કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૭.સાંજના ઓળા લથડતા જાય
સાંજના ઓળા લથડતા જાય.
બબડતું બોર વેચે શ્હેર આખું
શ્હેર પાંખું
પાંખ
એકેએકની ફફડ્યા કરે છે પાંખ.
શી થરક્યા કરે છે આંખ !
મેં પથ્થરોને ઊડતા જોયા હતા
ને પંખીઓને બૂડતાં જોયાં હતાં.
આ નદીની રેતમાં
બળતી બપોરે
પંખીઓની દાઝતી છાયા
અરે
એના વિષાદે આંખમાં
આંસુ મને આવ્યાં હતાં.
આંખમાં આંસુ
અને એમાં સદા યૌવનતરીને હાંકતા
વર્ષો સુધી રોયા હતા.
વર્ષો સુધી જોયા હતા
મેં પથ્થરોને ઊડતા
ને પંખીઓને બૂડતાં.
પથ્થર હવે પથ્થર બન્યા છે.
પંખી હવે પંખી બન્યાં છે.
જોઉં છું મિત્રો તમોને
રેતમાં હોડી હમેશાં હાંકતા
ને કેડમાંથી વાંકતા
ને હોઠમાંથી હાંફતા
ગીતની કડી.
તેથી જ કહું છું કે હવે હું જાઉં છું.
મૌનને અંતે હવે હું ગાઉં છું.
છો બબડતું બોર વેચે છે
નગર પાંખું
નગરની તૂટલી તિરાડ-શી સડકો મહીં
હું રક્ત કેવલ ગાઉં છું.
કાનને સંભળાય મારા
એટલું ધીમેશથી હું ગાઉં છું.
ફક્ત કેવલ ગાઉં છું.
(વહી જતી પાછળ રમ્યઘોષા, પૃ. ૬૪-૬૫)