ચૂંદડી ભાગ 2/78.ઘરની કૂંચી

From Ekatra Wiki
Revision as of 10:35, 19 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|78.|}} {{Poem2Open}} [લાડી લાડાને પૂછે છે કે ‘ઘરની ચાવી કોને સોંપી આવ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


78.

[લાડી લાડાને પૂછે છે કે ‘ઘરની ચાવી કોને સોંપી આવ્યા?’ લાડો જૂઠેજૂઠું કહે છે કે ‘ચાવી તો બાપુને દઈ આવ્યો છું.’ વગેરે. લાડી ખીજે બળીને કહે છે કે ‘એ બધાં તો ઘરને ફના કરી નાખશે! મારો જીવ ઊંચે ચડી જાય છે. તેં શીદ બીજાને ચાવી દીધી?’ આખરે લાડો હસીને કહે છે કે ‘ચાવી તો આ મારી કસે બાંધેલી છે!’ સાંભળીને લાડીનો જીવ હેઠો બેસે છે! કેમ જાણે ઘર પોતાનું જ થઈ ગયું હોય! વિનોદ-ગીત છે.]

રણક ઝણક ચાલી લાડી સીમે આવી બોલી રે,
રાયવર! કૂંચી કણજીરે સુંપી!
લાડડા! કૂંચી કણજીરે સુંપી!
હેલીવાળા2! કૂંચી કણજીરે સુંપી!
કૂંચી તો મારા બાવાજીને સુંપી હો;
બાવોજી તારો અમલડે ઘર ઘાલે હોં3;
હેલીવાળા! હવેં જીવડો દોરો4!
રણક ઝણક લાડી સરવર આવી બોલી રે,
રાયવર! કૂંચી કણજીરે સુંપી!
લાડકા! કૂંચી કણજીરે સુંપી!
હેલીવાળા! કૂંચી કણજીરે સુંપી!
કૂંચી તો મારાં માતાજીરે સુંપી
માતાજી થારાં રીવડીએ ઘર ઘાલે5!
રાયવર હવે જીવડો દોરો. — રણક.
કૂંચી તો મારા કાકાજીરે સુંપી
કાકાજી થારા કરહલિયે ઘર ઘાલે6!
રાયવર હવે જીવડો દોરો. — રણક.
કૂંચી તો મારા ભાઈજીરે સુંપી
ભાઈ તો થારા જુવારણે ઘર ઘાલે7!
રાયવર હવે જીવડો દોરો. — રણક.
કૂંચી તો મારી વાઘાંરે કસ8 બાંધી!
હેલીવાળા! હવે જીવડો સોરો9!