સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/હેડમ્બ-મહેલ

From Ekatra Wiki
Revision as of 06:20, 6 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હેડમ્બ-મહેલ|}} {{Poem2Open}} કયા કાળમાં અને કોણે વસાવ્યું હશે આ વિદ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


હેડમ્બ-મહેલ

કયા કાળમાં અને કોણે વસાવ્યું હશે આ વિદ્યાલય? કોણે કોરાવેલ હશે? કાંઈ સાબિતી કે સાક્ષી નથી. શિલાલેખ નથી. કેવળ લોકવાયકા જ ચાલી રહી છે કે પાંડવોએ આ સ્થળ વસાવ્યું હશે. લોકો તો જ્યાં જ્યાં મહત્ પરિમાણ ને પ્રાચીનતા ભાળે ત્યાં ત્યાં મહાભારતનો જ સાંધો સંધાડે. લોકો કહે છે કે આ ગીરનું જંગલ એટલે હેડમ્બ-વન : આંહીં હતાં હેડમ્બા રાક્ષસીનાં રાજપાટ : એક દિવસ પાંડવો દેશવટે આંહીં આવ્યા અને ભીમ અને હેડમ્બાના હસ્ત-મેળાપ થયા : પછી હેડમ્બાએ પોતાના પ્રભાવથી આખો ડુંગર માખણનો બનાવી દીધો, ને રાતોરાત પાંડવોએ એ માખણની અંદર આ રાજ-પ્રાસાદની રચના કરી કાઢી : એક વિશાળ ખંડ, કે જ્યાં ચાર સ્થંભો અને ચોપાસ બાંકડા જેવી બેઠક કંડારેલ છે તેને લોકો ‘ભીમ-ચોરી’ કહે છે, બીજા એક સ્થળને લોકો ‘ગાંધારીનો રાજમહેલ’ કહી ઓળખાવે છે, ત્રીજી એક ભવ્ય ગુફાને ‘હાથી થાન’ નામ આપે છે, પરંતુ લોકોની આંખો આડેથી મહાભારતનું પડળ અળગું કરવાની ખેવના કોઈએ નથી કરી. બૌદ્ધ સ્થાપત્યનું ઉપરછલું જ્ઞાન લઈને જનાર મુસાફર પણ બીજા એક ખંડમાં જઈને કહી શકશે કે આ શિવલિંગ નથી, પણ સ્તૂપ છે, અથવા તો ચાર સ્થંભવાળી એ ચોખંડી જગ્યા કોઈ બૌદ્ધ ધર્મવિધિની સાથે સંકળાયેલી છે. ખરી વાત તો આ છે કે દસ વરસ પહેલાં સુધી તો એ સ્થળ રેલવે-માર્ગથી ત્રીસ-પાંત્રીસ ગાઉને અંતરે પડેલું હોવાથી એક ઇતિહાસપ્રેમીએ ભાગ્યે જ એની યાત્રા કરેલી હશે. વૉટ્સન જેવો સમર્થ તવારીખ-નવેશ પણ પોતાના ગૅઝેટિયરમાં આ સાણાને પાંચ પંક્તિના એક તુચ્છ ફકરાથી જ પતાવી નાખે છે :