અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બળવંતરાય ક. ઠાકોર /અદૃષ્ટિ દર્શન

From Ekatra Wiki
Revision as of 08:09, 21 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> વ્હાલી, તારો સ્વર મધુર આ કાનને સંભળાય, વ્હાલી, તારાં મૃદુ લલિતથી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

વ્હાલી, તારો સ્વર મધુર આ કાનને સંભળાય,
વ્હાલી, તારાં મૃદુ લલિતથી ચિત્ત અત્રે હરાય;
ને કૈં કામે પડી ડૂબી તદાકાર હોઉં તિહાંયે
ઓચિંતી રે પરી સમ હવામાં તરે સ્પષ્ટ સોહે
મૂર્તિ તારી, અધર ધરતી છેલ્લી ચૂમી સલામે,
આંખો આડી કરત ચડતું આંસુ સંતાડવાને.
એની સામે નજર જ ઠરી જાય ને યાદ આવે
આઘીપાછી અનુભવઘડી, જે ન ભૂલી ભુલાયે;
સંયોગે જે ઊછળત સુખો પાઈ પાઈ પીધેલાં,
ને આપત્તિ વિષમ પડતાં સ્નેહ-અંકે વસેલાં :
તારાઓ ને જરી ચળકતાં વાદળાંજૂથ જેમ
સાથે જામે રજનિનભસે, આ બધી ચિત્ત તેમ.
સ્વપ્નાં આવાં ઘડી પછી શમી જાય ને પ્રશ્ન મૂકે :
વ્હાલી, ચિત્તે તુજ કદી ડૂબે સ્નેહસંભારણે કે?
(ભણકાર, ૧૯૫૧, પૃ. ૧૯૭-૧૯૮)