ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રઘુવીર ચૌધરી/ચિતા

From Ekatra Wiki
Revision as of 08:09, 21 June 2021 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search

ચિતા


દેવતા પર રાખ વળી છે. રાખનું ઉપરનું પડ ઠંડું થઈ જાય એવી જલદ ઠંડીથી મધ્યરાત્રિ ઠૂંઠવાઈ ગઈ છે. ઢીંચણ પર માથું ટેકવીને જીવણ બેસી રહ્યો છે. ચીબડીના અવાજ વડે ખેતરનો આથમણો ખૂણો જીવનનાં પોપચાં ફંફોસવા લાગ્યો. એણે કૌતુકશૂન્ય દૃષ્ટિથી આથમણી બાજુ જોયું અને ઠરી રહેલી આગને છેક હોલવાતી અટકાવવા વિચાર્યું. એણે એક લાંબી ફૂંક મારી અને તણખા ઊડ્યા. તણખા ઊડે છે ત્યારે જીવણ વિચારમાં પડી જાય છે…

આજે એક યુવાન સ્ત્રી મૃત્યુ પામેલી. સ્મશાન હમણાં સુધી સળગતું હતું. અડધા કલાક પહેલાં જીવણ ફરીથી જોઈ આવ્યો છે. બધાં લાકડાં સળગી ચૂક્યાં હતાં. કશુંય ઠીક કરવાની જરૂર રહી ન હતી. સળંગ લાકડામાંથી અંગારા છૂટા પડી રહ્યા હતા. અંગારાઓ વચ્ચેનો અવકાશ સળગતો હતો. સ્મશાન હૂંફાળું હતું. પણ હવે ધીમે ધીમે રાખ વળશે. સવારે તો ફક્ત નીચેની ધરતી ગરમ હશે. કેટલાક મજબૂત બાંધાવાળા અંગારા કોલસાનું રૂપાંતર પામીને બચી શકશે. તેમની વચ્ચે થોડા અસ્થિ-અવશેષ ઢંકાયા હશે, ક્યાંક બહાર પણ દેખાય. બેત્રણ દિવસ સુધી જીવણની નજર અનાયાસે પેલી ફેલાઈ ગયેલી રાખ અને પછી એમાંથી બતાવવામાં આવેલી ઢગલી તરફ જશે. પછીથી એ ઢગલી ચારે તરફ ફેલાઈ જશે, અને આગળના માણસોથી અલગ તારવી શકાય એવી કોઈ પણ નિશાની છેલ્લે મરનારની રહેશે નહીં. અનેકોના અવિભક્ત અવશેષો સાથે એ પણ ભળી જશે. જીવણ આ બધું જોતો રહેશે અને વિચાર કરશે.

જીવણનું ખેતર મોટું છે. સ્મશાનથી તો ઘણું મોટું. સ્મશાન તો હશે માંડ વીસ વીઘાં. તેમાંય ઓતરાદી દિશાએ તો બાવળની ગીચ ઝાડી છે, ઊગમણી બાજુ ખાડા છે અને દક્ષિણ તરફ જીવણનું ખેતર. સ્મશાનનો આ દક્ષિણ છેડો જીવણના ખેતરને વચ્ચેથી છેદે છે, એક મોટા લંબચોરસને ત્રિકોણ છેદે તેમ. આ જગાએ ખેતરમાં પ્રવેશવાનું છીંડું છે. બે ગામને જોડતો ધોરીમાર્ગ સ્મશાન વચ્ચે થઈને પસાર થાય છે. તેથી ખેતરમાં આવતી વેળા જીવણ અડધું સ્મશાન વટાવતો હોય છે. કોઈ કોઈ વાર છીંડામાં પગ મૂકતાં પહેલાં એ ઊભો રહી જાય છે. પીઠ ફેરવ્યા વિના જ એ પાછળ નજર કરે છે. એની નજર સ્મશાનને ઓળંગીને સામે છેડે ઊતરવા મથે છે. એક મોડી રાતે સ્વપ્નમાં એણે જોયું હતું કે એ છેડે પીપળા અને જાંબુડાઓથી ગૂંથાઈ ગયેલી ઝાડી છે. એ ઝાડ હાલતાં નથી. હવા જરઠ થડ પાસે થઈને પસાર થતી હોય છે, અને વચ્ચેના છીંડાં ખાડિયામાં ગોળ ગોળ ફર્યા કરે છે. એ ખાડિયાના આથમણા કાંઠે હતો એ પીંપળાના અડધેથી કાપી નાખેલા થડનાં મૂળિયાં ખાડિયાની વચ્ચે ખુલ્લાં ફેલાયેલાં છે. તેમની ઉપર એક છત વગરની ઝૂંપડી છે. એમાં એકલાઅટૂલા બાળકને જીવણે જોયું. સોનેરી બાબરી એની આંખો પર ઢંકાયેલી હતી અને ગાલ પર એકધારાં વહી ગયેલાં આંસુના સુકાઈ ગયેલા રેલા જણાતા હતા. એ બાળક જમણા હાથની ટચલી આંગળી પકડીને બેઠું હતું. એ ઊંચે જોતું જ ન હતું. જીવણ શું કરે? બૂમ પાડીને એને બોલાવવા મન થયું પણ જીવ ચાલ્યો જ નહીં… આ સ્વપ્ન હતું છતાં એમાં જોયેલા સ્થળને એની નજર શોધતી. આખરે એ મન મનાવી લેતો અને ખેતરમાં પગ મૂકતો.

એનું ખેતર આગળ જોયું તેમ ઘણું મોટું છે. ખેતીની આવક સારી છે. પણ એ બાબતનો ખ્યાલ એનાં કપડાંલત્તાં અને રેઢિયાળ રહેણીકરણી જોઈને ન આવે. કેટલીક જમીન અવાવરું પડી રહે છે તે જોઈને પણ ન આવે. છતાં એ હકીકત છે કે એની ખેતીની પેદાશ ઘણી સારી છે.

જીવણની દીકરીનું નામ રઈ. પાંચ વરસની અને બહુ રૂપાળી છે. હેતીની યાદ આવે તેટલી રૂપાળી છે. લગ્ન થયે સાત વરસ થયાં. પાંચ વરસની જીવણ જાતે રોટલા કરે છે. હજુ તો રઈ ક્યારે મોટી થશે અને ભાર ઉપાડી લેશે? અને મોટી થયેલી રઈ બાપને ઘેર કેટલું રહેશે? આ બધા વિચાર જીવણને નથી આવતા, લોકો વાતો કરે છે.

ગામલોકો કહે છે કે જીવણનું ભમી ગયું છે; કારણ કે એ વેરણ-છેરણ જીવે છે. જીવે તો શું, પણ એવો રહે છે. બહારથી દેખાતું જોઈને એક પછી એક ઘણા લોકો એ વાત સ્વીકારવા લાગ્યા છે. ક્યાં આજનો કંગાલ જીવણ અને ક્યાં ચાર-પાંચ વરસ પહેલાંનો ત્રાંબાની ચકચકિત મૂર્તિ જેવો જીવણ! થોડા માણસ વળી આ ભેદ પામી ગયા છે અને એનું ભમી ગયું છે એવું કહેનારાંનો વિરોધ કરતા નથી. જીવણ પોતે પણ આ વાતનો વિરોધ કરતો નથી. કેમ કે એ જાણે છે કે પોતાનું શું થયું છે.

ગયા ઉનાળામાં ઘણા વખત પછી ગામલોકોને જીવણનો ભારે ખખડતો, બુલંદ અવાજ સાંભળવા મળ્યો. અલબત્ત, એ અવાજ ક્યાંક ક્યાંકથી બોદાઈ ગયેલો હતો. એમાં પરિચય હતો. નક્કરતા ન હતી. એ કારણે એનો અવાજ બુલંદ છે એમ કહેવું અતિશયોક્તિભર્યું લાગે છે. પણ સરવાળે તો એટલું જ કહેવું છે કે પહેલાં જે અવાજ બુલંદ હતો તે જ આ અવાજ છે એ બાબત સ્પષ્ટ થવી જોઈએ. રાસ રમતાં ગરબીનો અંતરો ઉપાડતાં જે અવાજ સઘળા ચોગાન અને મંદિરના શિખર સુધી છવાઈ જતો તે અવાજ સાવ ધૂળધાણી તો ક્યાંથી થઈ જાય? તેથી જ તો સહુ આ અવાજ સાંભળીને ડઘાઈ ગયેલા. આખા ગામને ઊંચુંનીચું કરતા પંચાતિયા આજે મીઠી સલાહ આપવા આવ્યા હતા ત્યારે પણ એના સામું જોઈ શક્યા ન હતા. એણે બધાને સંભળાવી. કેવી વાત લઈને આવ્યા છે? શું સમજે છે બધા મને? નીચું મોં કરીને બધા ચાલ્યા ગયા. જીવણ ઉંબરા પર એકલો ઊભો રહ્યો. પોતના ઘેરથી કોઈને ચાલ્યા જવાનું કહેવાનો પ્રસંગ એના જીવનમાં આ પહેલવહેલો હતો. પહેલાં તો એનું ઘર આગતાસ્વાગતા માટે જાણીતું હતં.

…એ તાપણી પાસેથી ઊભો થયો. ગમાણમાંથી ઓંગાઠ લેવા ચાલ્યો. ઊંડોળ ભરીને ઉપાડી લાવ્યો. તાપણી ભભૂકી ઊઠી. આગની શિખા એની આંખની ભ્રમરની ઊંચાઈ સુધી પહોંચતી હતી. પણ ભડકાઓમાં તાપ જ કેમ નથી? એને લાગ્યું કે કદાચ હિમ પડશે. થોડીક વાર હાથ તાપણીથી દૂર રહી જાય કે એને લાગતું હતું કે આંગણીઓનાં ટેરવાં બળ છે. આ હિમ પડવાની નિશાની છે.

પછી ઊંઘવા માટે રાત રહેશે નહીં. તેથી એ આળસ છોડીને ઊભો થયો. સૂવા ચાલ્યો. બળદોએ એને જોઈને ઘૂઘરા ખખડાવ્યા. જુવારના બે પૂળા ભાંગીને ગમાણમાં નાખ્યા અને એ છાપરી પર ચડી ગયો. પછેડીની સોડ લીધી અને ગોદડી ઓઢી. આજે તમાકુ થઈ રહી હતી એટલે એણે ચલમ પીવાની ઇચ્છા અટકાવી.

એણે એક વાર મોં ખોલીને જોયું. ચંદ્ર આથમી રહ્યો છે. આજે પોષ સુદિ અગિયારસ. તે હતી પોષ સુદિ બારસ.

ઊંઘ ન આવવાથી એ પડખાં બદલતો રહ્યો. એને લાગ્યું કે આજે ઊંઘ નહિ આવે. બેઠો થયો. પણ કરવું શું? કશું સૂઝ્યું નહીં તેથી સૂઈ ગયો. માથે ગૂંથમૂંથ ઓઢીને એણે ઊંઘવાનો પ્રયત્ન કર્યો.

થોડોક સમય ઝડપથી પસાર થઈ ગયો. હવે ધીમે ધીમે જીવણને પોતાના આખા શરીર પર ચકરાતો ભાર વરતાવા લાગ્યો. એણે પરિસ્થિતિ સમજવા પ્રયત્ન કર્યો. તેમાં નિષ્ફળ જવાથી વધુ અકળાયો. જમણા પડખે ચાંદીની ચૂડ ખખડવા લાગી. એના કાનનો પડદો ધ્રૂજવા લાગ્યો. ડાબા કાનને એક તીક્ષ્ણ અવાજ કોરવા લાગ્યો. થોડી વાર પછી એક ત્રીજો અવાજ ઉમેરાયો. એ ગળે પહેરેલાં ઘરેણાંનો હતો. ત્રણે અવાજ એક થઈ ગયા ત્યારે જીવણની છાતી પર એક હાથ આવીને રોકાયો. એ હાથ અાક્રમક નથી, ગળે પહેરવાના હાર જેવો આકર્ષક છે. સંકોચને લીધે તો એ જડ નહીં થઈ ગયો હોય ને? એવું સમજીને એણે કુશળતાપૂર્વક એ હાથ દાબી દીધો. પડખે ફરીને એણે પેલી હાથને અનુસરવા માગતી કાયાને કાબૂમાં લઈ લીધી. છાપરી ભારે થઈ નહીં. રહસ્ય ખૂલી ગયું. બીજા હાથમાં દાતરડું હતું તે જોઈને તો કશો અંદેશો રહ્યો નહીં. જીવણે દાતરડું પડાવી લઈને જોરથી ફેંકી દીધું. એ ઊંચે જઈને નજીકમાં નીચે પડ્યું. ભીની જમીનમાં એની ચાંચ ખૂંપી ગઈ.

‘લોકોની વાત સાચી પડી.’

‘કઈ વાત?’

‘કે તું ભૂત થઈ છે?’

‘તમે એવું માનો છો ખરા? હું ભૂત થાઉં એવું બને?’

‘હા, જરૂર બને. માણસની વેદના આમ છાયા બનીને રઝળ્યા કરે!’

‘ના, ના. તમારો વહેમ છે. હું નથી થઈ. કશું નથી થઈ.’

‘જો, આમ બકાવ નહીં, તો જો, તને ભીંસમાં લઉં છું. હવે બોલ.’

‘ઓહ! તમે તો કસાઈ છો.’

‘કસાઈ? તું પણ એવું માને છે હેતી? આખું ગામ ભલે કહે પણ તુંય એવું કહેવાની? મને શી ખબર કે દાતરડાની સહજ ચાંચ વાગતાં તને ધનુર ધાવશે અને હું નિરાધાર થઈ જઈશ?’

‘દોષ તો મારો હતોપણ હવે શું થાય? રીસમાં ને રીસમાં મેં દૂધ અને ખાંડ પીધાં અને વાત છુપાવીને પડી રહી. તમારો દોષ નથી.’

‘પણ આખું ગામ મને હત્યારો કહે છે.’

‘ખોટી વાત…લોકો તો બધું ભૂલી ગયા હશે. કેટલાં વરસ થયાં!’

‘ના, ગઈ કાલે રઈ પૂછતી હતી.’

‘શું?’

‘કે મેં હેતીને મારી નાખી છે એમ લોકો કહે છે.’

‘તમે શું જવાબ દીધો?’

‘મેં કહ્યું સાચી વાત છે, બેટા, મેં જ તારી માને મારી નાખી છે.’

‘એવું ના બોલશો તમે. હાય રામ, હું હવે કેવી રીતે પાછી આવી શકું? હવે કેવી રીતે હતી તેવી થઈ આવીને રઈને તેડું?’ તમારા પગ દાબું? શું કરું, હવે હું શું કરું?’

હેતી બેઠી થઈ ગઈ અને જીવણના પગ પર માથું મૂકીને રડવા લાગી. ‘મારાથી ભૂલ થઈ ગઈ. મને માફ કરો. હવે બીજું લગ્ન કરો, દુઃખી ન થાઓ.’

‘એ શું બોલી? એ કદી ન બને.’

‘તમારું વચન લીધા વિના આજે હું જવાની નથી.’

‘ના, એ ન બને, કદી ન બને, કદી નહીં, કદી નહીં.’

પોતાનો અવાજ સાંભળીને જીવણ જાગી ગયો. દૂર રડતા એક શિયાળે પોતાનો અવાજ અડધેથી તોડી નાખ્યો. સ્મશાનની પેલી બાજુ કૂતરું ભસ્યું.

એ ઊભો થયો. પરોઢિયું થયું હતું. જીવણની આંખો ઘેરાઈ હતી. માથે ફાળિયું બાંધીને એ તાપણી પાસે ગયો. દેવતા સળગાવ્યો. સામેની અવાવરું જમીનની કાળાશ પડતી માટી અજવાળામાં ચમકવા લાગી. બીજો ભડકો કરે એટલામાં તો ત્યાં રજકો ઊગી આવ્યો. રજકાની ટોચો ઉપર પગ અડે ન અડે એ રીતે એક યુવતી ચાલવા લાગી. રજકાનાં નાનાં નાનાં સફેદ ફૂલ ઊંચાં થઈ થઈને ટોચ પરની કુમાશ વડે પેલા પગની હથેલીને સ્પર્શવા લાગ્યાં. પેલી યુવતી લોભાઈ ગઈ અને ખભે પાલવ સંકોરીને નીચે બેઠી. રજકો વાઢવા લાગી.

‘તને કોણે આ કામ કરવા કહ્યું?’

‘અમારી મરજી.’

‘ઊઠ ઊઠ હવે મરજીવાળી, ઊંધાં કામ જ કરવાની.’

‘જોયા છે મોટા સીધા.’

‘ઊઠ, નહીં તો ઘસડી જઈશ.’

‘જા, જા, બાયલા.’

… … …

અને હાથમાંથી છીનવાઈ ગયેલું દાતરડું ઊપડ્યું, અને ઓહ જાણે જીવણને પોતાના માથે જ ન વાગ્યું હોય! એણે આંખો દાબી દીધી. ફરીથી ઊંચે જોયું ત્યારે લોહીના બેત્રણ ડાઘા એની સામે જુદા જુદા આકાર ધારણ કરીને ગોળ ગોળ ફરવા લાગ્યા. એમની ગતિ વધવા લાગી. વર્તુળ દેખાવા લાગ્યું. વર્તુળ નાનું થઈ ગયું અને એમાં ચંદ્ર પુરાઈ ગયો. ચંદ્ર ઉપર એક ડાઘ ઊપસી આવ્યો.

પૂર્વ દિશામાં સુરખીભર્યું અજવાળું ફૂટ્યું. પેલું ચિત્ર ધૂંધળું પડતું ગયું. દૂર અને દૂર ખસતું ગયું અને આથમણે છેડે જઈને અલોપ થઈ ગયું. લાલ લાલ પ્રકાશ વધી ગયો અને સૂર્ય ઊગી આવે તેવી પરિસ્થિતિ સર્જાઈ.

જીવણે ઉકરડા પાસે જઈને એક છાણું સૂકું જોઈને હાથમાં લીધું. લાવીને તાપણામાં ભર્યું. છાપરા નીચે આડાઅવળા પડેલા જોડા પહેરીને ઘેર ચાલ્યો.

નેળિયા પાસેના ખેરતને શેઢે શેઢે એ ચાલતો હતો. ગામ નજીકના એક ખેતરમાં મહુડા નીચે તાપણું દેખાયું. ભરથરીના એક કુટુંબે પડાવ નાખ્યો હતો. બે છોકરા અને એમનો બાપ – બાપ જ હશે. નાના છોકરા પાસે સારંગી હતી. બાપ કદાચ શીખવતો હશે, એ રીતે ગાતો હતો –

         પે’લા પે’લા જુગમાં રાણી!…          અરે રે પોપટ રાય, રાજા રામના.          ઓતરા તે ખંડમાં આંબલો પાક્યો ત્યારે,          સૂડલે મારી મને ચાંચ… …          … … …

નાનો હતો ત્યારે ઘણી વાર જીવણ આ સાંભળી ચૂક્યો હતો. નિશાળમાં અંતકડી રમતાં કોક વાર એ ગીતની પંક્તિઓની એને મદદ મળી હશે. આજે પણ એણે થોડીક પંક્તિઓ સાંભળી. બાળપણ અને તે પછી પોષ સુદિ બારસ સુધી વીતેલો સમય એને યાદ આવ્યો. એના પગ વાસ સુધી પહોંચી ગયા હતા, આંગણે જઈને એ ઊભો રહ્યો.

જીવણનો અવાજ સાંભળીને રઈ જાગી ગઈ. કાકીના ઘેરથી પોતાને ઘેર આવી ગઈ. જીવણે ભેંસ દોહી. રઈએ ચૂલો સળગાવ્યો. જીવણે ચા મૂકી. બંનેએ પીધી.

‘તમે… તમે રુવો છો… તમે રુવો છો, બાપુ?’

‘ના, બેટા, એ તો ધૂણી થઈ છે ને?’ અવાજને સૂકો બનાવવાનો પ્રયત્ન કરીને જીવણે જવાબ આપ્યો. ‘મારે ખેતરમાં કામ છે બેટા, આ ખાણ ચડી જાય ત્યાં સુધી દેવતા સળગાવજે અને તાપજે. હું આવું છું.’

એ ખેતરમાં જવા ચાલ્યો.

સૂર્ય ઊગી ગયો હતો.

સ્મશાન હોલવાઈ ગયું હતું. શાંત ચિતા તરફ ફરી એક વાર નજર કરીને જીવણે પોતાના ખેતરમાં પગ મૂક્યો અને ફરી એક વાર પાછળ જોયું. બપોર સુધી હવે એ ખેતરમાં હેશે. એનું ખેતર ઘણું મોટું છે. (‘રઘુવીર ચૌધરીની શ્રેષ્ઠ વાર્તાઓ’માંથી)