ચૂંદડી ભાગ 1/36.માલણ, ગૂંથી લાવ ગુણિયલ ગજરો (ફુલેકા વખતે)

From Ekatra Wiki
Revision as of 10:50, 17 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|36.| }} {{Poem2Open}} માલણે વરરાજાને માટે ગજરો બનાવ્યો : {{Poem2Close}} <poem> માલણ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


36.

માલણે વરરાજાને માટે ગજરો બનાવ્યો :

માલણ, ગૂંથી લાવ ગુણિયલ ગજરો
તારા ગજરાનો માનીશ મુજરો. — માલણ.
તારા ગજરાનું આપશું મૂલ રે
માંહીં ગૂંથજે ગુલાબનું ફૂલ રે
જે તું કહીશ તે કરશું કબૂલ. — માલણ.
જેવી હોય તારી ચતુરાઈ રે
તેવી કરજે તેની સરસાઈ રે
કાંઈ બાકી ન રાખીશ, બાઈ. — માલણ.
એવી કરજે કારીગરી એમાં રે
જુક્તિ હોય જોવા જેવી જેમાં રે
મોહ પામે મુનિવર તેમાં. — માલણ.
વર લાડકડાને કાજે રે
એવો ગૂંથજે તું ગજરો આજે રે
જેવો છત્રપતિને છાજે. — માલણ.
ગજરો મૂલ પામે મુલતાન રે
સારો સારો કહે સુલતાન રે
થાય ગુણીજન જોઈ ગુલતાન. — માલણ.
તને આપીશ હીરાનો હાર રે
વળી સોળ સારા શણગાર રે
ઉપર હેમની મહોર હજાર. — માલણ.
કવિતાની કિંમત ઉર આણે રે
એમ ગજરાનું મૂલ પ્રમાણે રે
દાખે દલપત બીજું શું જાણે. — માલણ.