અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નરસિંહરાવ દિવેટિયા/ઊંડી રજની

From Ekatra Wiki
Revision as of 06:59, 21 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> આ શી ઊંડી રજની આજની {{space}}ભણે ઊંડા ભણકાર! ઘેરી ગુહા આકાશની રે {{space}}મા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

આ શી ઊંડી રજની આજની
         ભણે ઊંડા ભણકાર!
ઘેરી ગુહા આકાશની રે
         માંહિં સૂતો ઊંડો અંધકાર,
ઊંડા ડૂબ્યા નભતારલા કંઈ
         ગૂઢ સંદેશ વ્હેનાર રે;
                  આ શી ઊંડી રજની! ૧

શાન્તિપૂર રેલી રહ્યું રે
         ઊંડું, અદ્ભુત, સહુઠાર,
એ પૂરને ઝીણું ઝીણું હલાવી
         છાનો અનિલ રમે સુકુમાર રે;
                  આ શી ઊંડી રજની! ૨

ડૂબી ઊંડી એ પૂરમાં રે
         તરુવરકેરી હાર,
મોહમંત્રથી મૂઢ બની એ
         કાંઈ કરે ન ઉચ્ચાર રે;
                  આ શી ઊંડી રજની! ૩

મૂઢ બન્યો એહ મંત્રથી રે
         સ્તબ્ધ ઊભો હું આ વાર;
ગૂઢ અસંખ્ય ભેદો કંઈ
         કરે ચોગમ ઘોર ઝંકાર રે;
                  આ શી ઊંડી રજની! ૪

જાગી ઊઠી એ ઝંકારથી રે
         અનુભવ્યું દિવ્ય ઓથાર;
ભરાયું ભેદ અસંખ્યથી રે
         મ્હારું હૃદય ફાટે શતધાર રે
                  આ શી ઊંડી રજની! ૫

ગૂંથાયું એ શત ધારથી રે
         એહ સ્તબ્ધ હૃદય આ ઠાર,
શાન્ત, અદ્ભુત, ઊંડા કંઈ
         સુણે ઉચ્ચ ગાનના પુકાર રે.
                  આ શી ઊંડી રજની! ૬