કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૧૧.નવા ફ્લૅટમાં પ્રથમ દિવસે
Revision as of 11:21, 17 June 2022 by MeghaBhavsar (talk | contribs)
૧૧.નવા ફ્લૅટમાં પ્રથમ દિવસે
ચિનુ મોદી
અહીં જુદો મારો રૂમ મળ્યો – જે તટ કને
નદીના, એથી તો અનિલ મદમાતો વહીવહી
બધે – આખા ફ્લૅટે નિજ મધુર બંસી બજવશે,
વળી, જૂના પેલા ઘર થકી અહીં તો ઘણી બધી
વધારાની પામ્યા સગવડ : જુદો બાથરૂમ છે,
રસોડુંયે ખાસ્સું બૃહદ, ઢળતાં સાંજ પલ બે
અગાશીએ ગાળ્યે દિવસભરનો થાક હળવો કરી લેવોયે છે સહજ; ‘બસ’ના, સાઇકલના,
ખટારા, ‘રિક્ષા’ના નહિ પજવતા પાછળ પડે
અવાજો, શો-રૂમે લટકતી છબીઓ; કબૂતરું
મૂક્યું જૂનું રૂનું, ફરનિચરમાં એ જ મુજની
પુરાણી નાની શી ખુરશી, ઢળતું મેજ; નવીન
કશું ના, તોયે હ્યાં દીપી ઊઠે થૈ અવનવું.
ગયો આખો દા’ડો વીતી હરખભેરે, પણ કહું ?
મને આ લાગ્યું ના ‘મુજ ઘર’ હજી...!
(ઊર્ણનાભ)