રંગ છે, બારોટ/1. વિક્રમ અને ખાપરો

From Ekatra Wiki
Revision as of 11:46, 10 May 2022 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search
1. વિક્રમ અને ખાપરો


ઉજેણી નગરી ને રાજા વીર વિક્રમનાં રાજ : ખાતો ખાય ને ભરતો ભરે.

એક વાર તો ઉજેણમાં ખાતર પડવા મંડ્યાં. રાજા વિક્રમ પોતે રાત જાગે ને માણેકચોકમાં પે’રો ભરે. એમાં મધરાતને સુમારે ખાપરો નીકળ્યો ખાતર પાડવા. રાજા વિક્રમે પૂછ્યું : “એલા ખાપરા! મીટે જાછ કે કમીટે?” ખાપરો કહે : “મોટા રાજા, મારી કમીટ હોય નહીં. આજ તો આપની તિજોરી તોડવી’તી.” “ખુશીથી જા ને, ખાપરા! જા, તિજોરી તોડીને બે કોથળી ઘેરે મૂકીને આવ્ય.” ખાપરો કહે : “ના રે ના, મોટા રાજા! હું તો મારા કસબની જ કોથળી લઉં છું, એ જ મને જરે છે.” વિક્રમ ને ખાપરો બેય આમ વાતું કરે છે, ત્યાં તો ચાર સાહેલિયું નીકળી : ઝાંઝર રમઝમ! રમઝમ! થયાં. “એલા ખાપરા! આ વળી કોણ?” “બાપા, આ તો નવતેરી નગરી છે, કોણ જાણે કોણ હશે?” ઓરી આવી એમ તો ચારેયને ઓળખી : “અરે, આ એક તો રાણી ભાણવંતીજી, બીજી બધસાગરા પરધાનની કુંવરી, ત્રીજી ભામણી, ને ચોથી રાંડ ગાંગલી. લોંડિયું અટાણે ક્યાં જાતી હશે? તીર ભેળી વીંધી નાખું!” “હાં… હાં… હાં… મોટા રાજા! જોજો હો કાંઈ છેડ કરતા! ભેળી ગાંગલી છે ઈ ભૂલશો મા! કાગડો કરી મૂકશે.” ગાંગલી પણ કેવી? —

         અઢીક હાથનું કાઠું,
         પાકલ જાંબુડા રોખો વાન,
         માંજરિયું આંખ્યું.
         ઓડ્યથી ઊંચા બાબરકાં,
         ચાર ચાર તસુ પગની નળિયું,
         ચોથિયા વા પગ,
         પીંજારાના ઘરનો જાણે ગોળીટો.
         ખંભે સાડલો.
         આભામંડળનાં ચાદરડાં હેઠે રમાડે એવી!

આગળ ગાંગલી ને વાંસે ત્રણ જણિયું. મંડી ચાલવા. ચાલી શે’ર બહાર. વિક્રમ ને ખાપરો વાંસે વાંસે ચાલ્યા — વોંકળીની ભેખડનો ઓથ લઈને. શે’ર બહાર જઈને ગાંગલીએ વડલા હેઠળ પડ કર્યું. આસમાનની અંદર અડદના દાણા છાંટ્યા એટલે ઘરરર! ઘરરર! અવાજ થયો, ને હેઠો ઊતર્યો ઇંદર મા’રાજનો મોનિયો તબલચી. “હાં મોનિયા! થવા દે ટીંગર નાટારંભ!” ટીંગર નાટારંભ કેને કે’વાય? — કે’

         ખંભે દૂધના પિયાલા.
         માથે બાર ગાગરનું બેડું.
         એટલાં વાનાં લઈને —
         દસેય આંગળીએ ચક્કર ફરવાં,
         જીભે મોતી પરોવતાં જાવાં,
         કટારની ધાર માથે પગલાં માંડવાં.

એવી તરેહનો નાટારંભ દેખીને ભામમતીને મોજ આવી : “આ લે મોનિયા, આ મારો નવસરો હાર! મને મોજ આવી છે. જો મોજ મારું તો મગરમચ્છ સરજું!” પછી ગાંગલી બોલી : “અરે બાઈયું! આજથી ત્રીજી રાતે અજાબેટના રાજાની કુંવરીનો સ્વયંવર છે. આપણે ત્યાં જોવા જાયેં.” ભાણમતીએ કહ્યું : “મારાથી તો નહીં અવાય. ત્રીજી રાતે તો રાજા વિક્રમનો મારે મો’લે વારો છે.” ગાંગલી કહે : “અરે, નહીં અવાય શું? રાજા વિક્રમ ઊંઘી જાય એટલે છાતી માથે મારા મંત્રેલ અડદના દાણા મેલી દેજો. એવું ઘારણ વાળું કે બારે વરસે ઘેર આવીને બેઠો કરું.” “અજાબેટ જાશું કેમ કરીને?” “આ સધવડલો ઉડાડીને.” વિક્રમ તો આ વાતું સાંભળીને થરથરી ઊઠ્યો. પણ ખાપરાએ કહ્યું : “મોટા રાજા! બીઓ મા. વળો ઝટ પાછા. આપણે કાંક મારગ કાઢશું.” વળતે દી ખાપરો તો ગણગારા સુતારને ઘેર ગયો છે. ગણગારા સુતારે ખાટલી ઢાળી દીધી છે. કાકાને ખાટલી ન ઢાળી દ્યે તો સાતમે પાતાળથી ઉપાડી જાય! “ગણગારા સુતાર! સધવડલાના થડમાં એક એવી ડગળી પાડી દે કે છૉડિયુંય હેઠળ ન પડે, ને માલીકોર બે માણસ, બેયનાં હથિયાર–પડિયાર ને હોકો સામી જાય.” ગણધરા સુતારે બરાબર કહ્યા પ્રમાણે જ સધવડલાના થડમાં કોરણી કરી દીધી છે. છૉડિયુંય હેઠે ન પડવા દીધું. અધ્ધર ને અધ્ધર કોરણી કરી. ત્રીજા દિ’ની રાતે રાણી ભાણમતીને ઓરડે રાજા વિક્રમ ગયા અને એ તો ખોટેખોટું કરીને સૂઈ ગયા. રાણી ભાણમતીએ છાતી માથે જેવા અડદના દાણા મૂક્યા અને ગાંગલીએ શીખવેલો આ મોહની-મંત્ર બોલી :

         હથેળીમેં હનમંત
         ભાળ્યે ભેરવ.
         ચલને કી ચાલ બાંધું
         બોલને કી જીભ બાંધું
         મોં બાંધું
         બાંધું નગર સારા.
         ગામધણી કું થળ બેસારું
         મોહની નામ હમારા.
         મો’લ બેઠાં રાજા તેડાવું
         કામરુ દેશ, કમસા દેવી,
         ત્યાં વસે અસમાલ જોગી
         અસમાલ જોગીએ વાડી વાવી
         રાજા મો’યો, પરજા મો’ઈ,
         મો’યા નગર સારા
         વાછા ચૂકે ઊભો સૂકો
         પડે ધૂપકી કંડમાં
         જાય ખડી મસાણમાં
         ચલો મંત્રો ફટકત ચૂવા.

— તેવી તો છાતીમાં ચાર નાગફણિયું ધબેડી હોય એમ વિક્રમની કાયા ખાટ સાથે ચોંટી ગઈ. રાજાને મેલીને ભાણમતી ચાલી નીકળી. રાજાએ આગિયા વેતાળને તેડાવ્યો, પણ એ કહે કે, “મારી સત્તા ઈ ગાંગલીના મંત્રેલ અડદને ઊખેડવાની ન મળે. ચાર જગની જોગણી કાળકાની જ સત્તાની વાત છે એ તો!” વિક્રમે માતા કાળકાને તેડાવ્યાં, પછી જ પોતે ખાટ્યેથી ઊઠી શક્યો. વિક્રમ અને ખાપરો ઝટપટ પહોંચ્યા સધવડલે, અને ગણગારા સુતારે કોરેલ પોલાણમાં હથિયાર-પડિયાર ને હોકો લઈ બેસી ગયા. પછી ડગળી જેવી હતી તેવી બંધ કરી વાળી. પછી ચારેય જણિયું આવી ને સધવડલાને માથે ચડી ગઈ. ગાંગલીએ કહ્યું કે : “બાઈયું, તમારી સાડિયું વડલા હારે બાંધી દેજો હો! વડલો મહાસાગરને માથે ઊડશે.” “હો ગાંગલી માસી!” એમ કહીને ત્રણેય જણિયુંએ પોતપોતાના સાડલા સધવડલા હારે કસકસાવીને બાંધી લીધા, એટલે ગાંગલી ઝાડને ઉડાડવાનો મંત્ર બોલી :

         લીલી ઘોડી, લીલાં પલાણ,
         જઈ કરે માવલ વીર કું સલામ
         મેરા વેરી મેરા ભ્રખ
         ઊઠ પો’ર, ઊઠ ઘડી,
         લીધા વિના પાછી ફરે
         ચોસઠ જોગણી બાળીને ભસમ કરે.

ઉડાડ્યો ઘરર! ઘરર! ઘરર! ઘડી-બે-ઘડીમાં તો અજાબેટ આવી પહોંચ્યાં. વડલો હેઠે ઊતર્યો. ચારેય જણિયું ચાલી રાજદરબારમાં. ગાંગલી કહે કે, “બાઈયું, લગનના એવા સોળા ગાવા છે કે મલકના રાજાઓનાં ડાચાં ફાટી રે’!” વાંસેથી વિક્રમ અને ખાપરો બહાર નીકળ્યા. જઈને એક કુંભારણને ઘેર ઉતારો કર્યો. રાજાને ઘેર સ્વયંવર થાય છે, હજારું મશાલોના તોરા મંડ્યા વછૂટવા, હજારું હાથણી જેવી સાહેલિયું સોળા લલકારે છે. મલકમલકના રાજા આવીને બેઠા છે. હાથણીને લાવ્યા. માથે અંબાડી છે હેમની, ને માવ’ત બેઠો બેઠો પડકારા કરે છે કે, “ખબરદાર, હે ગણેશરૂપ!

         રાજ જોજે, પાટ જોજે,
         ગામ જોજે, ગરાસ જોજે,
         જાત જોજે, ભાત જોજે,
         નામ જોજે, ઠામ જોજે.”

હાથણી તો સૂંઢમાં કળશ લઈને મંડી ફરવા. એક પછી એક તમામ રાજાઓને જોઈ વળી. પણ એકેયને માથે દિલ ઠર્યું નહીં. પછી તો હાથણી ઉકરડા માથે મંડાણી. ત્યાં કોણ ઊભું છે? રાજા વિક્રમ અને ખાપરો. હાથણીએ તો રાજા વિક્રમને માથે કળશ ઢોળ્યો, ને એને પોતાની સૂંઢે કરીને અંબાડીએ ચડાવી લઈને હાથણી પાછી હાલી. વાંસે ખાપરો પૂંછડે વળગી ગયો, નીકર તો એને કોણ રાજમોલમાં પેસવા દે? વિક્રમે તો વેશપલટો કરેલો. કોણ ઓળખી શકે? બામણ કહે : “તમારું નામ કહો!” ત્યાં તો ખાપરે બામણના હાથને મચરક દીધી. બામણ નામ સમજી ગયો. ત્રોડા, ટૂંપિયા, મોહનમાળા ને મંદીલ વિક્રમને પે’રાવીને માતળોકી ઇંદ્ર બનાવીને પરણવા મોકલ્યો. વિક્રમ રાજા પોંખણે આવ્યા. કોણ પોંખવા જાય? બીડદાર ફર્યો. જેને પોંખવા જાવું હોય ઈ બીડું જમે! બીડું તો ભાણમતીએ ઝીલ્યું. ભાણમતીએ વિક્રમને પોંખ્યા. મોતીનો થાળ લઈને પોંખવા ગઈ.

         ચાર મંગળ વરતીને વિક્રમે મેડીએ ઉતારો કર્યો.
         મેડીમાં તો જગાજ્યોત લાગી છે.
         બિલોરી કાચનાં નળિયાં,
         અગરચંદણનાં આડસર,
         પરવાળિયુંના વળા —
         ઘમકાર થઈ રહ્યો છે.
         રાજકુંવરી તો —
         મોથ વાણી, એલચી વાણી,
         ખળખળતે પાણીએ ના’ઈ
         ઘટ પરમાણે આરીસો માંડી,
         વાળે વાળે મોતાવળ ઠાંસી,
         થાળ લઈ મેડીએ ચડી છે.
         હાલે તો કંકુ–કેસરનાં પગલાં પડે,
         બોલે તો બત્રીસ પાંખડીનાં ફૂલ ઝરે,
         પ્રેમના બાંધ્યા ભમરા ગુંજારવ કરે.
         હામકામલોચના
         ત્રાઠી મૃગલીનાં જેવાં નેણ
         ભૂખી સિંહણના જેવો કેડ્યનો લાંક,
         ઊગતો આંબો,
         રાણ્યનો કોળાંબો,
         બા’રવટિયાની બરછી,
         હોળીની જાળ,
         પૂનમનો ચંદ્રમા,
         જૂની વાડ્યનો ભડકો
         ને ભાદરવાનો તડકો.

— એવાં રૂપ લઈને, થાળ પીરસીને ત્રણસે ને સાઠ પગથિયાં ચડી.

         મારુ ચલી મોલ પર, દીપક જગાડ્યે,
         હાલિયો, લંકા લગાડ્યે.
         મારુ ચલી મોલ પર, છૂટા મેલ્યા કેશ,
         જાણે છત્રપત ચાલિયો, કો’ક નમાવા દેશ.
         મારુ ચલી મોલ પર, છોડ્યે કળરી લાજ,
         અરિયારાં ગઢ ઉપરે, ધધકાર્યો ગજરાજ.
         મારુ ઠેઠ પલંગ ચડી, કચવા મેલ્યા દૂર,
         ચકવા રે મન અણૅંદ ભયો, જાણે ઊગ્યો સૂર.

ઉપર આવી ત્યાં તો “ઓરાં આવો!” એવા ત્રણ આવકાર મળે છે. વિક્રમ થાળ જમે છે. માનસરોવરનો હંસ મોતી ચરે એમ ત્રણ નવાલા લીધા છે. ને પછી તો —

         થંભ થડકે મેડી હસે, ખેલણ લગ્ગી ખાટ,
         સો સજણાં ભલે આવિયાં, જેની જોતાં વાટ.
         વાટ બુવારાં ને ગણ ચળાં, દીઓળે દીવા લેશ,
         જે દેશથી આવશે મુંજો નાવલો, એ દેશનાં ઘાંઘળ લેશ.
         ઊંચો નળિયર ઓરડો, મદરો સીસો હાથ,
         લડથડતી પ્યાલા લિયે, ને ચોમાસારી રાત.

રાજા વિક્રમને તો રંગનાં ચટકાં લાગ્યાં છે, પણ ખાપરે કહી મેલ્યું હતું કે, “જોજો હો! છાળી કાંટ્યે વળગી રે’ નહીં! નીકર ઉજેણી પોગતાં છ મહિના લાગશે ને વાંસે આદુ વવાઈ જશે!” એમ વિચારીને વિક્રમ તૈયાર થયો. શહેર બા’ર નીકળીને ખાપરા પાસે આવ્યો. ખાપરે વિક્રમનું ટીલું ભૂંસી નાખ્યું. મીંઢળ છોડી નાખ્યો. ચડી બેઠા સધવડલાની પોલમાં, ને પછી ચારેય બાઈયું આવી. ગાંગલી વડલાને ઉડાડવાનો મંત્ર બોલી. વડલો ઊડીને ઉજેણી ભેળો થઈ ગયો. બાઈયું ઊતરીને ચાલી એટલે વિક્રમે ને ખાપરે પણ ખેંતાળી મૂક્યાં મો’લ ભણી. રાત બાકી હતી. ખાપરે રાજાને સુવરાવી, ઓલી અડદની ઢગલિયું એની છાતી ઉપર બરોબર હતી તેવી પાછી ગોઠવી-કરીને પછી એ ચાલ્યો ગયો. ભાણમતી પાછી આવી. રાજાને તો સૂતા જોયા. પણ રાતે પોંખ્યા તે ઘડીથી જ વહેમ તો પડી ગયેલ. ઘડીક હાથ જુએ, ઘડીક કપાળ જુએ, પણ રાતના મામલાની કાંઈ નિશાની જડે નહીં. પછી વિક્રમનો અંબોડો જોતાંજોતાં ભાણમતીની નજરે એક કંકુવાળો ચોખો પડ્યો! હાં! એ જ આ તો! રાતે મેં ટિલાવેલ તે વખતનો જ આ કંકુવાળો ચોખો! જેની ઘડીએ વિક્રમ ઊંઘ લઈને બેઠો થયો તેની જ ઘડીએ ભાણમતીએ ગાંગલીને તેડાવી. ગાંગલીએ મંતર ભણીને વિક્રમને પોપટ કરી મેલ્યો. પોપટ બની ગયેલ વિક્રમને વાચા ઊઘડી : “અરે, મારો એક ગુનોય ન માફ કર્યો!” પણ પછી તો ભાણમતીએ પોપટનો જીવ તાળવે ચડાવી દીધો. ખાપરો તો રોજ રાજાની વાટ જુએ : અરે, આ બા’ર કાં ન નીકળે? ન નીકળ્યો શિકારે, ન કરી કચારી! નક્કી માળવો રંડાવ્યો લાગે છે લોંડી ગાંગલીએ! દિન ગણંતાં માસ ગયા, વરસે આંતરિયાં! ખાપરો તો અજાબેટ ગયો. જઈને રાજાને કહ્યું : “મારી માતાજીને તેડવા આવ્યો છું.” પોતે બાઈ પાસે ગયો. બાઈએ કહ્યું : “અરે ખાપરા! તારો રાજા તો મને પરણેલીને ય ભૂલી ગયો!” ખાપરાની આંખમાં તો દડ દડ દડ —

         આંસુ વે’ અપાર, નેણે અરજણ નરપતિ,
         વીર ન કરી વાર, આયો કરણ ઊંડારથી.
         રોઈ શક તો રો’, મોકળિયું મેલી કરી,
         કિસે બંધાવું પાળ, સાયર ફાટ્યો સાંખડા!
         ડુંગર ઉપર દવ જલે, ખનખન ઝરે ઈંગાર,
         જાકી હેડી હલ ગઈ, વાકા બૂરા હવાલ.
         અને ભાઈ! દિલનાં દુઃખ તો જે ચતુર નર હોય
         એને જ હોય છે ના! મૂરખને શું?
         ચતુરનકી લાતાં ભલી, ક્યા મૂરખકી બાત
         ચતુરનકી લાતે સખ ઊપજે મૂરખની વાતે ઘર જાત.
         ચતુર નરકું બોત દુઃખ, મૂરખકું સખ રાજ;
         વિધિ ઘટ જાણે નહીં જેને પેટ ભરવાનું કાજ.

“અરે ખાપરા! પણ એવું છે શું?” ખાપરે માંડીને વાત કરી છે. બાઈએ તો પે’રામણીમાં બાપુ પાસેથી ગલાબગોડિયો માગ્યો છે. ગલાબગોડિયાને ભેળો લઈને બાઈ ચાલી નીકળી છે. જ્યાં દરિયાને કાંઠે આવે ત્યાં તો વહાણ વયાં ગયાં છે. હવે શું થાય? ગલાબગોડિયે તો દરિયાનાં પાણી માથે પોતાની પછેડી પાથરી અને કહ્યું : “હાં, બેસી જાવ પછેડી માથે, છેડો બરાબર ઝાલજો હો! આ તો નરાકાર ખેલ છે.” પછેડી પાણી માથે વહેતી થઈ. આવ્યાં સામે કાંઠે. એક જાળનું ઝાડવું હતું તેને ગલાબગોડિયે લાત મારી એટલે જાળ ઘોડાગાડી બની ગઈ. બેસીને સૌ ઉજેણ આવ્યાં. બારોબાર ખાપરાને તકિયે ગયાં. બારણા આડી તેર મણની ગદા પડી’તી તે બથમાં લઈને ખાપરે આઘી નાખી દીધી. અંદર તો હીરા–મોતીની જાણે અખંડ જ્યોતું બળે છે. “અરે ખાપરા! આ શું?” કે’ “ભાઈ, મારી રમત્ય ભોંમાં જ છે.” બાઈને ભોંયરામાં રાખીને બીજે દી ખાપરો રાજમો’લે ગયો છે. ત્યાં અષાડ ને ભાદરવો નામનાં બે નગારાં પડ્યાં છે. તેને માથે ખાપરે ડાંડી નાખી. કચેરી ભેળી થઈ એટલે ગલાબગોડિયે રમત માંડી. પોતે જુવાન હતો તે ગલઢો બની ગયો. ફૂલવાડી બનાવી, આંબા વાવી દીધા ને કેરિયું પણ આણી દીધી. એમાં તો ગાંગલી દોટમદોટ આવી : “એલા ખાપરિયા! તને કોણે આ હકમ દીધો છે?” ખાપરો કે’ કે “માસીબા! ઈ તો તમારું નામ કાઢવા બધી વાત થઈ રહી છે. ખમો માસીબા, ઉતાવળાં થાવ મા!” “અરે તારો ગોડિયો શું કરતો’તો! આ લે, આ કૂંડાળી કાઢું છું ને એમાં મારો ફેરવો મૂકું છું. શક્તિ હોય તો લઈ લ્યે ગલાબગોડિયો!” ગલાબગોડિયે તો અઘોર ગાયત્રીનો મંતર જપ્યો —

         અમી
         અમી મેં કળશ,
         કળશ મેં ઉંકાર
         ઉંકારમાં નરાકાર
         નરાકારમાં નરીજન
         નરીજન મેં પાંચ તતવ.

એવા મંતર ભણીને પછી એણે ગાંગલીએ મંતરેલ કૂંડાળામાંથી લડથડી લડથડીને ફેરવો લઈ લીધો છે, ને પોતે ગાંગલીને આસમાનમાં ઉપાડી, ત્યાંથી ઊંધે માથે કરી, બજારમાં પ્રાછટી, કટકે કટકા કરી નાખ્યા. પછી તો રાજા વિક્રમને પોપટને ખોળિયેથી પાછો માનવી બનાવ્યો અને ભાણમતીને માથું મૂંડાવી, ચૂનો ચોપડી, અવળે ગધેડે બેસાડી, તગડી મૂકી.