ચૂંદડી ભાગ 1/66.થાળી ઠમકી ને વરવહુના હાથ મળ્યા (ચોરી સમયે)

From Ekatra Wiki
Revision as of 07:08, 18 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|66 |}} {{Poem2Open}} પ્રથમ માથા પર મોડિયો : મોડિયો એટલે મુગટ : ને તે ઉપ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


66

પ્રથમ માથા પર મોડિયો : મોડિયો એટલે મુગટ : ને તે ઉપર ચોળ ચૂંદડી : એવા રાજ અને ત્યાગ બંનેના ભાવો જગવતા શણગાર સજીને કન્યા માંડવે આવી. ભરી મેદનીની વચ્ચે, પણ છતાં વસ્ત્રના અંતરપટ નીચે એટલે કે જગત બધાની સાક્ષીએ, છતાં લાજમરજાદ લોપ્યા વિના કન્યાનો હાથ વરના હાથમાં મેલાયો :

થાળી ઠમકી ને વરવહુના હાથ મળ્યા
ઢોલ ઢમક્યા ને વરવહુના હાથ મળ્યા
જાણે ઈશ્વર — પારવતી સાથ મળ્યા

આવી મંગલ શરૂઆત પછીથી આ ગીત પરિહાસમાં ઊતરી પડે છે. તેથી એક સૂરતી સંગ્રહમાં આવી નવી પંક્તિઓ ઊતરી છે :

ઢોલ ઢમક્યા રે વરવહુના હાથ મળ્યા
વાજાં વાગ્યાં રે વરવહુના હાથ મળ્યા.
હૈયાં હરખ્યાં રે વરવહુના હાથ મળ્યા.
પ્રેમે નીરખ્યાં રે વરવહુના હાથ મળ્યા.

જેમ નદીને નદીનો નાથ મળ્યા
એમ વર ને કન્યાના હાથ મળ્યા.

જેમ દૂધમાં સાકર જાય ભળી
એમ વર ને કન્યાની જોડ મળી.

જેમ ફૂલમાં હોય સુવાસ ભળી
એમ વર ને કન્યાની જોડ મળી.

જેમ શોભે છે લ્હેરો સાગરમાં
એમ વર ને કન્યા માયરામાં.

જેમ સારસ શોભે સજોડે કરી
તેમ વર ને કન્યાની જોડ ઠરી.

જેમ ઇંદ્ર — ઈંદ્રાણીની જોડ ધરી
તેમ વર ને કન્યાની જોડ ઠરી.