ચૂંદડી ભાગ 1/89.હાં હાં રે હમલી! (ઉકરડી ઉડાડતી વખતે)

From Ekatra Wiki
Revision as of 09:24, 18 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|89|}} {{Poem2Open}} દૃશ્ય આખું બદલાઈ ગયું છે. સૂર્યાસ્ત પછીની લગાર જે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


89

દૃશ્ય આખું બદલાઈ ગયું છે. સૂર્યાસ્ત પછીની લગાર જેટલી અંધકારમયતા સમી જુદાઈની કરુણતા શમી ગઈ. આજે સાસરવાસી જીવનની રાત્રિ સહસ્ર તારલે ટંકાઈને શી રૂડી મૂંગી મધુરતામાં આ નવવધૂને લપેટી રહી છે! વિદાયની પીડા વિસારે પડી આંસુ લુછાયાં. પુત્રી મટીને પોતે પત્ની બની છે એવું ભાન ઊગ્યું. નવા ઘરનો દીવડો બનીને આવનારી કન્યા આદરમાન પામી. નવી વહુના માથા પર સહુએ આશીર્વાદ વરસાવ્યા. નાનાં દેર–નણંદ એની ડોકે બાઝી પડ્યાં. અને જીવનમાં જે એક જ વાર આવે છે — આવીને કાં સદાકાળ રહે ને કાં સદાને માટે ચાલી જાય — એવી એ મિલનની પહેલી રાત આવી પહોંચી. એનાં વર્ણનો ન હોય. એને શબ્દપ્રયોગો ન શોભે. એ દૃશ્ય દુનિયાને દેખાડવાનું ન હોય, એ ગોપનતા અતિ પવિત્ર, અતિ મંગલ છે. પાંચ-છ પંક્તિનું ધ્વનિકાવ્ય એને માટે લોકકવિએ ગનીમત માન્યું :

હાં હાં રે હમલી લીલી દાંડીનો ઝમરખ દીવડો
હાં હાં રે હમલી રમઝમ કરતાં…વહુ આવ્યાં.
હાં હાં રે હમલી વગરતેડ્યાં ગોરી શીદ આવ્યાં?
હાં હાં રે હમલી આછી પછેડી ઓઢવા આવ્યાં.
હાં હાં રે હમલી પાતળિયા! પગ ચાંપવા આવ્યાં.
હાં હાં રે હમલી મોતૈયા લાડુ જમવાને આવ્યાં.