રંગ છે, બારોટ/11. ચંદણ–મેણાંગરી
કુંણ નર ધરતીમેં સતિયો જાગિયો રે
હરનું સિંગાસણ ડોલા ખાય?
આબુનાં પાડાંમાં ચંદણ નીપજે રે
વસિયો લોયાણાગઢની માંય
અ,…જી…જી.
અમરાપરીમાં હરિનાં સિંહાસન ડોલવા લાગ્યાં છે. હરિ પૂછે છે કે અરે હે ભાઈ! એવો તે કોણ સતિયો નર ધરતીમાં જાગ્યો છે કે આ મારાં હરિનાં સિંહાસન ટલ્લા દઈ રહ્યાં છે? ત્યારે જવાબ મળે છે કે હે ભગવાન! આબુના પહાડોમાં એક ચંદણ રાજા નીપજ્યો છે, ત્યાં એ લોયાણાગઢનું રાજ કરે છે. એના સતને બળે તમારું સિંહાસન હલબલી હાલ્યું છે. ત્યારે હરિએ પોતાના કૂડકાવડિયાને (નારદને) હુકમ દીધો છે કે કૂડકાવડિયા! જાઓ મરતલોકમાં, રાજા ચંદણનાં સત છોડાવો. એને માથે નખાય તેટલાં દુઃખ નાખો. પણ ખબરદાર! એને કોઈને મારશો મા. નીકર મારા ઓળંભા નડશે તમુને.
ખંભે ખડિયો ને હાથે ડાંગડી રે
આયો મૃતલોકની માંય;
કિયા રાજાની કહિજે સીમડી રે
કિયા રાજાની કહિજે ભોમ!
ભગવાનનો કૂડકાવડિયો તો ખંભે ખડિયો અને હાથમાં ડાંગ લઈ, બામણને વેશે મરતલોકમાં આવ્યો છે, ને વગડામાં પૂછપરછ કરે છે, કે હે ભાઈઓ, આ સીમ ને આ ભોમ કયા રાજાની કહેવાય છે?
રાજા ચંદણવાળી સીમડી રે
માતા મેણાંગરવાળી ભોમ!