કંકાવટી મંડળ 1/આંબરડું–ફોફરડું
“પૂજારી! એ પૂજારી, ઉઘાડો ને!”
“રાંડું કાગડિયું અત્યારમાં ક્યાંથી મરી છે?” પાંચ-પાંચ છ-છ વર્ષની કન્યાઓ દેવ-મંદિરના દ્વારે આવીને બેઠી અને મંદિરના કમાડ ભડભડાવે છે. અંદરથી પૂજારી રોષે ભરાય છે. આસો-કારતકના શિયાળુ દિવસો છે. કડકડતી ઠંડીથી કંપતું પરોઢિયું છે. આકાશમાં તારા ટમટમે છે. એવે ટાણે આ નાની નાની કન્યાઓ ઠંડે પાણીએ નાહી, ‘આંબરડું–ફોફરડું’ વ્રત કરવા આવી છે. આસો વદિ ને કાર્તિક સુદિના મળી ત્રીય દિવસોને મોટે પરોઢિયે દરરોજ આ કન્યાઓ નાહી-ધોઈ મંદિર આવે છે. સાથે મૂઠી ઘઉં, કાં મૂઠી ચોખા, એક આંબળું, એક કોઠીંબડું, એક સોપારી, એક કોડી ને એક પાઈ એમ છ વાનાં લઈને જે જેને લગતાં દેવસ્થાનો હોય ત્યાં જાય છે, જઈને દાણાનો સાથિયો પૂરે છે. પૂરતી પૂરતી બોલતી જાય છે :
આંબરડું ફોફરડું
કોડી ને કોઠીંબડું.
ગાય રે ગાય
તું મોરી માય,
નત નત ડુંગરે ચરવા જાય,
ચરી કરી પાછી વળી
ગંગાજળ પાણી પીવા ગઈ;
સામો મળિયો સિંહ ને વાઘ
વાઘ કે’ મા, તને ખાઉં!
ના રે ભાઈ, મને નો ખવાય!
મારા છાણનો ચોકો થાય
મારા ઘીનો દીવો બળે
મારું દૂધ મા’દેવને ચડે.
*
તલક તળસી
ઝમરખ દીવડો
હત હત કરતો જાય રે જીવડો :
જીવ કે’ તું જળશિયો
રાણી માગે કળશિયો.
રાણી કે’શે કા’ણી
તને ચડપ લેશે તાણી.
તપિયા રે તું તપેશરી
મારો વીરો લખેશરી.
લખેશરીના આણાં ભાણાં
અમરત આણાં.
જેટલાં રે બોરડીએ બોર
એટલાં રે મારા વીરાને ઢોર.
ઢોર ઢોર ઢોરંતી
પાડોશણ છાણાં ચોરંતી.
મારાં ચોર્યાં
આનાં ચોર્યાં
એને નાખો જમને બાર
ઈ બૂડે ને અમને તાર.