અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બળવંતરાય ક. ઠાકોર /વર્ષાની એક સુંદર સાંજ
Revision as of 08:54, 21 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> શાંતિ! શાંતિ! ઝરમર ઝરી ગૈ ગળી વાદળી આ, અંધારી નીરવપદ ગિરિશૃંગથી જ...")
શાંતિ! શાંતિ! ઝરમર ઝરી ગૈ ગળી વાદળી આ,
અંધારી નીરવપદ ગિરિશૃંગથી જો ઊડી આ!
ઊંચો દીપે ઘૂમટ ફરીથી વ્યોમ કેરો વિશાળો,
જેમાં મુક્તાતુરણ – ભગણે ઓપતી અભ્રમાળો.
બેઠો બેઠો સખીસહિત હું માલતીમંડપે ત્યાં
ધારા જોતો, શ્રવણ ભરતો નૃત્યથી બુદ્બુદોનાં;
ત્યાં ગૈ ધારા, શમી પણ ગયા બુદ્બુદો, ને નિહાળ્યા
શૈલો, વચ્ચે સર નભ સમું, મસ્તકે અભ્ર તારા.
ને કોરેથી સલિલ ફરક્યું, શુભ્ર ચળક્યું, અને જ્યાં
વૃક્ષો ટીપાં ટપકી ન રહ્યાં ડાળીઓનાં ભૂમિમાં,
ત્યાં એ નીલું સર લસી રહ્યૂં દિવ્ય ઝાંયે રસેલું,
પાછું જોતાં, — ગિરિ પર સુધાનાથ હાસે મધુરું!
‘વ્હાલા, જોયું?’ વદી તું લહી ત્યાં ચંદ્રને દૃશ્યસાર,
ટૌકો તારો, અલિ, સર ગિરિ વ્યોમ ગુંજ્યો રસાળ!
(ભણકાર, પૃ. ૨૦૮)