ચૂંદડી ભાગ 2/82.સાસુજી! એમ ના જાણતાં કે

From Ekatra Wiki
Revision as of 10:59, 19 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|82|}} [લગ્ન સમાપ્ત થયા પછી ગવાય છે. એમાં દીકરીઓ પ્રત્યે સાસરવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


82

[લગ્ન સમાપ્ત થયા પછી ગવાય છે. એમાં દીકરીઓ પ્રત્યે સાસરવાસમાં થતા વર્તાવનો ધ્વનિ છે.]

સાસુજી! એમ ના જાણતાં કે વહુ મોટી રે,
અમે એને દહીંએ ને દૂધે પોષી રે!
સાસુજી! હૈયાં તે કરજો ભોળાં રે,
જરબાઈને ના પીરસતાં થોડા રે!
સાસુજી! હૈયાં તે કરજો ઘાઢાં રે!
જરબાઈને ના પીરસતાં ત્હાંઢાં રે!
સાસુજી! ચમટો તમે નખે તોડતાં રે
ચમટો તો ચમચમશે ને રોશે રે.
જરબાઈ તો બાવાજીની વાટ જોશે રે!

સરખાવો : પંજાબી લગ્નગીત
સુનેયો, સુનેયો, નમેઓ કુડમો, અર્જ બંદી સુનિયો બે!
જે એસીં દિત્તે ફટે-પુરાને, રેસમ કરકે જાણેઓ બે!
જે સાડી બીબી મંદા બોલો, અંદર બડ સમઝાયો બે!
જે અસીં દિત્તી ગોલી બાંદી, રાની કરકે જાણેઓ બે!
જે સાડી બીબી ઘેઉ રૂઢાવે, પાની કરકે જાણેઓ બે!
જે સાડી બીબી મોટા કત્તે, રેશમ કરકે જાણેઓ બે!
સુન ઓએ લાડેલા, બે મુહારેઆ, માઁદી ગાલી ન દેમી બે!
[‘પંજાબી ગીત’ : 144]

અર્થ : હે અમારા નવા સંબંધીઓ, મારી દીનની વિનંતિ સાંભળો! જો મેં દાયજામાં ફાટલ ને જૂનાં કપડાં દીધાં હોય તોપણ તમે એને રેશમી સમજીને સ્વીકારી લેજો! જો મારી દીકરી કાંઈ સારુંમીઠું બોલે તોપણ એને એકાન્તમાં લઈ જઈને સમજાવજો. અમે તો તમને ગોલી દાસી કરીને દીધી છે, તોપણ તમે એનો રાણી ગણીને સત્કાર કરજો. જો મારી દીકરી ઘી ઢોળે તો એને પાણી ગણી માનજો. મારી દીકરી જાડું સૂતર કાંતે તોપણ તમે એને રેશમના ઝીણા તાર કરી માનજો. હે ઉચ્છૃંખલ જમાઈ! વહુને કદી સામી ગાળ ન દઈશ.

ખાંયણાં

ખાંયણાં એટલે મૂળ તો ધાન ખાંડતાં ખાંડતાં ખાંડણિયા પર બેસીને ગાવાનાં ત્રણ-ત્રણ નાજુક પંક્તિઓનાં જોડકણાં. સાંબેલાને ધબકારે ધબકારે ‘ખાંયણાં’ તાલ પુરાવે. પરંતુ પછી તો કોણ જાણે ક્યારે એ ધાન ખાંડવાની ક્રિયા સાથેનો એનો સંબંધ છૂટી ગયો અને એ લગ્નગીતો બની રહ્યાં. અમદાવાદ અથવા સૂરતમાં લગ્નને અવસરે કાયસ્થ કોમની બહેનો સામસામા પક્ષમાં વહેંચાઈ જઈને આ ‘ખાંયણાં’ સામસામાં ગાતી, બલ્કે શીઘ્ર રચના રચતી હોવાનું કહેવામાં આવે છે. તે ઉપરાંત આડે દિવસે દરરોજ સાંજરે પણ એ બ્રહ્મક્ષત્રિય કોમની નાની કન્યાઓ હીંચોળે હીંચતી ખાંયણાં ગાય છે : સૌરાષ્ટ્રના મેળાઓમાં ગોવાળિયા કે અન્ય દુહાગીરો કાનમાં આંગળી નાખી, હાથમાં ફૂમકિયાળી છડી હલાવી, ડાંગ પર ટેકવેલા દેહને ઝુલાવતા ઝુલાવતા જેમ બબ્બે પંક્તિના દોહા-સોરઠા ગાય છે તે રીતે. સરજાયાં તો લગ્ન-અવસરને આધારે, પણ લગ્નના ઉલ્લાસ એમાં આછા આછા નહિ જેવા ગવાયા છે. મુખ્યત્વે ગવાયા છે સંતાપના સ્વરો. ખાંયણાંનો ઢાળ જ કરુણતાથી ભરેલો છે. વિનોદની ઊર્મિઓનું વહન કરવા જેવું એનું બંધારણ જ નથી. એના પ્રધાન સૂરો ઊંડા વિલાપના છે. એમાં દીકરી પોતાનાં દુઃખો રડે છે : કન્યાવિક્રયનાં, કજોડાંના, સાસરવાસમાં થતી કનડગતોનાં, પિયર સાથેના વિજોગનાં, શોક્યનાં વગેરે દુઃખો! પરંતુ એ દુઃખોની વ્યક્ત કરતી વાણી તો સ્વજન સ્નેહથી ભીની ભીની. વિવાહિત જીવનમાં દુઃખો પરનાં એ આક્રંદને ‘ખાંયણાં’ કોઈ વિલક્ષણ રીતે કરુણાર્દ્ર મીઠાશથી પલાળી મૂકે છે. અક્કેક ખાંયણું એટલે અક્કેક કલ્પના, અક્કેક અણીશુદ્ધ ચિત્ર, અક્કેક કાવ્ય, અક્કેક આંસુ : બંધારણે કરી સરલ સીધાં, ધ્વનિકાવ્યની રચનાને અનુકૂળ, ઢાળ પરત્વે કોમળ, સ્મરણશક્તિને હળવાં ફૂલ સમાં, એવાં વિશિષ્ટ લક્ષણે કરી વિભૂષિત છે. આ ‘ખાંયણાં’નો એક નાનો-શો છતાં સર્વદેશીય, વૈવિધ્યશોભત સંગ્રહ સૂરતવાળા ભાઈ શ્રી ઈશ્વરલાલ વીમાવાળાએ તાજેતરમાં પ્રગટ કર્યો છે. તેમાંથી તેમના સૌજન્ય થકી અત્રે થોડા નમૂના ઉતારેલા છે.