સોરઠી બહારવટિયા ભાગ-1/5. વાલો નામોરી

From Ekatra Wiki
Revision as of 06:54, 24 May 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
વાલો નામોરી

[ઈ. સ. 1890ની આસપાસ]


નામોરીનો નર છે વંકો,
રે વાલા, તારો દેશમાં ડંકો.
ભૂજવાળાનું ગામ તેં ભાંગ્યું ને ફોજું ચડિયું હજાર,
ઊંટ ઘોડાં તો આડાં રે દીધાં, ધીંગાણું કીધું ધરાર.
                                     — નામોરીનો.
વાગડ દેશથી ઊતર્યો વાલો, આવ્યો હરિપર ગામ,
ડુંગર મોવરને જીવતો ઝાલ્યો, હૈયામાં રહી ગઈ હામ.
                                     — નામોરીનો.
જસાપરામાં તો જાંગીના દીધા, આવ્યા મૂળી પર ગામ,
ઓચિંતાના આવી ભરાણા, મરાણો મામદ જામ.
                                     — નામોરીનો.
ખરે બપોરે પરિયાણ કીધાં ને ભાંગ્યું લાખણપર ગામ,
વાંકાનેરની વારું ચડિયું, નો’તો ભેળો મામદ જામ.
                                     — નામોરીનો.
માળીએ તારું બેસણું વાલા, કારજડું તારું ગામ,
ટોપીવાળાને તેં ઉડાવ્યો, કોઠાવાળાને કલામ.
                                     — નામોરીનો.
મુંબઈ સરકારે તાર કીધા ને ફોજું ચડિયું હજાર,
નાળ્યું બંધૂકું ધ્રશકે છૂટે, તોયે હાલ્યો તું ધરાર,
                                     — નામોરીનો.
વાલો મોવર જોટો છાતીએ લેવા, સાતસો ક્રમ પર જાય,
રંગ છે તારાં માતપિતાને, અમર નામ કહેવાય.
                                     — નામોરીનો.
નથી લીધો તારો ઢીંગલો વાલા, નથી લીધું તારું દામ,
ભાવલે કોળીએ રાસડો ગાયો, રાખ્યું નવ ખંડ નામ.
                                     — નામોરીનો.



તારા જે નામોરી તણા,
ઠૂંઠા ઘા થિયા,
ઈ પાછાં પોઢે ના,
વિનતા ભેળા વાલિયા!

[નામોરીના પુત્ર વાલા! તારા ઠૂંઠા હાથની ગોળીઓના ઘા જેના ઉપર થાય એ લોકો ફરી વાર પોતાની સ્ત્રીઓ સાથે પોઢવાનું સુખ પામી શકતા નથી, મતલબ કે તારા ભડાકા અફર જ હોય છે.]

ચ્છ દેશના દેપલા ગામને ચોરે અસલ થળના ઊંટિયાની કતાર ઊભી છે. ઘઉંલા વાનનો, મધ્યમ કદનો અને એક હાથે ઠૂંઠો બહારવટિયો બીજા હાથમાં સળગતી જામગરીએ બંદૂક હિલોળતો ચોકમાં ટહેલી રહ્યો છે. પંખીડું પણ જાણે કે ઝાડવાં ઉપરથી ઊડતું નથી. એ ઠૂંઠો આદમી પોતે જ બહારવટિયો વાલો નામોરી. સાવજ જેવું ગળું ગજાવીને બહારવટિયાએ હાક દીધી : “બેલીડાઓ! લૂંટવાની વાત પછી, પ્રથમ તો પહેલાં એ કમજાત સંધીને હાજર કરો, કે જે આપણા દોસ્તની ઓરતને ભગાડી લાવ્યો છે.” બહારવટિયાઓ નાકે નાકે ઓડા બાંધીને ઊભા રહી ગયા છે. ગામમાંથી કૂતરું પણ બહાર જઈ શકે તેમ નથી. જે લંપટ સંધીને સજા દેવા વાલો આવ્યો હતો, તે ગામમાં જ હાજર છે. જેની ઓરતને એ સંધી ઉઠાવી લાવ્યો હતો તે ભાઈબંધ પણ વાલા નામોરીની સાથે પોતાનું વેર લેવા આવ્યો છે. થોડી વારમાં તો એ ચોરને બાવડે બાંધીને બંદૂકદાર બહારવટિયાઓએ હાજર કર્યો. પારકી બાયડીના ચોરને જોતાં જ વાલાએ બંદૂકનો ઘોડો ચડાવ્યો. ત્યાં તો સંધી આવીને “એ વાલા! બાપ વાલા! તારી ગા’ છું!” એમ બોલતો વાલાના પગમાં ઢળી પડ્યો. તરત જ વાલાએ બંદૂકનો ઘોડો ઉતારી નાખ્યો. “વાલા ભા! એ નાપાકને માથે તને રહેમ આવી ગઈ?” એમ બોલતો એ ઓરતનો ધણી તરવાર ખેંચીનો પોતાના વેરીનું ગળું વાઢવા ધસ્યો. આડા હાથ દઈને વાલો બોલ્યો : “બેલી, હવે કાંઈ એને મરાય? ગા’ની ગરદન કપાય કદી? રે’વા દે.” એમ કહીને વાલાએ સંધીને પૂછ્યું : “એલા સંધીડા, તું ગા’ થાછ કે?” “સાત વાર તારી ગા.” “તો ભાં કર.” “ભાં! ભાં! ભાં!” એમ ત્રણ વખત સંધીએ ગાયની માફક ભાંભરડા દીધા. એટલે વાલો બોલ્યો : “જો ભાઈ, બચાડો ગા’ બનીને ભાંભરડા દિયે છે. હવે તારી તરવાર હાલશે?” “બસ, હવે મારું વેર વળી ગયું.” સંધીને છૂટો કર્યો. “વાલા ભા!” એના બંદૂકદાર સાથીઓએ ગામમાંથી આવીને જાહેર કર્યું : “ઘરેઘર ફરી વળ્યા.” “પછી?” “ઝાઝો માલ તો ન જડ્યો.” “એમ કેમ?” “આજ મોળાકતનો તહેવાર છે. વસ્તીની બાઈયું ઘરમાં જેટલાં હોય એટલાં લૂગડાંઘરેણાં અંગ ઉપર ઠાંસીને રમવા નીકળી ગઈ છે.” “ઠીક, હાલો!” એવો ટૂંકો ન સમજાય તેવો જવાબ આપીને બહારવટિયો બંદૂકને ખભે તોળી મોખરે ચાલ્યો. પાછળ બધા સાથીઓએ પગલાં માંડ્યાં. ઝાંપા બહાર નીકળતાં જ વડલા નીચેથી બસો સ્ત્રીઓનાં ઝાંઝરના રૂમઝુમાટ, તાળીઓના અવાજ અને સૂર સંભળાણા કે —

મણિયારડા રે હો ગોરલના સાયબા રે
મીઠુડી બોલીવાળો મણિયાર
નિમાણાં નેણાંવાળો મણિયાર
ભમ્મરિયા ભાલાવાળો મણિયાર…

સહુની આંખો એ દિશામાં મંડાઈ, પણ મુખી બહારવટિયો તો જાણે ઉજ્જડ વગડામાં ચાલ્યો જતો હોય એવી બેપરવાઈથી ડગલાં ભર્યે જાય છે. “વાલા ભા! આ બાજુએ.” સાથીએ સાદ કર્યો. “શું છે?” વાલાએ ગરવે મોંએ પૂછ્યું. “આંહીં બાઈયું રાસડા રમે છે. હાલો, આકડે મધ તૈયાર છે. ટપકાવી લઈએ.” “જુમલા!” વાલે ત્રાંસી આંખ કરીને કહ્યું : “ઓરતુંનાં ડિલ માથે આપણો હાથ પડે તો બા’રવટાનો વાવટો સળગી જાય!” “પણ ત્યારે કાઠિયાવાડથી ઠેઠ કચ્છ સુધીનો આંટો અફળ જાય?” “સાત વાર અફળ. આપણાથી બેઈમાન ન થવાય.” વાલાના પ્રતાપમાં અંજાયેલાં માણસો મૂંગે મોંએ એની પાછળ મનમાં ને મનમાં એની તારીફ કરતા કરતા ચાલતા થયા. વસ્તીમાંથી નીકળીને જેમ સાંઢિયા રણની રેતીમાં વેગ કરવા લાગ્યા, તેમ તો બંદૂકની ગોળીઓ સમી અસલ થળની સાંઢ્યો ઉપર ભૂજની ફોજને સુસવાટા કરતી આવતી ભાળી. ભગાય એવું તો રહ્યું નથી. ઓથ લેવાનું એક પણ ઝાડવું નથી. ખારી જમીન ધખધખે છે. ચારેય બાજુ ઝાંઝવાં બળી રહ્યાં છે. સાથીઓએ અકળાઈને બૂમ પાડી : “વાલા! હવે શું ઇલાજ કરશું? ગોળીઓના મે વરસતા આવે છે.” “ઊંટ ઝુકાવો અને ચોફરતાં ઊંટ બેસાડી, ઊંટના પગ બાંધી દઈ, વચ્ચે બેસી જાઓ! જીવતાં જાનવરનો ગઢ કરી નાખો.” સબોસબ સાંઢિયા કૂંડાળે ઝોકારવામાં આવ્યા અને વચ્ચે બહારવટિયાનું જૂથ સાંઢિયાના શરીરોની ઓથે લપાઈ બંદૂકોમાં દારૂગોળો ભરવા મંડ્યું. “મને ભરીભરીને દેતા જાવ, ભાઈઓ!” એમ કહીને વાલે અકેક બંદૂક ઉપાડી ઉપાડીને પોતાના ઠૂંઠા હાથ ઉપર બંદૂકની નાળ ટેકવી, ઝીણી આંખે નિશાન લઈ જુદ્ધ આદર્યું. અહીંથી ગોળી છૂટે તે સામી ફોજનાં માણસોમાંથી એકેકને ઠાર કરતી જાય છે. અને સામેથી આવતી ગોળીઓ સાંઢિયાના શરીરમાં જ રોકાઈ રહે છે. એવી સનસનાટી અને ગોળીઓની વૃષ્ટિ સાંજ સુધી ચાલુ રહી. દિવસ આથમ્યો અને અંધારું ઊતર્યું એટલે બહારવટિયા ઊંટને રણમાં મેલીને નાસી છૂટ્યા.

હરિપર અને ગોલાબાના અગરની વચ્ચે એક જગ્યા છે. બે બાજુએ પાણી ચાલ્યાં જાય છે ને વચ્ચે એક ખાડો છે. દેપલા ભાંગીને બહારવટિયા આ ખાડમાં આવીને આરામ લે છે. પ્રભાતને પહોરે દાયરો ભરીને વાલો બેઠો છે; તેવે એક સાથીએ ગરુડના જેવી તીણી નજર લંબાવીને કહ્યું : “કોઈક આદમી ઘોડે ચડીને આવે છે, ભા!” “આવવા દિયો.” અસવાર નજીક આવ્યો એટલે ઓળખાયો. “અરે વાલા ભા! આ તો તારા બનેવી કેસર જામની ઓરતને ઘરમાં બેસાડનારો નાપાક ડુંગર મોવર!” “હેં! સાચેસાચ ડુંગર મોવર?” એટલું બોલીને કટ કટ કટ સહુએ બંદૂકના ઘોડા ચડાવ્યા, ધડ ધડ ધડ, એક બે ત્રણ એમ સાત ગોળીઓ છૂટી, પણ સાતમાંથી એકપણ ગોળી શત્રુને ન આંટી શકી. એટલે વાલાએ ઊંચો હાથ કરીને બૂમ પાડી : “બસ કરો, ભાઈ, હવે આઠમો ભડાકો ન હોય. એની બાજરી હજી બાકી છે.” તરત વાલો ઊઠ્યો. શત્રુની સામે જઈને હાથ મિલાવ્યા. હાથ ઝાલીને ઘોડા પરથી નીચે ઉતાર્યો. પીઠ થાબડીને કહ્યું કે “આવ, ડાડા! આવ. તારી બાજરી હજી બાકી રહી છે. અમારે ખુદાની ઉપરવટ નથી થાવું.” એમ બોલીને ડુંગરને દાયરામાં બેસાર્યો. સાત બંદૂકોના ભડાકા સવારને ટાઢે પહોરે રણમાંથી માળિયા ગામમાં સંભળાયા અને તરત જ માળિયેથી વાર ચડી. વાર ચાલી જાય છે, તે વખતે માર્ગને કાંઠે ખેતરમાં ઉકરડા નામનો એક બુઢ્ઢો મિયાણો અને તેનો આઠ-દસ વરસનો દીકરો દેશળ સાંતી હાંકે છે. વારના મુખીએ પૂછ્યું : “એલા કેની કોર ભડાકા થયા?” નાનો છોકરો દેશળ દિશા બતાવવાની તૈયારીમાં હતો, ત્યાં એના બુઢ્ઢા બાપે જવાબ દઈ દીધો કે “ડાડા, અમે ભડાકા તો સાંભળ્યા, પણ આ સાંતીનો અવાજ થાય છે તેમાં દશ્યનું ધ્યાન નથી રહ્યું.” તે જ વખતે ખભે દૂધની કાવડ લઈને એક ભરવાડ હાલ્યો આવે છે. વારે પૂછ્યું કે “એલા ગોકળી, બંદૂકના અવાજ કઈ દશ્યે થયા?” “બાપુ, આ દશ્યે.” એમ કહીને ગોવાળે આંગળી ચીંધી. વારને તો એટલું જ જોઈતું હતું. તરત બંદૂકના કંદા ઉગામી સિપાહીઓએ હાકલ કરી : “ચાલ્ય, સાળા, સાથે — મોઢા આગળ થઈ જા. દશ્ય બતાવ.” ગોવાળે ફીણવાળા દૂધની તાંબડીવાળી કાવડ નીચે મેલીને પેલા ખેડુ બાપદીકરાને કહ્યું : “લ્યો, ભાઈ, આ દૂધ શિરાવજો. તમારા તકદીરનું છે!” બહારવટિયા તો પ્રભાતને પહોર કાંઈ ધાસ્તી વગર ખાડામાં બેઠા છે ત્યાં તો માળિયાની વાર અચાનક કાંઠે જઈને ઊભી રહી. બંદૂકદાર પોલીસનો ગટાટોપ બંધાઈ ગયેલો ભાળતાં જ વાલે બંદૂકનો ઘોડો ચડાવી ગિસ્તના સરદારની છાતી સામે જ નાળ્ય નોંધી. નોંધતાંની વાર તો જમાદાર હાથ જોડીને પોકારી ઊઠ્યો : “એ વાલા! તેરુકુ બડા પીરકા સોગંદ!” “બસ, ભાઈઓ! હવે ઘા ન થાય.” એમ કહીને વાલાએ બંદૂક હેઠી મેલી. વારવાળાને સંદેશો દીધો : “ભાઈઓ, માળિયામાં અમારા દુશ્મન હોય તેમને તરવાર બાંધીને આવવાનું કહેજો અને હેતુમિત્ર હોય તેને કહેજો કે અમને દફનાવવા આવે. અમારે આજ આંહીં જ મરવું છે.” વાલાની માફી પામીને વાર પાછી આવી. થાણદારને વાત જાહેર થઈ. થાણદાર જાતનો ભાટી હતો. ભેટમાં છૂરી બાંધતો, મિયાણા જેવાં હથિયાર રાખતો, મિયાણાનો પોશાક પહેરતો, અને પોતાના અડદલી સિપાઈ મેઘા કદિયાને રોજ મૂછોના આંકડા ચડાવીને પૂછતો કે “જો મેઘા, હું મિયાણા જેવો લાગું છું કે નહિ?” મેઘો બિચારો નોકર હોવાથી ડોકું ધુણાવતો કે “હા, સાહેબ, સાચી વાત. અસલ મિયાણા લાગો છો, હો! તમારી સામી કોઈ નજર ન માંડી શકે!” દરરોજ મિયાણાનો વેશ કાઢનાર આ થાણદાર તે દિવસે સવારે માળિયાના મિયાણાની હાજરી લઈ રહ્યો છે, ખોંખારા ખાઈને ધમકીઓ આપી રહ્યો છે, તે વખતે આમર મુરુ નામના મિયાણાએ વાત કાઢી : “સાહેબ, અમને તો પાસ-પરવાના આપીઆપીને દિવસ-રાત હાજરી લઈ હેરાના કરો છો, પણ ઓલો વાલિયો ઠૂંઠો તો પાસ વગરનો જ રણમાં બેઠો છે. એને એક વાર પાસમાં નોંધાવો ને! એને સજા કરો ને! હાલો દેખાડું, આ બેઠો માળિયાના થડમાં જ.” “બોલ મા, તારું સારું થાય! આમરિયા, બોલ મા, મને બીમારી છે.” વાલિયાનું નામ સાંભળતાં જ મિયાણા-વેશધારીને બીમારી થઈ આવી હતી!

જામનગરનો પોલીસ-ઉપરી ઓકોનર સાહેબ કરીને એક ગોરો હતો. ઓકોનર પોતાની ટુકડી લઈને વાલાની ગંધેગંધે ભમે છે. એક દિવસ એની છાવણી આમરણની નજીકમાં પડી છે. દિવસનું ટાણું છે. એવે એક ભરવાડ હાથમાં પગરખાં લઈને શ્વાસભર્યો દોડ્યો આવ્યો અને સાહેબને જાહેર કર્યું : “સાહેબ, ચાલો બહારવટિયા બતાવું.” “જાવ, સાલા! નહિ આવેગા.” “અરે સાહેબ, પણ બહારવટિયા સપડાઈ ગયા છે, તમારે જરાય જોખમ નથી.” “ક્યા હે?” “સાહેબ, આમરણ-બેલાના મોહારમાં સૂકી જગ્યા જાણીને બહારવટિયા ચાલ્યા ગયા, અને વાંસેથી ભરતીનું પાણી ખાડીમાં ફરી વળ્યું, એટલે અટાણે બા’રવટિયા એક ટેકરી માથે ઊભા થઈ રહ્યા છે, ને ચારેય દશ્યે જળબંબાકાર છે. ભાગવાની બારી નથી રહી. પાંચ ભડાકે બધા પરોવાઈ જાય તેવું છે. માટે ચાલો.” “જાવ, હમ નહિ આવેગા.” “અરે ફટ્ય છે તારી ગોરી ચામડીને, માળા કોઢિયા.” એટલું કહીને ભરવાડ ઊપડ્યો, આવ્યો આમરણ દરબારની પાસે. આમરણ દરબાર તરત જ વારે ચડ્યા. લપાતા લપાતા બરાબર બહારવટિયાની પાછળ જઈને બે જુવાન પઠાણોએ વાલાને માથે ગોળી છોડી. બેહોશ થઈને વાલો પડી ગયો. વાલાના સાથી વાગડવાળા જુમા ગંડે જાણ્યું કે વાલો મરી ગયો. “વાઢી લ્યો વાલાનું માથું,” જુમે હુકમ કર્યો. “ના, એ નહિ બને. કદાચ મારો ભાઈ હજુ જીવતો હોય!” એમ બોલીને વાલાનો ભાઈ પરબત મોવર આડો પડ્યો. ત્યાં તો બેશુદ્ધિમાંથી વાલો બેઠો થયો, પોતાના ઉપર ગોળી છોડનાર બે જુવાન પઠાણોનાં, પોતે ખોપરી ઉપર ગોળી લગાવીને, માથાં ફાડી નાખ્યાં. સાંજ સુધી ધીંગાણું કરીને વાર વહી ગઈ એટલે પછી વાલાએ જુમા ગંડને કહ્યું : “જુમલા, તારે મારું માથું વાઢવું’તું ખરું ને? હવે તારે ને મારે અંજળ ખૂટી ગયાં, માટે ચાલ્યો જા, બેલી.” જુમો ગંડ ત્યાંથી જુદો પડ્યો. એ ધીંગાણામાં વાલાને ખભા ઉપર ગોળી વાગી હતી, અને બહારવટિયા નાસી છૂટ્યા હતા. પોતાના આશરાના સ્થાનમાં જઈને વાલાએ સાથીને કહ્યું : “કોઈ છૂરી લાવજો તો.” છૂરી લઈને વાલાએ પોતાને જ હાથે, પોતાને ગોળી વાગી હતી તે જગ્યાની અંદરના માંસમાંથી ભાંગેલા હાડકાની કરચેકરચ બહાર કાઢી નાખી. માણસો જોઈ રહ્યા કે માંસની અંદર પડેલા છિદ્રમાંથી અરધી છૂરી ચાલી જાય છે છતાં વાલો નથી ચૂંકારો કરતો કે નથી એ પોતાનો હાથ પાછો ચોરતો. એક મહિના સુધી વાલો પડદે રહ્યો.

વૈશાખ મહિનાને એક દિવસે બાર હથિયારબંધ સિપાહીની ચોકી સાથે ત્રણ-ચાર ગાડાં ચાલ્યાં જતાં હતાં અને ગાડાંની અંદર દફ્તરો ભર્યાં હતાં. સાથે એક શિરસ્તેદાર બેઠો હતો. જામનગરને ગામડે ગામડેથી રસ્તામાં સિપાહીની ટુકડી ગોવાળોનાં ઘેટાં, કણબીઓનાં દૂધ અને લુવાણાઓની દુકાનમાંથી લોટ-દાળ-ઘી બંદૂકના કંદા મારીને ઉઘરાવતી જતી હતી. ત્યાં તો જામનગરની જ સરહદમાં બહારવટિયાનો ભેટો થયો. વાલાએ પડકાર કર્યો : “ખબરદાર, ગાડાં થોભાવો.” સિપાહીઓ બંદૂક ઉપાડવા જાય ત્યાં તો બહારવટિયાની નાળ્યો એકએક સિપાહીની છાતીને અડી ચૂકી. સિપાહીઓ હેબત ખાઈ ગયા. વાલે હાકલ કરી : “જો જરીકે હાલ્યાચાલ્યા છો ને, તો હમણાં બાયડી-છોકરાંને રઝળાવી દઈશ. બોલો, ગાડામાં શું ભર્યું છે?” “સાહેબનું દફ્તર.” “કયો સાહેબ?” “નગરના પોલીસ-ઉપરી ઓકોનર સાહેબ.” “ઓહો, ઓકોનર સાહેબ? અમને ભેટવા સારુ ભાયડો થઈને પડકાર કરે છે એ જ ઓકોનર કે? અમારી બાતમી લેવા ગરીબોને સતાવે છે એ કે? ભાઈ, ઓકોનરનાં દફ્તરને દીવાસળી મેલીને સળગાવી દિયો.” થોડી વારમાં કાગળિયાંનો મોટો ભડકો થયો. દફ્તર બળીને ખાખ થઈ ગયાં. “ક્યાં છે તમારો ઓકોનર સાહેબ?” “બાલાચડી.” “બાલાચડીમાં હવા ખાતો હશે! કહેજો એને કે તમને વાલે રામરામ કહેવરાવ્યા છે, અને એક વાર મળવાની ઉમેદ છે. અને આ શિરસ્તેદારનું નાક કાપી લ્યો, ભાઈ.” “એ ભાઈસા’બ! હું બ્રાહ્મણ છું. તમારી ગૌ છું. મારો જન્મારો બગાડશો મા.” બચવા માટે શિરસ્તેદાર ખોટોખોટો બ્રાહ્મણ બની ગયો. “ઠીક બેલી, છોડી મેલો એને.”

મામદ જામ

ચ્છુ નદી ખળખળ ચાલી જાય છે. એને કાંઠે બે પડછંદ જુવાનો બેઠા છે. બંનેની આંખમાં ખુન્નસ, શરમ અને નિરાશા તરવરે છે. “સાચેસાચ શું ફીટ્ઝરાલ્ડ સાહેબ, અલાણા?” એક જણાએ અંતરની વેદના સાથે પૂછ્યું. “’હા, ભાઈ મામદ જામ. ફીટ્ઝરાલ્ડ સાહેબની સાથે જ તારી ઓરતને મહોબ્બત છે.” “ગોરો ઊઠીને, કાઠિયાવાડનો પોલિટિકલ ઊઠીને, મિયાણાની ઓરત માથે નજર કરે! ભોરિંગને માથેથી પારસમણિ ઉપાડે?” “તું નામર્દ છો. તારાથી શું થવાનું હતું?” “અલાણા, કલેજું ઊકળે છે — તેલની કડાઈ જેવું. અરર! ઓરત બદલી પછી ક્યાં જઈ માથું નાખવું?” “અને બીજી કોરથી આ નવી મા સોઢી : આપણને જિવાઈ ન દિયે, ને આપણે ભૂખે મરવું!” કાળભર્યો મામદ જામ પોતાને ઘેર ગયો. પા શેર અફીણ ઘૂંટ્યું. તાંસળી ભરીને પોતાની ઓરત સામે ધરી દીધું. “અરે મિયાણા!” બાઈ મોં મલકાવતી બોલી : “ઠેકડી કાં કર?” “ઓરત! આ જનમે તો હવે તું સાહેબની મહોબ્બતનું સુખ ભોગવી રહી. ખુદા પાસે જઈને મડમનો અવતાર માગજે. લે, ઝટ કર.” “અરે ખાવંદ! તું આ શું બોલે છે? ચંદણને માથે કુવાડો ન હોય,” એટલું બોલી સ્ત્રી સોળ કળાની હતી તે એક કળાની થઈ ગઈ. “લે, વગદ્યાં મ કર. પી જા.” “ઠીક ત્યારે, અલ્લાબેલી!” એટલું બોલીને જુવાન બાઈ અફીણની તાંસળી ગટગટાવી ગઈ. ઉપર એક શેર મીઠું તેલ પીધું. સોડ્ય તાણીને સૂઈ ગઈ. મામદ જામ ઊઠીને બહાર ગયો. અલાણો બેઠો હતો તેની સાથે વાતો કરવા લાગ્યો. “શું કરવું, અલાણા? બેય કાળી નાગણિયું, પણ બેય ઓરતો, એને માથે ઘા હોય?” “મામદ જામ! હણનારને તો હણીએ જ. આ નીકળી સોઢી મા. દેને એના ડેબામાં.” મામદ જામે નવી મા સોઢીને નીકળતી ભાળી. પણ એનો હાથ થથર્યો, એટલે તરત જ મામદ જામની ભરેલી બંદૂક તૈયાર પડી હતી તે ઉપાડીને અલાણાએ જામગરી દાબી. ગોળી છૂટી, સોઢી મિયાણી ચાલી જતી હતી તેની છાતીની આરપાર નીકળી ગઈ. મરતાં મરતાં સોઢીએ જુબાની આપી કે મને મામદ જામે મારી છે. બંદૂક પણ મામદ જામની ઠરી. બંનેને કેદ પકડ્યા. અલાણો સાક્ષી આપે છે : “સાહેબ, સોઢીને મેં મારી છે. મામદ જામ નિર્દોષ છે.” મામદ જામ તકરાર કરે છે : “ના મહેરબાન, મેં મારી છે. જુઓને, આ બંદૂક પણ મારી છે. અલાણો ખોટો છે.” કચેરીમાં મુન્સફને તાજ્જુબી થઈ ગઈ કે આ બેય જુવાનો એકબીજાનાં ખૂન પોતાને માથે ઓઢી લેવાની કેવી છાતી બતાવે છે! મામદ જામ ઉપર બીજું તહોમત ઓરતના ખૂનનું મુકાયું. અલાણાને સાત વર્ષની સજા મળી, અને મામદ જામને કાળાપાણીનો ફેંસલો મળ્યો.

અધરાત ગળતી હતી તે વખતે, અમદાવાદથી ઊપડેલી રાતની ગાડી સુસવાટા મારતી અને વગડામાં પાવા વગાડતી પૂરા વેગમાં ચાલી જાય છે. એના એક ડબામાં ત્રીસ હથિયારધારી સિપાહીઓ અને એક જમાદારની ચોકી નીચે કાળા પાણીની સજાવાળા સાત બહારવટિયાઓ એકબીજાનાં મોં સામે જોઈને બેઠા છે. એક જોરાવર મામદ જામ છે, અને છ ધનાળાના મિયાણા છે. મહીસાગરના પુલ માથે આવીને ગાડી ધીરી પડી, ચોકીદાર સિપાહીઓમાંથી થોડા જણા જરા ઝોલે ગયા. બહારવટિયાએ એકબીજા સામે આંખોની ઈશારત કરી. હાથમાં બેડી, પગમાં બેડી, હલવું ચલવું સહેલું નથી, છતાં સહુ એકસામટા કૂદ્યા. હાથની બેડીઓ ચોકીવાળાની ખોપરીમાં ઝીંકી, હથિયાર ઝૂંટવી બે-ત્રણને ઠાર કરી, મહીસાગરમાં પરબારી છલંગો મારી. પોલીસો હાંફળાંફાંફળા બની કાંઈ જોઈ શક્યા નહિ કે આ શું થયું. રીડિયા પાડવાની પણ હામ ન રહી. ત્યાં તો ગાડીએ ઘણો પંથ કાપી નાખ્યો. હાથમાં પોલીસનાં હથિયાર સોતા અને પગમાં બેડીઓ છે છતાં, બહારવટિયા મહીસાગરનાં વાંસજાળ પાણીને અંધારામાં વીંધવા લાગ્યા. ચૂપચાપ માછલાંની માફક તરતા તરતા સામે કિનારે પહોંચ્યા. છ જણાએ પોતાના પગ પથ્થર પર રાખી, હાથ વડે પથ્થર મારીને પોતાની બેડીઓ તોડી નાખી; પણ મામદ જામનો પગ સૂજી ગયો હતો. એની બેડીઓ ચપોચપ થઈ જવાથી ન તૂટી તેમજ બેડી તૂટ્યા સિવાય એનાથી ચલાય તેવું પણ ન રહ્યું. એણે છયે સાથીઓને કહ્યું : “તમે ભાગવા માંડો. હમણાં વારું છૂટી જાણજો.” “તમને છોડીને તો અમો નહિ જાયીં, મામદ જામ.” “તમે હુજ્જત કરો મા, ભાઈ! હું જીવીશ તો નક્કી આવીશ. પણ તમે બધા નાહકના શીદ ભીંત નીચે કચરાઈ મરો છો?” છયે જણા રોઈ પડ્યા. નહોતા જતા. મામદ જામે આકરા કસમ આપી રવાના કર્યા અને પોતે પાછો મહીસાગરમાં પડ્યો. ઊભે કાંઠે તરતો, કાંઠાને ઝાલીઝાલી ત્રણ-ચાર ગાઉ આઘે નીકળી ગયો. બહાર આવીને એક પથ્થર લીધો. પોતાની પાસે પોલીસ જમાદારની ઝૂંટાવેલી કિરીચ હતી તેના બે કટકા કર્યા. એક કટકાથી બીજા કટકાની ધાર ઉપર કરવત જેવા આંકા કર્યા. એવી રીતની કરવત વતી પોતાની બેડી ઘસીઘસીને કાપી. હવે એના પગ મોકળા થયા. ભાગ્યો. એક જ દિવસમાં સાઠ ગાઉની મજલ કરી! મારવાડની સીમમાં ભાગ્યો જાય છે. વેશ તો કેદીનો જ છે. મારવાડના જાટ લોકો ઢોર ચારે છે. એણે આ ભાગતા જુવાનને ભાળ્યો. “એલા, કોક કેદી ભાગે!” મામદ જામને પકડી લઈ મુખીને સોંપ્યો. મુખીએ દયા બતાવી ખરચી માટે રૂપિયા દીધા. કહ્યું કે “માંડ ભાગવા.” વડોદરાના થડમાં નવું પરું ગામ છે. ત્યાં મામદ જામ આવ્યો. અમદાવાદની જેલમાં ઉમરખાં નામનો નાયક પોતાનો ભાઈબંધ હતો, એની બેનને ઘેર ગયો. રોટલો ખાય છે. ત્યાં ઉમરખાંનો બનેવી આવી પહોંચ્યો. ઓળખ્યો. ઘોડાની સરકથી મામદ જામને જકડ્યો, લઈને હાલ્યો, વડોદરે સોંપવા. માર્ગે ઉમરખાં મળ્યો. સાળો-બનેવી લડ્યા. ઉમરખાંએ બનેવીને ઠાર માર્યો. “મામદ જામ! આ લે, આ તમંચો, આ ઘોડો ને આ રૂપિયા પાંચ. ભાગી છૂટ, તારા તકદીરમાં હોય તે ખરું. અટાણે તો તને અલ્લાએ ઉગાર્યો છે.” “ઉમરખાં! થોડીક ભાઈબંધી સાટુ થઈને સગી બહેનનો ચૂડો ભાંગ્યો! ધન્ય છે તને, ભાઈ!” આટલું કહીને મામદ ચાલ્યો. ઘોડો વડોદરાની ગુજરીમાં વેચ્યો, ગાડીમાં બેસીને વઢવાણ ઊતર્યો. અમરસંગ દરબારના વાવડી ગામે આવ્યો. ને હવે તો પોતે સાંઈને વેશે છે. દરબાર ઘેર નહિ. ડેલીએ સિપાહી બેસે એણે ઓળખ્યો. સિપાહીએ ગઢની ગોલીને રાખેલી. તેના કાનમાં જઈને કહ્યું : “ઊના રોટલા અને શાક કર, પણ ધીરેધીરે હો. ઉતાવળ કરીશ મા.” “કાં?” “કાં શું? જેના માથા સાટે રૂપિયા ત્રણ હજારનું ઇનામ નીકળ્યું છે, એ હાથમાં આવ્યો છે. આજ આપણ બેયનું દાળદર ભુક્કા!” “ઠીક, ફિકર નહિ.” “સાંઇ મૌલા, બેસજો હો, રોટલા થાય છે.” એટલું કહીને સિપાહી થાણામાં ગયો. અને પાછળથી એની રખાત ગોલી ડેલીએ આવી હોઠ ફફડાવી બોલી : “સાંઈ મૌલા! ભાગવા માંડજો હો! તમે ઓળખાઈ ગયા છો. અને પીટ્યો મારો યાર, ફોજદાર પાસે પહોંચી પણ ગયો છે. તમારા માથાનું મૂલ શું છે, જાણો છો?” “ના.” “રૂપિયા ત્રણ હજાર.” “છતાં તું મને ભગાડછ? તું કેવી છો?” “હું ગોલી છું.” “ગોલી!” “હા, ગોલી! પણ હવે વધુ બોલવાની વેળા નથી હો!” બહારવટિયો ભાગ્યો, વાધરવા ગામે આવ્યો. વાલા નામોરીના વાવડ મેળવ્યા. એનું ઠામઠેકાણું જાણી લીધું. “લાવો મારાં હથિયાર.” બહારવટિયાને આશરો આપનાર પેથા પગીએ એને હથિયાર દીધાં. નીકળી પડ્યો. નગર ગયો. વાલો નામોરી અને પોતે, બંને જણા, મોવર સંધવાણી જમાદારને ઘેર ચાર મહિના મેડા ઉપર રહ્યા. અંતે પછી થાકીને પૂછ્યું : “મોવર સંધવાણી! કંઈ થઈ શકશે અમને માફી અપાવવાનું?” “ભાઈ, અટાણે મોકો નથી.” “ઠીક ત્યારે, અલ્લાબેલી.” નીકળ્યા. રાજકોટની સડકે સીધેસીધા વહેતા થયા. ત્યાંથી જૂનાગઢની સડકે. પીઠડિયા ગામની સીમમાં એક દરબારી ભાવર જોટાળી બંદૂક ખભે નાખીને ફરે છે. મામદ જામે ઝબ દઈને પોતાની બંદૂકની નાળ્ય લાંબી કરી : “મેલી દે જોટાળી, નીકર હમણાં ફૂંકી દઉં છું.” “હાં! હાં! હાં! મામદ જામ. બિચારાની નોકરી તૂટશે.” એ રીતે વાલાએ બહુ વાર્યો. પણ ફાટેલ મિયાણો મામદ જામ ન માન્યો. ભાવરનો જોટો ઝૂંટવી લઈને ઊપડ્યો. ત્યાંથી વડાળ થઈને ગિરનારના ડુંગરમાં; ત્યાંથી આખી ગીર પગ નીચે કાઢી. ચરખાની સીમમાં પડ્યા; ફકીરોનાં ઘોડાં આંચકી લીધાં. ટોડા દૂધાળામાં ઝરખડી નદીની અંદર રોટલા ખાવા બેઠા. બીડનો પસાયતો ગાળો દેતો આવે છે. વાલાએ બંદૂક લાંબી કરીને કહ્યું કે “આ તારી માની તો અદબ રાખ.” પસાયતે ભાગીને પટેલને જાણ કરી. પીપળિયા ને બાબરા વચાળે ટોડાળી વાવ છે; ત્યાં બહારવટિયાનો પડાવ છે. લાઠીની ગિસ્તે ત્યાં આવી, આડાં રૂનાં ધોકડાં મેલી ધીંગાણું આદર્યું. બહારવટિયાઓએ વાવની ચોપાસ સાંઢિયાનો ગઢ કર્યો. ફોજવાળા ધોકડાં રેડવતા જાય, સામેથી બહારવટિયાની ગોળી ચોંટતી જાય, રૂમાં આગ લાગતી જાય અને ગિસ્તના માણસો પાણી નાખી આગ ઠારતા જાય. પણ ધોકડાંની ઓથ બહાર ડોકું કાઢ્યા ભેળું તો ડોકું ઊડી જ પડવાનું છે એ વાત ગિસ્તના માણસો જાણતા હતા. ઠૂંઠા હાથવાળા વાલિયાની બંદૂક ખાલી તો કદી જતી નહોતી. બહારવટિયાને ભાગી નીકળવું હતું. વડલાની ડાળે એક બંદૂક ટાંગીને વાંસેથી છાનામાના સરકી ગયા. ગિસ્ત સમજે છે કે બંદૂક પડી છે, એટલે બહારવટિયા ગયા નથી, એવી ભ્રમણામાં ને ભ્રમણામાં જ સાંજ પડી. સાંજે બહારવટિયાની મશ્કરી સમજાઈ. બેવકૂફ બનીને ગિસ્ત પાછી વળી. મૂળી તાબાનું જસાપર ગામ ભાંગ્યું. બંદૂકો ઉઠાવી વઢવાણ કાંપમાં ફીટ્ઝરાલ્ડ સાહેબને મકલા કોળીની સાથે કહેવરાવ્યું કે “અમે — વાલે મોવરે અને મામદ જામે — જ ગામ ભાંગ્યું છે અને અમારી બીજે ક્યાંય ગોત કરશો મા. અમે અનલગઢમાં બેઠા છીએ.” ફીટ્ઝરાલ્ડે તાર છોડ્યા. રાણી સરકારની ભાલાવાળી લાન્સર ટુકડી મંગાવી. વાંકાનેર, રાજકોટ વગેરે રજવાડાંની ફોજ પણ ઝગારા મારતી આવી. બધા મળી બે હજાર લડવૈયાનું દળ બંધાયું. મોખરે ગોરો પોલીસ-ઉપરી મકાઈ (મેકે) સાહેબ સેનાપતિ બની ચાલ્યો. આસમાન ધૂંધળો બનવા લાગ્યો અને ઘોડાંના ડાબાને દિશાઓ પડઘા દેવા માંડી. અનલગઢ ભાંગીને માંડવના ડુંગર ઉપર બહારવટિયા વાલાએ પાંચસો રૂપિયાની કિંમતનો સાચા લીલા કિનખાબનો વાવટો ચડાવી દીધો છે. શત્રુઓને લડાઈનાં નોતરાં દેતો વાવટો ગગનમાં ફડાકા મારી રહ્યો છે, અને બીજા બહારવટિયા મોટા પીરને લોબાનનો ધૂપ કરે છે. ડુંગરમાં સુગંધી ધુમાડાનો પવિત્ર મઘમઘાટ પથરાઈ ગયો છે. આઠ જણની એક નાનકડી ફોજને પીરના ધૂપની સુવાસ આવતાં તો રૂંવાડે-રૂંવાડે મરવા-મારવાની ધણેણાટી વછૂટવા લાગી છે. આ બાજુથી બહારવટિયાનો નેજો ભાળતાં જ સેનાપતિએ પરબારો ‘ચાંચ!’[1] નો હુકમ પોકાર્યો. ‘ચાંચ!’ થાતાંની વાર જ ભાલાં ને કિરીચો ઉગામી અસવારોએ ઘોડાંને વહેતાં મેલી દીધાં. બે હજાર માણસોનો હલ્લો થતાં તો એવું દેખાયું કે જાણે હમણાં ડુંગરો ખળભળી હાલશે. ત્યાં તો સામેથી ધડ ધડ ધડ બંદૂકોની ધાણી ફૂટી. સાઠ બંદૂકો ભરીને બહારવટિયાએ તૈયાર રાખેલી છે. છ જણા ઉપાડી ઉપાડીને ભડાકા કરે છે, બાકીના છ જણા ખાલી પડેલી બંદૂકોને નવેસર ભરતા જાય છે. દારૂગોળાની ઠારમઠોર લાગી પડી છે. સીસાની ગલોલીઓનો સાચૂકલો મે’ વરસવા માંડ્યો છે. એક, બે, ત્રણ, ચાર એમ દસ ભાલાવાળા ટપોટપ ગોળી ખાઈને જખમી થયા એટલે ભાલાવાળાઓના ગોરા સેનાપતિએ ‘રિટાયર’નું બિંગલ બજાવ્યું. એ સાંભળતાં તો મકાઈસાહેબ લાલચોળ થઈ ગયો. ઘોડા માથે ટોપી પછાડવા માંડ્યો. ડોળા ફાડીને ભાલાવાળી ટુકડીના ગોરા સરદારને ધમકી દેવા લાગ્યો : “ડેમ! ફૂલ!” “બસ કરો! અમારું કામ બહારવટિયા પકડવાનું નથી, મુલક જીતવાનું છે,” એમ બોલીને ભાલાવાળાએ પોતાની ફોજને અલાયદી તારવી લીધી. ત્યાં તો વાલા મોવરે ઝીંકિયાળામાંથી જે નવ વેંતની લાંબી જંજાળ હાથ કરી હતી તેમાં તોપ જેવી મોટી ગલોલી ઠાંસીને પથ્થર સાથે બાંધીને જામગરી ચાંપી. દાગતાં તો ઘોર અવાજ કરતી ગલોલી વછૂટી. સામી ફોજ પડી હતી ત્યાંથી અરધો માઈલ આગળ જઈને ગલોલીએ ગાડું એક ધૂળ ઉડાડી. ફોજ સમજી કે ડુંગરમાં દારૂગોળો મોટા જથ્થામાં છે, ને જણ પણ ઝાઝા લાગે છે. સાંજ સુધી ધીંગાણું ચાલ્યું. સાંજે સૂરજ આથમવા ટાણે ફોજ પાછી વળી. ડુંગરમાંથી અવાજ ગાજ્યો કે “વાલિયા ઠૂંઠાની જે!” “અને સરકારની…” એમ કહી એક બહારવટિયો સરકાર સામે ગાળ બોલવા ગયો. “ખબરદાર! નકર જબાન કાપી નાખીશ,” વાલાએ સાવજના જેવી ડણક દીધી. “જુવાનો! નાડી અને જબાન, બે ચીજો સંભાળજો, હો! નીકર વાવટો ખાક થઈ ગયો જાણજો. ખુદાએ નાપાકનાં બા’રવટાં કદી નભાવ્યાં નથી.” એવી રીતે વાલાએ સાથીઓને શિખામણ દીધી. વારેવારે વાલો એવાં વચનો કહેતો અને નવરો પડે ત્યારે તસબી ફેરવતો. બહુ ઝાઝું બોલતો પણ નહિ, ભેરુઓનાં ગાનગુલતાનમાં કદી ભળતો નહિ.

કાંતરોડીનો એક કોળી હતો. એનું નામ મકો. એક દિવસે મકો વાલિયાના પગમાં પડીને પોતાનું દુઃખ રોવા માંડ્યો. “શું છે, ભાઈ?” “મને મકાઈસાહેબ મારી નાખે છે!” “શા સારુ?” “તારી બાતમી લઈ આવવા સારુ.” “તે એમાં મુંજાછ શીદને, ભાઈ?” જા, બેધડક કહેજે કે વાલિયો અનલગઢમાં બેઠો છે. સાહેબની માએ સવાશેર સૂંઠ ખાધી હોય તો આવે મળવા.” “પણ વાલા, તને આંગળી ચીંધાડીને હું મરાવું તો તો કયે ભવ છૂટું?” “ભાઈ, મરવા-મારવાની તો આ રમત જ છે ને! અને વાલો તો સંધાય વેરીઓને સામેથી જ વાવડ દઈ મોકલે છે. વાલાની તે કાંઈ ગોત્યું હોય? જા તું તારે, લઈ આવ સાહેબને.” અનલગઢની ધાર ઉપર વાલો બેઠો છે. મકાઈસાહેબ ઘોડે ચડીને ચાલ્યો આવે છે. મોખરે મકો કોળી દોડ્યો આવે છે. સાહેબને દેખીને વાલે ઠૂંઠા હાથ ઉપર બંદૂક ટેકવી. બરાબર સાહેબના ઘોડાના ડાબલાનું નિશાન લઈ ભડાકો કર્યો. પલકમાં તો ઘોડાના પગમાંથી ડાબો નોખો જઈ પડ્યો. ચમકીને મકાઈસાહેબે ઊંચે જોયું. બંદૂકની નાળ્ય તાકીને કાળને ઊભેલો ભાળ્યો. ધાર માથેથી વાલિયે અવાજ દીધો કે “એય ઉલ્લુ સાહેબ, આજ મારતો નથી. ફક્ત ચેતવું છું. હવેથી મકાને કનડીશ મા. નીકર ઘોડાનો ડાબો ઉપાડ્યો છે, એમ તરબૂચ જેવું માથું ઉપાડી લઈશ.”

વાલાની ઓરત મરી ગઈ છે, પોતાને જુવાનીનાં પૂર ચાલ્યાં જાય છે. બીજા સહુ સાથીઓ પોતપોતાની પરણેતરોને મળવા વારેવારે જાય-આવે છે. પણ વાલાને તો ઘેર જઈને બેસવાનું ઠેકાણું નથી. છતાં વાલાની આંખ કોઈ ઓરત સામે ઊંચી થાતી નથી. જોગી જેવો વાલો કાં લડતો ને કાં તસબી ફેરવતો. એમાં એક દિવસ સાથીઓએ વાત છેડી. માયા મોવરે શરૂ કર્યું : “વાલા, હવે તો તારા નિકા કરીએ.” “કોની સંગાથે, બેલી?” વાલાએ પૂછ્યું. “કાજરડાના વીરમ મિયાણાની દીકરી વાછઈ સંગાથે. એ પણ ઘરભંગ થઈ છે.” “તમે ઈ બાઈની સાથે વાત કરી છે?” “ના.” “મ બોલો! તો પછી મ બોલો.” કહીને વાલે જીભ કચડી. “કાં?” “તો પછી કેમ આવું બોલીને પાપમાં પડો છો ને મનેય પાપમાં પાડો છો?” “પણ એમાં પાપ તે વળી શેનું?” “અરે ભા, ઈ બાઈના મનમાં જો કદી એમ હશે કે વાલો તો મારો ભાઈ થાય, તો? તો હું ખુદાનો ગુનેગાર થાઉં કે નહિ? હવે પછી આવી નાપાક વાત કરશો મા, ભાઈ!”

સોરઠમાં બળધોઈ નામે ગામ છે. બળધોઈ ગામ હાથિયા વાળા નામે કાઠી તાલુકદારનું છે. આ ગામમાં રામબાઈ નાનામની રજપૂતાણી અને એ રજપૂતાણી સાથે મામદ જામનો આડો વહેવાર બંધાયો છે. [2] અને વાલાને એ વાતની જાણ થઈ છે. વાલાએ મામદ જામને માણસો સાથે કહેરાવ્યું કે “મામદ જામ! અલ્લા નહિ સાંખે, હો! રહેવા દે. બહારવટિયો નાપાક ન હોય.” “વાલા મોવરને કહેજો કે મારી વાતમાં વચ્ચે ન આવે. હું બહારવટામાં ક્યાંય ગેરવાજબી વર્તતો હોઉં તો ભલે મને બંધૂકે દ્યે. બાકી મારા ખાનગી વહેવારમાં તો હું ચાય તે કરું!” મામદ જામે એવો જવાબ દીધો. વાલાનો જીવ કળીએ કળીએ કપાવા લાગ્યો. પણ મામદ જામ જેવા જોરદાર સાથીને જાકારો દેવાની કે એની સામે વેર ઊભું કરવાની વાલાની છાતી ચાલી નહિ. એમ થાતાં થાતાં એક દિવસ દડવા ગામના કુવાડિયા આયરની સાથે રામબાઈ રજપૂતાણીના ધણીનો સંદેશો મામદ જામ ઉપર આવ્યો કે “પરમ દિવસ આવજે. હાથિયા વાળાના ગઢમાં રૂપિયા ત્રણ હજારની કોથળી તૈયાર ટપ્પે પડી છે.” સંદેશો સાંભળીને મામદ જામ વરલાડડા જેવા પોશાકમાં સાબદો થયો, અને કહ્યું : “હાલ, વાલા, આકડે મધનું પોડું ટીંગાય છે.” “મામદ જામ! જાવા જેવું નથી, હોં! અને તારાં પાપ ત્યાં આપણી પહેલાં પહોંચીને બેસી ગયાં હશે, હો! ત્યાંની જમીનને તેં નાપાક બનાવી છે, ત્યાં આપણો ભાર ધરતી ઝીલશે નહિ.” પણ મામદ જામ ન માન્યો. વાલાને સાથે લઈ સાંજટાણે બળધોઈને માથે વાર વહેતી કરી. ખળાવાડમાં અનાજના ગંજ ઊભા છે. ખેડૂતો રાત પડ્યે ચાંદરડાંને અજવાળે પાવા વગાડે છે. હવાલદાર અને પગીપસાયતા તાપણું કરીને બેઠા છે. બહારવટિયાઓ પ્રથમ ત્યાં જઈને ત્રાટક્યા. માણસોને બાંધીને કેદ કરી લીધા, અને ગામને ઝાંપે જઈ ફક્ત બે જ ભડાકા કર્યા. ત્યાં તો દરબારગઢમાં હાથિયો વાળો કંપવા લાગ્યો. બેબાકળા બનીને દરબાર પોતાનાં ઘરવાળાંને પૂછવા મંડ્યા કે “હવે શું કરું?” સામે કાઠિયાણી ઊભાં હતાં તેણે કહ્યું : “શું કરું, કેમ? આ મારાં એક જોડ્ય લૂગડાં પહેરીને બેસી જાવ. બહારવટિયાને કહેશું કે દરબારને બે ઘર છે!” “અરરર!” બોલીને દરબાર ઝાંખા પડી ગયા. “ત્યારે પૂછતાં શરમાતા નથી, દરબાર? અટાણે પૂછવાનો સમો છે કે લેખે ચડી જવાનો?” દોડીને પોતાના ત્રીસ બંદૂકદારો સાથે હાથિયા વાળો મેડીએ ચડ્યા. બહારવટિયાએ બજાર કબજે કરી લીધી. ગઢની મેડીએથી દરબારી માણસોએ ભડાકા કર્યા. ગામ ધુમાડે ઢંકાઈ ગયું અને બહારવટિયા દરબાર ગઢની દીવાલો ઠેકીને અંદર ઊતર્યા. જુએ તો ઓરડે ઓરડે તાળાં. મેડીએ ચડીને બહારવટિયાએ હાથિયા વાળાને હાકલ દીધી કે “એય કાઠીડા, લાવ ચાવિયું, નીકર હમણાં તારો જાન કાઢી નાખશું.” નામર્દ હાથિયા વાળાના હાંજા ગગડી ગયા, એણે ચાવી ફગાવી દીધી. વાલો તો બજાર સાચવીને ઊભો છે એટલે મામદ જામે ઓરડા ઉઘાડવા માંડ્યા. પહેલો ઓરડો ઉઘાડે ત્યાં અંદર દરબારગઢની ને ગામની બાઈઓને લપાયેલી દીઠી. તરત પાછું ઓરડે તાળું લગાવી મામદ જામ પાછો ફર્યો. બીજો ઓરડો ઉઘાડ્યો. અંદર પટારા દીઠા. ઘંટીનાં પડ મારીમારીને બહારવટિયા પટારા તોડવા લાગ્યા. પડકારા કરતો કરતો મામદ જામ ફળીમાં ઘૂમી રહ્યો છે. ત્યાં તો સાંઢિયાના કાઠાની ઓથે કરણપરી નામનો એક બાવો છુપાઈ બેઠેલો, તેને રૂંવાડેરૂંવાડે શૂરાતન વ્યાપી ગયું. પોતાની પાસે જ કાઠી રજપૂતો જેના ઉપર થાળી રાખીને જમે છે તે ‘પડઘી’ નામની પિત્તળની નાની બેઠક પડેલી, તે કરણપરીએ ઉપાડી. “જે ગરનારી!” કહીને બાવાએ પિત્તળની પડઘીનો કારમો ઘા કર્યો. એ ઘા બરાબર મામદ જામના માથામાં પડ્યો. ફડાક દેતો અવાજ થયો. મામદ જામના માથાની ખોપરી ફાટી ગઈ. જમણી આંખનું રતન પણ પડઘીએ ફોડી નાખ્યું. “અરે તારી જાતનો —,” કહી મામદ જામ પાછો ફર્યો. બાવાના શરીર ઉપર બંદૂક ચલાવી. ઓગણીસ-ઓગણીસ છરા બાવાના શરીરને વીંધી, નહાઈધોઈ, ધ્રોપટ નીકળી ગયા, તોય બાવાએ દોડી, મામદ જામની જ તરવાર ખેંચી લઈ, મામદ જામના જમણા ખભા ઉપર ‘જે ગરનારી!’ કહીને ઝીંકી. ઝીંકતાં તો તરવાર ઠેઠ સાજ સુધી ઊતરી ગઈ. શત્રુને મારીને પછી બાવો પડ્યો. મરતી વેળા માગણ ભારી રૂડો લાગ્યો. લોટની ત્રાંબડી ફેરવનાર આ માગણ જાતના માનવીને એ ટાણે કોણ જાણે કોણે આટલું કૌવત અને આટલી હિંમત આપ્યાં! આગળ કદી એણે તરવાર બાંધી નહોતી, ધીંગાણું તો કદી દીઠું નહોતું. નક્કી શૂરવીરને છાબડે હરિ આવે છે! મામદ જામના પડખામાંથી આંતરડાનો ઢગલો બહાર નીકળી પડ્યો. પાછાં આંતરડાં પેટમાં ઘાલીને મામદ જામે જખમ ઉપર પોતાના ફેંટાની કસકસતી ભેટ બાંધી લીધી, અને દોડીને મરણના દમ ખેંચનાર બાવાની પીઠ થાબડી કહ્યું : “શાબાશ જવાન! તારા જેવા શૂરવીરને હાથે મારું મૉત સુધરી ગયું. રંગ છે તને, ભાઈ!” એટલું વચન સાંભળીને બાવાએ છેલ્લી આંખ મીંચી. મામદ જામે પાછા ફરીને પોતાના સાથીઓને હાકલ કરી : “પાછા વળો. હાલો ઝટ. લૂંટનો માલ મેલીને હાલી નીકળો.” પોતે આગળ, ને દસ જણા પાછળ : બધા બહારવટિયા ગઢમાંથી બહાર નીકળી ગયા. બજારે વાલો ટહેલે છે. તેણે પૂછ્યું : “કેમ ખાલી હાથે?” “વાલા! મારાં પાપ આંબી ગયાં. હવે હું ઘડી-બે ઘડીનો મે’માન છું. મને ઝટ કબર ભેળો કર.” મામદ જામને ઘોડે બેસાડી બહારવટિયા ચાલી નીકળ્યા. બળધોઈથી અરધા ગાઉ ઉપર, વીંછિયાના વોંકળામાં અધરાતે ગળતે પહોરે બહારવટિયા પહોંચ્યા. એટલે મામદ જામે કહ્યું : “બસ, આંહીં રોકાઓ. મારું દિલ ઠરે છે. આ વેળુમાં મારી કબર ખોદો.” કબર ખોદાઈ. “હવે, બેલી, ખાડાની ઊંડાઈ માપી જુઓ.” કબરને માપી. મામદ જામની કાનની બૂટ સુધી ઊંડો ખાડો થઈ ગયો હતો. “હવે એને વાળીને સાફ કરી નાખો.” કબર સાફ થઈ ગઈ. પોતે પોતાની મેળે અંદર ઊતરી ગયો. ઊભા રહીને, કબરને કાંઠે ઊભેલા પોતાના ભેરુઓને કહ્યું : “બેલીઓ, મારાં કાળાં કામાં મને આંબી ગયાં. સારું થાય છે કે હું તમારામાંથી બાદ થઈ જાઉં છું. અને હવે તમે વાલાની આમન્યામાં વર્તજો. વાલો નીતિવાન છે. લો, ભાઈ, હવે અલ્લાબેલી છે. સહુ સજણોને સો સો સલામું છે.” એમ બોલીને પોતે બે હાથ માથે અડાડી, દસેય દિશામાં ફર્યો. અને પછી “યા અલ્લા!” કહીને પેટ પરથી પાઘડીના બંધ છોડી નાખ્યા. છોડતાંની વાર જ આંતરડાં નીકળી પડ્યાં. મામદ જામ કબરમાં ઢગલો થઈ ગયો. એને દફન કરીને બહારવટિયા ચાલ્યા ગયા.

“કકલ બોદલા! કમબખ્ત! અબળાને જીવતે મૂએલી કરી? આ લે, ઇનામ!” એટલું બોલીને વાલાએ પોતાની સામે બેઠેલા કકલ બોદલા નામના સંગાથી પર બંદૂક તાકી. ગોળી છોડી. પણ પાસે બેઠેલા બીજા સાથીએ હાથ ઊંચો કરી બંદૂકની નળીને ઠેલો માર્યો. કકલના માથા ઉપર થઈ હવામાં સણેણાટી બોલાવતી ગોળી ચાલી ગઈ. “ખેર!” કહી વાલાએ બંદૂક નીચે નાખી દીધી. “તારીયે બાજરી હજી બાકી હશે. ખુદા તારાં લેખાં લેશે!” પોતાના સાથીઓ તરફ ફરીને એ બોલ્યો : “આપણું બા’રવટું થઈ રહ્યું. ભાઈઓ, આજથી બરોબર અઢી દિવસે આપણને હડકવા હાલશે.” ડુંગરની ગાળીમાં સૂરજ આથમવા ટાણે ગમગીન ચહેરો લઈને બેઠેલા વાલાએ પોતાના સાથીઓને કળકળતી આંતરડીનાં આવાં વેણ સંભળાવ્યાં. અને લમણે હાથ દઈને સહુ સાથીઓ એ આગમવાણી સાંભળી રહ્યા. કોઈના મોમાંથી સામો શબ્દ નીકળે તેવું નહોતું રહ્યું, તોયે થરથર ઊઠીને સાથીઓ બોલ્યા : “હાં! હાં! વાલા! એવડું બધું વેણ —” “બેલીઓ! એ વેણ વિધાતાનું સમજજો. આપણે ખાટસવાદિયાઓને ભેળા કર્યા. એણે તો આપણને ખોટ ન ખવરાવી, પણ આ કકલ બોદલે ખોટ ખાધી. અરેરે! ઓરતની આબરૂ લૂંટી! કુંજડીની જેમ ઓરત કળેળતી હતી, એની કાયા ચૂંથી! એના નિસાપા આપણી મોર્ય થઈ મૉતની સજાયું પાથરી રહ્યા હશે એ નક્કી જાણજો, ભાઈ!” મોરબીના ગામ ઝીકિયાળીની સીમમાં કકલ બોદલે [3] પટેલની દીકરીની આબરૂ લીધી, તે વાત પરથી વાલાએ પોતાનું ભવિષ્ય ભાખી લીધું.

વાધરાની સીમમાં માથોડું માથોડું તલ ઊભા છે. એમાં લપાઈને બપોરને ટાણે બહારવટિયા બેઠા છે. અને પેથો નામનો પગી એ બધાને લાડવા જમાડે છે. વાલે પૂછ્યું : “પેથા, આજ તો બહુ દાખડો કર્યો!” “બાપુ! તમે મારાં ઘર ભરો છો ને હું કોક કોક વાર તમને ગળી દાઢ પણ ન કરાવું?” “ભારી મીઠા લાડવા, હો!” “પેથો તો આપણો બાપ છે, ભા! ન કેમ ખવરાવે?” એમ વખાણ થતાં જાય છે, ને લાડવા પેટમાં પડતા જાય છે. એવે ટાણે કોળી પેથાએ પોતાના છોકરાને ઝાડવા માથે ચાડિકા તરીકે બેસારી બહારવટિયાનું ધ્યાન ચુકાવી ચૂપચાપ રસ્તો લીધો. બહારવટિયાએ સગા બાપની માફક જે પેથાને રાખ્યો હતો ને લૂંટના માલથી ખૂબ ધરવ્યો હતો, તે જ પેથાએ એજન્સીના પોલીસ ગોરા ઉપરી ગૉર્ડનસાહેબની સાથે મળી જઈ બહારવટિયાને ઝેર દેવાનો મનસૂબો કર્યો, ખાખરેચી ગામથી સાહેબે ઝેરવાળા લાડવા વળાવીને પેથાને મોકલ્યા અને એ લાડવા આજ મિયાણાઓને પીરસી દીધા. ઝેર ખવરાવીને પોતે ગૉર્ડનને ખબર દેવા પહોંચ્યો.[4] વાલાને તો ખભામાં જખમ હતો, એટલે એ કરી પાળતો. એણે આ મીઠા ભોજનમાં ભાગ લીધો નથી. બીજા તમામ સંગાથીઓએ પેટ ભરીને લાડવા ખાઈ, ખૂબાખૂબ કુંપળાસર તળાવનું પાણી પીધું. થોડી વાર વિસામો લેવા બેઠા. પા-અરધો કલાક થયો, ત્યાં એક પછી એક સહુની જીભો ઝલાવા લાગી. તરત વાલાનો ભાઈ પરબત ઊભો થઈને બોલ્યો : “વાલા! આપણને નક્કી ઝેર ખવરાવ્યું! અને આપણે ભીંત હેઠળ ભીંસાઈ મૂઆ.” “ઝેર! નક્કી ઝેર છે. કમજાત પેથો!” બીજો બોલ્યો. “બસ, બેલી! હવે મૉતની સજાઈ વખતે બૂરું વેણ ન હોય. હવે માંડો ભાગવા. અને બોદલા! તારાં કાળાં કામોનો ખુદાઈ હિસાબ ચૂકવાય છે!” એમ બોલીને વાલો આગળ થયો. બધા ભાગવા લાગ્યા. “યા અલ્લા!” કરીને કચ્છવાળો દાદલો ડાભી જમીન પર પટકાઈ ગયો. વાલાએ કહ્યું : “બેલી, આંહીં આની લાશને કૂતરાં ચૂંથશે. એને પડતો મેલીને ચાલ્યા જાશું તો દુનિયા આપણી દોસ્તીને ફિટકાર દેશે. માટે એને તો ઉપાડી લેવા સિવાય આંહીંથી ખસવાનું જ નથી.” દાદલાની લોથને ઉપાડીને બહારવટિયા લથડતે પગે ચાલતા થયા. પહોંચ્યા કારડિયાની પાણાખાણમાં. ફરી વાર વાલાએ હુકમ કર્યો : “હવે આપણો નેજો અહીં મેલી દ્યો.” ત્યાં જ વાવટો મેલીને ઉગમણે પડખે રણમાં મોરચો કરી લડવા બેઠા. બળતે બપોરે એજન્સીની ટુકડી લઈ ગૉર્ડન ગોરો આવી પહોંચ્યો. અને સામેથી વાલાએ હાક દીધી : “હે દગલબાજો! ઝેર ખવરાવીને માટી થવા આવ્યા! પણ હવે તો ચૂડિયું પહેરી હોય તો જ આઘા ઊભા રે’જો ને જો દાઢીમૂછના ધણી હો તો સામે પગલે હાલ્યા આવજો!” ઘોડા ઉપર ધોમઝાળ થઈ રહેલા ગૉર્ડને ટુકડીના માણસોને કહ્યું : “જેને પોતાનાં બાયડી છોકરાં વહાલાં હોય એ ઘર તરફ વળી જાજો. જેને જાન દેવો હોય એ જ ઊભા રહેજો!” સાહેબનું વચન સાંભળતાં સાંભળતાં તમામ સિપાહીઓ છાતી કાઢીને ચૂપચાપ ઊભા રહ્યા, નિમકહલાલી અને નેકીની સાંકળો સહુના પગમાં પડી ગઈ. સરકાર પાળે યા ન પાળે, આપણાં બાળબચ્ચાંને પાળનારો પરવરદિગાર તો બેઠો જ છે ને! એવું વિચારીને સિપાહીઓ નિમકના ખેલ ખેલવા ઊભા રહ્યા. એક પણ માણસ ન તર્યો. તરત સામેથી તાશેરો થયો. “ઓ વાલા! હમકુ મારો! હમકુ ગોલી મારો,” એવી હાકલ કરતાં કરતાં ગૉર્ડનસાહેબે પોતાના ઘોડાને બહારવટિયા સામે દોડાવી મૂક્યો, પોતે ઘોડાની પીઠ પર લાંબા થઈને સૂઈ ગયા, પણ એટલામાં તો ઘોડો ચમકીને જરીક આડો થઈ ગયો અને સામેથી વાલાના ઠૂંઠા હાથ પરની બંદૂક વછૂટી. નાળ્યમાં સુસવાટા કરતી ગોળી ઘોડાની કેશવાળીમાં થઈને બરાબર સાહેબના કાંધમાં ચોંટી અને સાહેબ પટકાયો. જખમી થયેલો બહાદુર અને ટેકીલો સાહેબ પાછો ઊભો થઈને કિરીચ ખેંચી પગપાળો સામો દોડ્યો. પણ છેક પાણાખાણ સુધી પહોંચે તે પહેલાં તો ધડ ધડ બીજી બે ગોળી ચોંટી ને સાહેબ પડ્યો. તેટલામાં તો બહારવટિયાઓને હાડોહાડ ઝેર પ્રસરી ગયું હતું, અને વગર માર્યા જ તે બધાના પ્રાણ છૂટી ગયા હતા. એજન્સી તરફથી ગૉર્ડનસાહેબ, હાજી સાજણ અને મામદ ઇસાક, એ ત્રણ જણા ધીંગાણામાં વાલાની ગોળી વાગતાં કામ આવ્યા. વાલો પણ ગોળીએ વીંધાઈ ગયો છે, છતાં પડ્યો નથી. હાથમાં બંદૂક હતી, તેનો કંદો છાતીએ દઈ રહ્યો છે. અને નાળ્ય નીચે ધરતી સાથે ટેકો લઈ ગઈ છે. એ રીતે વાલાનું નિષ્પ્રાણ શરીર બંદૂકનો આધાર મળવાથી જાણે જીવતું જાગતું હોય એવું દેખાય છે. એ વખતના એના મ્હોરાની તારીફ કરતેકરતે, ત્રણેય રાજ્યોની ફોજોએ આવીને એને ઘેરી લીધો. મોવર સંધવાણી [5] પણ જામનગરની ગિસ્ત સાથે આવેલો; પોતાના જૂના અને પાક ભેરુનું આવું ઊજળું મૉત દેખીને એની આંખમાં હેતનાં આંસુ આવી ગયાં. “સા…લા કમબખ્ત! લેતો જા!” કહીને એક પોલીસે વાલાની છાતીમાં બંદૂકનો કંદો માર્યો. મોવરની આંખ એ મિત્રના મૉતનું અપમાન દેખીને ફાટી ગઈ. એણે કૂંદો મારનાર પોલીસની સામે ડોળા કાઢીને કહ્યું : “હવે મરી ગયા પછી તારા બાપને શું મોં લઈને મારી રહ્યો છે? જીવતાં ભેટો કરવો’તો ને?” પોલીસે પોતાની ભરેલી બંદૂક મોવર સામે તાકી. પલકમાં જ ઘોડો ચંપાતાં મોવર વીંધાઈ જાત. પણ મોવરે અરધી પલમાં તો એ ઉગામેલી બંદૂકની નાળને હાથનો ઝાટકો મારી જરાક ઊંચી કરી દીધી, અને વછૂટતી ગોળી, મોવરના માથા ઉપર થઈને ગાજતી ગાજતી ચાલી ગઈ. “કોઈ મિયાણાના પેટનો આંહીં હાજર છે કે નહિ? જોઈ શું રહ્યા છો હજુ?” એટલી હાકલ મોવરના મોંમાંથી પડતાં તો પહાડ જેવા મિયાણા ધસી આવ્યા. ધીંગાણું જામી પડ્યાું હોત, પણ બીજા શાણા માણસોએ મોવરને ફોસલાવી પંપાળી ટાઢો પાડ્યો. વાલાના ડચકાં ખાતા મોમાં પાણી મેલીને મોવરે કહ્યું : “વાલા, તારા જીવને ગત કરજે, તું મફતનો નથી મર્યો પણ એક ગોરાને અને બે બીજા અમલદારોને મારીને મર્યો છો.”

તારી ટપાલું તણા, વિલાતે કાગળ વંચાય,
(ત્યાં તો) મઢમું બંગલામાંય, વાળે મોઢાં, વાલિયા!

[હે વાલા! વિલાયતમાં આંહીંની ટપાલ વહેંચાય છે, ત્યારે કંઈક મઢમો પોતાના ધણીનું તારે હાથે મૃત્યુ થયું જાણી મોં ઢાંકી રુદન કરે છે.]

વાલાના મૉતની ખબર જુમલા ગંડને પહોંચી. જુમલાએ રાજકોટ સરકારને જાસો મોકલ્યો કે “વાલાને દગાથી માર્યો છે, પણ હવે તમે ચેતતા રહેજો.” ધ્રાંગધ્રા તાબે મેથાણ પાસેના વોંકળામાં જુમલો છુપાયો છે. સાહેબની ગિસ્ત ત્યાં આવવાની હોવાના એને સમાચાર મળ્યા છે. જુમો તો ગાંઠ વાળીને બેઠો છે કે પહેલે જ ભડાકે સાહેબનું માથું ઉતારી લેવું. ગિસ્ત લઈને ધ્રાંગધ્રા પોલીસનો ઉપરી સૂટરસાહેબ ચાલ્યો આવે છે. એ કાબેલ ગોરો સમજી ગયો છે કે જુમાની બંદૂક ટોપીવાળાને જ ગોતી લેશે. એટલે એણે કરામત કરી. પોતાની સાથેના એક પઠાણને સારી પેઠે દારૂ પીવડાવી, ચકચૂર બનાવી, પોતાનો પોશાક પહેરાવ્યો અને પોતે પઠાણનો વેશ પહેર્યો. સાહેબને વેશે બેભાન પઠાણ બહારવટિયાઓની સામે ચાલ્યો. તરત જુમાની ગોળીએ એના ચૂંથા ઉરાડી મૂક્યા. ત્યાં તો એકલા જુમલા ઉપર પચાસ ગોળીઓની પ્રાછટ બોલી, જુમો વીંધાઈ ગયો. જરાક જ જીવ રહ્યો હતો છતાં જુમો પડ્યો નહિ. એની બંદૂકની નળી ધરતી સાથે ટેકો લઈ ગઈ, અને કંદો છાતીએ ગોઠવાઈ ગયો. એ રીતના ટેકે જુમો મરતો મરતો પણ જીવતા જવાંમર્દની માફક બેઠો રહ્યો. “શાબાશ જુમા! શાબાશ જુમા! તુમ હમકુ માર દિયા! તુમ હમકુ માર દિયા.” એવી શાબાશી દેતો દેતો સૂટરસાહેબ જુમાને થાબડવા લાગ્યો. ત્યારે જુમાએ તો છેલ્લે ડચકારે પણ ડોકું ધુણાવ્યું : સમસ્યા કરીને સાહેબને સમજાવ્યો કે “તને હું નથી મારી શક્યો. ભૂલથી મેં પઠાણને માર્યો. મારી મનની મનમાં રહી ગઈ, મને શાબાશી મ દે.”

જુમાના નાશ વિશે બીજી વાત એમ ચાલે છે કે : એની ભૂખે મરતી ટોળી મેથાણના વોંકળામાં બેઠી છે. તે વખતે એક જાન ત્યાંથી નીકળી. ભેળો જે વોળાવિયો હતો, તેનું નામ સૂજોજી જત. એ ગરમઠ ગામનો રહીશ હતો અને જુમાને રોટલા પહોંચાડતો. એણે કહ્યું કે ‘જુમા! મારી મરજાદ રાખ. જાનને મ લૂંટ!’ પણ જુમાએ ન માન્યું. સૂજાજીએ ગુપચુપ એક જાસૂસને આસપાસ ખબર દેવા દોડાવ્યો ને આંહીં જાનનાં ઘરેણાં ઢગલો કરી બહારવટિયા પાસે મૂક્યાં. પોતે લૂંટારાની અને જાનની વચ્ચે સમજાવટ કરાવવા લાગ્યો, ત્યાં તો સૂજોજી પોતાને મારવાની પેરવી કરે છે એવો શક પડતાં જુમાએ એને ઠાર કર્યો. આ સમાચાર સૂજાજીની ઓરતને પહોંચ્યા. બહાદુર સ્ત્રી ગાડું જોડાવી, અંદર પાણીનું માટલું મુકાવી પોતાના ધણીનું શબ લેવા લૂંટારાઓની પાસે આવી. માર્યા પછી પસ્તાતો જુમો સૂજાજીના શરીર પાસે બેઠો છે. બાઈએ આવીને ફિટકાર દીધો અને કહ્યું કે “હવે જો સાચી મિયાણીના પેટના હો તો આનું વેર વાળનારો કોઈ પહોંચે ત્યાં સુધી ખસશો મા.” “અરે માડી!” જુમાએ જવાબ દીધો : “અમારો કાળ આવી રહ્યો છે. નીકર અમને આવું ન સૂઝે. હવે તો ક્યાંય નાસ્યા વગર અમારે આંહીં જ મરવું છે. પણ, બેન, અમે તરસ્યા છીએ. પાણી પાઈશ?” ઓરતે પોતાના ધણીના મારનારાઓને માટલામાંથી ઠંડું પાણી પિવાડ્યું. દરમિયાન તો સેડલા ગામે થોભણજી નામના અઢાર-વીસ વર્ષના જુવાન જતને પોતાના કાકા સૂજાજીના મૉતની ખબર પડી. એક તરવાર લઈને એ નીકળ્યો. કાકાની ડેલીએ જઈ, ફાતિયો પઢી, એ એકલો મેથાણને વોંકળે આવ્યો. આવીને જુએ તો ધ્રાંગધ્રાના પોલીસ-ઉપરી સૂટરની તથા બજાણા પોલીસની ટુકડીઓને દૂર રહી રહી વોંકળામાં લપાયેલા બહારવટિયા પર ફોગટના ગોળીબાર કરતી દીઠી. એ સંખ્યાબંધ હથિયારધારીઓમાંથી કોઈની હામ લૂંટારાઓની છાતી ઉપર જઈ પહોંચવામાં નથી ચાલી. એક તરવારભેર થોભણજી એકલો દોડ્યો. લૂંટારાઓ પર ત્રાટક્યો. પાપથી ઢીલા બની ગયેલા સાતેય જણા એ જુવાનની એકલી તરવારે પતી ગયા. પતાવીને થોભણજી બહાર નીકળવા જાય છે. મિયાણાઓ બાંધે છે તેવી ‘ગંધી’ એ પણ કમ્મર પર બાંધેલી હતી. દૂરથી સૂટર ભરમાયો કે એ બહારવટિયો છે. સૂટરની ગોળી છૂટી. થોભણજી ઢળી પડ્યો. આજુબાજુથી એકઠા થઈ ગયેલા જતો આ નિર્દોષના મૃત્યુથી ઝનૂન પર આવી ચડ્યા. (તેઓને વહેમ પડ્યો કે બહારવટિયાઓને મારવાનો જશ ખાટવા માટે જાણીબુજીને સૂટરે એને માર્યો.) પણ બજાણાના પોલીસ-ઉપરીએ સહુને શાંત કરી લીધા.

રાવણહથ્થાવાળા નાથબાવાઓ જુમલા ગંડનો એક રાસડો નીચે મુજબ ગાય છે :

ગંઢ કાંથડના જુમલા રે વાગડને રે’વા દે!
ચાર ભાઈઓનું જોડલું જુમા,
પાંચમો ભાવદ પીર. — કાંથડના.
પડાણ માગે ગંઢડા નીકળ્યા,
લીધી વાગડની વાટ. — કાંથડના.
ઘોડલે ચડતા ખાનને માર્યો,
હમીરીઓ ના’વ્યો હાથ. — કાંથડના.
પ્રાગવડ ભાંગી પટલને માર્યો,
ચોરે ખોડ્યાં નિશાણ. — કાંથડના.
ઝંડિયો ડુંગર ઘોડલે ઘેર્યો,
ઘણાનો કાઢ્યો ઘાણ — કાંથડના.
અંજારની સડકે સાધુ જમાડ્યા,
બોલો જુમાની જે. — કાંથડના.
પગમાં તોડો હાથમાં નેજો,
ભાવદી ભેળો થાય. — કાંથડના.

મિયાણા વાલા મોવરનું બહારવટું કોઈ રાજ તરફના અન્યાયમાંથી ઊભું નહોતું થયું, પણ ઓરતોની લંપટતાથી જ પરિણમ્યું હતું. વાલો ચોરીઓ કરતો અને ચોરીના સાહસમાં જ એનો એક હાથ ઠૂંઠો થયો હતો એ વાત પણ ચોક્કસ છે.

જીવતાં પાત્રો જડ્યાં છે
[લેખકની લોકસાહિત્યની શોધનકથા ‘પરકમ્મા’માં]

[મારી ટાંચણપોથીનું] પાનું ફરે છે — મિયાણા બહારવટિયા વાલા નામોરીની મેં લખેલી કથાના કિસ્સા પૂરા પાડનાર માણસનો પતો મળે છે. સ્વ. દરબાર કાંથડ ખાચરની રાજપરાની ખળાવાડમાં એ હવાલદાર હતો. પડછંદ, સીધો સોટા સરીખો, ઘાટી સફેદ દાઢી, જબાને મૂંગો, કરડી પણ ગંભીર આંખો : ઓળખાવ્યો ત્યારે જ ખબર પડી, કે વાલા નામોરી અને મોવર સંધવાણીના બહારવટામાં જાતે જોડાનાર એ મિયાણો હતો. એણે મને પેટ દીધું, સમસ્ત બહારવટાની કથા કહી, પોતે એ પ્રત્યેક કિસ્સાનો સાક્ષી જ માત્ર નહીં પણ સક્રિય પાત્ર હતો. ચારણ, ભાટો અને કથાકારો જ મને ઉટાંગ વાતો કહી ગયા છે એ માન્યતા ખોટી છે. ઘટનાનાં જીવતાં પાત્રો મને સાંપડ્યાં છે. તેમની વિશ્વસનીયતાને મેં ચકાસી જોઈ છે. તેમણે સારું-બૂરું બેઉ દિલ ખોલીને સંભળાવ્યું છે. તેમણે તો પોતાને વિશે પ્રચલિત કેટલીક અતિ શોભાસ્પદ અને ભભકભરી વાતોનો પણ સરળ ભાવે ઇનકાર કર્યો છે. એ વૃદ્ધ મિયાણાના છેલ્લા શબ્દો — કલ્યાણકારી શબ્દો — ટાંચણમાંથી અહીં ઉતારીને હું તેને સલામો દઉં છું. “વાલો મોર : ઘઉંલો વાન : સામાન્ય કદનો : શરીરે મજબૂત : સ્વભાવ બહુ સાદો શાંત : કોઈ ગાળ દે તો પણ બોલે નહિ : કોઈ દી હસે નહીં : કોઈ દસ વેણ બોલે ત્યારે પોતે એક બોલે : સાંજ પડ્યે બંદૂકને લોબાન કરે : એની હાજરીમાં ભૂંડું બોલાય નહીં.” આ બહારવટિયો! આ મિયાણો! આવા શીલવંતા કેવે કમૉતે ગયા! આમ કેમ થયું? પરચક્રને પ્રતાપે જ તો. બહાદુરોને બદમાશો કરી ટાળ્યા. યેલું.)




  1. ‘ચાર્જ ર્જ’ (હુમલો કરો.)
  2. મિયાણાઓ આ વાતનો ઉગ્ર ઇન્કાર કરે છે.
  3. અગાઉની આવૃત્તિઓમાં પરબત મોવર લખેલ છે, તે બરાબર નથી.
  4. કહેવાય છે કે એ જીવલેણ ઝેર નહોતું, પણ મૂર્છા આવે તેવો કૅફી પદાર્થ હતો.
  5. આ મોવર સંધવાણી પણ મૂળે બહારવટે ચડ્યો હતો. એનું વૃત્તાંત પણ આ પુસ્તકમાં આપ્યું છે.