ચૂંદડી ભાગ 1/40.બાઈ રે સાવ રે સોનાનો સારો દીવડો (મામેરું)
પરંતુ ઘણી ઘણી વાટ જોતાંયે ભાઈ ન આવ્યો. નણંદ મેણાં દેવા મંડી : બેન તો આકુળવ્યાકુળ થઈને ડેલી બહાર દોડે છે. દૂર દૂર રસ્તા ઉપર નજર કરે છે. શરીરે પરસેવો ઊતરે છે. ત્યાં તો કોઈએ વધામણી દીધી કે તમારો ભાઈ આવ્યો :
બાઈ રે સાવ રે સોનાનો સારો દીવડો
એને દીવડીએ રંગ રૂપાના મોર
સોહન દાંડીનો દીવડો
બાઈ રે દીવડો મેલાવો મોટે માંડવે રે
ત્યાં ચડી બેસજે મારો દેર ને જેઠ. — સોહન.
નણદી મચકો કરીને બોલ્યાં રે
ભાભી! નો આવ્યો તારો લોભી વીર. — સોહન.
આવાં મેણાં ખાતી સ્ત્રીની કેવી દશા આલેખી છે! કમખાની કસ છૂટી પડી છે. વાળનો અંબોડો વિખરાયેલો છે. અને મોંનાં તંબોળ-ટીપાં છેક છાતીએ ઊતર્યાં છે.
બાઈ રે કસું રે છૂટી ને વેણું મોકળી
મારે હૈડે રે કાંઈ ઊતર્યો તંબોળ. — સોહન.
દેર વધામણી લાવે…
ભાભી! આવ્યો રે તારો માડીજાયો વીર. — સોહન.
બાઈ કસું રે બાંધી ને વેણું ઠાંસિયું
જી રે મારે હૈડે હરખ ન માય. — સોહન.