ચૂંદડી ભાગ 1/91.ગોખે તે બેઠી તે રાજવણ બોલે (ફુલેકામાં)

Revision as of 09:41, 18 May 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


91

જેવા સુંદર સ્વપ્નાં, તેવા જ સુસંગત એના અર્થો : અજાણ્યા જીવનસાથીએ કંઈક એવી મીઠાશ એ સહચરીના અંત:કરણમાં મેલી દીધી કે નિદ્રામાં આવાં રૂપાળાં સ્વપ્નાં મળ્યાં. અને સ્વામીએ એ સ્વપ્નસૃષ્ટિને બંને કુટુંબોનાં આત્મજનો વડે વસાવી દીધી. આંહીંથી જ આરંભાયેલી મમતા વળી પાછું નવું સ્વરૂપ ધારણ કરે છે. અજાણ્યા સંસારવનમાં આવી પડેલી સ્ત્રી સ્વામીને કહે છે કે હું તો માર્ગ ભૂલી છું. મને માર્ગ દેખાડો : તમે મારા ભોમિયા બનો : એમ કહેવાની સાથે તો આખીયે સાસરવેલ એને સુંદર સુંદર, ઉચ્ચ ઉપમાઓને યોગ્ય દેખાઈ આવે છે :

ગોખે તે બેઠી રાણી રાજવણ બોલે
મને મારગડો દેખાડો, રાજ બંદલા!
હું તો મારગડાની ભૂલી, રાજ બંદલા!

અલબેલડા રે મારે…ભાઈના દાદા,
જાણે ભરી સભાના રાજા રાજ બંદલા!
મને મારગડો દેખાડો, રાજ બંદલા!
હું તો મારગડાની ભૂલી, રાજ બંદલા!

અલબેલડા રે મારે…ભાઈના વીરા,
જાણે હાર માયલા હીરા રાજ બંદલા!
મને મારગડો દેખાડો, રાજ બંદલા!
હું તો મારગડાની ભૂલી, રાજ બંદલા!

અલબેલડા રે મારે…ભાઈના વીરા,
જાણે મેહુલિયાની હેલી રાજ બંદલા!
મને…

અલબેલડા રે મારે…ભાઈના મામા,
જાણે સરોવર પાળે આંબા રાજ બંદલા!

અલબેલડા રે મારે…ભાઈના કાકા,
જાણે વીંટી માયલા આંકા રાજ બંદલા!

અલબેલડા રે મારે…ભાઈની માડી,
જાણે ફૂલડાં કેરી વાડી રાજ બંદલા!

આ ગીતમાં… ટપકાંવાળા સ્થળે વહુના દિયરનું નામ મૂકવું જોઈએ, કે જેથી પતિનાં તમામ સગાંને ઉદ્દેશીને પત્ની ગાતી હોય તેવો અર્થ નીકળે. વાસ્તવિક એમ જ હોવું જોઈએ. પરંતુ અત્યારે ગાનારી સ્ત્રીઓ તો ત્યાં વરનું જ નામ લે છે, કેમ કે તેમને એ નામ બોલવાનો બાધ નથી હોતો.