કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૧૪. જૂઈ
Revision as of 05:44, 24 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૪. જૂઈ|}} <poem> સાગરની ચાદર ઓઢીને સૂરજ જ્યારે પોઢી જાય, ભટૂરિય...")
૧૪. જૂઈ
સાગરની ચાદર ઓઢીને સૂરજ જ્યારે પોઢી જાય,
ભટૂરિયાં શા તારલિયા લઈ ચંદા આભે રમવા જાય,
ખીલે છે જૂઈ ત્યારે :
તેને ગમતું અંધારે.
માનવ આ દુનિયાને છોડી સ્વપ્નોને સંસારે જાય,
સમીર કેરી લ્હેરે જ્યારે ફૂલો ધીમાં ઝોલાં ખાય,
જૂઈ જતી રમવા ત્યારે :
તેને ગમતું અંધારે.
પવન તણી સંગાથે રમતી કોઈ વેળ સંતાકૂકડી;
સંતાતી એ, ને આવીને વાયુ લે પળમાં પકડી.
ઘડીક તેની સાથે જાય,
મળતાં લાગ ફરી સંતાય.
તારા જો આભે હસતા તો ધરણી પર જૂઈ મલકાય :
શાને હસતાં ? એવી તે શી બન્ને વચ્ચે થાય ?
પ્રભાત સાથે શું નવ વ્હાલ ?
ઘેર જતી રે’ કાં, – શરમાળ ?
(બારી બહાર, પૃ. ૮૪)