રમણલાલ સોનીની ૫૦ ઉત્તમ બાળવાર્તાઓ અને વાર્તા-પઠન/૪૨. પ્રશ્નપત્ર

Revision as of 10:48, 29 April 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૪૨. પ્રશ્નપત્ર


ગૌરવને એની મમ્મી રોજ ભણાવે. શાળામાં પંદરમો પાઠ ચાલતો હોય તો ઘરમાં સોળમો ચાલતો હોય. એટલે શાળામાં જ્યારે સોળમો પાઠ શીખવાય ત્યારે ગૌરવને બધું સહેલું લાગે.

શાળાએ આપેલું હોમવર્ક રોજ મમ્મી ગૌરવને પાસે બેસાડીને કરાવે, અને જરૂર પડે ગૌરવને એમાં મદદ પણ કરે.

દર પખવાડીયે મમ્મી ગૌરવ માટે એક પ્રશ્નપત્ર તૈયાર કરે — ગૌરવ એના જવાબ લખે. મમ્મી એ જવાબો તપાસે, એની ભૂલચૂક બતાવે પછી માર્ક મૂકે. વારાફરતી બધા વિષયોના આવા પ્રશ્નપત્રો તૈયાર થાય.

વાર્ષિક પરીક્ષા નજીક આવી હતી. મમ્મીએ ગૌરવને ગણિતનું પ્રશ્નપત્ર આપ્યું. તે દિવસે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટની ટેસ્ટ મેચ રમાતી હતી. ગૌરવને ક્રિકેટનો શોખ, એટલે દૂરદર્શન ટીવી પર એને એ મેચ રમાતી જોવાનું મન. મમ્મીએ કહ્યું: ‘ભલે જો, કાલે જવાબ લખજે!’

બીજે દિવસે વર્ગમાં એક શિક્ષક આવેલા નહિ, એટલે ગૌરવને સમય મળી ગયો. તેણે મમ્મીએ આપેલું પ્રશ્નપત્ર પાટલી પર મૂકી તેમાં પૂછેલા દાખલા ગણવા માંડ્યા. એક બે દાખલા ગણ્યા, એટલામાં એક છોકરાની તેના પર નજર પડી. જોયું તો ગૌરવના હાથમાં પ્રશ્નપત્ર! કાંઈ સમજ્યા વિચાર્યા વિના તેણે મોટેથી બૂમ પાડી: ‘એ ઈ ફૂટી ગયું! આપણું પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી ગયું!’

વાત ઘડીકમાં ફેલાઈ ગઈ અને મોટા સાહેબ પાસે પહોંચી ગઈ. ગૌરવને ઑફિસનું તેડું આવ્યું. ગણિતના શિક્ષક પણ આવ્યા. તેમણે પ્રશ્નપત્ર જોઈ કહ્યું: ‘દાખલા પાંચમા ધોરણના જ છે, પણ હજી પ્રશ્નપત્ર કોઈએ તૈયાર કર્યું નથી, આ આવ્યું ક્યાંથી?’

મોટા સાહેબે ગૌરવને પૂછ્યું: ‘તું આ પ્રશ્નપત્ર ક્યાંથી લાવ્યો?’

ગૌરવે જરાયે ગભરાયા વિના કહ્યુું: ‘મારી મમ્મીએ આપ્યું.’

‘તારી મમ્મી શિક્ષિકા છે?’ મોટા સાહેબે પૂછ્યું.

‘ના, એ દાક્તર છે!’

‘દાક્તર છે? તો આ પ્રશ્નપત્ર એ ક્યાંથી લાવ્યાં?’

ગૌરવે કહ્યું: ‘એણે પોતે તૈયાર કર્યું છે. એ રોજ મારું ભણતર ચકાસે છે ને દર પખવાડિયે આવું એક પ્રશ્નપત્ર મને આપે છે, હવે વાર્ષિક પરીક્ષા આવી એટલે અઠવાડિયામાં બે પ્રશ્નપત્રો આપશે.’

મોટા સાહેબ સમજી ગયા. એકદમ ખુરશીમાંથી ઊભા થઈ તેમણે ગૌરવનો ખભો થાબડ્યો ને કહ્યું: ‘બહુ સરસ! બહુ સરસ! બધી મમ્મીઓ આવું કરે તો આપણી શાળાનું નામ થઈ જાય!’

ગૌરવે ઘેર આવીને મમ્મીને આ વાત કરી ત્યારે એનો આનંદ માતો નહોતો.

[સડેલી કેરી]