બીડેલાં દ્વાર/કડી પાંચમી
એ આખા વાર્તાલાપે તે દિવસે અજિતના સૂતેલા પ્રાણને કેવો જાગ્રત કરી મૂકેલ હતો! તે દિવસ સુધી પોતે પ્રભાને એક પૂજાની પ્રતિમા, એક આરસની પૂતળી, એક દેવપુષ્પની કળી ગણતો હતો. એ સૌંદર્યને રોળવામાં કોઈ ઘોર પાતક રહ્યું હોય તેવો ભાવ પોતાના ભક્તહૃદયમાં પોતે ધરી રહ્યો હતો. એવા યત્નો કરી કરી એ લાલસાને અળગી રાખતો હતો. દેહના ઉશ્કેરાટને એણે કોઈ ધાર્મિક અપરાધ ઠરાવ્યો હતો. પ્રભા પોતાની પત્ની છે, પોતાના જીવનવૃક્ષને રોપવાનો ક્યારો છે, અમૃતનો કટોરો છે, એવા વિચારોને એણે અંતઃકરણની બહાર ધકાવી ધકાવી લગભગ મરણશરણ કર્યા હતા.
પરંતુ દાક્તરની દલીલોએ એના દિલનાં એ કૃત્રિમ બંધનોને ભાંગી તોડી ધરતી પર ઢાળી દીધાં. એની નસોમાંથી પુરુષાતને છલંગ મારી. એની રક્તકણીઓમાં દીપકો ચેતાયા. એને સ્મરણ થયું એ નાનકડી ઓરડીમાં જિવાતા જીવનના ઝીણા ઝીણા, રજેરજ વિગતવાર પ્રસંગોનું. પ્રભા શું મારાં ચુંબનોને, મારાં આલિંગનોને નહોતી ચાહતી? શું એ વધુ આક્રમણની પ્યાસી નહોતી દેખાતી? અને જકડાવા માટે ઉત્સુક બનેલાં એનાં ગાત્રો શું મારા ખોળામાં નહોતાં ઢળી પડતાં? અને પછી અતૃપ્ત રહેવાથી છેક ઢીલાં, હતાશ, ઉદાસ બની નિરંતર વ્યગ્રતા નહોતાં બતાવ્યા કરતાં? ઓ પ્રભુ! પ્રભાને મારી પંડિતાઈના બીબામાં ઢાળીને કૃત્રિમ ઘાટ આપવાના આંધળા યત્નમાં આ નિત્યનાં નિરીક્ષણો હું ખરેખર જ ચૂક્યો હતો. એના તલસાટોની અણછીપી આગના ભડકાઓને મેં મારી મૂઢ દૃષ્ટિએ સુવર્ણરંગી આનંદો જ સમજી લીધા હતા. મેં એની સ્વાભાવિક દેહોર્મિઓના છૂંદનને ‘સબ્લીમેશન ઓફ ઇમ્પલ્સીઝ’ — આવેગોનું ઊર્ધ્વીકરણ — જેવાં ગોખેલાં વાક્યોથી ઓળખાવી, એને પણ એ ગોખણપટ્ટી કરાવી હતી — બ્રહ્મરસ અધ્યાત્મ-પ્રેમ, પરમ તૃપ્તિ, વગેરે શબ્દોની. પછી અજિતે ઘેર આવીને પ્રભાના દેહપ્રાણમાં પોતાના જીવનને કેવી રીતે ઠાલવી નાખ્યું હતું : પછી ‘પ્રભા! મારી પ્રભા!’ પોકારતો એનો પ્રાણ એ સહચરીના દેહમરોડમાં શાં શાં સૌંદર્ય વાંચતો, પ્રત્યેક ચેષ્ટામાં કેવાં નવાં સૂચનો સમજતો, એના શ્વાસોચ્છ્વાસમાં કોઈ અવર્ણનીય પરાગ સૂંઘતો, એનાં કંપોપ્રકંપોમાં મીઠી રાગિણીઓના ઝંકાર સાંભળતો, એક પ્રકારની સમાધિમાં લહેરિયાં ખાતો હતો : તે પણ અજિતને અત્યારે સાંભરી આવ્યું. ‘તું મારી! મારી! મારી!’ એ હતા અજિતના જીવનધ્વનિ : ‘હું તારી : તું ચાહે તે કરી નાખ આ જીવનને! હું તારી! ઓ પ્રેમ! હું ચગદાઈને નિષ્પ્રાણ બની જવા માટે પણ તારી!’ એ હતા પ્રભાના કંઠના વીણા-સ્વરો. કંઈક દુર્ગ જેવું, એ બે વચ્ચેથી, તે દિવસે ભેદાઈ ગયેલું ભાસેલું. અગાઉના કૃત્રિમ ભાવોના વરખો ચઢાવેલી ‘દેવી’ મટીને પ્રભા ‘મારી! મારી! મારી!’ બની જઈ, પોતાની દેહપાંદડીઓને ઢાળી દઈ તે દિવસે અજિતના ખોળામાં અર્ધનિમીલિત નયને પોઢી હતી, અને કેવી એકાએક એ આત્મસમર્પણની સુખસમાધિમાં કોઈ ભાવિ ભયનો ઓળો પડતો દેખાતાંની વાર પ્રભાને ઠેલતો, ધ્રુજારી અનુભવતો પોતે ચોંકી ઊઠ્યો હતો! “શું થયું, વહાલા?” પ્રભાએ પૂછેલું. “કંઈ નહિ, એ તો મને એક ભયનો વિચાર આવી ગયો હતો.” “શાનો ભય?” “હું કદાચ છેક સંસારી બની જઈશ એ વાતનો.” આજે શું એ ભય સાચો ઠરવાનાં ચિહ્નો મારા જીવનવ્યોમમાં જણાય છે? દાક્તરે શું તે દિવસે મને ફસાવ્યો હતો? દાક્તરકાકાની કને જઈને હું મારા આજના અંતઃતાપનો ઊકળતો ચરુ ખાલી કરી આવું.