કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૧૦.તડકો-૨ (તડકાના ટુકડાઓ જ્યારે)

From Ekatra Wiki
Revision as of 07:41, 17 June 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૦.તડકો-૨ (તડકાના ટુકડાઓ જ્યારે)

લાભશંકર ઠાકર

તડકાના ટુકડાઓ
જ્યારે
અસ્તવ્યસ્ત થઈ
આળોટે દરિયામાં
માછલીઓની
મોંફાડોમાં
વાગે એની ધાર
થડ તડકાનું ખડબચડું
ને માછલીઓનાં પાંદ
સાંજકના ઝૂલે છે
ઢગલો પંખીનાં ફળ કાચાં
સાચાં રે ભાઈ સાચાં.
તમેય સાચાં
અમેય સાચાં
તડકાના ટુકડાઓ સાચા
દરિયો સાચો
માછલીઓની મોંફાડો પણ સાચી
થડ તડકાનું સાચું
એ પણ ખડબચડું
ને માછલીઓનાં પાંદ
ઢગલો પંખીનાં ફળ કાચાં
બધાંય સાચાં.
જાણો છો ?
આ સાચ જૂઠને સંભોગે છે ?
ને અંધકારની યોનિમાંથી
સરકે છે આ તડકો.
તડકો રોજ પરોઢે રોવે.
બોરસલીની ઝીણેરી કૂંપળમાં
એની આંખ ધીમેથી ખોલે.
ગરમ ગરમ ગાડરમાં
તડકો ધોળું પીળું થરકે.
તડકો ચંબેલીનાં પાન
તડકો ખિસકોલીના કાન.
ચંબેલીનાં પાન બન્યાં છે લાંબાં.
ખિસકોલીના કાન બન્યા છે મોટા.
કેશ કરીને ઢગલો
આછાં વસ્ત્ર કરીને અળગાં
એકાન્તે વાડામાં લક્ષ્મી
આળસમાં નિરાંતે બેસે ન્હાવા.
તડકો એનું રોમરોમ સંભોગે.
તડકો જાય મરી
ને તડકો રોવે.
તડકાનું શબ જાય લઈ તડકાનું ટોળું.
તડકાની એક ગાય ચરે છે.
તડકો કૂણો.
તમેય તડકો
અમેય તડકો
તડકાના સરવરમાં
તડકો ડૂબે.
તડકો દોડે છે
તડકો ઊંઘે છે
તડકો બોલે છે
તડકો નાચે છે
તડકો તડકો તડકો
ચારેકોર.
ઉત્તર તડકો
દક્ષિણ તડકો
તડકાનું આકાશ
તડકાની આ પવનલહરીઓ
પરશે વારંવાર.
અમેય તડકો
તમેય તડકો
તડકો તડકો રે.
નાગા થઈને નાચો
તડકો તડકો રે.
આઘા જઈને નાચો
તડકો તડકો રે.
તડકાની ટેકરીઓ પરથી
તડકો ગબડી જાય.
તડકાની તલવાર વડે
તડકાનું માથું કાપો
તડકો તડકો રે.
નાગર તડકો
વાનર તડકો
ગાંધીજીની ટાલ તડકો.
તડકાનું ચંદન
તડકાના પથ્થરને જઈ અર્ચે
તડકાની છાતીને
ચૂંથે
તડકાની આંગળીઓ
તડકાના ઘણથી
તૂટે છે તડકાની પાંસળીઓ
તડકો તૂટેલો.
તડકો ફૂટેલો.
તડકો બં બં
તડકો મં મં
તડકો તારી બોચીનો છે મેલ.
તડકો પીળો રે
તડકો લીલો રે
તડકો ઊંડે રે
તડકો કાલે રે
તડકો આજે રે
તડકો ટીલું રે
તડકો બીલું રે
તડકો મૂંગો રે
તડકો ભૂંડો રે
(વહી જતી પાછળ રમ્યઘોષા, પૃ. ૮૩-૮૬)