ચૂંદડી ભાગ 1/25.ઊંચો ચોરો ચંદન ચોવટો (પસ ભરાવતી વેળા)

From Ekatra Wiki
Revision as of 09:28, 17 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|25|}} {{Poem2Open}} માથા પર તેલ સીંચી, પીઠીનું મર્દન કરી, નવરાવી, બાજો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


25

માથા પર તેલ સીંચી, પીઠીનું મર્દન કરી, નવરાવી, બાજોઠે બેસારી, નયનોમાં કાજળ આંજી, કપાળે ટીલું કરી, પછી વરના પસ (ખોબો) ભરાવાય છે; એટલે કે ભેટ અપાય છે. જાણે વરનાં ફુઈ ને ફુઆનું યુગલ અથવા ભાઈ–ભાભીનું જોડું પરસ્પર સંકેત કરે છે :

ઊંચો ચોરો ચંદન ચોવટો
રે નીચી ભમ્મરિયાળી ભાત
ગિરધરલાલ કેરી બાંધણી રે
ત્યાં ચડી કયા ભાઈ સાજન પોઢશે
રે કઈ વહુ ઢોળે છે વાય. — ગિરધરલાલ.
અંગૂઠો મરડી પિયુ જગાડિયા
રે પિયુ તમે સૂતા છો કો જાગ. — ગિરધરલાલ.
આપણે ઘેર… ભાઈનો સોયરો
રે ઉઘડાવો સોનીડાનાં હાટ. — ગિરધરલાલ.
સોનીડા! લાવ્યે રૂડાં ઝૂમણાં
રે તે તો મારે… ભાઈને કાજ. — ગિરધરલાલ.

વીંઝણો ઢોળતી એ પત્નીએ કોઈ વૈશાખ માસના, લહેરીઓ લેતો પરોઢિયે પોઢેલા પતિને જગાડ્યા : જગાડ્યા, પણ કેવી રસમય રીતિએ? અંગૂઠો મરડીને. ઘઘલાવીને નહિ! અને તે જ વખતે સોનીડાનાં હાટ ઉઘડાવી ઝૂમણાં, દોસીડીનાં હાટ ઉઘડાવીને પામરી, સુતારનાં હાટ ઉઘડાવીને બાજોઠ, લુહારનાં હાટ ઉઘડાવીને દીવડો અને સુખિડયાનાં હાટ ઉઘડાવીને સુખડી કઢાવ્યાં; પરણનારના ખોબામાં પસ ભરાવ્યા. સામા પક્ષમાં કન્યાને પણ એવાં જ ગીતો ગાઈ ગાઈ, એવી જ પીઠીનો લેપ ને સુગંધી તેલનું મર્દન કરી, આદિત્ય–રાંદલ અને ગંગા–યમુનાનાં સ્મરણો સાથે અંઘોળ કરાવી સગાંવહાલાંએ પસ ભરાવ્યાં.