ચૂંદડી ભાગ 1/77.આ દશ્ય આ દશ્ય પીપળો (કન્યા વળાવતાં)
વેલડી બોલી : પૈ સિંચાયાં : એટલે કે વેલડીના પૈડાં નીચે શ્રીફળ પીલવામાં આવ્યાં. અને સહુ સ્વજનો બહેનને વળાવવા ચાલ્યાં : પ્રત્યેકે કન્યાને કરુણ શિખામણો દીધી. પિતા પ્રબળ ઊર્મિનો માર્યો ડેલીએથી જ પાછો વળ્યો. અને છેલ્લે સીમડી સુધી વળાવવા જવાની હિંમત તો ફક્ત વીરાની જ ચાલી : વિદાય થતી બહેન વગડામાં પિતાના ખેતરની દિશા (દશ્ય)માં પણ મીટ માંડતી જાય છે.
આ દશ્ય આ દશ્ય પીપળો, આ દશ્ય દાદાનાં ખેતર,
ડેલી વળામણ બાનો દાદોજી, દીકરી, ડાયલાં થાજો!
હૈડે4 તે જડજો સોના સાંકળા, મનડાં વાળીને રે’જો!
સસરાનો સરડક ઘૂમટો, સાસુને પાયે તે પડજો!
જેઠ દેખી ઝીણાં બોલજો, જેઠાણી વાદ ન વદજો!
નાનો દેરીડો લાડકો, એનાં હસ્યાં રે ખમજો!
નાની નણંદ જાશે સાસરે, એનાં માથડાં ગૂંથજો!
માથાં ગૂંથી સેંથા પૂરજો, બેનને સાસરે વળાવજો!
શેરી વળામણ બાની સૈયરું, બેની, ડાયલાં થાજો!
ઝાંપલાં વળામણ બાની માતાજી, બેની, ડાયલાં થાજો!
સીમડી વળામણ બાનો વીરોજી, બેની, ડાયલાં થાજો!
[પાઠાન્તર : ડુંગર ઉપર દેરડી, ઉપર સોનાનાં ઈંડાં
… તે ગામ બીવરામણું, બેનીબા કેમ કરી રે’શો!
હૈડાં તે જડશું સોના સાંકળે, મનડાં વાળીને રે’શું!]