ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ઘનશ્યામ દેસાઈ/કાગડો

Revision as of 08:23, 21 June 2021 by MeghaBhavsar (talk | contribs)

કાગડો


આંખો ખોલી જોયું તો ડાબી બાજુ સમુદ્ર ઊછળેલો. પણ ઊછળીને અટકી ગયેલો દેખાયો. એનાં સફેદ ટોચવાળાં મોજાં ઠેર ઠેર ઊંચાં થયેલાં, વાંકાં વળેલાં, થોડાંક પાણીનાં ટીપાં ઉપર કે નીચેની દિશાએ જતાં હવામાં અધ્ધર લટકેલાં, ને દરિયાનો નીચેનો ભાગ વાંકીચૂંકી લીટીઓ વડે દોરેલો હોય એવો. પડે ગયેલા પવનને લીધે જમણી બાજુ હારબંધ ઊભેલાં સરુ વૃક્ષોનો પડદો આકાશમાં ખીલા મારીને ટીંગાડેલો હોય એમ હાલ્યાચાલ્યા વિનાનો સ્થિર. પીળી રેતીથી કિનારો ચમકતો — ક્યાંક સેંકડો શંખલાં છીપલાંની ભાતવાળો, ક્યાંક કાબરચીતરો. પણ આખા કિનારા પર એકે જીવજંતુ નહિ, દર પણ નહિ અને ભીની રેતીમાં હું એકલો સૂતો હતો. મારા હાથપગ રેતીમાં અર્ધા દટાયેલા; ન હાલે, ન ચાલે. શરીર ઉપર થોડાક રેતીના કણ છુટ્ટા છુટ્ટા ચોંટેલા. એક બાજુથી રેતીમાંથી બહાર નીકળેલાં પગનાં આંગળાં ફિક્કાં સફેદ રંગનાં, એકબીજાંની અડોઅડ ઉપરની બાજુએ જરાક ત્રાંસાં વળેલાં, કોઈક બીજી જ વ્યક્તિનાં હોય એમ લાગણીથી વીંટળાયા વિનાનાં હોય એવાં.

એટલામાં આકાશમાં સામેની બાજુએ મારી નજર ગઈ તો એક કાળું નાનું ટપકું મેં જોયું. અણિયાળા પ્રકાશમાં એ જુદું તરી આવતું હતું. પીળા રંગમાં ઝબોળાઈને એ પીળું તો નહિ બની જાય ને એવી ધાસ્તી મારા દિલમાં પેઠી. હું એ ટપકા તરફ એકીટસે તારી રહ્યો. મેં ધ્યાનથી જોયું તો એ ટપકાના કદમાં વધારો થતો હતો. તેથી તેની ગતિ મારી દિશામાં જ હોવી જોઈએ એમ મેં માન્યું. મારું કુતૂહલ વધી ગયું. જોતજોતામાં એ ટપકું મોટું ને મોટું થતું ગયું. પછી જોરદાર પવન ફૂંકાયો. વૃક્ષોનો પડદો અતિશય ફફડ્યો. દરિયાનાં મોજાં વધારે ઊંચાં ઊછળ્યાં. એક વિશાળ ચક્કર મારી એ ટપકું દરિયાના પાણી ઉપર બેસી ગયું. અને તરતું તરતું મારી દિશામાં આવવા લાગ્યું. પછી પાણીમાંથી કિનારા પર એ ઊતરી પડ્યું.

ત્યારે જ મેં જોયું કે એ તો એક સાધારણ કદનો કાગડો હતો. દડૂક દડૂક કૂદતો એ મારી દિશામાં આવવા માંડ્યો. છાતી ફુલાવીને એ એવી છટાથી ચાલતો હતો કે જાણે દરિયાને ખેંચીને કિનારે ન ઘસડી લાવતો હોય! પાછળ દરિયો અને આગળ કાગડો એમ બેઉ થોડી વાર ચાલ્યા. કૂદતો કૂદતો એ મારી ખૂબ નજીક આવી ગયો.

એ કાળા ઘેરા રંગનો હતો. થોડી વાર એ વાંકી ડોક કરીને મારી સામે તાકી રહ્યો, પણ એની આંખ બીજે જ ક્યાંક જોતી હતી. એથી એ નાના બાળક જેવો નિર્દોષ લાગતો હતો. ત્યાં જ એણે કર્‌ર્‌ર્ કર્‌ર્ એવો અવાજ કર્યો. એની લાગણીઓને એ ચાંચ પાછળ જીભથી દબાવીને વ્યક્ત કરતો હતો. પછી ધીમે રહીને એક નાનો કૂદકો મારી એ મારા ઘૂંટણ પર બેસી ગયો. મારો ઘૂંટણ એના પંજાના બે તીક્ષ્ણ નહોરની વચ્ચે દબાયો. કડડડડ એવો અવાજ થયો. એણે એવું તો જોર કર્યું કે મારા ઘૂંટણનાં હાડકાંનો ભાંગીને ભૂકો થઈ જશે એમ લાગ્યું. ત્યારે મેં એની સામે ધારી ધારીને જોયું. મારી ધારણા ખોટી હતી. એ કોઈ સાધારણ કાગડો નહોતો. એની પકડ પરથી એનામાં રાક્ષસી તાકાત હોવી જોઈએ. હવે એની આંખો ભયાનક બની ગઈ. કોઈ તીવ્ર દબાયેલી લાલસાને લઈને એના ડોળા ચકળવકળ ફરતા હતા. પણ છતાંય જો એની ચાંચ કદાચ સહેજ ઉઘાડબંધ ન થતી હોત તો હું આટલો ડરત નહિ. હવે એની શક્તિનો મને સાચો ખ્યાલ આવ્યો. એની બિહામણી આંખોથી એ એકીટશે મારી તરફ તાકી રહ્યો. કાળાશ પડતી વાંકડિયાળી ચાંચ, એની ડોકની કાળાશ પડતી ભૂખરાશ, એની આંખોની વર્તુળાકાર ધાર, એના પંજાની ક્રૂર તાકાત – હું બહુ ડરી ગયો!

પછી ધીમેથી મારી આંખો સામે તાકતો તાકતો મારા ઘૂંટણ પરથી કૂદીને એ મારી દૂંટી પર એક પગે બેઠો. કાળા રંગના બ્રહ્મા મારી દૂંટીમાંથી ન ફૂટી નીકળ્યા હોય એમ એ ઘડીક સ્થિર થઈ ગયો. પછી ચાંચ ઊંચી કરી આકાશ ભણી તાકી રહ્યો. પછી એકદમ નીચું જોઈ પટક પટક એણે પાંસળીઓ પર ચાંચ ઘસવા માંડી. મેં જોયું કે એની ચાંચ બીજા કાગડાઓ જેવી સીધી નહોતી પણ છેડેથી સર્જ્યનની કાતર જેમ થોડી વળેલી હતી. હવે એની આંખ આજુબાજુ ફરતી સ્થિર થઈ ગઈ. એણે નજર મારા પર ઠેરવી. ખૂબ દાહક હતી એ નજર. એની આંખમાં કશાક ભાન ભુલાવે એવા આકર્ષણને લીધે હોય, પછી ઘેન ચઢાવે એવા કેફી તત્ત્વને લીધે હોય, કે પછી સખત ઈજા કરી બેસશે એવા ડરને લીધે હોય — પણ ઘણી મહેનત કરવા છતાં હું બીજે ન જોઈ શક્યો. ધીમે ધીમે હું એની આંખોમાં ખોવાતો ગયો.

અદમ્ય બળથી એ મને ખેંચવા માંડ્યો. હું આજુબાજુનું — સરુનાં સ્થિર ઊભેલાં વૃક્ષોનું, ભીની રેતીમાં દરિયાઈ જીવોએ પાડેલી ભાતોનું, દરિયાના અધ્ધર અટકી પડેલા ઊછળાટનું — બધું જ ભૂલી ગયો. એ જ નજરબંધી કરી કાગડો મારી તરફ વધારે લળ્યો, અને છાતી પર ચાંચ ઠોકી. ઠક ઠક ઠક અવાજ આવ્યો. મને શંકા ગઈ કે લાકડા પર ચાંચ ઠોકતો એ લક્કડખોદ તો નથી ને! મેં એના મોં સામે બરાબર જોયું. પણ ના, હતો તો એ કાગડો જ. હવે મને સમજાયું કે એની ચાંચ સર્જ્યનની કાતર જેવી ધારદાર કેમ હતી?

પહેલાં તો એણે ધીમે ધીમે કાતરની જેમ ચાંચ વડે ચરડ ચરડ ચામડી કાતરી. એની ચાંચ સીધી લીટીએ ગતિ કરતી હતી. થોડી વાર કાતર્યા પછી કાગડાએ એક જગ્યાએ ખોતરવા માંડ્યું. થોડુંક ખોતર્યા પછી પટ દઈને બે પાંસળી વચ્ચે ચાંચ ખોસી દીધી. મને અસહ્ય વેદના થઈ. પણ એકે હરફ મોંમાંથી નીકળી શક્યો નહિ. એણે પાંસળીઓમાંથી ચાંચ બહાર કાઢી ત્યારે એના પરથી લાલ પ્રવાહી ટપકતું હતું. પછી ચાંચ અરધી ખોલી કાગડાએ આકાશ તરફ જોયું. તેથી થોડુંક પ્રવાહી એના ગળામાં ઊતર્યું. ઘટક એવો અવાજ થયો.

એ હસી પડ્યો હોય એમ એની ચાંચ વચ્ચેની ફાડ જોતાં મને લાગ્યું. પછી વાંકા થઈને બે પાંસળી વચ્ચેથી ઝટકો મારીને એણે એક નસ ખેંચી કાઢી, છાતી પર એને મૂકીને એ ટોચવા માંડ્યો. મેં જોરથી ચીસ પાડી, પણ એ અંદર જ ક્યાંક થીજી ગઈ! કાગડાને એ સંભળાઈ જ નહિ હોય એમ લાગ્યું. કારણ કે એણે તો આનંદમાં આવીને બે નહોર વચ્ચે નસને દબાવી, કોચા-કોચીને છૂંદવા માંડી. પછી ચાંચ ઊંચી કરી. નસની સાથે નાના નાના માંસના લાલ લોચા નીકળ્યા. એમાંનો એક વાંકી ચાંચને છેડે લટકી રહ્યો. એમાંથી લોહી દદડવા માંડ્યું. લોહીમાં બોળવાને કારણે એની ચાંચ લાલ થઈ. માંસનો એક નાનો ટુકડો ચાંચમાં મૂકતાં જ અંદર સરકી ગયો. પછી એણે ચાંચને પાંખ સાથે ઘસવા માંડી. થોડુંક લોહી પાંખો પર ચોપડાયું. એક ફેરફુદરડી ફરી એ આનંદમાં ડોલવા લાગ્યો. પછી એકાએક એનામાં કોઈ મોટો ફેરફાર થયો. એનું કદ ફૂલ્યું હોય એમ લાગ્યું. એથી એ વધારે બિહામણો બની ગયો. હવે ઝનૂન ચઢ્યું હોય એમ એણે ચાંચ વડે એક પછી એક નસો ઝડપથી બહાર ખેંચી કાઢી. ચૂંથવાને લીધે નસો એકબીજીમાં ગૂંચવાઈ ગઈ. એનું ગૂંચળું વળી ગયું. આ પછી તે મારી સામે એકી નજરે તાકી રહ્યો. એમાં કોઈ એવા પ્રકારની મોહિની હતી કે હું મારી આંખ ત્યાંથી ખસેડી શક્યો નહિ. અંદરથી કોઈ મને ખેંચતું હતું અને હું ખેંચાયે જતો હતો.

પછી એણે પાંખો પસારી, એથી આખું આકાશ ઢંકાઈ ગયું. ચોતરફ ઘોર અંધારું છવાઈ ગયું. એમાં માત્ર એની આંખો તગતગવા માંડી. આંખનો ડોળો હવે ઇધરતિધર ફરકવાને બદલે સ્થિર થઈ ગયો. એના ખેંચાણમાં મેં પાશવી તાકાત અનુભવી. નિઃસહાય થઈ મારા પરની પકડ મેં છોડી દીધી. પછી ભમરીની જેમ નજરને તીક્ષ્ણ બનાવી એ ચાંચ ઉપર ચાંચ મારતો ગયો. અસહ્ય વેદના થવા લાગી. ઘણા ચિત્કાર મેં પાડ્યા પણ તેના બહેરા કાને તે પડ્યા નહિ. હવે મને તેની ગોળ આંખ સિવાય બીજું કંઈ જ દેખાતું નહોતું.

ઓચિંતા જોરથી પાંખો હલાવી એ ઊડ્યો અને કોઈકે ઝટકો મારી મારામાંથી મને ખેંચ્યો હોય એમ હું એની પાછળ ખેંચાયો. એણે પહેલાં તો કિનારે કિનારે ઊડવા માંડ્યું. એની ગતિ તેજ હતી. હું એની પાછળ ઊડતો હતો. એ આગળ અને હું પાછળ ઝનૂનથી પાંખો વીંઝી મેં એનો પીછો કરવા માંડ્યો. પણ એની ગતિને પહોંચી વળવું સહેલું નહોતું. દરિયા ઉપર લાંબું ચક્કર મારી એ વાળ પાછળ અદૃશ્ય થઈ ગયો. હું વાદળની પેલે પાર ગયો ત્યારે ત્યાં કોઈ નહોતું. આકાશમાં હું એકલો જ હતો અને જાણ કે જન્મનાળથી વિચ્છેદાઈ ગયો હોઉં એવી એકલતા અનુભવવા લાગ્યો. હવે મારું ધ્યાન મારી તરફ દોરાયું. મારા પેટમાં ભડભડ અગ્નિ બળતો હતો. અંદરથી હું ઝડપથી બળ્યે જતો હોઉં એવી અસહ્ય બળતરા થવા માંડી. મરણિયા થઈને મેં જોસબં પાંખો વીંઝી. સમસમ અવાજ આવવા માંડ્યો. દરિયા પર ચક્કર મારી સરુનાં વૃક્ષો ઉપર થઈને હું પાછો આવ્યો. ત્યાં દરિયાકિનારે મેં એક નાનું ટપકું જોયું. ચારે બાજુ પથરાયેલા પીળા રંગમાં ઝબકોળાઈને એ પીળું તો નહિ પડી જાય ને એવી ધાસ્તી મારા દિલમાં પેઠી. પેટના અગ્નિને શાંત કરે એવું કંઈક મળવાથી હું ઝડપથી દરિયાના પાણી પર ઊતર્યો. તરતો તરતો મોજાંઓની સાથે કિનારે આવ્યો. રેતીમાં કૂદી પડી હું આગળ વધ્યો. ત્યાં ભીની રેતીમાં એક માનવ-દેહ અર્ધો દટાયેલો પડઘો હતો. રેતીમાંથી બહાર નીકળેલાં એનાં પગનાં આંગળાં ફિક્કા સફે રંગનાં, એકબીજાની અડોઅડ ઉપરની બાજુએ જરાક ત્રાંસાં વળેલાં હતાં. કર્‌ર્‌ર્ કર્‌ર્‌ર્ મારાથી આનંદથી ઉદ્ગાર થઈ ગયો. છતાં મારા મનના આવેગને મેં દબાવી રાખ્યો. ત્યાં જતાંમાં જ કૂદકો મારીને એના ગોઠણ પર મેં પંજો ગોઠવ્યો. મારા બે નહોર વચ્ચે એની ઢીંચણ દબાવ્યો કે તરત જ કડડડ અવાજ થયો. હવે મેં એના ચહેરા પર મારી ભૂખી નજર ઠેરવી. અને… ચહેરો ઓળખતાં જ એક ક્ષણ હું ચોંક્યો.