ચૂંદડી ભાગ 1/62.સીતાને તોરણ રામ પધાર્યા (પોંખતી વેળા)

From Ekatra Wiki
Revision as of 06:11, 18 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|62| }} {{Poem2Open}} પરણતો પુરુષ કન્યાના પિયરને દ્વારે તોરણ છબવા આવે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


62

પરણતો પુરુષ કન્યાના પિયરને દ્વારે તોરણ છબવા આવે છે. દ્વાર પર આસોપાલવનાં પાંદડાંનાં લીલાં તોરણ ઝૂલે છે. પુરુષ ‘હું આવ્યો છું’ એ નિશાની રૂપે તોરણનું પાંદડું તોડે છે અને કન્યાની માતા એને પૉંખે છે : પ્રોક્ષણ સિંચન કરે છે : પૉંખે છે શી શી વસ્તુઓ વડે? રવાઈ, ત્રાક, ઘોંસરા અને પીંડી વડે : જગતના જીવન-આધારની ચારેય પવિત્ર વસ્તુઓ : હે કુમાર! તારા ગૃહસંસારમાં પણ એ ચારેય સામગ્રીઓ — એ દૂધ, ઘી, ખાદીનાં વસ્ત્રો, ખેતીવાડીનું ધાન્ય, તે તને સાંપડજો! પરણનારને એની પવિત્રતા સ્મરાવવા આંહીં પણ સીતારામનું જ સંબોધન થાય છે :

સીતાને તોરણ રામ પધાર્યા
લેજે પનોતી પૅ’લું પૉંખણું
પૉંખતાં રે વરની ભ્રમર ફરકી
આંખલડી રતને જડી.

રવાઈએ એ વર પૉંખો પનોતાં
રવાઈએ ગોળી સોહામણાંય

સીતાને તોરણ રામ પધાર્યા
લેજે પનોતી બીજું પૉંખણું!

ધોંસરીએ એ વર પૉંખો પનોતાં
ધોંસરીએ ધોરી સોહામણા.

સીતાને તોરણ રામ પધાર્યા
લેજે પનોતી ત્રીજું પૉંખણું!

તરાકે એ વર પૉંખો પનોતાં
તરાકે રેંટીડા સોહામણા.
સીતાને તોરણ રામ પધાર્યા
લેજે પનોતી ચોથું પૉંખણું!

પીંડીએ એ વર પૉંખો પનોતી
પીંડીએ હાથ સોહામણા.

પનોતી એટલે પુણ્યવતી સાસુજીએ વિશ્વનાં એ ચાર સર્વોત્તમ પુષ્પો વડે વધાવીને આશિષો છાંટી, અને પડદો રાખેલો તેની અંતરાલે આવીને કન્યાએ પોતાના મુખની તાંબુલની પિચકારી લગાવી. તાંબુલના રંગે પતિને જાણે કે સમસ્યા કરી કે હું આ આત્માના રાગ વડે તારું સ્વાગત કરું છું.