પરિભ્રમણ ખંડ 1/લોકજન્ય સમાજશાસ્ત્ર

From Ekatra Wiki
Revision as of 12:28, 18 May 2022 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search
લોકજન્ય સમાજશાસ્ત્ર

[ઈન્દુપ્રસાદ ભટ્ટ]


વ્રતકથા એ લોકજન્ય સમાજશાસ્ત્ર હોઈ તેમાંથી લગ્નનાં મંતવ્યો નીકળશે, સામાજિક જીવનના નિયમોનો વણાટ જણાશે, સમાજસેવાનાં વ્રતીનાં તપ, પ્રતિભા અને શ્રદ્ધાનાં દર્શન થશે.

આ સમાજશાસ્ત્ર શિષ્ટ તેમ જ લોકોત્તર છે, એ તેની ખાસ વિશેષતા છે. દેવ, ધનિક કે રંક સર્વને માટે જે સામાન્ય ધોરણ આ અજ્ઞાત સમાજશાસ્ત્રીએ મૂક્યું છે તેવું બીજું કંઈયે નથી. રંક ને રાય સર્વ સત્યના એક ધોરણે જીવનના હકદાર છે, તે આ વ્રતકથાઓનો સંદેશ છે. આ સમાજશાસ્ત્ર એક વસ્તુ સ્વીકારીને જ આગળ ચાલે છે અને તે જગન્નિયંતામાં અપૂર્વ શ્રદ્ધા. જીવનમાં શ્રદ્ધાનાં પૂર વહે છે અને આ પૂર જીવનને સક્રિય બનાવે છે એ નોંધવું જોઈએ. ક્રિયા વિનાની શ્રદ્ધા આળસ છે, અશક્તિનાં અંધારાં છે, અને પ્રાણવિઘાતક બને છે, જ્યારે સક્રિય શ્રદ્ધા એ શક્તિના સંચાર કરે છે, પ્રાણને પ્રફુલ્લિત બનાવે છે, આશાના સ્વસ્તિક પૂરે છે. આ વ્રતકથાઓ પણ શ્રદ્ધાપૂર્ણ હોઈ પ્રાણવિકાસક છે. વ્રતઊજમણાં એ જીવતાંજાગતાં પુસ્તકાલયો છે. વ્રતઊજમણાં એ સંયમનિયમના હળવા પદાર્થપાઠો છે, અને વ્રતઊજમણાં જીવનની તૈયારીરૂપ છે. વ્રતકથા સાંભળનાર અને કહેનાર બંનેનો મહિમા અપ્રતિમ છે. મોક્ષમાર્ગ, જીવન જીવવાના માર્ગ, સામાજિક સમાનતા, આદર અને કદરના માર્ગ આ વ્રતકથામાં અજબ રીતે નજરે પડે છે. જેને સંસારમાં કોઈ હોય નહિ એવી ઘરડી ડોશીને યમરાજાની વાત સાંભળી વિમાન મળે છે, શલ્યા અહલ્યા થઈ જાય છે, અને આ વ્રતકથામાં વ્રત કરવાનું જેને દર્શન થયું છે, તેને બીજા એક માણસને સાથે લઈ વ્રતના ભાગીદાર બનાવવું પડે એવી ઉદારતાભરી સમાજરચના એ લોકોની સંસ્કૃતિનું ઊજળું પાસું છે. વ્રતકથાની યોજનામાં આમવર્ગ અને ખાસવર્ગ બંનેની ઉત્તમ વ્યવસ્થા છે. સાહિત્યને આમ સર્વભોગ્ય બનાવવાની વ્યવસ્થા સત્યનાં આરાધન અને ઉપાસના સામાજિક બનાવવાની વ્યવસ્થા, અને છેક મોક્ષપદ મેળવવામાં પણ જગતના ચૈતન્યનેયે સાથે લેવાની ભાવનાની વ્યવસ્થા આ વ્રતકથાઓનું વિશેષત્વ છે. આ વ્રતકથાઓમાં ઉપનિષદો ને પુરાણોમાં ઉતારનાર પૌરાણિકોના, સાદી ભાષા અને સાદી વાત કરનાર સાહિત્યકોની, જાતક કથાઓના કથાકારોના, તૉલસ્તૉય, મેઝિની અને ગાંધીજી જેવા યુગપ્રવર્તકોના આત્માના સંદેશા ગૂંથાયેલા છે. મોટાં શિષ્ટ પુસ્તકો, આત્મવાક્ય, કે કાવ્યગ્રંથો જે જીવન જીવવાની કળા નથી આપતાં તે આ વ્રતકથાઓ આપતી હતી. એક એક વ્રત પાછળ જીવનની એક એક ચાવી હતી, અને આ ચાવી સ્વાભાવિક સંસ્કારી વાતાવરણમાંથી સુલભ મળી જતી હતી. ‘ધર્મં ચરેત’ એ મુદ્રામંત્ર આ વ્રતકથાનો છે. વ્રતકથાનો કહેનારો વ્રતી છે. જીવનમંદિરના પ્રવાસીને પ્રવાસ માટે જે દીક્ષા લેવી જોઈએ, તે વ્રતકથાની કન્યા લે છે. આજે યુવકમંડળોના સભાસદ થવા જે ફરજિયાત સેવાકાર્યનો સ્વીકાર કરવો રહે છે, તે જ વ્યવસ્થા આ વ્રતમાં છે, આ વ્રતકથાની ભાવનામાં છે. વ્રતકથાઓ વિશાળ સંપૂર્ણ રૂપે અવલોકીએ. યમરાજાની વાર્તામાં છે તેમ 360 વ્રત છે અને તેની કથાઓ છે. તે સર્વેનાં સ્વરૂપ અને ભાવના જોઈએ, તો જીવનનો એકે પ્રદેશ આમાં બાકી રહ્યો નથી. જીવનની ઋતુયે ઋતુની, દિવસે દિવસની ઉપાસના આ વ્રતોમાં છે. સૌન્દર્યપૂજન આ વ્રતોમાં છે, એકે એક દિવસ અને ક્ષણ જીવનસાફલ્યની તૈયારી માટે અનુકૂળ છે. આજે સમાજની પુન:રચના કરવા આપણે માગીએ છીએ, તે જમાનામાં આ વ્રતકથાઓના અભ્યાસ અને ચિંતન ઉપયોગી નીવડશે. જીવન અને મૃત્યુની મીમાંસા : જીવન એટલે વ્રતમય જીવન. પ્રભુપરાયણ જીવન. મૃત્યુ એટલે દુઃખ નહિ, તે તો વૈકુંઠમાં જવાનું. તે સમયે ‘ચોકમાં તુલશીનાં વન થાય, ફૂલ મહેક મહેક થાય, પગલે પગલે કંકુ વેરાય’. કવિ ટાગોર પણ ‘ગીતાંજલિ’માં આવું જ લખે છે.

‘મા ફલેષુ કદાચન’, એ ગીતાવાક્યના અવતાર જેવો ધર્મરાજાનો નિર્ણય :

એક ભાગ ધરમનો
એક ભાગ જમનો
એક ભાગ પ્રાણીનો.

આખીયે વાર્તા દાનધર્મનો મહિમા છે. મૃત્યુ પછી આવા વિકટ સ્થાનોમાંથી પસાર થવાનું છે માટે દાન કરવું જોઈએ એ ભાવ ‘ગંગાજળ’ જેવાં એ બહેને રાખ્યો નથી, પણ એ તો સ્વાભાવિક જ વ્રતદાન કરે છે. ફળ તેનું મળે છે. જીવન જેટલું કલ્પનાશીલ તેટલી દાનભાવના વિશાળ. બીજું, આ બધા મૃત્યુ પછીના ભયો નથી; પણ કથાકારે મૃત્યુપ્રસંગે જીવનનું સરવૈયું કાઢ્યું છે. બધીયે વ્રતકથાઓ ભેગી થાય તો આ કથાને છેલ્લી મૂકવી જોઈએ. વ્રતકથામાં જે જીવનકળા છે તે વિરલ છે. વ્રત શરૂ કરે ત્યાંથી તે વ્રત પૂરું થાય ત્યાં સુધીમાં જે જીવન સુગંધ ફોરે છે તે અનોખી છે. લોકસાહિત્ય કોરા કાગળ ચીતરી જાય તે યુગ લોકસાહિત્યનો યુગ નથી. લોકસાહિત્યના સંગ્રાહકને પાઘડી બંધાવાય કે લોકદરબારે કે રાજદરબારે આદર થાય તે લોકસાહિત્યનો યુગ નથી. લોકસાહિત્યને શાળા-કૉલેજોમાં સ્થાન મળે, કે પરદેશના તેવા સાહિત્યની સાથે તુલનાત્મક અભ્યાસના ક્રમ રચાય તે પણ લોકસાહિત્યનો યુગ નથી. સાચો લોકસાહિત્યનો યુગ તો એ જ કહેવાય કે જે યુગમાં ખાસ વર્ગ અને આમવર્ગ સાહિત્યમાં સાથે બેસી નાહ્ય અને તરબોળ થઈ રસપીણાં પીએ. જે યુગમાં ઢેડ, બ્રાહ્મણ, હિંદુમુસ્લિમ કે પારસીખ્રિસ્તીના ભેદ વગર જ સાહિત્યવૃક્ષની છાયામાં રસછોળોથી સૌ રંગાય, તે લોકસહિત્યનો યુગ છે. લોકસાહિત્યનો યુગ એટલે લોકાદરનો મહિમાવંત યુગ. આજે મજૂરવાદ, સમાજવાદ, અહિંસાવાદ અને પ્રેમવાદ, સ્વાતંત્ર્યવાદ, એ યુગપ્રવર્તક ધર્મો હોઈ અને એ સર્વે લોકાદરના જ પાયા ઉપર રચાયેલા હોઈ લોકસાહિત્યના યુગનાં મંડાણ કરે છે તે લોકસાહિત્યના સેવકે ન ભૂલવું જોઈએ.

ઉમરેઠ : 7-6-1928


આજથી પચીસ વર્ષે

આજથી પચીસ–પચાસ વર્ષે મૂળ કાઠિયાવાડ–ગુજરાતમાંથી બહાર નીકળેલાં પણ પછી તો સંસ્કારે ને સંગે પરદેશી થયેલાં ગુજરાતી કુટુંબો ‘જાપાનીસ ફેરી ટેઈલ્સ’ કે કંઈક એવું લઈને અંગ્રેજીમાંથી ભાષાંતર કરી છોકરાંને સમજાવવા બેસશે, તે વખતે આવો એકાદ સંગ્રહ ‘સંસ્કૃતિની એકતા’ સાચવવામાં કેટલી મદદ કરશે એ અનુમાન કરવામાં જ આ પ્રયાસની સફળતા થઈ ચૂકે છે. ‘સ્ટોરીઝ ફ્રોમ વૅગ્નર’માં જે ‘મિસ્ટીસિઝમ’ ને અશક્યતા છતાં આદર્શો મુકાય છે તે ખરેખર હૂબહૂ આપણી વાતોને ઘણા મળતા છે, અથવા મધ્યયુગનું ચિત્ર જ બધા દેશોમાં સરખી માટીમાંથી મૂર્ત થયું છે. આપણે ત્યાં એ સવાલ ઉત્પન્ન થયો છે કે આવી વાતોથી શું? — એનો સમય હવે છે કે નહીં? — આજે હવે એ ‘પાઘડિયાળા પુત્ર’ની વાત જંગલી મનાશે. એનો એક જ પ્રત્યુત્તર છે કે તમે એવું શું અદ્ભુત તત્ત્વ મેળવ્યું છે કે આ જંગલીપણામાંથી દૂર ખસવા માગો છો? ‘ક્રીસ્ટમસ કાર્ડ’ પાછળની ફૅશન જો ઘેલછા નથી મનાતી પણ સુધરેલી મનોદશા મનાય છે, તો થોડા ખર્ચે જીવનમાં ઉલ્લાસ પણ પૂરે અને આદર્શ પણ ઘડે એવી આ વ્રતકથાઓ શું ખોટી છે? તરત જ જવાબ મળશે કે આપણો આદર્શ હવે એ પ્રમાણે નહીં રહી શકે : પુત્ર અને વહુ આવ્યાં એટલે જીવન જીત્યાં એ વાત આજે ચાલી ગઈ છે. પરંતુ નવો આદર્શ તો હજુ સ્થિર થયો નથી ત્યાં સુધી, જેમાંથી આદર્શો ઘડી શકવાની કંઈક પણ આશા છે એવી આ ભૂમિકાને વિચારો : એની સામાજિક રીતે સમાલોચના કરો : એમાં વહેતું માનસ જુઓ : તંદુરસ્તીભર્યો વૈભવ નિહાળો : અને પછી આજે ફેરવાયેલી પરિસ્થિતિને અનુકૂળ એટલું તમારું બનાવો. કોઈ પણ પ્રજા પોતાનામાંથી જેટલું સરજે તેટલું જ તેને તારશે.

ધૂમકેતુ


કં-કા-વ-ટી

એનો અસલ શબ્દ છે કુમકુમવટી. આપણાં તમામ વ્રતોમાં એ મંગલ પાત્ર અગ્રસ્થાન દીપાવે છે. લાલલાલ કંકુના ચાંદલા, સુંદર સાથિયા અને અન્ય મંગલ આકૃતિઓ એ કંકાવટીમાંથી ઝરે છે. પ્રત્યેક અરુણોદયે પૂર્વ દિશામાંથી આવતી અને જાણે કે પોતાની ગેબી કંકાવટીમાંથી મંગલ શકુનોનાં છાંટણાં દેતી ઉષાકુમારીને આર્ય કુમારિકા નીરખે છે. નીરખીને પોતે પણ નાની કંકાવટી લઈ પ્રત્યેક પ્રભાતે નીકળી પડે છે. ઘરોઘરનાં પડોશીઓને, સૂઈને ઊઠતી સૈયરોને, સામી મળતી ગાયને, મૌન ઊભેલા પીપળાને, સ્થાવર વા જંગમ પ્રત્યેક જીવને, જેટલાને બને તેટલાને ચાંદલા કરતી કરતી એ મંગલ શકુનો જ વરસાવે છે. નાની નાની એ શકુનદાત્રીનું આ પહેલવહેલું સાદું વ્રત : અને પ્રૌઢા સીમન્તિનીનું છેલ્લામાં છેલ્લું ગંભીર વ્રત : બંનેમાં રમે છે કંકાવટી. આદિથી અંત સુધીની એ બહેનપણી : આર્યત્વના બાલ્ય — બાલિશ પણ ખરા! — કલાસંસ્કારનું એક રમ્ય આવિષ્કરણ : જીવંત એક કાવ્ય : વાહ કંકાવટી! તને કોણે સરજી? ક્યારે સરજી?