કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૯.તડકો-૧ (પરોઢના ઝાકળમાં તડકો)
Revision as of 07:39, 17 June 2022 by MeghaBhavsar (talk | contribs)
૯.તડકો-૧ (પરોઢના ઝાકળમાં તડકો)
પરોઢના ઝાકળમાં તડકો
પીગળે.
પીગળે પીગળે પડછાયાના પ્હાડ.
ને આંસુમાં
ડૂબતી તરતી
તરતી ડૂબતી
અથડાતી ઘૂમરાતી આવે
થોર તણી કાંટાળી લીલી વાડ.
વાડ પરે એક બટેર બેઠું બટેર બેઠું બટેર બેઠું
ફફડે ફફડે ફફડે એની પાંખ.
દાદાની આંખોમાં વળતી ઝાંખ.
ઝાંખા ઝાંખા પરોઢમાંથી પરોઢમાંથી
આછા આછા
અહો મને સંભળાતા પાછા અહો મને સંભાળાતા
આછા
ઠક્ ઠક્ ઠક્ ઠક્ અવાજમાં
હું ફૂલ બનીને ખૂલું
ખૂલું
ઝાડ બનીને ઝૂલું
ઝૂલું
દરિયો થૈને ડૂબું
ડૂબું
પ્હાડ બનીને કૂદું
કૂદું
આભ બનીને તૂટું
તૂટું તડકો થઈને
વેરણછેરણ તડકો થઈને
સવારના શબનમસાગરને તળિયે જઈને અડકું.
મારી કર કર કોરી ધાર પીગળતી જાય.
પીગળે પીગળે પડછાયાના પ્હાડ !
(વહી જતી પાછળ રમ્યઘોષા, પૃ. ૬૭-૬૮)