રંગ છે, બારોટ/9. નાગ અને બામણ

From Ekatra Wiki
Revision as of 16:20, 13 May 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|9. નાગ અને બામણ}} {{Poem2Open}} બામણને ઘેરે શ્રાદ્ધ હશે, એટલે ખીર કરવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
9. નાગ અને બામણ


બામણને ઘેરે શ્રાદ્ધ હશે, એટલે ખીર કરવા સારુ એક ગામડેથી તાંબડી એક દૂધ ભરીને બામણ આવતો હતો. રસ્તે વાવ આવી. તરસ્યો બામણ વાવને પહેલે પગથિયે તાંબડી મેલીને વાવમાં પાણી પીવા ગયો. પાછો આવે ત્યાં તો એક અજાજડ નાગ તાંબડીમાંથી દૂધ પીએ છે! બામણને જોતાં જ નાગે ફેણ માંડી. આંખોના ડોળા તો લસ લસ થાય. વરાળો નીકળે છે આંખમાંથી. “હવે તો, ભાઈ!” બામણે કહ્યું : “બાકીનું બધુંય તું તારે પી જા. મારે તારું એઠું દૂધ થોડું કામ લાગવાનું હતું?” પૂરેપૂરું પીને નાગ તાંબડી માથેથી ઊતરે છે. ત્યાં તો ખણણણ કરતો કાંઈક તાંબડીમાં રણકો સંભળાણો. માંહીં જુએ તો એક સાચી સોનામહોર! ઓય ધાડેના! લાગે તો છે કાંઈક માયાવાળો જાતવંત નાગ. દૂધ પીધું ને સોનામહોર દીધી! ત્યારે હવે તો તાલ જોવા દે. એમ વિચારીને બામણ વળતે દીએ વળી પાછો તાંબડી દૂધે ભરીને પહોંચ્યો વાવે. તાંબડી મૂકી વાવને પગથિયે. ઝાડને થડ રાફડામાંથી એ-નો એ નાગ આવ્યો. દૂધ પી કરીને વળી બીજી સોનામહોર ટપકાવી ચાલ્યો ગયો. આ વેપાર કાંઈ ખોટો નથી. હવે તો બીજી બધી જ તથ્યા પડતી મૂકીને આ જ કરવા જેવું છે. દરરોજ ઊઠીને રૂપિયા પંદરનો તડાકો! ભેંસનું તાજું શેડકઢું દૂધ રોજ તાંબડી ભરીને બામણ તો નાગને પાવા મંડ્યો ને રોજ મહોર કમાતો થયો. એક દિવસ બામણને ગામતરું આવ્યું. દીકરાને સમજાવ્યું કે ફલાણી ફલાણી વડલાવાળી વાવે જઈને દૂધની તાંબડી ધરવાની છે, નાગ આવે એને પીવા દેવાનું છે, અને તાંબડીમાં નાગ જે સોનામહોર નાખે એ લઈ આવવાની છે. વાત કોઈને કહેવાની નથી, દીકરા! છોકરે વળતે દિવસ જઈને બાપ મેલતો તે પ્રમાણે દૂધ મેલ્યું. નાગ આવ્યો, દૂધ પી કરી, સોનામહોર નાખી પાછો રાફડામાં ચાલ્યો ગયો. “વોય ધાડેના!” છોકરે વિચાર કર્યો; “આણે તો અઢળક માયા રાફડામાં રાખી લાગે છે. તો પછી આ નત્યના આંટા શા સારુ!” વળતે દિવસે જેવો નાગ તાંબડી ઉપર મંડાણો, તેવી તો દીકરે ડાંગ ઉપાડી. એક જ ઘા — અને ફોદેફોદા વેરણી નાખે એવો ફટકો નાખ્યો નાગને માથે. પણ ડાંગનો ઘા તાંબડીના કાંઠા માથે લાગ્યો. નાગ સરકી ગયો હતો. બાણમાંથી તીર છૂટે એમ નાગે ડિલ સંકેલીને ઝપટ કરી. ચોટી પડ્યો છોકરાને, ટચકાવ્યો, એક જ ટચકે તો રામ રમી ગયા બામણના છોકરાના. ગામતરેથી ઘેર આવેલા બામણે છોકરાની સાંજ સુધી વાટ જોઈ. મનમાં ધા તો ખાઈ ગયો કે કાંઈક વકરમ કરવા ગયો હશે ને ત્યાં કાળું મોઢું કર્યું હશે. વાવે જઈને જુએ તો લીલુંકાંચ મડદું પડેલું. તાંબડીમાં હજી દૂધ બાકી હતું. ડાંગ પડી હતી. તાંબડીનો કાંઠો ઘોબાળો હતો. પત્યું જીતવા! વિચારીને એણે દીકરાને દેન દીધું. ને વળતે દા’ડે પાછો તાંબડીમાં દૂધ લઈને હાજર થયો. જુએ તો નાગ રાફડામાંથી ડોકાણો પણ ઢૂકડો ન આવે. બામણે કહ્યું કે “એ તો જેવાં મારાં કરમ! તને કાંઈ દોષ દેતો નથી. પણ હવે દૂધ તો પી લે.” નાગે માનવીની વાચા કરી કે “ભાઈ! હવે તો આ દૂધમાં શો સ્વાદ છે!

તને સાલે દીકરો ને મને સાલે ઘા;
ઈ દૂધમાં હવે લા ને કાંઈ સા.

તને તારા દીકરાનું મૉત સાલે છે. મને મારે માથે પડેલો લાકડીનો ઘા સાલે છે. એટલે હવે તું દૂધ પા ને હું ઈ દૂધ પીઉં તેમાં કંઈ સ્વાદ રહ્યો નથી. હવે તો, મહારાજ! હું કહું તેમ કરીશ?” કે’, “મારે મારી બધી જ માયા તને આપી દેવી છે. તું થોડાં ફૂલ અને એક કરંડિયો લઈ આવીશ? અને મને એ ફૂલમાં મૂકીને કરંડિયો ઉપાડી હું જ્યાં કહું ત્યાં પહોંચાડી જઈશ?” કે’, “ભલે.” વળતે દિવસે બ્રાહ્મણ કરંડિયો ને ફૂલ લાવ્યો. એ કરંડિયામાં બેસી જઈને નાગ બોલ્યો : “હવે મહારાજ! મને ઉપાડ. બીશ નહીં. હું તને કાંઈ નહીં કરું. મને આંહીંથી લઈ ચાલ.” કે’, “ક્યાં?” કે’, “હેમાળામાં. મારે હેમાળે ગળવું છે, મને પહોંચાડીને આ રાફડામાંથી માયા ખોદી જજે. તારાં પરિયાંનાં પરિયાં ખાશે તોયે ખૂટશે નહીં.”

[2]

હેમાળે પહોંચીને બામણે માથેથી કરંડિયો ઉતારી હેઠો મૂક્યો. એટલે નાગે બહાર નીકળીને કહ્યું : “હવે મહારાજ, છેલ્લી વારનું મારું કહ્યું કર. મને પૂંછડેથી ઝાલીને સાત વાર ઘૂમાડ્ય અને પછી મને આ હેમાળામાં ફગાવી દે.” સાંભળીને બામણ ધ્રૂજી ઊઠ્યો. પણ નાગે કહ્યું : “ભાઈ, તું બીશ મા. મારી કાયાનો મકોડે મકોડો છૂટો પડી જશે તો જ હું હેમાળે ગળી શકીશ. તને હું કાંઈ નહીં કરું. બી મા.” એક બે ત્રણ ચાર વાર બામણે નાગને તો હવામાં વીંઝ્યો છે. તે ટાણે નાગે ખડ! ખડ! દંત કાઢ્યા છે. કે’, “ભાઈ દાંત કેમ આવ્યા?” કે’, “કાંઈ નહીં.” કે’, “ના, કહે ને કહે.” કે’, “ભાઈ, કહેવરાવવું રે’વા દે, ને હવે મારી કાયાનો મકોડે મકોડો નોખો થઈ ગયો છે. હવે મને ઝટ ઘા કરી હેમાળામાં ફગાવી દે.” “ના, પણ કહે, દાંત કેમ કાઢ્યા?” “ત્યારે મહારાજ! મેં દાંત કેમ કાઢ્યા એનું કારણ તને હું નહીં પણ દલ્લીનો બાદશા કહેશે. તું મને ફગાવી દઈને ત્યાં જાજે.” નાગને હેમાળાની ઊંડી બરફ-ખાઈમાં નાખી દઈને બામણ તો સીધો પહોંચ્યો દલ્લી શે’ર. બાદશાહની દેવડીએ જઈ ઊભો રહ્યો. ચાકર એને બાદશા પાસે લઈ ગયા. એને જોતાં જ બાદશા બોલ્યા : “આવો મહારાજ! હેમાળે નાગની પાસેથી આવો છો ને? નાગ કેમ હસ્યો એ જાણવું છે ને?” સાંભળીને બામણ તો આભો બની ગયો. બાદશા કહે, “મહારાજ, રાંધોચીંધો, જમો, થાક ઉતારો, પછી વાત.” ચાર દિવસ વહ્યા ગયા તો પણ બાદશા કંઈ બોલતો નથી, બામણ કહે કે, “જહાંપનાહ! નાગ હસ્યો તેનો ભેદ કહો. હવે હું નહીં રોકાઉં.” કે’, “મહારાજ હું નહીં કહું, પણ એ ભેદ પેરંભનો પાદશા કહેશે. એની પાસે જાવ.” ઊપડ્યો એ એ તો પેરંભ. પેરંભના પાદશાહે પણ જોતાં વાર કહ્યું કે “આવો મહારાજ! દલ્લીના બાદશાએ મોકલ્યા છે ને? નાગ હેમાળે કેમ હસ્યો એ જાણવું છે ને?” કે’, “હા, જહાંપનાહ.” “ઠીક, નાવ, ધુવો, રાંધોચીંધો, વિશ્રામ લ્યો, પછી કહેશું.” બામણ તો ચાર-છ દિવસ રોકાણો, પછી પેરંભના પાદશાહ કહે કે “મહારાજ! એ વાત તમને રૂમશામનો પાદશા કહેશે, હું નહીં કહું.” ઊપડ્યો બામણ રૂમશામના બાદશાહ પાસે. એણે બામણને ફોડ પાડ્યો કે, “મહારાજ! એક હું, બીજો પેરંભનો પાદશાહ અને ત્રીજો દલ્લીનો પાદશાહ, એમ અમે ત્રણેય હતા એક કૂતરીના કાનના ગીંગોડા. કૂતરી મરી ગઈ, એના મડદાને ગરજ્યુંએ ચૂંથી નાખ્યું, એમાંથી એનો કાન એક સમળીએ ઉપાડ્યો, ઉપાડીને એ ઊડી, ગઈ હેમાળાને માથે. એની ચાંચમાંથી કાન પડ્યો, તે ગયો બરાબર હેમાળામાં. અમે ત્રણેય ગીંગોડા ત્યાં હેમાળે ગળ્યા, એટલે એ પુણ્યને પ્રતાપે અમે આ જન્મે પાદશાહત પામ્યા. હવે તમે ઘૂમરડ્યો ત્યારે નાગ એમ હસ્યો, કે આ બામણની મૂર્ખાઈ તો જો મૂર્ખાઈ! હું મારી માયા મેલીને આંહીં હેમાળે ગળવા આવ્યો, કે જેથી મને આવતે ભવ હું જે વાંછું તે બધુંય મળે, ત્યારે મને આંહીં લાવનાર આ બામણ પોતે તો હેમાળે આવ્યા પછી હજી પાછો એ મારી મૂઠીક માયાને મોહે પાછો જાય છે — હેમાળે આવીને પાછો જાય છે! — મૂર્ખાઈ તો જો મૂર્ખાઈ! માનવીની એવી મૂર્ખાઈને માથે નાગે દાંત કાઢ્યા હતા, મહારાજ!” બામણ તો આ વાત સાંભળીને બારોબાર ઊપડ્યો હેમાળે. પોતડીનો કછોટો ભીડ્યો અને ખાબકી પડ્યો હેમાળામાં. મરીને સરજ્યો ગરજનના પાદશાહને ઘેર. શાહજાદો જન્મ્યો ત્યારે હુરમે એને જોયો. અરરર! આ કાળો કીટોડા જેવો મારી કૂખે જન્મ્યો! મારે તો શોભે ગોરો ગોરો શાહજાદો. અરે કોઈ છે કે? બાનડી હાજર થઈ. કે’, “બાનડી! કોઈક ગોરો છોકરો તાજો જન્મેલો હોય તેને ગોતીને આ બદલાવી નાખીશ?” બાનડી તો દોડી શહેરમાં. એક પીંજારાને ત્યાં તાજો જન્મેલો ગોરો ગોરો છોકરો જડી આવ્યો. એને મોંમાગી સંપત્તિ આપીને છોકરા બદલાવ્યા. કાળો હુરમનો જણેલો તે પીંજારાને દઈ દીધો ને ગોરો પીંજારણનો જણેલ તે લાવીને હુરમની ગોદમાં મૂકી દીધો. ગોરો શાહજાદો તો મોટો થયો એટલે આખો દી તાંત હલાવવાની અને રૂનાં પૂંભડાં ગોતવાની જ ચેષ્ટા કર્યા કરે, એને તલવાર–ભાલાં આપે તો લ્યે નહીં, એને પીંજારાનું જ કામ કરવું ગમે. અને પીંજારાને ઘેર ઊછરેલો કાળો છોકરો જેમ દસેક વરસનો થયો તેમ તો શેરીના છોકરાને ભેગા કરે, પાણકા–ધૂળના ગઢકિલ્લા બાંધે, લડાઈ લડાઈ રમે, તમામ ગોઠિયા ઉપર સત્તા ભોગવે. આવી રમત એક વાર રમાય છે, પીંજારાનો કાળિયો છોકરો પાણાની ઊંચી બેઠક બનાવીને રસ્તામાં રાજરીતથી રૂવાબદાર બેઠો છે, ગોઠિયા એનો હુકમ બજાવી રહ્યા છે, એવે ટાણે પાદશાહની ગાડી એ માર્ગેથી નીકળી. પણ પીંજારાનો છોકરો રસ્તામાંથી ઊઠ્યો નહીં. ગાડીના મોઢા આગળ દોડતો પાસવાન આવીને ડોળા ફાડીને કહે કે “ઊઠ, પાદશાહ સલામતની ગાડીને રસ્તો દે.” છોકરો સવાયા રૂવાબથી બોલ્યો કે “આંહીં તો હું પાદશાહ છું. જા, તારા પાદશાહને કહે કે ગાડી આઘેથી હંકારી જાય.” ગાડી ઢૂકડી આવી. પાદશાહની ગાડીને થંભવું પડ્યું. પાદશાહે જાણ્યું કે પીંજારાનો છોકરો રસ્તામાંથી ઊઠવાની ના પાડે છે અને રાજાના રૂવાબથી બેઠો છે, એનું તો રૂંવાડુંય ફરકતું નથી. પાદશાહે પીંજારાના કાળા છોકરાને નજરે નિહાળ્યો. પછી હુકમ દીધો, “આપણી ગાડીને તારવીને હાંકી લ્યો.” મહેલમાં આવીને એણે પ્રધાનને કહ્યું : “એ છોકરાને આંહીં મારી આગળ લઈ આવો.” પ્રધાને માણસ મોકલ્યો. છોકરો કહે કે “તારા પ્રધાનને મોકલ.” પ્રધાનને પ્રથમ તો કાળ ચડ્યો, પણ પછી વિચારીને એણે કહ્યું : “ચાલો, હું પોતે જ આવું છું.” આવ્યા. પીંજારાનો કાળો છોકરો પાણકા સાથે રાજ-રૂવાબથી બેઠો છે, ન ઊઠ્યો, ન અદબ કરી, ઠરડી નજરે જોતો રહ્યો. કે’, “છોકરા! તને પાદશાહ સલામત યાદ કરે છે.” કે’, “મારે શી પડી છે તારા પાદશા સલામતની? એને આવવું હોય તો આંહીં આવે.” બહુ કરગર્યો પછી છોકરો માન્યો, કે “હાથી લાવો, એની અંબાડીએ હું બેસું, તું પ્રધાન મને ચમર ઢોળતો ઊભો રહે, ને હાથી નગરની બજાર વચ્ચેથી હંકાર, તો આવું, નીકર નહીં.” “ઠીક ભાઈ! એમ તો એમ.” પ્રધાન પોતે ચમર વીંઝતા, પીંજારાના કાળા છોકરાને હાથીની અંબાડીએ બેસારી પાદશાહ પાસે લઈ આવ્યા છે, જનાનખાનામાં હુરમને એની જાણ થઈ છે, એણે ઝરુખેથી કાળા કીટોડા જેવા છોકરાને નીરખ્યો છે, હુરમની છાતી છલકવા લાગી છે, હુરમની રૂપાળી બે આંખોમાંથી દડદડ પાણી દડ્યાં છે. એણે પાદશાહને અંદર તેડાવીને હાથ જોડી અરજ ગુજારી કે “એક ગુનો માફ કરશો?” કે’, “હા, કહો.” કે’, “ત્યારે આ પીંજારાનો છોકરો પોતે જ આપણો શેહજાદો છે. જનમટાણે મેં એને પીંજારાના છોકરા સાથે બદલાવી લીધો હતો. કેમકે મને કાળા છોકરાથી ભોંઠામણ આવ્યું હતું. મારી ભૂલ થઈ.” બોલાવો પીંજારાને. વાત સાચી નીકળી. પાદશાહે પોતાનો હતો તેને પાછો સંભાળ્યો, ને પીંજારાનો હતો તેને પણ બે ગામ આપ્યાં. આમ બામણ હેમાળેથી એક વાર પાછો વળ્યો હતો તેને કારણે એને નવે જન્મ દસ વરસ મોડાં રાજપાટ મળ્યાં.