ચૂંદડી ભાગ 1/11.ઘડીએ ઘડીએ લાડણ વહુ કાગળ મોકલે (માંડવા વખતે)
એમ કરતાં લગ્નની કંકોતરી લખવાનો શુભ દિવસ આવી પહોંચ્યો. વ્યવહારની રીતિએ કન્યાના પિતાએ જ વેવાઈ પર સાદીસીધી કુંકુમપત્રિકા લખી કાઢી હશે. પરંતુ ગીત તો એમ ભાખે છે કે જાણે ખુદ કન્યાએ જ પોતાના રાયવરને — પોતાના સુંદર વરને ‘ઘડીએ ઘડીએ’ કાગળો લખ્યા કે ‘વહેલો આવ! વહેલો આવ! મેં અધીરીએ આપણાં ઘડિયાં લગ્ન લેવરાવ્યાં છે. માટે વેલેરો આવ! વેળા વહી જશે!’ (હજુ પણ ઘણે સ્થળે કંકોતરી તો કન્યાના જ નામથી વર પર લખવામાં આવે છે.)
ઘડીએ ઘડીએ લાડણ વહુ કાગળ મોકલે
રાયવર, વે’લેરો આવ!
સુંદર વર, વે’લેરો આવ!
તારાં ઘડિયાં લગન, રાયવર, વહી જશે.
જવાબમાં પણ એવું જ કલ્પાયું કે પુરુષ મોંઘો થાય છે.
હું તો પાતરાંને તોરણ નહિ પરણું
ઘડીએ ન મોડો પરણીશ!
ઘડીએ ન વે’લો પરણીશ!
આ ને ઘડીએ નાળિયેરી તોરણ નીપજે. — ઘડીએ.
હું એક ક્ષણ પણ વહેલો-મોડો નહિ પરણું, માટે હમણાં ને હમણાં જ નવાં કિંમતી સાધનો વસાવી લેજે! આવી શેખીના જવાબમાં કન્યા પરિહાસ કરે છે :
દીકરી દેતું’તું કોણ!
જમાઈ કે’તું’તું કોણ!
તું તો દિનનો ઉપવાસી
તું તો વગડાનો વાસી
તારા પગડા ગ્યા ઘાસી
તારાં ઘડિયાં લગન
રાયવર વહી જશે. — ઘડીએ.
આટલી બધી બડાઈ શાનો કરે છે! તને કન્યા દેતું જ કોણ હતું! મારે સારુ આંટાફેરા ખાઈને તો તારા પગ પણ ઘસાઈ ગયા હતા. માટે ડાહ્યો થઈને જલદી જલદી આવી પહોંચ! નહિ તો લગ્નનો કાળ ચાલ્યો જશે.
હું તો લાકડાને બાજોઠ નહિ પરણું
ઘડીએ ન મોડો પરણીશ!
ઘડીએ ન વે’લો પરણીશ!
આ ને ઘડીએ રૂપાના બાજોઠ નીપજે. — ઘડીએ.
હું તો કચરાની ચૉરીએ નહિ પરણું
ઘડીએ ન મોડો પરણીશ!
ઘડીએ ન વેલો પરણીશ!
આ ને ઘડીએ ત્રાંબાની ચોરી નીપજે. — ઘડીએ.