ચૂંદડી ભાગ 1/2.કેણી કોરે ઊગેલા ભાણ (પ્રભાતિયું)
Revision as of 05:30, 17 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|2.કેણી કોરે ઊગેલા ભાણ (પ્રભાતિયું)|}} {{Poem2Open}} એટલું જ નથી, શું ફક...")
2.કેણી કોરે ઊગેલા ભાણ (પ્રભાતિયું)
એટલું જ નથી, શું ફક્ત માનવી જ પરણે છે? ના, પરણવું તો રહ્યું ઈશ્વર–પાર્વતીને પણ, કોઈ અગમનિગમના આવાસમાં એ પરમાત્મા બેલડી પણ પરણેતર ઊજવે છે : અગડંબગડં અને શોરબકોરની રીતે ઉતાવળે ઉકેલી લેવાની એ આપત્તિ નથી, પણ પાકા રંગનાં એ બંને પ્રેમીઓનાં તો મંગલ મુહૂર્તનાં વસ્ત્રો રંગવાને માટે ય સૂરજ ભાણના તેજોમય ઉદયને ટાણે આકાશમાં ખેતર ખેડાવવાનો અને કસુંબીનાં બીજ વાવવાનો સુંદર સાદ પાડે છે. તે વિના પ્રભુની પાઘડીનો અને પ્રભુ-પ્રિયાની ચૂંદડીનો ખરેખરો કસુંબલ રંગ ક્યાંથી ચડે? તે વિના સાચો રસ શી રીતે મણાય? (હરણાં તે સૂર્યની રાણી રન્નાદેનાં વાહન છે.)
કેણી કોર ઊગેલા ભાણ
- કેણી કોર હરણાં હળ ખેડે!
ઊગમણા ઊગેલા ભાણ
- આથમણા હરણાં હળ ખેડે.
હરણાં છોડી રે મેલ્ય,
- બળદ જોડ્યે રે કલ્લોલિયા.
બળદે બેવડ રાશ,
- ખેડુને માથે મોળિયાં.
ખેડી સઘળી રે સીમ,
- વાવી હો લાલ કસુંબડી.
રંગો ઈશવરની મોળ્ય
- રંગો પારવતીની ચૂંદડી.
રંગી ઈશવરની મોળ્ય
- રંગી પારવતીની ચૂંદડી.
બાંધો ઈશવર મોળ્ય!
- ઓઢો પારવતીજી ચૂંદડી.