ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ચંદ્રકાન્ત બક્ષી/તમે આવશો?
તમે આવશો?
પોણા-પાંચની ટ્રામમાં મેં તમને કોઈ કોઈ વખત જોયા છે – ખાસ કરીને શિયાળામાં. શિયાળામાં પેલી ટ્રામો લગભગ ખાલી જ હોય છે. તમે મિશનરી પાસેથી ચડતા, ઘણી વાર દોડીને પણ, અને એસ્પ્લેનેડ પાસે ઊતરી પડતા. તમે મને નહીં જોયો હોય. કદાચ જોયો હશે પણ ઓળખી નહીં શક્યા હો; કારણ કે સવારે તમે ચશ્માં પહેરતા નથી અને હું સેકન્ડ ક્લાસમાં હોઉં છું. મારા ત્રણ નવા પૈસા બચી જાય છે અને બગાસાં ખાતા દૂધવાળાઓને લીધે બંધ બારીઓવાળો ડબ્બો ગરમ રહે છે. અને તમને હસવું આવે છે, ખરું? મને હંમેશાં બાજુમાં કોઈ બગાસું ખાતું હોય ત્યારે ગરમી આવી જાય છે. એના કારણની ખબર નથી…
મને તમે જોયો નથી? ખેર, કંઈ વાંધો નહીં. એ વર્ષથી દર શિયાળે હું આ જ ટ્રામમાં આવું છું અને ધુમ્મસમાં દોડું છું — પેટ ઘટાડવા નહીં. મારે મોટું પેટ નથી. ફક્ત ભૂખ લાગે છે ત્યારે જ ખબર પડે છે કે એક પેટ ભગવાને આપ્યું છે, પણ મને દોડવાનો શોખ છે. હું વર્ષો સુધી દોડ્યો છું – જેમ તમને મેમૉરિયલ પાસેની પાળ પાસે બેસવાનો શોખ છે એમ જ. તમે બેસો છો. ધુમ્મસમાં ટેકરીઓ ઊભી હોય છે. હવાની ભીનાશને લીધે રૂંવાં ઊભાં થઈ જાય છે, ને જે થોડાઘણા પડછાયાઓ દેખાય છે એ બધાનો રંગ એક જ જેવો હોય છે. રંગો પલટાય છે, તડકો આવ્યા પછી ઘાસ અને પાંદડાં ચમકવા માંડે છે, અને થરથરતાં કૂતરાં પાર્ક કરેલી ગાડીઓની નીચેથી બહાર નીકળે છે. માણસો કાન અને માથા પર બાંધેલાં મફલરો ખોલીને ગળાની આસપાસ લપેટે છે અને મારી કમજોર આંખોમાંથી ઝરતું પાણી સુકાવા માંડે છે. તમને તો એ બધાંની ખબર છે…
ચાલો, ઊભા થઈશું? રેડ રોડ ચાલી નાખીએ. જેમ ડેલહાઉસી સ્ક્વૅરની દફતરી દુનિયા બપોરના ગરમ હોય છે, એમ રેડ રોડ સવારના. મેમસાહેબો ગાડીઓ શીખવા અહીં આવે છે : યૌગિક સાધનાઓ કરનારાઓ કિચનર અને આઉટ્રામમાં પેલાં ગનમેટલનાં ઘોડેસવાર બાવલાંઓની નીચેનાં પગથિયાંઓ પર શીર્ષાસન કરે છે; શેઠલોકો ધ્રૂજતાં છાપાં ખોલી શૅરબજારના ભાવ વાંચે છે; એક જાડો ટ્રક-ડ્રાઇવર લોડ કરેલી ટ્રક રોકીને મેદાન તરફની રેલિંગ પાસે જતો હોય એવું મોઢું કરીને ટ્રકની બીજી તરફ પેશાબ કરવા બેસી જાય છે…
હું વિવિધતા માટે અહીં આવતો નથી. પહેલાં શૉર્ટ્સ પહેરીને હૉકી રમવા આવતી એક ઍંગ્લો-ઇન્ડિયન છોકરી મને રોજ અહીં મળતી, પણ મને હજી એનો ચહેરો યાદ નથી. તમારો ચહેરો મને યાદ છે, કારણ કે એ છોકરીના ચહેરા કરતાં વધુ રસિક છે. માણસોના ચહેરાઓમાં જ આટલી બધી વિવિધતા શા માટે છે? મને બધા વાઘ હંમેશાં એક જેવા જ લાગ્યા છે – ચિત્રોના, સરકસના, ઝૂના. નારંગીઓ પણ બધી એક જેવી જ લાગે છે. બાળકોના ચહેરા પણ. મને લાગે છે કે ચહેરાઓના ફેરફાર વિચારો પર નિર્ભર હશે. માણસો મોટા થતા જાય છે, તેમ તેમ ચહેરા બદલાતા જાય છે, ખરું? વાઘ, નારંગી, ગુલાબનાં ખીલેલાં ફૂલો, એ બધાં વિચાર કરી શકતાં નથી, એટલે એમનામાં ફેરફાર થતો નથી. તમે શું ધારો છો?
ના, હું માનસશાસ્ત્રનો પ્રોફેસર નથી; કલાકાર પણ નથી. કલાકાર એટલે? જે સૌંદર્ય જોઈ શકે એ. જુઓ, મને સૌંદર્યમાં હંમેશાં ક્રૂરતા દેખાઈ છે. કોઈ છોકરીનું નાક જરાક ઓછું લાંબું એટલે એ બૂચી બની જાય, બદસૂરત ગણાય. એને જુઓ એટલે તમને પ્રેરણા ન સૂઝે. આ બધું ક્રૂર નથી? પણ મને ક્રૂરતા સામે ખાસ વાંધો નથી…
મને ઘણી વસ્તુઓ સામે વાંધો નથી. અચ્છા, તમને કંટાળો નથી આવતો મારાથી? કંટાળો એટલે નમ્ર વિરોધ. નમ્ર કે પછી નપુંસક વિરોધ કે પછી સભ્ય વિરોધ? એ બધું એક જ છે અને જુદું જુદું પણ છે. હવે બીજી વાત : કંટાળો એ સ્વાસ્થ્યની નિશાની છે કે અસ્વાસ્થ્યની? બુદ્ધિની કે અબુદ્ધિની? એ વસ્તુથી તમને ફાયદો છે કે નુકસાન? એ શા માટે આવે છે? શા માટે નથી આવતો? એની જરૂર? આપણી ‘નર્વસ સિસ્ટમ’ સાથે એને સંબંધ? પાળેલાં જાનવરોને તે આવે છે? જંગલી જાનવરોને? બાળકોને?
તમે કંટાળ્યા નથી? સરસ. હું પોતે કંટાળાને હજી સમજ્યો નથી અને મને પોતાને એના વિશેની કોઈ વૈજ્ઞાનિક સ્પષ્ટતા મળી નથી, પણ એ વસ્તુ છે મજાની – ધ્યાન ખેંચે એવી, રસિક, દિલચસ્પ, પણ બીજાને આવે ત્યારે જ, હોં.
બે દિવસ વરસાદ જેવું છે. મને લાગે છે કે ક્યાંક પડ્યો છે જરૂર; અથવા પડશે. આ મોસમમાં તો વરસાદ પડતો નથી. બેમોસમી વરસાદની મજા ઓર છે. બીજાઓને તો કંટાળો આવે છે, મને…
જુઓ, મારે એક દોસ્ત હતો. હૉસ્ટેલમાં અમે સાથે રહેતા. રોજ સવારે ઊઠીને હું એને રાત્રે આવેલાં સ્વપ્નો કહેતો.
ખરાબ વધારે. તમને સ્વપ્નો નથી આવતાં? ખરેખર? માનસશાસ્ત્ર માને છે કે પાગલ માણસને જ ઊંઘમાં સ્વપ્નો આવતાં નથી. તમે ગભરાઈ ગયા? ખેર, પણ પાગલોને સ્વપ્નો નથી આવતાં એ ખરું છે. કદાચ એ લોકો જાગતાં જાગતાં જ સ્વપ્નો જોતા હોય છે. હા… હા…
ખરાબ સ્વપ્નો માનસિક સ્વાસ્થ્ય માટે બહુ જરૂરી છે. ખરાબ એટલે તમને ડર લાગે, મરી જવાનો, ડૂબી કે બળી જવાનો ભય લાગે, કોઈ સ્વજનનો તરફડાટ જોયા કરો, ગંદકીમાં ફસાઈ ગયા હો એવાં અથવા તમને જાગ્યા પછી શરમ આવે એવાં સેક્સનાં. શરમાશો નહીં, એ ‘પ્રોસેસ’ છે. લગભગ દરેકને એવાં સ્વપ્નો આવી જાય છે. ‘રિફ્લેક્સ’ ‘કૉમ્પ્લેક્સ’… એ બધી દુનિયા એવી જ છે.
હા, આપણે શાની વાત કરતા હતા? ખરાબ સ્વપ્નોની. બરાબર, મારા દોસ્તને પણ સ્વપ્નો આવતાં ન હતાં અને હું એની મજાક કરતો કે તું પાગલ થઈ જવાનો છે અને તમે માનશો નહીં, પણ એ ખરેખર પાગલ થઈ ગયો.
પછી એક વાર હું એને પાગલખાનામાં મળવા ગયો. એ મારામારી કરતો નહીં. મેં ખાસ રજા મેળવીને એની મુલાકાત કરી અને મળીને દુઃખી થઈ ગયો. બહાર સુપરિન્ટેન્ડેન્ટે મને કહ્યું કે તમારો દોસ્ત ‘નૉર્મલ’ બની રહ્યો છે, પણ હજી વચ્ચે વચ્ચે સમતોલપણું ખોઈ નાખે છે. મેં પૂછ્યું, ‘શી રીતે?’ એણે જવાબ આપ્યો કે ‘એક દિવસ સાંજે કપડાં કાઢીનો નાગો થઈને આ બારીમાંથી જોઈ રહ્યો હતો. એને પૂછ્યું કે કપડાં શા માટે કાઢી નાખ્યાં છે? ત્યારે એણે જવાબ આપ્યો કે હું ભગવાનની બનાવેલી દુનિયા જોઈ રહ્યો છું. પક્ષીઓ, ઝાડ, ગાયો, ઘાસ, આકાશ, પથ્થરો, બધાં નાગાં છે અને મેં કપડાં પહેરેલાં છે. મારે બધાંની જેમ ‘નૉર્મલ’ બનવું છે. ‘સુપરિન્ટેન્ડેન્ટની સાથે મારે પણ હસવું પડ્યું. દુનિયામાં હસવું પડે છે. હસવાનું પણ સહન કરી લેવું પડે છે. શું થાય?
તમે થાકી ગયા લાગો છો. અચ્છા, આવો, આ પાળ પર બેસી જઈએ. ટ્રામસ્ટૉપ દૂર છે; અને પાળ તો ભીની હશે. પણ પેલા જાડા માણસો હમણાં જ ઊઠ્યા છે, એ જગ્યા ગરમ હશે. બેસો. તમને મારી વાતોમાં મજા આવવા માંડી છે એ નવું કહેવાય. એ વસ્તુ ખતરનાક છે.
સ્વાભાવિક રીતે તો હું કોઈ સાથે વાતો કરી શકતો નથી. સાંભળનાર માણસ થોડી વાત સાંભળીને જ ચાલતી પકડે છે. એની અસર એવી થઈ ગઈ છે કે હું સ્પષ્ટ, કડીબંધ વાતો કરી શકતો નથી. વાતો કરતાં આવડવું એ મોટી કળા છે અને સાંભળતાં આવડવું એ તો ઈશ્વરી બક્ષિસ લાગી છે. મને લાગે છે આપણે પાછા કંટાળાના મુદ્દા પર આવી રહ્યા છીએ, નહીં? અચ્છા જવા દો.
હું થોડું ભણ્યો છું. થોડું એટલે ઘણું. બધું શરૂ કરીકરીને છોડી દીધું. સાત વર્ષ ભણ્યો અને એક પણ ડિગ્રી મળી નથી. જ્ઞાન તો અપૂર્ણ જ છે ને? અને જ્ઞાનનું કામ શું? માણસની અપૂર્ણતા બતાવવાનું. મને મારી અપૂર્ણતાનો ખ્યાલ આવી ગયો, એટલે મેં ભણવાનું છોડી દીધું. પછી રખડવાનું શરૂ કર્યું. બ્રહ્મચર્યાશ્રમ અને ગૃહસ્થાશ્રમની વચ્ચે એક આશ્રમની જરૂર હતી એમ મને હંમેશાં લાગ્યા કર્યું છે. એમાં રખડવાનું આવી જાય; સ્ત્રીઓ તરફનું જામતું આકર્ષણ આવી જાય. ખેર, હું બહુ રખડ્યો. બહુ એટલે થોડું. તમે મારી સામે આ રીતે કેમ તાકી રહ્યા છો? મારામાં કંઈ વિચિત્રતા લાગે છે તમને? બહુ એટલે થોડું જ ને? આવડી મોટી દુનિયામાં, અને આઇન્સ્ટાઇને ‘સમય’નું પરિણામ ઉમેર્યા પછી હું જેને ‘બહુ’ ગણું છું એ કેટલું અલ્પ છે? લાઇટ ઇયરોની ગણતરીમાં મારાં થોડાં વર્ષોની શી ગણતરી?
હું થોડું રખડ્યો અને થાકી ગયો, બુદ્ધિ વાપરીને. થાકને અને બુદ્ધિને શો સંબંધ? ફ્લાવરવાઝના પાણીને અને એમાં રાખેલાં ફૂલોની ખુશબોને છે એવો સંબંધ. આ મારી દૃષ્ટિ છે. દુનિયામાં બધું વ્યક્તિગત છે અને બધું ‘રિલેટિવ’ (સાપેક્ષ) છે. આઇન્સ્ટાઇને મજાનું કામ તો કર્યું છે કે એણે રિલેટિવ શબ્દને બરાબર સમજાવ્યો પણ વિજ્ઞાનના માધ્યમમાં. હું રિલેટિવ શબ્દ માનસશાસ્ત્રના માધ્યમમાં વાપરું છું.
આ ‘રિલેટિવ’ તમને સમજાવું? બહુ વાર નહીં લાગે. તમે એક દૃષ્ટાંત લો : કાળી છોકરી. લિયોનાર્દો દ’ વિન્ચી કે બોટિચેલીથી માંડીને રિવેરા કે મીરો સુધી બધા ચિત્રકારોમાં કાળી છોકરીઓ શોધવા માંડો. ક્યાંક કાળી હશે. ક્યાંક બ્લૂ, ક્યાંક લાલ… ક્યાંક છોકરી હશે, ક્યાંક નહીં હોય. ક્યાંક ખાલી લીટા, ટુકડા, ડાઘા, ટપકાં… રંગવાળાં, રંગ વિનાનાં, તમને કાળી છોકરી શોધવા છતાં નહીં મળે. કલાકારે જોઈને જે અસર મેળવી એ તમારે જોવાની. જેવી કલાકારની દૃષ્ટિ. એને અસર થઈ હોય, ઓછી થઈ હોય, ન થઈ હોય – સૌ સૌની વ્યક્તિગત અને ‘રિલેટિવ’ નજર. મૉડલ એક જ છે, દૃષ્ટિ ફક્ત ‘રિલેટિવ’. દૃષ્ટિઓ ‘રિલેટિવ’ બની જાય છે, કારણ કે ધ્યેય એક જ છે.
મેં તમને કહ્યું કે નહીં કે મને કડીબંધ વાતો કરતાં નથી આવડતી? આ અને થોડું અને ઓછું – બે બધું રિલેટિવ છે. અંતર, પૈસા, સૌંદર્ય — બધું જ રિલેટિવ, માણસને ઉલ્લુ બનાવવા માટે. રોજર બેનિસ્ટર જેવા માટે એક માઇલ ચાર મિનિટની અંદર અને કોઈ બીમાર, બૂઢા માટે અરધો કલાક. એક રૂપિયો એટલે? મારા જેવા બેકાર માટે ત્રણસો નયા પૈસા, તમારે માટે પચાસ અને ફોજગાડી ફેરવનાર માટે દસ નયા પૈસા! તમે જ કહો, આ સો નયા પૈસાની કલ્પના ઉલ્લુ બનાવવા માટે જ કરી છે ને? રિક્ષાવાળાને તો હજાર નયા પૈસાથી પણ એક રૂપિયા બનતો નથી. એક વર્ષ એટલે ત્રણસો પાંસઠ દિવસ નહીં; એક કલાક એટલે સાઠ મિનિટો નહીં; સૂર્ય, ચંદ્ર, ગ્રહો અને કરોડો તારાઓ પર વર્ષ અને કલાકની જુદી જુદી વ્યાખ્યાઓ છે. અરે, સૌંદર્ય જેવી સાદીસીધી વાતને જ લો ને! યુરોપમાં કાળા વાળ અને અહીં સોનેરી. અમેરિકામાં લાંબા પગ, ચીનમાં સાથળ, જાપાનમાં ગરદન, લૅટિન પ્રજાઓમાં છાતી, આપણે ત્યાં આંખો… સ્ત્રીના સૌંદર્ય વિશે પણ કેવા જુદા જુદા ખ્યાલો છે! સૌંદર્ય, મર્યાદા, નૈતિક ધોરણો — બધું રિલેટિવ દૃષ્ટિએ જ જોઈ શકાય. હું તો એટલે સુધી કહું છું કે માણસ ડાહ્યો છે કે ગાંડો એ પણ ચોક્કસ કેમ કહી શકાય? એને પણ રિલેટિવ…
તમે હસી શકો છો એ સારું છે. પણ હસવા જેવી નિર્દોષ વસ્તુમાં પણ ગેરફાયદો હોઈ શકે. ફૅશનની દુનિયાના તજ્જ્ઞો કહે છે કે બહુ હસવાથી આંખોની કિનારીઓ પાસે અને ગાલ પાસે કરચલીઓ પડે છે અને એથી ચહેરાની સ્વચ્છતા ઓછી થઈ જાય છે, ચહેરો સુંવાળો રહેતો નથી. બુઢાપો આવી જાય છે. તમે શું માનો છો?
હવે હું મારી મૂળ વાત પર આવું. હું સીધો ચાલતો નથી, ખરું? એનું એક કારણ છે. હું એકસાથે ત્રણ-ચાર જાતના વિચારો કરી શકું છું. હું શતાવધાની નથી. સો તો શું એક ટાઇમે એક કામ પણ કરી શકતો નથી. જુઓ ને, મારી વાત પણ મને કહેતાં આવડતું નથી! પણ જાતજાતના વિચારો એકસાથે કરતાં તકલીફ પડતી નથી. તમે પ્રયત્ન કરજો, થાકી જશો, તમને થયા કરશે કે આ થઈ જ કેમ શકે? તો જુઓ, એને માટે તમને એક રસ્તો બતાવું. પહેલાં તમે સીધા બેસો, ચૂપચાપ; પછી મગજમાંથી બધું ખંખેરી નાખો એટલે કે, બધા વિચારો કાઢી નાખો. એને યોગ ગણો, ‘ઝેન બુદ્ધિઝમ’ ગણો, ગમે તે ગણો; પણ મૂળ ધ્યેય છે. ધ્યેય નહીં રાખવાનું. કોઈ પણ વસ્તુનો વિચાર જ નહીં કરવાનો. મગજમાં શૂન્યતા લાવી દેવાની. પણ જાગતા રહેવાનું. બધું જોવાનું, સૂંઘવાનું, અનુભવવાનું, સહન કરવાનું, પણ વિચાર નહીં કરવાનો. એ વસ્તુ કેટલી મોટી છે? – વિચાર જ નહીં કરવાનો! એ તો શરીરના લોહીના પ્રવાહને સ્થગિત કરી દેવા જેવું મુશ્કેલ છે; પણ કરવા જેવું ખરું. તમે પ્રયત્ન કરજો.
અચ્છા, હું ભણ્યો; પછી રખડ્યો; અને પરણ્યો નહીં. પરણ્યો નહીં એટલે? મારી સગાઈ તો બધાએ મળીને કરી આપેલી, એક ખૂબ ગોરી છોકરી સાથે. રેસના ઘોડા ખરીદવા નીકળ્યા હોઈએ કે કોઈ કંપની ‘કૉર્નર’ કરવી હોય ત્યારે રાખીએ એવી તકેદારી છોકરી પસંદ કરવામાં ન વાપરવી જોઈએ. કંપનીને આત્મા નથી હોતો, અને ઘોડાને અક્કલ નથી હોતી. છોકરીને આત્મા અને અક્કલ બન્ને હોય છે. પણ મારી સાથે જે છોકરીની સગાઈ કરી એને આત્મા હતો, અક્કલ ન હતી.
મને એક જ વાર લાગ્યું કે એને અક્કલનો જરા ચમકારો આવી ગયેલો. એ સગાઈ ત્રણ વર્ષ ચાલ્યા પછી એણે મને કહ્યું કે મારે તમારી સાથે લગ્ન કરવું નથી. પછી હું પરણ્યો નહીં અને મારી સ્થિતિ ખાધું, પીધું અને રાજ કર્યું જેવી થઈ ગઈ.
તમે સિગારેટ પીઓ છો? હું પીઉં છું. હું એક જલાવી લઉં, વાંધો ન હોય તો. શાનો હોય તમને? કરોડો માણસો પીએ છે. એક માણસ વધારે પી નાખવાથી દુનિયાને કે તમને કંઈ જ અસર પહોંચવાની નથી. હાઇડ્રોજન બૉમ્બનો ધુમાડો સહન થઈ જાય છે, પણ સિગારેટનો ધુમાડો હજી સહન થતો નથી. હા… હા…
આજે વરસાદ જેવું છે, પણ પડશે નહીં એમ તમે કહો છો? હું કહું છું કે પડશે. મેદાનમાં પેલાં બાળકો રમે છે એ તમે જુઓ છો? એ બધાં ખૂબ કલ્લોલ કરી રહ્યાં છે. એ બધાં હસી રહ્યાં છે એટલે જ વરસાદ પડશે. બાળકોને વરસાદ બહુ ગમે છે.
તમે વરસાદમાં પણ ફરવા આવો છો? મે મહિનામાં? તમે પણ ખરા છો. તમે શા માટે ફરવા આવો છો. તબિયત સુધારવા. જેમ ખરાબ આદતોથી તબિયત બગડે છે, એમ સારી આદતોથી સુધરે છે. પણ આદતો પાડવી શરીર માટે સારી નથી. ફરવા માટે વહેલા ઊઠવાની આદત પાડવી પડે છે. હું કોઈ પણ ઘરેડમાં પડી જવામાં માનતો નથી.
પણ હું ફરવા બે વર્ષથી નિયમિત આવું છું અને કોઈ સાથે વાત કરતો નથી. ફરીને ચાલ્યો જાઉં છું. આનંદ, દુઃખ, કંટાળો — કંઈ જ થતું નથી. કંટાળો એ આનંદ અને દુઃખની વચ્ચેની માનસિક સ્થિતિ છે — મગજની ‘નૉર્મલ ટૅમ્પરેચર’.
આજે ઘણું મોડું થઈ ગયું તમને. ચા પીવાની બાકી હશે. ઘરે જ જશો ખરું? છાપું વાંચી લીધું? મને તો ગઈ કાલ સાંજના અને આજ સવારના છાપામાં ખાસ ફરક લાગતો નથી. ચાલો હવે, આપણે વાતો બંધ કરીએ. તમારો અને મારો પાછા ફરવાનો રસ્તો જુદો છે. હું તો રોજ આવું છું. આજે ખરી મજા આવી, મારા મિજાજના માણસને મળીને. પણ એક વાત કહી દઉં છૂટાં પડતાં પડતાં. મેં તમને એક વાત ખોટી કરી દીધી. જૂઠું બોલ્યો. તમને મારા દોસ્તના પાગલ થઈ જવા વિશે મેં જે કહ્યું ને, એ ખોટું હતું. એ મારી જ વાત હતી અને એટલે જ મારી સાથે સગાઈ થઈ ગયેલી પેલી ગોરી છોકરીએ ના પાડી દીધેલી… હા… હા… હા…
બસ, એકદમ ઊભા થઈ ગયા? પણ સાંભળો તો ખરા, કાલે હું તમારી અહીં જ રાહ જોઈશ…
તમે આવશો?