કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૧૯.કવિવર નથી થયો તું રે

From Ekatra Wiki
Revision as of 05:12, 17 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૯.કવિવર નથી થયો તું રે| }} <poem> કવિવર નથી થયો તું રે શીદને ગુમ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૯.કવિવર નથી થયો તું રે

કવિવર નથી થયો તું રે
શીદને ગુમાનમાં ઘૂમે ?
લઘરા, તારી આંખોમાંથી ખરતાં અવિરત આંસુ
આંસુમાં પલળેલા શબ્દો
શબ્દો પાણીપોચા
પાણીપોચાં રણ રેતીનાં
પાણીપોચા રામ
પાણીપોચા લય લચકીને
ચક્રવાકને ચૂમે
કવિવર નથી થયો તું રે
શીદને ગુમાનમાં ઘૂમે ?
લઘરા તારા કાન મહીં એક મરી ગયું છે મચ્છર
એ મચ્છરની પાંખો ફફડે
શબ્દો તારા થરથર થથરે
ફફડાટોની કરે કવિતા
કકળાટોની કરે કવિતા
પડતા પર્વતોનો ભય તારા ભાવજગત પર ઝૂમે
કવિવર નથી થયો તું રે
શીદને ગુમાનમાં ઘૂમે ?
શહીદ બનતાં બચી ગયો તું ખડક શબ્દના ખોદે
વાણીના પાણીની મનમાં પરબ માંડતો મોદે
અરે, ભલા ! શીદ પરસેવાનું કરતો પાણી પાણી ?
તું તરસ્યો છે એવી સાદી વાત હવે લે જાણી.
શબ્દો છોડી ખેતરને તું ખેડ
ડી.ડી.ટી. છાંટીને ઘરમાં અનાવિલને તેડ.
શબ્દોનો સથવારો છોડી
લય લંપટના તંતુ તોડી
ઘર-આંગણિયે શાકભાજીને વાવો
કવિવર ! વનસ્પતિ હરખાય અશું કૈં પ્રેરક સંગીત ગાઓ
મને જુઓ આ રીંગણ મરચાં ગલકાં તૂરિયાં
આંખ સમીપે લટકે લૂમે લૂમે
કવિવર નથી થવું તારે
શીદને વિષાદમાં ઘૂમે ?
(મારા નામને દરવાજે , ૨૦11, પૃ. 1૦૩-1૦૪)