કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૨૫.હું શોધું છું

From Ekatra Wiki
Revision as of 08:54, 17 June 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૨૫.હું શોધું છું

લાભશંકર ઠાકર

ટેબલ પર
એક ખૂણામાં ઍશ-ટ્રે
ડાબી બાજુ સિગારેટનું પાકીટ ખુલ્લું –
બાજુમાં ક્ષણાર્ધમાં સળગી શકવાની ક્ષમતાવાળું
લાઇટર.
હું ખરશી પર આરામમાં ઢળેલો.
ડાબા હાથમાં સિગારેટ
કશ ખેંચું
ધુમાડાની સેર.
બસ આટલું જ, બીજું કશું નહીં.
બસ આટલું જ, બીજું કશું નહીં.
હા, કહેવું હોય તો કહી શકાય કે
પેન છે જમણા હાથણાં
કાગળ છે કોરા સફેદ
અક્ષર છે, કાળા કાળા.
બસ આટલું જ, બીજું કશું નહીં
બસ આટલું જ, બીજું કશું નહીં.
હા, કદાચ એટલું કલ્પી શકાય કે
આ ક્ષણે હું વાંચું છું શબ્દો
તમે સાંભળો છો શબ્દો
તમારી પ્રતિક્રિયા શબ્દો
બસ એટલું જ, બીજું કશું નહીં.
બસ એટલું જ, બીજું કશું નહીં.
સ્પષ્ટતા કરવા એટલું ઉમેરું કે...
આ ક્ષણે..
આ ક્ષણે એટલે ‘આ ક્ષણે’
બરાબર આ ક્ષણે
અર્થાત્ આ જે ‘અર્થાત્’ લખાયું તે પછી તરત જે કંઈ
લખાયું –
અને તે પછી તરત પેન ઊંચકાઈ – એ ક્ષણે...
પણ ‘એ’ ક્ષણની વાત તો નથી કરવી મારે.
એ ક્ષણની નહીં.
ના, એ ક્ષણની તો નહીં જ.
આ ક્ષણની
બરાબર આ ક્ષણની
અંતિમ...
અંતિમતમ ક્ષણની
વાત મારે કહેવી છે.
પણ કેવી રીતે કહી શકીશ એ વાત ?
અને જો કદાચ કહી શકીશ...
તો સાંભળી પણ શકીશ મને એ ક્ષણે ?
કારણ કે...
છિ... છિ...
કારણ બારણના કીચડમાંથી તો બહાર...
પણ જવા દો એ વાત.
જોયું ને આ તો માત્ર મતિ જ ગતિ કરે છે
અતીત પ્રતિ ?
આ શબ્દો પણ માછલીઓ જેવા
કોના સ્પર્શે તરત ઊછળી પડે છે સુવ્વર સાલા
અતીતમાં – ભાવિમાં ?
વૃદ્ધ નજર
દોરો પકડી બેઠી છે.
નજર છિદ્રને આરપાર તાકીને જોતી પલક વગર,
પણ સોય અને દોરાના સંબંધોની વાત હજી બાકી છે.
જોયું ને ?
શબ્દમાછલી રૂપ અનેરાં ધર્યાં કરે
મનને હર્યા કરે
ને જોયું ને એ કાન કને રણકાવે ઝીણી ઝાંઝર !
અરે અરે બદમાશો
શું ઊછળો છો ઠાલા !
(હસી પડ્યું આ કોણ ખડખડ ?)
મેં તો આશા છોડી નથી ચોખ્ખાચણક શબ્દની.
ભૂત-ભાવિના સ્પર્શ વિનાનો
આ ક્ષણનો
બિલકુલ આ ક્ષણનો
અવતાર શબ્દનો થશે.
થશે, થશે ને થશે જ.
ના પણ ‘થયે-થયા’ની વાત નથી કરવી.
મારે તો..
મારે તો..
હું શોધું છું એક સ્વચ્છ સાફ સાદો સીધો
જો મળી જાય તો..
શબ્દ.
(બૂમ કાગળમાં કોરા, પૃ. ૪1-૪૩)