એક સાધુ ને ઝીલે છે બીજાં સૌ, પણ અવાજ ગંભીર છે. એ ગાય છે શું? એકાદ આરાધ કે સમાધ — ગઢ ઢેલડી મોજાર સતી રે દાળલદે પાણી સંચર્યાં હો જી. રણસી ઘોડાં પાવા જાય અવળા સવળા રેવત ખેલવે હો જી. કોના ઘરની તું નાર, કિયા રે રાજાની તું તો કુંવરી હો જી. અમે છીએ જાતનાં ચમાર વેચીએ ગાયુંના અમે ચામડાં હે જી. ખંભેથી ઊડ્યો રે રૂમાલ જઈને પડ્યો રે સતીને બેડલે હો જી. ખીમડા સમાધું ગળાવ નુગરા માણસનો છેડો અડ્યો હે જી. ત્રીજું દૃશ્ય : કોઈ ગઢ કિલ્લા કે રાજપૂત ઠકરાતની દોઢી : દોઢીવાનોનો ઠાંસોઠાંસ દાયરો : પ્રભાતની કે નમતા બપોરની વેળા : કસુંબેભરી અંજલિઓ ને કૂંડાળે ફરતો હુક્કો : સામે બેઠો છે એક વાર્તાકાર, લાંબા હાથ કરે છે, કંઠને લહેકે નાખે છે, ને ગાય છે કોઈ જૂની કથા : 1 મતિ ફરી મંડળી કરી કાંધે ચડી કમત હતી નવસરડાં ધરે તે ગઈ તરક્કાં હથ્થ. સખર રે દેવળે ઘુમટ જ્યાં શોભતા મસીતાં હજીરા હુવા માથે. 2 મટી તળસી અને મોલ મરવા થિયા ખોઈ બાજી થિયો ખાખી, ગીત નરસી જઠે હરિગુણ ગાવતો આરબાં કલબલે રાત આખી. 3 હવેલી મેડીએ જાબદાયું હતી શેરીએ વળાકે ઝોક સીંડાં, વંકડા જઠે રજપૂત ફરતા વકર અલાળા ચૂસતા ફરે ઈંડાં. 4 હાથિયાં હજારાં ઘાટ પર હાલતાં પાટ જૂનો ગિયો પલમાં, ભાગવત વેદ જ્યાં જૂજવા ભણાતા કતીબાં વાંચતા ફરે કલબાં. 5 નાર ગરબે જડે રમન્તી નોરતે ડેણના ખપર જીં ફરે ડોલા, મેડીએ કીર જ્યાં રામ કે’તા મુખે, હજારું કબૂતર ફરે હોલા. 6 ગંગાજળિયા તણી નોબત્યું ગડડતી (ત્યાં) બંગાળા તણી ધ્રૂફાણ બાજે, ચડે નૈ નેસ ચારણ તણો ચોંપથી વધાવા મોતીએ થાળ વ્રાજે. 7 કોપ ચુડા ઘરે નાગબાઈએ કિયા તુંહારી કરામત કોણ તાગે, રાવ મંડળીકના પાટની રાણીયું મેડિયાં છોડ હટિયાણ માગે. ત્રણેય જુદા જુદા આ કાવ્ય-પ્રકારો, એક ને એક જ પ્રકારના કિસ્સાની તસવીરો ઉઠાવે છે. ત્રણેય ઘટનાઓ પરત્રિયા પર ઊતરેલી રાજાની કુદૃષ્ટિના છે. ‘રંગભીલડી’ના રાસડામાં ભીલડી રાજાની માગણીને મશ્કરીએ વધાવે છે ને એ કાવ્ય હળવી, સ્ફૂર્તિવંત શૈલીએ વહે છે. (જુઓ એને જ મળતું ‘મોરબીની વાણિયણ’.) બીજું દૃશ્ય વર્ણવતું ગીત તે સમાધનું ભજન છે — સેંકડો આતમવાણીનાં પદો માંહેનું એક — જેમાં પોતાના પર કૃદૃષ્ટિ કરનાર ‘નુગરા’ (‘ગૉડલેસ’, ‘અનહોલી’) રાજાની દૃષ્ટિ માત્રથી પોતાને ભ્રષ્ટ બનેલી માનનારી એક શિયળવંતી અછૂત નારી જીવતી દફનાઈ જવા માગે છે, ને એને ઘેર રાજા આવીને પોતાના ગંભીર દોષ બદલ ક્ષમા માગી, ‘નુગરો’ મટી, એ અછૂતના આધ્યાત્મિક પંથમાં જ દીક્ષા સ્વીકારે છે. એ કાવ્યનું સમગ્ર વાતાવરણ જ પરમ ગાંભીર્યને પાથરી રહે છે. એનો કાળ જ પાછલી નિસ્તબ્ધ રાત્રિનો છે. એના ગાંભીર્યમાં ભંગ પાડતાં તમામ તત્ત્વોને ચુપ કરી દેવામાં આવ્યાં છે. ત્રીજું કાવ્ય એ બેઉથી, શૈલીએ ને શબ્દે, ગાને ને છંદે, મિજાજે ને મરોડે કેવું જુદું તરી રહે છે! એ ય છે તો એક નારી પર કુદૃષ્ટિ નોંધનાર રાજવીને લગતું, છતાં તેમાં હાંસી નથી, ક્ષમા નથી, પાપનું શમન નથી, પણ શાપ છે. કુદૃષ્ટિ કરનારાનાં રાજપાટનો ધ્વંસ ચીતરાયો છે. હિન્દુ રાજ્યની હિન્દુવટ નષ્ટ થઈ જઈ તેને સ્થાને ઇસ્લામી ચક્રની પ્રતિષ્ઠા થઈ હોવાનો ગર્વભર્યો ચિતાર છે. એ થઈ ચારણ-વાણી, ને ચારણી સંસ્કારની એ એક વાનગી છે. પુંજેપુંજ વીરસાહિત્યની વાણીનો કર્તા એ ચારણ લોકકવિ હતો, વાર્તાકાર હતો, કિલ્લાની કૂંચીઓનો વિશ્વાસુ રખેવાળ (ગઢવી) હતો, બિરદાવનાર તેમ જ ફિટકારનાર હતો, સ્તુતિ તેમ જ નિંદામાં શૂરો હતો, પવિત્ર પણ હતો ને સ્વાર્થી પણ હતો, ગંભીર પણ હતો ને ગમ્મતી પણ હતો, દુષ્કૃત્યોમાંથી વીરોને વારનાર પણ હતો ને ઘણી વાર દુષ્કૃત્યોના કરવૈયાને પોતાની વાણી-શોભા વડે ઢાંકનાર પણ હતો. કેવી હતી તેની દુત્તાઈ! તેરમી સદીનો એક કિસ્સો : ધોળકાના વીર ધવલે વામનસ્થલી ભાંગવાનું વિરલ શૂરાતન બતાવ્યું તે દિને ચારણે બિરદાઈનાં દુહાનાં ફક્ત બે અધૂરાં ચરણો કહ્યાં : જીતીઉ છઉ જણેહ સાંભલી સમહરુ બાજિયત [એ છ જણાએ જીત કરી છે એવું સાંભળીને સમરભોમ ગાજી ઊઠી.] બાકીનાં બે ચરણોની પૂર્તિ બીજા પ્રભાત પર રાખીને ચારણ ઉતારે ગયો. ત્યાં સુવર્ણની થેલીઓ લઈ લઈ કૈક યોદ્ધા એક પછી એક છાનામાના આવ્યા ને વિનવતા ઊભા : ‘કવિરાજ, એ છમાં મારું એક નામ મૂકશો?’ તો કહે કે ‘હા બાપ!’ સૌને એમ કહી, પ્રત્યેકનું દ્રવ્ય પડાવી, પછી વળતા દિવસે ચારણે વીરધવલના દરબારમાં દુહાની પૂર્તિ આ રીતે કરી — દુઈ ભુજ વીર તણેહ ચહુ પગ ઉપર વટ તણે [કયા છએ વિજય કીધો? બે તો વીરધવલના ભુજ, ને ચાર એના અશ્વ ઉપરવટના પગ : એમ મળીને છએ.] સાંભળીને ચારણને છૂપી રુશ્વતો દેનાર ભોંઠા પડ્યા. તેમણે ચારણને આમ દોંગાઈની રીતે પણ સત્યપરાયણ રહેવા બદલ ફરીથી બક્ષીસો દીધી. એની કાતિલ કટાક્ષ-કટારીનો વર્તમાન દાખલો દઉં : કોઈ ઠાકોરને ઘેર ચારણ મહેમાન આવ્યો છે. રાત્રિએ ઠાકોર અને કવિ ભોજન કરવા બેઠા છે. દૂર બેઠેલ ચારણની તીણી આંખોએ જોઈ લીધું કે પીરસવામાં ભેદ રખાયો છે. ઠાકોરની થાળીમાં મુરઘી રાંધેલી મુકાઈ છે, પોતાને જરીય ભાગ મળ્યો નથી! “આહાહાહા!” એણે ભોજન લેતાં લેતાં ઉદ્ગાર કાઢ્યો : “શી પ્રભુની લીલા! એ લીલાનો કોઈ પાર પામી શક્યું છે!” “અરે પણ ગઢવા, છે શું?” યજમાન ઠાકોર પૂછે છે. “બીજું તો શું, બાપ!” ચારણ કહે છે : “જુઓને! આ કૂકડી! સાંજ સુધી તો ફળીમાં હડિયું કાઢતી’તી. કોઈના હાથમાં આવતી નો’તી. ને અટાણે, આટલી વારમાં તો એની કેવી અવસ્થા થઈ! ઈ તમારી થાળીમાંથી ઠેકીને એને આટલે જ ઓરે, આંહીં મારા ભાણામાં આવવાની ય તાકાત રહી છે! ઓહોહો! શી લીલા હરિની!” એ રીતે એણે ઠાકોરની પટકી પાડેલી. એમ એના ભૂતકાળમાં તમે ચાલ્યા જાઓ તો, એના સત્યવક્તૃત્વની, એના પુણ્યપ્રકોપની ને ચડાઉવેડાની કૈક ઘટનાઓ સાહિત્યમાં માલૂમ પડશે. એ સાહિત્ય પુરાતન છે. કેમકે ચારણ પુરાતન છે. એ નામનું ઋષિકુળ રામાયણમાં ઉલ્લેખાયું છે, એ નામ જૈન શાસ્ત્રોમાં એક દેવતાઈ જાતિનું છે. એની વાણીને આજે ડિંગળ કહે છે. ને ડિંગળ છે ‘પુરાની રાજપૂતાની’ નામથી ઓળખાતી સુવિશાળ ને સમૃદ્ધ ભાષામાંથી જન્મેલ નાદપ્રધાન મરોડવાળી ભાષાનું નામ. એ તો છે પુરાતન અપભ્રંશની વારસદાર. પ્રાકૃત અને અપભ્રંશમાં જે ચારણી વાણી રચાઈ હતી તેને યુગે યુગે કંઠોપકંઠ વધુ ને વધુ સુરમ્ય બનાવી અપનાવનાર ચારણ હતો. એના દાખલા હેમચંદ્રના પ્રાકૃત વ્યાકરણમાં પુષ્કળ જડે છે. આ રહ્યો : વાયસુ ઉડ્ડાવન્તીએ પિઉ દીઠ્ઠઉ સહસત્તિ અદ્ધા વલયા મહીહિ ગય અદ્ધા ફૂટ્ટ તડન્તિ [કાગડાને ઉડાડી રહેલી વિજોગણે એકાએક પિયુને વિદેશથી ઘેરે આવી પહોંચેલો દીઠો, પરિણામ? અરધાં બલોયાં (કંકણો) ધરતી પર ટપકી પડ્યાં ને અરધાં ફૂટી ગયાં.] મતલબ કે પિયુવિજોગે ક્ષીણ બનેલી એ પ્રિયાએ કાગડાને ઉડાડવા હાથ વીંઝ્યો, ત્યારે ચૂડીએ સરીને નીચે પડવા લાગી, પણ તે જ ક્ષણે પ્રિયતમને આવેલો દેખતાં જ ક્ષીણ દેહ હર્ષે ફુલાઈ ગયો, એટલો બધો હર્ષપ્રફુલ્લિત બન્યો, કે પડતી પડતી બાકી રહેલી ચૂડીઓ તો દુર્બળ હાથમાં લોહી ભરાઈ જતાં, સાંકડી પડી ને તડાક તડાક તૂટી ગઈ! એ જ દુહો જૂની રાજપૂતાનીમાં રમતો રમતો કેવો વધુ માર્મિક ને મરોડદાર બન્યો! — કાગ ઉડાવણ ધણ ખડી આયો મીન પીવ, ભડક્ક આધી ચૂડી કાગ-ગળ આધી ગઈ તડક્ક. [ધણ (નારી) કાગડાને ઉડાડતી ઊભી હતી. તેમાં પિયુ આવ્યો ને પોતે ચમકી. પરિણામે અરધી ચૂડી તો કાગડાના ગળામાં પરોવાઈ ગઈ અને અરધી તરડાઈને ભોંય પર પડી ગઈ.] j અમીર-આશ્રિત વીરપ્રશસ્તિની ગાથાઓ ને લોકાશ્રિત પ્રજાજીવનની ઊર્મિકથાઓ ચારણી વાણી બે પ્રવાહોમાં વહેંચાઈ ગઈ : એક પ્રવાહ રાજાઓ, ઠાકોરો અને યોદ્ધાઓનાં મોલમહેલાતો ને દરબાર કચારીઓ તરફ ચાલ્યો. બીજું વહેન વનવાસી, ગ્રામવાસી, પશુપાલ પ્રજાજનોને નેસડે-ઝૂંપડે ને નદીતીરે કે ડુંગરધારે રેલાયુ્ં. પહેલા પ્રવાહે વીર-પ્રશસ્તિની અત્યુક્તિભરી ઝડઝમકદાર કવિતા પેદા કરી, બીજા પ્રવાહે નેસડાંવાસીઓનાં પ્રેમશૌર્યને અને ઔદાર્યને કવિતાની ક્યારીઓમાં સપ્રમાણ સ્વાભાવિક સૌંદર્ય સાથે ઉગાડ્યાં. વીર-પ્રશસ્તિની ગાથાઓ ગાતો ચારણ રૂપકો, ઉપમાઓ વગેરે અલંકારો પર વધુ એકાગ્ર બન્યો. જ્યારે વનવાસી નેસવાસી જીવનની નજીક જઈ ઊભેલો કવિ લોકહૃદયોની આપદા, ઉરવ્યથા ને પ્રેમ-ઝંખનાનો ચિત્રક બન્યો. વીર-પ્રશસ્તિના ડીંગળી ભાષા-મરોડો કેવળ એ પ્રશસ્તિ ગાનાર ચારણ વર્ગની જ જીભ પર જડાઈ રહ્યા, અને ફક્ત ઠકરાતી અમીર વર્ગને જ રોમાંચકારી બન્યા, ત્યારે લોકજીવનના સર્વાંગી ઊર્મિધબકારમાં જીભને ઝબકોળનાર ચારણે અજ્ઞાન, અભણ ગામડિયાંને-ગોવાળોને ને કૃષિકારોને કંઠે પોતાની કવિતાના બોલ થનગનતા કર્યા. આજની પરિભાષામાં કહીએ તો એક બન્યું ‘એરીસ્ટોક્રેટીક’ સાહિત્ય ને બીજું બન્યું ‘ડેમોક્રેટીક’ સાહિત્ય. પહેલામાં અસંખ્ય અને અગાધ ‘હીરોઈક લોર’, શૌર્યવાણીના ખજાના ખડકાયા; બીજામાં જાણે કે લોકવાણીના કણકોઠાર ઉભરાયા. દાખલા તરીકે, સિંહનો શિકાર કરનાર એક કાઠી ઠાકોરને ચારણે આ રીતે બિરદાવ્યો. [ગીત અડતાળું] 1 શાવઝ આવિયો, રણ હુઈ શાવળ, પોરસેં અસવાર પાવળ, હુ હુ ઘોડાં મચી હાવળ, કડછીઆ ભડ કેક. 2 ઊકસેં અધપત આભ અડિયો, ઝોપ બગતર અંગ જડિયો, ચોંપસેં પ્રથીરાજ ચડિયો, લાવ લશ્કર લેહ. 3 કમસીય કોરંભ પીઠ કડકડ, ખડડ ઢાલાં : કડી ખડખડ : થડડ ઘોડાં : ભડાં થરહર : હાર વીરાં હૂઈ. 4 લૂણીંગ આયો સેન લીજે, કોપ ચકમક ચોળ કીજે, દોનું ચારક વેણ દીજે, ‘ઉઠ નાહોર! ઉઠ!’ 5 હૂબકે કઁઠ વાઈ હડહડ, ફાડ્ય ઝાડાં ફીણ હડહડ, ધણંપે આકાશ ધડહડ, રિયો સામો રૂઠ. 6 ઝબઝબીય સાવઝ ચાલ્ય ઝટપટ, અવડ ચવડાં ભાંગ અડવડ, વકટ બૂથાં હુવા વડવડ, વાઘ લૂણીંગ વીર. 7 સર ભારાથ સામો જોર કરિયો, ડાઢ નહોરાં નકે ડરિયો, ફડડ ઢગ હેક ધાય કરિયો, કાઠીએ કંઠીર. [1. ‘સાવઝ આવ્યો છે’ એવી રણની હાકલ પડી. અસવારો પૌરુષમાં — શૌર્યમાં આવી ગયા. ઘોડાંઓએ હુ હુ હુ હુ અવાજે હણહણાટ મચાવ્યા. કૈંક ભડવીરો લલકારી ઊઠ્યા. 2. અધિપતિ (પાલીતાણાના ગોહિલરાજ પૃથ્વીરાજ) ઉમંગ વડે જાણે કે આકાશને અડકવા લાગ્યો, અંગે બખ્તર જડ્યું. પૃથ્વીરાજ લાવલશ્કર લઈને ત્વરાથી ઘોડે ચડી ચાલ્યો. 3. યોદ્ધાઓના આ કસમસાટથી પૃથ્વીને ધારણ કરી રહેલ કાચબાની પીઠ કડકડી ઊઠી. ઢાલો ખડડ ખડડ થતી આવે છે. બખ્તરોની કડીઓ ખખડે છે. ઘોડાં થડેડાટ કરે છે. ભડવીરો થરહરે છે. વીરોની હાક વાગી. 4. લૂણો ખુમાણ સૈન્ય લઈને આવ્યો, ચકમકના ઘર્ષણથી લાલચોળ અગ્નિ નિપજ્યો હોય એવો કોપ કર્યો. અને એણે સિંહને બેચાર વચનો કહ્યાં કે ‘ઊઠ, ઓ નાહોર! ઊભો થા’. 5. સાવઝે હૂબક કરીને કંઠમાંથી ‘હડ હડ’ સ્વરની ગર્જના કીધી, જડબાં ફાડ્યાં, ફીણ કાઢ્યાં, આકાશ ધણધણી ઊઠ્યું. રોષિત બનીને સામે ખડો રહ્યો. 6. ઝબ ઝબ ગતિથી સાવઝે ઝડપ કરી, આડાંઅવળાં અંગ મરોડ્યાં. એ વાઘની અને વીર લૂણાની વચ્ચે વિકટ વઢવાડ થઈ. 7. ભારતમાં (યુદ્ધમાં) વીર લૂણીંગે સામું જોર કર્યું. સાવઝની દાઢોથી કે એના નહોરથી એ ન ડર્યો. કાઠીએ એ કંઠીરને એક જ ઘા વડે કડકડ ઢગલો કરી નાખ્યો.] કોસ હાંકતા કોસિયાને કંઠે, ગાયો-ભેંસો ચારતા નેસવાસીને ગળે કે રેંટિયો કાંતતી રમણીને હૈયે આ કૃતિ પહોંચી શકશે નહિ. રેંટિયાના સંગીત-સૂર સાથે તો ‘તેજમલ ઠાકોર’ નામનું એક છોકરીની શૌર્યગાથા વર્ણવતું ગીત જ સૂરો મેળવી શકશે. (એ ગીત મેં ગાઈ બતાવેલું.) ને ઢોર ચારતા ધીંગા વનવાસીઓ તો પેલી સો-સો દુહાબદ્ધ વાર્તાઓને જ વંશપરંપરા લલકારતા રહ્યા છે. (દૃષ્ટાંત દાખલ મેં શેણી-વિજાણંદની કથા ગાઈ સંભળાવી હતી અને તે કથાના માનવભાવોએ શ્રોતાઓમાં એક ઊંડી મર્મવેદનાને સ્પર્શ કરેલો તે હું જોઈ શકેલો.) અમીર વર્ગને રીઝવતા ડીંગળી ચારણ સાહિત્યમાં પણ લોકસ્પર્શી કાવ્યકણિકાઓ અનેક ઠેકાણે ઝલક ઝલક કરી ગઈ છે. દાખલા તરીકે, રાજપૂતાનાના સુપ્રસિદ્ધ બિરદાઈ દુરશા આઢાજીએ રાણા પ્રતાપને માટે ગાયેલા દુહા કોની છાતીએ નહિ ચોંટે! — અકબર ઘોર અંધાર (એમાં) ઘાણા હિંદુ અવર, (પણ) જાગે જગદાધાર પહોરે રાણ પ્રતાપશી. [અકબર રૂપી ઘોર અંધકાર ઊતર્યો, ને તેમાં બીજા તમામ હિંદુઓને મોહનું ઘારણ વળી ગયું. પણ એ અંધકારઘેરી અકબરશાહીની રાત્રિમાં, પહોરે પહોર આલબેલ દેતો એક-નો એક પ્રહરી પ્રતાપસિંહ જાગતો રહ્યો.] અકબર સમદ અથાહ (એમાં) ડુબાવી સારી દુણી, મેવાડો તિણ માંય પોયણ રાણ પ્રતાપશી [અકબર રૂપી અતાગ અતલ સમુદ્રે હિંદની સમસ્ત દુનિયાને ડુબાડી દીધી પણ મેવાડા પ્રતાપરૂપી પોયણું (કમલ) તો એ અકબરશાહીનાં અતાગ નીરની સપાટીની ઉપર ને ઉપર તરતું રહ્યું. છોને એના જુવાળ ચાહે તેટલા ઊંચા ચડે! પોયણું તો ઉપર ને ઉપર.] અને એ અમીર-આશ્રિત ચારણોએ કેટલી કેટલી વાર તો પોતાના આશ્રયદાતાઓને જ કલેજે બંદૂકની ગોળી-શા બોલ ચોડ્યા છે! રાજા માનસિંહે અકબરના સૈન્યને લઈ ઉદેપુર પર ત્રાટકી ત્યાંના પીચોળા તળાવમાં પોતાનાં ઘોડલાંને ઘેર્યાં (પાણી પાયું) તે વખતે એણે બડાશ મારી કે આખરે મેં પીચોળે ઘોડાં પાયાં ને! તે જ વખતે, ઘોડાં પીતાં હતાં તે જ પળે, એના સહગામી ચારણે સાફ સુણાવ્યું : માના આંજસ કર મતી, (તું) અકબર-બળ આયાહ; પાતલ પીચોળે પવંગ પાણી બળ પાયાહ. [હે માનસિંહ! શેખી ન કર, તું તો આંહીં અકબરના જોરે આવી શક્યો છે, જ્યારે પ્રતાપે તો કેવળ પોતાના ભુજ-બળે આ પીચોળામાં પોતાના પવંગ (ઘોડા)ને પીવાડેલ હતા.] એવી મર્મોક્તિઓનો તો કોઈ શુમાર નથી રહ્યો રાજસ્થાની ચારણ-વાણીમાં. એ વાણીએ પોતાની તાકાત સંસ્કૃત કવિઓની કવિતામાંથી, એનાં રૂપકો-અલંકારોના અનુકરણોમાંથી નહિ પણ પ્રાકૃત ને અપભ્રંશ સમી સ્વાધીન વિકાસ સાધનારી જનતાની વાણીમાંથી મેળવી હતી. કમભાગ્યે તે પછી ઉતરોત્તર ચારણ વ્રજભાષાની તકલાદી કુમાશના પ્રભાવ તળે સરતો ચાલ્યો, ને એને સંસ્કૃત અલંકારોનું ઘેલું લાગ્યું. એની કવિતા ઉતરોત્તર નિજત્વને — પોતાપણાને — ગુમાવતી ગઈ. એ કેવળ સભારંજક શબ્દચાલક બન્યો. એની વાણી ધરતીની સુવાસને છોડી સંસ્કૃત વાણીવિલાસની સ્પર્ધામાં ઊતરી ગઈ. એણે કેવળ એકના એક પ્રકારોના અલંકારબંધોમાં કવાયત કર્યા કીધું. લોકજીવનને ગ્રામપંથે પળેલા લોકાશ્રિત ચારણી વાણીપ્રવાહે પોતાનો દોર ન ગુમાવ્યો. એણે વિષયોની પસંદગીમાં જેમ આહીર, ગોવાળ, ચારણ, રાજપૂત, મહિયા ને હાટી ઇત્યાદિ રસીલાં ને બહાદરિયાં લોકોની ઘટનાઓ લીધી, તેમ એણે અલંકારોની ખોળ પણ એનાં પોતાનાં હૈયામાંથી નૂતન, ભૂમિગત, તળપદા તોરથી જ કીધી. એટલે જ વાઘેર વીરના મોતને એણે આવું મહિમાવંત આલેખ્યું — ગોમતીએ ઘૂંઘટ ઢાંકિયા, (ને) રોયા રણછોડયરાય; મોતી હતું તે રોળાઈ ગયું, માણેક બરડામાંય. [મૂળુ માણેક મુવો ત્યારે ખુદ દ્વારકાની પુનિતનીરા નદી ગોમતીજીએ માતાની મિસાલ મોં પર ઘુંઘટ ઢાંકીને વિલાપ માંડેલા. ને રણછોડરાય પ્રભુ પોતે રડેલા...] ને એ જ વીરનું અટંકી અણનમપણું આ ચારણને હાથે છેક જ નવીન, સંસ્કૃતમાં કદી ન જડે તેવી, ખૂબીદાર તળપદી વર્ણન-કલાને પામ્યું — મૂળુ મૂછે હાથ (ને) તરવારે બીજો તવાં. હત જો ત્રીજો હાથ (તો) નર અંગ્રેજ આગળ નમત. [મૂળુ માણેક અંગ્રેજ સરકારની આગળ કેમ કરીને નમે — સલામ ભરે? એનો એક હાથ મૂછે તાવ દેવામાં રોકાઈ ગયો છે ને બીજો હાથ તરવારની મૂઠ પર ચોંટ્યો છે. હા, જો ત્રીજો હાથ હોત એને, તો જ એ અંગ્રેજ સરકાર પાસે નમી શરણાગતિ પોકારી શકત.] આવું તળપદાપણું, આવો અણિશુદ્ધ નિજભોમનો સંસ્કાર જ થોકબંધી એવી પ્રેમશૌર્ય-ગાથાઓને સરજાવી ગયો છે કે જે ગાથાઓના દુહાને પોતાની જીભ પર ન રમાડનાર ભાગ્યે જ કોઈ ગ્રામમાનવી હતું. નાનાં ને મોટાં, નર ને નારી, સૌ એ દુહા લલકારતાં — પહાડની એક બીજી ટૂંકો પરથી, ઝરણાંને સામસામે તીરથી, મેળાઓની મેદની વચ્ચે, કે હોળી-જન્માષ્ટમી જેવી લોકપર્વણીનાં જનજૂથોમાં જઈને. એ દુહા નાથ અને જોગી ગાતા, ભવાયા ને ભાંડ ગાતા, કણબી ને ઢેઢ તૂરી ગાતા, વાણિયા ને બ્રાહ્મણો ગાતા. એ દુહામાં દોસ્તો દોસ્તોના મરશિયા ગાતા, માતા પુત્રના મૃત્યુ પર રડતી, ને આત્મજ્ઞાની સતાર-તંબૂરાના તાર પર ગાતો. એ દુહાનું ગાન પચરંગી મેદનીનુંય હતું, ને એકલવાસી જખમી દિલોનું યે હતું, એ દુહો સર્વનો ને સર્વ કાળનો સાથી હતો. એના સરજનહાર શાયરો ચારણો હતા તેમ મીરો ને મોતીસરો પણ હતા, કદાચ કોઈ ગોવાળો કે ખેડૂતો પણ હશે, પણ એનું આદ્ય કવિત્વ તો ચારણે જ ઢાળ્યું હતું. j આમ ચાર વ્યાખ્યાનોને ખતમ કર્યા પછીની પાંચમી સંધ્યા મારે માટે ભારી ધૃષ્ટતાથી ભરેલી આવી. કેમકે એ સંધ્યાએ મારે ‘લોકસાહિત્ય : એક જીવન્ત શક્તિ’ એ નામ નીચે મારાં પોતાનાં જ ગીતો ગાવાનાં હતાં. લોકસાહિત્યના પરિશીલને મને પોતાને જે ભાષાબળ તેમ જ ઊર્મિબળ પૂરું પાડ્યું હતું તે બતાવવા માટે મેં કેટલાંક ગીતો ગાયાં : ‘તારે આવડી લાલપ ક્યાંથી રે મારા લાડકડા હો લાલ’, ‘આવજો, વહાલી બા’ અને ‘સોના-નાવડી’ એ બે ટાગોરની કૃતિઓના અનુવાદો, ‘કસુંબીનો રંગ’ અને છેલ્લું ‘ઘણ રે બોલે ને એરણ સાંભળે’. છેક કૂણામાં કૂણા ભાવથી લઈ આધુનિક યુગના પીડિતપોકાર પર્યંતના મેદાનમાં રમનાર એ ભાવોના મેં કરેલા આ પ્રયોગોને મારા શ્રોતાજનોએ એક જ સરખી ઉદારતાથી સહી લીધા. (માણ્યા એમ કહું તો પણ વધુ પડતું નથી). j છેલ્લો દૃષ્ટિપાત નાનું બાળક નદીમાં પાંચીકા વીણે તેમ હું યે થોડાં વેરણછેરણ સ્મરણો વીણું છું. મલબાર બાજુના દૂર દક્ષિણાદા પ્રદેશના યુવકો એક વાર મળ્યા ને આ સોરઠી સ્વરોની તારીફ કરવા લાગ્યા ત્યારે મને એના વતનની અને મારી જન્મભોમ વચ્ચે કડી જોડતી એક દુહા-જોડી યાદ આવી ને મેં સંભળાવી : ઝૂક્યો ન દેખ્યો પારધી, લાગ્યો ન દેખ્યો બાણ; હું તુજ પૂછું હે સખી! કિસ વિધ નીકસ્યો પ્રાણ! નીર થોડો ને નેહ ઘણો, મુખસેં કહ્યો ન જાય, તું પી! તું પી! કર રહે દોનું છંડે પ્રાણ. બે સખીઓ હતી. વેરાનમાં ચાલી જતી હતી. કાળો ઉનાળો, ક્યાંય પાણી ન મળે; એક ઠેકાણે ફક્ત એક જ નાનું ખાબોચિયું, જેમાં થોડુંક જ જળ જોયું. એ ખાબોચિયાને કિનારે એક હરણ ને એક હરણીનાં તાજાં જ શબો સૂતેલાં દીઠાં. એક સખી પૂછે છે : હેં બેન! આંહીં કોઈ શિકારી ઝૂક્યો હોય તેવા તો સગડ નથી કે નથી આ બેઉ હરણાંનાં શરીર પર તીર લાગ્યાની એંધાણી. તો આના પ્રાણ કઈ રીતે ગયા હશે! જવાબમાં બીજી સખી બોલે છે કે બેઉ પ્રાણી તરસ્યાં હશે. ક્યાંય પાણી નહિ મળ્યાં હોય. આંહીં આવીને બેઉ જોઈ રહ્યાં હશે, કે પાણી તો થોડુંક જ (એક જણને જીવતું રાખી શકે તેટલું) છે, ને અંતરમાં એકબીજાને સ્નેહ ઘણો બધો છે, કહેવું હશે બેઉને, કે તું પી, તું પી. પણ કહેવાની વાચા તો નહોતી. એટલે બેઉ સામસામાં ઊભાં રહી, કેવળ આંખોથી જ એકબીજાને ‘તું પી! ના, તું પી!’ એમ કહેતાં કહેતાં ઊભાં થઈ રહ્યાં ને છેલ્લે બેઉએ વગરપીધ્યે જ પ્રાણ છોડ્યા. આ કિસ્સો તમારા મલબાર તરફની લોકવાણીમાં પણ છે. પણ એને તમારી વાણીમાં કેટલું ખૂબીદાર સ્થાન મળ્યું છે, જાણો છો? એ લગ્ન-ગીત છે, ને એનો ભાવ આ છે કે લગ્ન વખતે, કન્યાને વિદાય દેતો પિતા મલબારી જમાઈને કહે છે કે ‘હે યુવક, મારી પુત્રી એક એવા પ્રદેશમાંથી તારી સાથે તારી જીવન-સહચરી બનીને આવે છે, કે જે પ્રદેશમાં એક હરણ-યુગલે આ રીતે પ્રાણ છોડેલા.’ સાંભળીને એ વિદ્યાર્થી યુવકોની આંખોમાં અશ્રુ ડોકાયાં હતાં. j શાંતિનિકેતનની નજીક એ પ્રદેશનાં આદિવાસી સાંતાલોનાં નાનકડાં, રૂપાળાં, સુઘડ, ગામડાં આવેલાં છે. ‘દીઠી સાંતાલની નારી’ એ મારા ટાગોર-અનુવાદનું સ્મરણ કરાવતી કાળી સાંતાલ-નારીઓ રોજ સંધ્યાએ, બોલપુરની બજારે મજૂરી કરીને પાછી વળતી, ને કવિવરના નિવાસ ‘ઉત્તરાયણ’ને ઘસીને ચાલી જતી. એ પોતાના સૂર ટૌકતી ન હોય એવી એક પણ સંધ્યા મારી નહોતી ગઈ. એ શું ગાતી હતી? માલૂમ નથી. મને કહેવામાં આવ્યું છે કે સાંતાલોની પાસે એ એક — ફકત એક જ — સૂર-ટૌકાર છે, વૈવિધ્ય નથી. પણ વધુની જરૂરેય નહોતી. એ એક જ સૂર તેમના પ્રાણમાં સભરભર હતો. એ એક જ સૂર તેમના સમસ્ત આંતર-જીવનનો અરીસો હતો. પછી એમનાં નૃત્ય-ગીત સાંભળવા માટેની એક સંધ્યા ગોઠવાયેલી ત્યાંથી પાછા વળતાં એ સૂરનું ચિરસ્મરણ રખાવે તેવો એક સોરઠી મળતો સૂર મને યાદ આવ્યો : મારી સાસુએ એમ કહ્યું કે કોડમાં દીવો મેલ્ય, મેં ભોળીએ એમ સુણ્યું કે સોડમાં દીવો મેલ્ય — સૈયર! મેંદી લેશું રે. બીજું સ્મરણ બે ચીના વિદ્યાર્થીઓનું સંઘરી લાવ્યો છું. એક આવીને, મને પૂછી પૂછી આપણા લોકસાહિત્ય વિશેની ઘણી વિગતો પોતાની પોથીમાં ટપકાવી ગયા. બીજાએ આવી, જે વિનય કર્યો, જે સ્મિતો વેર્યાં, ને જે વાતો કરી, તેમાંથી ચીનાઈ સંસ્કૃતિની પહેલી જ વાર ફોરમ લાધી. (કેમકે આજ સુધી તો આપણે ગામે ગામે કાપડની ગાંસડી વેચવા આવતા ખડતલ ચીનાઓને દેખતાં વાર ‘ચીના મીના ચ્યાંઉ ચ્યાંઉ, અરધી રોટલી ખાઉં ખાઉં, ને નિશાળે જાઉં જાઉં!’ એવી ભઠામણીનો જવાબ વાળતી થોડી રમૂજભરી ને થોડી દાઝેભરી કતરાતી આંખો સિવાય કોઈ પ્રકારનો પરિચય જ ક્યાં હતો!) સીંગાપોરથી આવેલ આ યુવક, ત્યાં મોટું ‘બીઝનેસ’ કરતા એમના પિતાજીની પાસે ચાર મહિના પછી જઈને ધંધો સંભાળનાર હતા. મેં તેમને વિનોદમાં પૂછ્યું : “જઈને હવે તો પરણી લેશોને?” એણે જવાબ વાળ્યો : ના જી, પરણું તો કેમ કરીને? ચુન્કીંગથી અમારી રાષ્ટ્રીય સરકારનો આદેશ આવે તો મારે તુરત જ યુદ્ધમાં જોડાવા ચાલ્યા જવાનું થાય. ને પછી જીવનના તો શા ભરોસા, એટલે લગ્ન-સંસાર માંડવાનું જોખમ હું કેમ જ ખેડું?” આ જવાબમાં કશી જ ડંફાસ નહોતી. એની તમામ વાતોમાં જે સ્વાભાવિકતા, જે સાહજિકતા વહેતી હતી, તે જ આ જવાબમાં અંકિત હતી. મેં એને કહ્યું કે મારા ‘ફૂલછાબ’ સાપ્તાહિકનાં પહેલાં પાનાં પર કેટલીય વાર અમે ચીનાઈ યુદ્ધનાં દૃશ્યો મૂકેલ છે. ચીનાઈ માતાની તસવીરો સાથે તેમનાં આક્રંદની કલ્પનાવાળું કાવ્ય પણ મૂકેલ છે — એ કાવ્ય મેં ‘એકતારો’માંથી કાઢીને એને સંભળાવ્યું — મને મારનારા, ગોળી છોડનારા, એને ઘેર હશે મારા જેવી જ મા, એ હરેકને ધોળુંડાં ધાવણ પાઈ ઉઝેર્યાં હશે હૈયા-હીર સમાં. કવિઓની કવિતામાં ગાયું હશે એણે, માટીને પૂજી હોશે કહી ‘મા’. એ મને ય જો અંતરિયાળ મળે તો બોલાવે કહી ‘તમે કોણ છો, મા?’ છો સંહારે ચડ્યા આજે પેટને કારણ, એક જ વાત સે’વાય છે ના, — એને મોતને પંથ ચડાવણ જીભ બોલે છે : ‘મારો મારો! માગે છે મા!’ એના જવાબમાં એમણે કાગળ લખ્યો કે — It is very fortunate for me to meet you this morning and I beg to thank you for your kind interview, valuable advice and autograph presented to me and I shall remember them for ever and ever. I also thank you very much for your sympathy and kindness to my country and I shall carry these with me when I return to Singapore and China to all my countrymen. Your great and noble work have been highly respected by all the communities I have great pleasure to enclose herewith a copy of the pamphlet which describes the visit of His Excellency Tai Chi-Tao to Santiniketan. This is my personal copy and I beg to present it to you along with a photo of mine. Best wishes for your long life and happiness. Long live the National Congress of India! Long live the Republic of China! I remain, Yours very respectfully, Gee Tsing Po આ પત્ર આંહીં ઉતારવાનો હેતુ મારી અહંતાને ગલીપચી કરાવવાનો નથી (અથવા હોય તો પણ અસંભવિત નથી. માનવીનું ગુપ્ત મન અપાર નબળાઈઓને સંઘરી રહ્યું છે) પણ એક ઉન્નત પ્રજા પોતાના પીડન-કાળમાં એક નાની-શી સહાનુભૂતિને પણ જે કુમાશથી વધાવે છે તે બતાવું છું. ને મેં આજ સુધી જેને કેવળ તસવીરોનાં દીઠી હતી તે કલ્પનામાં કંડારી હતી, તે ચીનાઈ માતાનો પણ પ્રત્યક્ષ સાક્ષાત્કાર કરાવનાર આ બંધુ બન્યા. ચીના-ભવનના અધિષ્ઠાતા પ્રો. તાન યુન-શાનને ઘેર ચા-પાણી ગોઠવાયાં. યુવાન ગૃહિણી પોતાનાં, એક ધાવણું ને બે નિશાળે ભણતાં, નાનકડાં ભૂલકાંને લઈ આખો વખત ઊભી રહી. એ પણ ચીનની ગ્રેજ્યુએટ છે. એના આરોગ્યના અરીસા સમા મોંને માનવતાનું પ્રેમી એક અવિરત સ્મિત ગુલાબની પાંદડીએ મઢી રહ્યું હતું. એ હાસ્ય જ એની વાણી હતું. ને એ પ્રોફેસરને નિહાળીને મને નિરભિમાન પાંડિત્યનું દર્શન લાધ્યું. પાંડિત્યને તો પોતે, એક સુશીલ નારી પોતાના રૂપને જે રીતે લજ્જાના આવરણે ઢાંકેલું જ રાખે તેમ એ ઢાંક્યું રાખતાં હતાં. એણે વિદ્વત્તાની એક પણ વાત ઉપાડી નહિ. ચા, લીચુ ને પાંઉ વગેરે મને ખવરાવવામાં જ એનું ચિત્ત હતું. છતાં જેમની પાસેથી એક જ્ઞાન તો હું જરૂર લઈ આવ્યો, કે લીચુ એ તો ચીનાઈ ફળ છે! પ્રોફેસરે મને એની તસવીર આપી. ઉપર ચીનાઈ અક્ષરોમાં પોતાનું નામ આલેખ્યું. હું એક અફસોસ લઈને પાછો ફર્યો, કે સર્વ ચીના વિદ્યાર્થીઓની, શ્રી ગીએ ઇચ્છેલી ને ગોઠવવા ધારેલી મિજબાનીનો મને મોકો નહોતો. તેમની સૌની સાથે કલાકો સુધી ગોષ્ઠિ કરીને તેમની માતૃભૂમિના આધુનિક પરાક્રમની પિછાન કરવી રહી ગઈ. આખા હિન્દ તેમ જ સાગરપારના વિદ્યાર્થીઓનું સૌથી વધુ આકર્ષણ કરી રહેલ કલાભવનમાં શ્રી નંદબાબુએ પોતાની નવી ને હજુ અપ્રકટ એ અર્જુનની મોટી ચિત્રકૃતિની સમીપ મને ઊભો રાખીને, અંદર ચળાઈને આવતા શીળા પ્રકાશમાં જે શાંત સુગંભીર શબ્દોમાં એકાદ કલાક સુધી આધુનિક વ્યક્તિજીવનની કેટલીક તત્ત્વાલોચના કરી સંભળાવી તે પણ અવિસ્મરણીય છે. ને વધુ યાદગાર તો એમના આ શબ્દો છે : ‘તમને નથી લાગતું કે આ વાતો આપણે આ ચિત્રની સાક્ષીએ કરેલ છે તે પણ સાંકેતિક છે?’

પોતાને ઘેર તેડું કરીને પોતાનાં ચિત્રો એમણે બતાવ્યાં તેમાંનું એક હતું એક વૃક્ષનું. વૃક્ષના ઝુંડની પાછળ એમણે તારાઓનું ઝૂમખું મૂક્યું છે. આકાશના તારાઓ જાણે કે પૃથ્વીના વૃક્ષને ફૂટેલાં ફૂલો હતાં! મારા માટે ખાસ તૈયાર કરીને મને ભેટ કરેલું ફાગણ માસ (મારી યાત્રાનો માસ)ના પાનખર્યા ખાખરાનું કેસૂડે શોભતું વૃક્ષ-ચિત્ર કેટલું પ્રાસંગિક ને સૂચક હતું! (ને માનપત્રની સંધ્યાના ઝાંખા દીપકમાં અંધ સંગીત-વિદ્યાર્થીએ ‘શૂકન પાતા’ ગાયેલું તે ય મને મેળવંતું લાગેલું. જીવનના વૃક્ષ પર હું યે જાણે સૂકલ પાંદડું બન્યે જતો હોઉં એવો એનો ધ્વનિ હશે!) છેલ્લે ત્રણ વ્યક્તિઓને યાદ કર્યા વગર આ સંસ્મરણો જંપશે નહિ. એક તો મારા પ્રત્યેક સમારંભમાં છાનામાના આવીને બેસનાર યુવાન [કૃષ્ણા] કૃપાલાનીજી (કવિવરનાં પુત્રીના જમાઈ) જેમનો ને મારો પ્રત્યક્ષ મેળાપ ન થવા છતાં જેમની સહૃદયતા અછતી નથી રહી; બીજા વયોવૃદ્ધ શ્રી અધિકારીજી, મૂળ બનારસ હિંદુ યુનિવર્સિટીમાં દર્શનશાસ્ત્રના અધ્યાપક ને હવે પોતાને સખા તુલ્ય ગણનાર કવિવરના આગ્રહથી શાંતિનિકેતન આવીને એ વિષયને સંભાળી લેનાર : એક વૃદ્ધ દાર્શનિકમાં ગુજરાતી લોકસાહિત્ય અખૂટ રસ ઉત્પન્ન કરાવી શક્યું તેનો મને અચંબોય થાય છે, ને તેની સમજ પણ પડે છે. તત્ત્વજ્ઞાન પણ ધરતીના જ પ્રાણોચ્છ્વાસ છે ના! પૂરી ચીવટ રાખીને શ્રી અધિકારીજી મારું વ્યાખ્યાન ક્યારે ગોઠવાય છે તેની પૂછપરછ કરીને અચૂક હાજર રહેતા ને બહાર નીકળી મારી પીઠ થાબડતા. એમની પુત્રીને એક ગુજરાતી સાથે પરણાવેલાં છે એ એમના આ આકર્ષણનું એક વધુ કારણ હતું. ને છેલ્લા યાદ કરું છું જ્ઞાનગંભીર શ્રી ક્ષિતિબાબુને. પુરાતન સંત-વાણી અને સંત-વૃત્તાંતોની શોધમાં સારો દેશ ઘૂમનારા, સંત-જમાતોમાં બેસનારા એ પોતે પણ એક ‘બાઉલ’-શા બની રહ્યા છે. એમની સાથે મેં સોરઠી સંતોની વાત છેડી ત્યારે તો મને ખબર પડી કે એમણે તો કાઠિયાવાડનો કેટલોય પ્રદેશ આપણી સંત-વાણીની શોધમાં પગ તળે ખૂંદી નાખ્યો છે! એ દ્વારકા ગિરમાં થઈ પગપાળા ગયા છે, કાઠિયાવાડનાં કેટલાંય ભક્ત કુટુંબોમાં એમણે જૂની હસ્તપ્રતોની ખોજ કરી છે, ભાણ, રવિ વગેરે સંતોની વાણીનો એમણે પરિચય કરેલ છે, એટલું જ નહિ પણ ચમાર સંત ‘દાસી જીવણ’ના ધામ ઘોઘાવદર પણ એ જઈ આવેલ છે. કલાકો સુધી એમણે બંગાળના બાઉલો — હિન્દુ તેમ જ મુસલમાનો — ની રહસ્યભરી વાતો કરી, તેમની વાણીનાં સુંદર અવતરણો ટાંકી, પોતાની પાસેનો એ વાણીભંડાર પોતે શાને પ્રકટ નથી કરતા તેનો ખુલાસો એમણે એવો આપ્યો કે એ સર્વ બાઉલ-વાણી લખાવનારા સંતોએ એમની પાસેથી ખાતરી લીધી છે કે એ પ્રકટ ન કરવું. કેમકે એ જાહેર જનતાના અધિકારની બજારુ વસ્તુ નથી. એને પ્રકાશિત કરવા માગવું એ તો આ સાધકોની દૃષ્ટિએ કોઈક કુલિન કન્યાની, ભાડૂતી લગ્ન માટે માગણી કરવા જેવું છે. ને એ સાધકો તો કહે છે કે આ બધી વાણી છપાયા વગર વિલુપ્ત થતી હોય તો થવા દો, કંઈ પરવા નથી, એની જગતને ખરી જરૂર હશે તો એ ફરી ફરી પ્રકટશે વગેરે વગેરે. મને એ પણ જાણવા મળ્યું કે, ક્ષિતિબાબુ આ લોકવાણીના વિષયને ‘એકેડેમિક’ (શાસ્ત્રીય) આડંબરે સજવાની વિરુદ્ધ છે. એટલા માટે તો પોતે કલકત્તા યુનિવર્સિટીનું સંતવાણી પર ભાષણો દેવાનું નોતરું પાછું વાળ્યું હતું. એમનું કહેવું એ છે કે શાસ્ત્રીય બન્યા વિનાની હવે આ એક જ સામગ્રી રહી છે, ને એને પ્રજાના જીવનમાં સ્વાભાવિક જીવતું સ્થાન છે, તો હવે આ એકના એક પ્રજાકીય પ્રાણધનનું ય શાસ્ત્રીયતાની છરીએ છેદન કરવાનું શું ઉચિત છે? આવી સુંદર સલાહ પામતાં મારો શ્વાસ હેઠો બેઠો. મારાં વ્યાખ્યાનોના પ્રારંભે જ મેં ઉચ્ચારેલું કે હું આ વિષયને વિદ્વત્તાના વાઘા પહેરાવ્યા વગર કેવળ શ્રોતાઓને એનો જીવતો સ્પર્શ કરાવવા માગું છું — ને એ જ દોર મારો છેવટ સુધી રહેલો. “આ વિષયને ‘એકેડેમિક’ બનાવો! શાસ્ત્રીય ને વિદ્વત્તાયુક્ત બનાવો!” એવું કેહનારા તો ઘણા મળેલા, એવું ન કરવાની ચેતવણી દેનાર તો શ્રી ક્ષિતિબાબુ એક જ ભેટ્યા, ને હું નિહાલ થયો. નંદબાબુના કાલસમર્પિત ઋષિજીવનની કૂણામાં કૂણી સારવાર ને રખેવાળી કરી રહેલ એમનાં ગૃહદેવીના હાથનું આતિથ્ય પણ હું પામ્યો ને એમની કુટુંબવાડીની ફોરમ લીધી. ‘ઉત્તરાયણ’ના પ્રાસાદમાં થયેલા બે સમારંભો — ‘નટીર પૂજા’નું નાટક અને ‘વસંતોત્સવ’ના નૃત્યગાન — નિહાળી મેં ભારે પગે વિદાય લીધી — ભારે પગે ને ભારે હૈયે. કેમ કે આવો સ્નેહ-મેળો છોડવાનું ગમતું નહોતું ને આટલી બધી હૂંફ દાખવનાર વિદ્યાર્થી-વૃંદ પાસે હજુ પણ વધુ લોકવાણી ઠાલવવાનો મોકો મારે છોડવો પડતો હતો. સંતવાણીનો, ભજનોનો વિષય રહી જ ગયો. બાળવાર્તાઓ ને રૂપકથાઓ પણ રહી ગઈ : સર્વાંગી પરિચય આપવામાં એટલી ઊણપો રહી. પણ પાછો વળ્યા પછી ય હજુ હું એ જ હવાની ખુમારીમાં દિવસો વિતાવી રહેલ છું ને આજે તો મારી એ યાત્રાને માનસિક રીતે ચાલુ રાખનાર છે બે બાબતો : એક તો વિદ્યાર્થી ભાઈઓ-બહેનોના ચાલુ રહેલા પત્રો, ને બીજું, હજારીપ્રસાદજી દ્વિવેદીએ અતિ ભાવપૂર્વક મને ભાતામાં બંધાવેલું એમનું પુસ્તક ‘હિન્દી સાહિત્ય કી ભૂમિકા’. ભારોભાર વિદ્વત્તા, સમગ્રદર્શિતા અને ભૂતકાળના સચોટ અભ્યાસનું દર્શન કરાવતા એ પુસ્તકના 130મા પાના પર હું આવ્યો ને થંભી ગયો : “ઇસ ઓર ઇસ કે ઉપજીવ્ય ઉત્તરકાલીન સંસ્કૃત સાહિત્ય કે સાથ જબ હમ ઉન રચનાઓં કી તુલના કરતે હૈં જો લોક-જીવન કે સાથ ઘનિષ્ઠ ભાવ સે જડિત થીં, તો સહજ હી દોનોં કા ભેદ સ્પષ્ટ હો જાતા હૈ. મેરા મતલબ ગાંવો મેં પ્રચલિત ગીતોં ઔર કથાનકોં સે હૈ. યહાં હમ પ્રેમ ઔર વિયોગ મેં તડપતે હુએ સચ્ચે હૃદયોં કા વર્ણન પાતે હૈં. ભાઈ સે વિચ્છિન્ન બહન કી કરુણ કથા; સૌત કે, નનદ કે ઔર સાસ કે અકારણ નિક્ષિપ્ત વાક્યબાણોં સે વિદ્ધ બહૂ કી મર્મ-કહાની; સાહૂકાર, જમીનદાર ઔર મહાજન કી સતાઈ ગરીબી કી કરુણ પુકાર; આન પર કુર્બાન હો જાનેવાલે વિસ્મૃત વીરોં કી વીર્ય-ગાથા; અપહાર્યમાણા સતી કા વીરત્વપૂર્ણ આત્મઘાત; નઈ જવાની કે પ્રેમ કે ઘાત-પ્રતિઘાત; પ્રિયતમ કે મિલન-વિરહ ઔર માતૃપ્રેમ કે અકૃત્રિમ ભાવ ઇન ગીતોં મેં ભરે પડે હૈં. જન્મ સે લેકર મરણ તક કે કાલ મેં, ઔર સોહાગશયન સે લેકર રણક્ષેત્ર તક ફૈલે હુએ વિશાલ સ્થાન મેં સર્વત્ર ઇન ગાનોં કા ગમન હૈ. યહી હિન્દી ભાષા કી વાસ્તવિક વિભૂતિ હૈ. ઇસકી એકએક બહુ કે ચિત્રણ પર રીતિ-કાલ કી સૌ-સૌ મુગ્ધાએં, ખંડિતાએં ઔર ધીરાએં નિછાવર કી જા સકતી હૈં, ક્યોં કિ યે નિરલંકાર હોને પર ભી પ્રાણમયી હૈં. ઔર વે અલંકારોં સે લદી હુઈ હોકર ભી નિષ્પ્રાણ હૈં. યે અપને લિએ કિસી શાસ્ત્ર-વિશેષકી મુખાપેક્ષી નહીં હૈં. યે અપને આપ મેં હી પરિપૂર્ણ હૈં.” મારા પ્રત્યેક સમારંભમાં ચુપચાપ બેસીને, એ પૂરું થયે ચુપચાપ એક ગુપ્ત રસ લઈ ચાલ્યા જનાર આ પ્રખર વિદ્વાનના અંતરમાં લોકસાહિત્યને માટે આટલી બધી સહૃદયતાપૂર્ણ પાર્શ્વભૂમિકા તૈયાર હતી તેની મને કલ્પના નહોતી. ત્રણેક વાર એમની સાથે જે વાર્તાલાપ થયો તેમાં તેમની વ્યાપક માહેતગારી તો વિલસતી જ હતી, સાથે સાથે લોકસાહિત્યના સંશોધનમાં જે એકાદ સુંદરીનું નાક તો બીજી સુંદરીની આંખો તો ત્રીજીના હોઠ વગેરે અલગ અલગ સુંદર સ્ત્રીઓનાં રૂપાળાં અંગો એકઠાં કરીને પછી ભેગાં ચોંટાડી લઈ એક નરી કુત્સિતતા રચવા જેવું જે બેહૂદું કામ થયા કરે છે તેમના પર તેમણે કરેલી ટકોર વખતે મને એમની કસોટીએ ચડવાનો ભય લાગ્યો હતો. પણ એમના હોઠેથી મેં પ્રત્યેક વાર સંતોષનો ઉદ્ગાર સાંભળ્યો હતો ને એમના આખરના આશીર્વાદ સમું આ પુસ્તક મળ્યું. એમના આવા સઘન વિવેચન વિવરણમાં લોકસાહિત્યનું મહિમાવંતું સ્થાન નિહાળી શ્રદ્ધા વધે છે. આતિથ્ય-ખાતાના નિયામક મહાશય, જેણે મારાં વ્યાખ્યાનો પ્રત્યે વારંવાર મુગ્ધતા બતાવી હતી તેને ઓચિંતા કાળે ઝડપી લીધા જાણીને આ સંસ્મરણોની સમાપ્તિ પર વેદનાની છાયા છવાય છે. [‘ફૂલછાબ’, 4-4-1941થી 9-5-1941]

...શાંતિનિકેતનના ગુજરાતી સાહિત્ય મંડળમાં દરખાસ્ત રજૂ થઈ કે ઝવેરચંદ મેઘાણીને શાંતિનિકેતનની મુલાકાતે આવવા નિમંત્રણ આપવું. તેમના કંઠે ગવાતાં લોકગીતો સાંભળવા અમે સૌ ઉત્સુક હતાં. નિમંત્રણ પાઠવવામાં આવ્યું. ગુરુદેવની સંમતિ મેળવી લીધી. એક મહિના બાદ ઝવેરચંદ મેઘાણી અમારા આંગણે પધાર્યા, સૌને આનંદવિભોર બનાવ્યાં. સત્કાર સમિતિએ ‘મેઘાણીનાં લોકગીતો’નો કાર્યક્રમ તૈયાર કર્યો. ચીના ભવનમાં આ ભવ્ય કાર્યક્રમ યોજવાનું નક્કી કર્યું. શાંતિનિકેતનમાં ચીની, જાપાની, ઇન્ડોનેશિયન, ફિલીપીનો, બ્રિટિશ, યુરોપિયન અને અમેરિકન વિદ્યાર્થીઓનો મેળો જામતો. મેઘાણીના કાર્યક્રમના પ્રથમ દિવસે ચીના ભવનનો વિશાળ ખંડ શાંતિનિકેતનની પરંપરાગત શૈલીથી શોભી રહ્યો હતો. ભવનના આચાર્યશ્રી, હિંદી ભવનના આચાર્ય શ્રી હજારીપ્રસાદ દ્વિવેદી, અંગ્રેજી સાહિત્યના પ્રોફેસર, બંગાળી સાહિત્યના પ્રોફેસર અને અન્ય મહાનુભાવો પોતાનાં સ્થાન શોભાવી રહ્યા હતા. વિશાળ ખંડ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી-શ્રોતાઓથી છલોછલ ભરાયો હતો. કોઈ દિવસ નહિ સાંભળેલ એવું લોકસંગીત સાંભળવા શ્રોતાઓ આજે ઉત્સુકતાથી કાર્યક્રમના આરંભની પ્રતીક્ષા કરી રહ્યા હતા. ગુરુદયાલ મલ્લિકે તેમની મધુર વાણીમાં ઝવેરચંદ મેઘાણીનો ગુજરાતના લાડકવાયા લોકગાયક તરીકેનો પરિચય કરાવ્યો. મેઘાણીએ તેમના બુલંદ અવાજે લોકગીતો વહેતાં કર્યાં. તેમનો સાગરનાં મોજાંના ઘુઘવાટ જેવો અવાજ ગુંજી ઊઠ્યો, ખંડની દીવાલો અને છત જાણે કંપી ઊઠી. શ્રોતાઓ મુગ્ધભાવે સાંભળતા રહ્યા. મેઘાણીજીએ રાષ્ટ્રપ્રેમથી છલકાતાં ભાવભર્યાં રાષ્ટ્રગીતો ગાયાં. બીજા દિવસે કાર્યક્રમની શરૂઆત થાય તે પહેલાં જ ખંડ શ્રોતાઓથી ચિક્કાર ભરાઈ ગયો હતો, અને ‘કસુંબીનો રંગ’, ‘કોઈનો લાડકવાયો’, ‘હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ’ — ખૂબ જ લોકપ્રિય બનેલાં આ ગીતો તેમના પહાડી અવાજમાં એ લલકારતા રહ્યા. ચીના ભવનની બહાર વરંડામાં પણ શ્રોતાઓની ભીડ જામી હતી. મંચ પરથી જાણે ગીતોનો જલપ્રપાત અવિરત ધારે ઘુઘવાટ કરતો હોય તેમ મેઘાણીજીના કંઠેથી અમૃતવાણીનો ધોધ અનેક ધારાઓમાં વહેતો હતો! છેલ્લે શ્રોતાઓની માગણીથી મેઘાણીજીએ રવીન્દ્રનાથ જે ગીતો ગુજરાતીમાં અનુવાદિત કર્યાં હતાં તે ગાયાં. શ્રોતાઓની ફરમાઈશ વરસતી રહી અને મેઘાણીજી પ્રસન્ન વદને ટાગોરનાં ગીતો ગુજરાતીમાં ગાતા રહ્યા, શ્રોતાઓ મુગ્ધભાવે સાંભળતા રહ્યા, જાણે કોઈ અદીઠ ચુંબકીય અસરથી ખેંચાતા રહ્યા. કાર્યક્રમ પૂરો થતાં રસિક શ્રોતાજનો મેઘાણીજીને ઘેરી વળ્યાં. કોઈએ જિજ્ઞાસાભાવથી પ્રશ્નો પૂછ્યા, કોઈએ હસ્તાક્ષર લીધા. ઘણાએ પ્રસંશાનાં પુષ્પો વેર્યાં. છેલ્લા દિવસે મેઘાણીજીએ આરંભમાં ‘દુહા’ વિશે સમજાવ્યા બાદ તેમના પહાડી અવાજમાં દુહા લલકારવા શરૂ કર્યા. તેનો બુલંદ અવાજ જાણે ડુંગરો અને કોતરોમાંથી પડઘાતો પડઘાતો શ્રોતાઓના કાન સુધી પહોંચી સ્થિર થતો હતો. દુહાની રમઝટ જામી. દેશ-વિદેશનાં શ્રોતાજનો માટે દુહાની શૈલી તદ્દન નાવીન્યભરી લાગી. દુહો પૂરો થાય ત્યારે શ્રોતાઓ તાળીઓના ગડગડાટથી નવાજતા હતા. દરેક દુહામાં સોરઠની અદ્ભુત પ્રેમકહાણી ગૂંથાયેલી સંભળાતી. ક્યારેક પ્રેમીઓનો મધુર સંવાદ સંભળાતો હતો. કોઈ કોઈ દુહામાં ખમીરવંતી વાણી જોમ અને જુસ્સામાં ગાજી રહેતી. શ્રોતાઓ મુગ્ધભાવે, પ્રસન્ન વદને, શાંતિપૂર્વક સાંભળતા બેઠા હતા. દુહા પછી મેઘાણીજીએ બહારવટિયાની શૌર્યકથાઓ તેમની આગવી ઢબે કહેવા માંડી. કથાનાં પાત્રો જાણે જીવંત બની શ્રોતાજનો સમક્ષ આપવીતી કહેતાં હોય તેવો ભાસ થતો... — લાલચંદ ગગલાણી [‘ઝવેરચંદ મેઘાણી શાંતિનિકેતનમાં’, ‘પરબ’, જૂન 1997]