zoom in zoom out toggle zoom 

< કંકાવટી મંડળ 1

કંકાવટી મંડળ 1/કાંઠા ગોર્ય

From Ekatra Wiki
Revision as of 12:54, 9 June 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કાંઠા ગોર્ય


[નદીને તીરે ગૌરીની માટીની પ્રતિમા બનાવીને સૌરાષ્ટ્રણો પૂજન કરે છે. વાર્તાશૈલીમાં નવી ભાત પાડતી આ વાક્યરચના છે.]

સાસુ–વહુ હતાં. દેરાણી-જેઠાણી હતાં.

પુરુષોત્તમ માસ આવ્યો છે. ગંગા–જમના નદી કહાવે છે. આખું ગામ ના’ઈને કાંઠા ગોર્ય પૂજે છે.

સાસુ અને નાની વહુ તો ના’વા જાય છે. મોટી વહુ તો આવતી નથી.

‘ભાભીજી, ભાભીજી, હાલો ના’વા જાશું?’

‘ના રે બાઈ!
મારે ઘેરે કામ છે.
મારે ઘેર કાજ છે.
ઈ તો રાંડ કૂડીનું કામ.
નવરી નિશાણીનું કામ
બાળી ભોળીનું કામ.
મારે ધણી દરબારમાંથી આવે
દીકરો નિશાળેથી આવે
દીકરી સાસરેથી આવે
વહુ પીરથી આવે
ગા’ ગોંદરેથી આવે
ભેંસ સીમમાંથી આવે!

મારે તો ઘૂમતું વલોણું ને ઝૂલતું પારણું : કપાળમાં ટીકો ને કાખમાં કીકો : મારે વાડ્યે વછેરા ને પરોળે પાડા : હું તો નવરી નથી, બાઈ, તું જા.’

દેરાણી સાહેલીઓને લઈ, ગાતી ગાતી ના’વા ગઈ છે.

એને તો ઝૂલતાં પારણાં બંધાઈ ગયાં છે. ઘૂમતું વલોણું ફરી રહ્યું છે. લાલ ટીલી થઈ રહી છે. હાથમાં ગગો રમી રહ્યો છે.

ભાભીજી તો છબછબ ના’યાં, ધબધબ ધોયાં.

‘કાં ભાભીજી, હાલ્યાં જાવ?
ગોર્યની પૂજા કરતાં જાવ.’

‘હું તો બાઈ, નવરી નથી.’ એમ કહી, ગોર્યમાને પાટુ દઈને કેડ ભાંગે : એમ રોજરોજ પાટુ મારે.

જ્યાં ઘેરે આવે ત્યાં તો,

ભાયડો દરબારમાં રિયો છે,
દીકરો દુકાને રિયો છે,
વહુ પી’ર રહી છે,
દીકરી સાસરે રહી છે,
ગા ગોંદરે રહી છે,
ભેંસ સીમમાં રહી છે,
ઘૂમતું વલોણું મટી ગ્યું,
ઝૂલતું પારણું મટી ગ્યું,
લાલ ટીલી મટી ગઈ,
કાખમાં ગગો મટી ગ્યો,
વાડ્યે વછેરા મટી ગ્યા,
પરોળે પાડા મટી ગ્યા,
ગોર્ય માના શરાપ લાગ્યા.

‘બાઈ બાઈ બેન, હવે હું શું શું કરું?’

‘હવે ધૂપ લાવ્ય, દીપ લાવ્ય
અબીલ લાવ્ય, ગુલાલ લાવ્ય,
નિવેદ લાવ્ય, ફૂલ લાવ્ય.
ચાલ્ય, આપણે ગોર્ય માની પૂજા કરીએ.
ચાલ્ય, આપણે ગોર્ય માને મનાવીએ.’

એણે તો છાબડીમાં ફૂલ લીધાં છે. થાળમાં કંકુ લીધાં છે. સાત શ્રીફળ લીધાં છે. સાત સાહેલી ભેગી કરી છે. ગાતી ગાતી ગોર્યમાને પૂજવા જાય છે. સાસુને તો સાથે લીધાં છે.

સાસુ પૂજે તો ગોર્ય મા સવળાં થાય,
ને વહુ પૂજે તો ગોર્ય મા અવળાં થાય.
‘માતાજી; મારો અપરાધ માફ કરો.
છોરુ કછોરુ થાય, માવતર કમાવતર થાય નહિ.
મોભનાં પાણી નેવે ઊતરે, નેવાંનાં મોભે ચડે નહિ.’

ગોર્ય તો સામું જોઈને બેઠાં છે. બાઈએ તો પૂજા કરી છે. ગાજતે વાજતે ઘરે આવ્યાં છે. ત્યાં તો —

ધણી દરબારમાંથી આવ્યો છે,
દીકરો નિશાળેથી આવ્યો છે,
દીકરી સાસરેથી આવી છે,
વહુ પી’રથી આવી છે.
ગા ગોંદરેથી આવી છે.
ભેંસ સીમાડેથી આવી છે.
ઘૂમતું વલોણું થઈ રિયું છે,
ઝૂલતું પારણું થઈ રિયું છે,
લાલ ટીલી થઈ રહી છે.
કાખમાં ગગો થઈ રયો છે.
વાડે વછેરા થઈ રયા છે,
પરોળે પાઠા થઈ રયા છે,
હે માતાજી! સત તમારાં,
ને વ્રત અમારાં.