ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/મણિલાલ હ. પટેલ/રાતવાસો
રાતવાસો
વાડામાં વાલી સૂનમૂન બેઠી છે, વાલીના સૂકા હોઠ અને કોરા ગાલ પર ઝણઝણાટી ઊઠતી હતી. અંદરથી તળે-ઉપર થઈ જતી વાલી ખાસ્સી ઉદાસ દેખાતી રહી, શાંતા સમજી નહીં કે વાલીની આખ આજે વળી વળીને પલળી કેમ જતી હતી? પાંચ વર્ષના લાડકા દીકરા રાકેશને લઈ બપોરે એ બાને મળવા પિયરમાં આવી છે. હળવી કૂલ વાલીના શ્વાસ શાંતાને ઉના નિસાસા જેવા વર્તાયા હતા.
જમાઈ હાર્યે કંઈ બોલાચાલી થઈ હશે? શાંતાના મનમાં આવેલો વિચાર ટક્યો નહીં. જમાઈ શંકરને વાલી જીતી ગઈ હતી. જમીનનો પાર ન હતો. સાસુ વગરનું ઘર. સસરો ન્યાતનો આગેવાન. સમૃદ્ધ ખેતી. ઘી-દૂધનો તોટો ન મળે, પૈસા વાપરતા ઘાંઘાં થવાય. કામ કરનારાં એક કહેતાં એકવીસ દોડે. આબરું આધારે વાલીને ઘણાં માનપાન મળે.
વાલીએ રાકેશને બચીઓથી ગૂંગળાવી દીધો. સાડીના છેડાએ આંખો લૂછી. નાક નીંસકતા હોઠ ગરમ લ્હાય વરતાયા. શાંતા ચોપાડમાંથી બધું જોતી હતી. છાણામાં ઠારેલો દેવતા ધુમાડે ચડ્યો હતો.
વાલી ખાલીખમ વાડાને મોટી આંખોથી કશાય ભાવ વિના જોઈ રહી હતી. પિયર પહેલી વાર પરાયા ગામ જેવું કેમ લાગે છે? વાલી ગોઠવાતી નહોતી. ચારે તરફ થોરની વાડો એને પાસે ને પાસે આવતી લાગતી હતી.
આટલે વરસે શાંતાને આ ઘર ખાલી લાગવા માંડ્યું છે. ક્યારેક તો ખાવા દોડે છે. જાણે ખાણ કાઢી ભેંસ સામે મૂકતી, દૂધ દોતી શાંતા. આજે એને વરતાયું કે એ હવે આધેડ થઈ ચૂકી છે. એ માલીપા ફફડી ઊઠી. વિચારોને એણે પાછા ખદેડ્યા.
વાલીને આજે સોરવાતું નથી એમ પામી ગયેલી શાંતાને ફડક પેઠી. એ ચૂપચાપ કામે વળગી રહેવા મથતી હતી. આથમતા સૂરજનાં રાતાં રાતાં અજવાળાં બારણે બારી એ થઈને ડુંગરા એવડા ઘરમાં ફરી વળ્યાં હતાં. શાંતાને જોવનાઈના છલકાતા દંન સાંભર્યા. નાથાને પરણીને આ ઘર માંડ્યું’તું. નાથાનો વરણાગી સ્વમાવ. કશીક છાલકો વાગી રહી. ગોઝારો ભગવાન! એનેય સુખની ઈર્ષા થઈ હશે. એણે રાકેશને દૂધ પાવા વાલીને સાદ કર્યો. ઢળતી સાંજમાં એ અવાજ માદીકરી બેઉને વધારે રણકતો લાગ્યો. હાથમાંથી વાસણ છૂટી જાય ને થાય એમ થયું. આંખોમાં ઘર વ્યાપી વળ્યું. બહાર અજવાળું કજળાવા લાગ્યું હતું.
થોરની વાડને પેલે પાર જડાઈ ગયેલા રમણના ઘરમાં વાલીની નિરાશ નજર જઈ ઊભી. કોઈ નવી વહુવારુ વાડામાં વાસણ લઈ આવવા ઉંબરો ઓળંગતી હતી. નવીસવી વીજળીનો ધોળોધબ પ્રકાશ એ ઘરમાં પથરાયેલો દેખાયો. ઘરમાં વળતી વાલીને ઉંબરની ઠેસ વાગી.
વાડામાં ઘાસની કાળી પડતી જતી ગંજીઓ વાલીની આંખોમાં ઊંભરાઈ આવી. બાએ સ્વિચ પાડી. પીળું અજવાળું ઘરમાં લીંપાઈ ગયું. રાકેશને પવાલું દૂધ આપતી વાલીએ પૂછ્યું: ‘બા, શું રાંધે છે?’ શાંતાને હાશ થયું. પણ વાલી વળી વાડા તરફ જતી ભળાતાં એનો જીવ દીવાની ટોચ જેવો આઘોપાછો થવા લાગ્યો.
વાલીનો એકનો એક ભાઈ મનુ હજી ખેતરેથી આવ્યો ન હતો. હળ હાંકતો, ગાડું જોતરતો ચૌદ વરસનો મનુ ચિંતા થઈને શાંતાની આંખોમાં આવી લાગ્યો. પતિ પાછો થયો ત્યારે મનુ એક વર્ષનો. વાલી દશબારની હશે. શાંતાના નાકનશ લઈને આવેલી વાલી બાપનો સ્વભાવ પણ લઈ આવેલી.
શાંતાએ વાડાના બારણેથી જોયું તો વાલી ભેંકાર ઑગલાઓમાં ઊભી હતી. ઝાંખા અંધારામાંય એનો ચહેરો સોના જેવો કળાતો હતો. કવખતે ઑગલાઓમાં ઊભેલી વાલી શાંતાથી સમજાઈ નહીં. પતિ વગરની અધમધરાતો એનામાં ઊગી આવી. બારણું ખખડતું. વાલી–મનુને ઊંઘતા ઢબૂરી એ પાછલું બારણું ખોલતી, કોક એને આ પરાળની ઑગલીઓ લગી ખેંચી લાવતું. એ ખેંચાઈ આવતી. ઘઉંની કણેક જેવી કાયા લઈ એ પાછી વળતી. આગલે બારણે સૂતા વાઘજીના ખોંખારા સંભળાતા. શાંતાના મોઢા પર અંધારું લીંપાઈ જતું. નાથાને સંભારી સંભારી એ ગાલે તમાચા મારતી. જાગી જતી વાલી મધરાતે રડતી બાને જોઈ રહેતી. પછી વણસમજણે ઊંધી જતી. વાલીનો વલોપાત ખાટલો થઈ જતો.
આગલે બારણે બારબાર વરસથી સૂતો વાઘજી બે દંનથી ઘેર ગયેલો. બબ્બે દાયકાથી રહેતો એ ખતરી ખેડૂ નહીં પણ ઘરનો રખેવાળ હતો. એની ઑથ હતી તો શાંતાએ નાનમ મોટી કરવાની હામ ભીડેલી. વાઘજીનેય વય થવા આવી છે. મનુ ગાડું લઈને આવ્યો છે. શાંતાને વાઘણના ખોંખારા સંભળાતા હતા. વાલી ઑગલીઓમાં ઑગળી ગઈ હતી કે શું? શાંતાને કંઈ કળાયું નહીં.
પરાળની ઑગલીઓ અંધારાના ડુંગરા થઈ થઈ વાલીને ઘેરતી હતી. અહીં રમણે એને બચીઓથી પ્હેલવ્હેલી નવરાવી દીધી હતી. વાલીનો હાથે એ દિવસે, ચોખ્ખો ન્હોતો. દેહની કંપારી, એ ઉના ઉના શ્વાસ, ગરમ ગરમ સ્પર્શોને હોઠ પર ચંપાતા અંગારા. વાલીને એ બધુ રંજાડી રહ્યું. ટાઢાબોળ ડિલમાં ગરમ કસક ઊઠતી હતી.
બળદ બાંધતા ભાઈનો અવાજ સંભળાતાં વાલી ભાનમાં આવી. બા ખાવાનું કરતી હશે એમ થયું. ઘરમાં જવા એણે પગ ઉપાડ્યો. ખેતરોનું અંધારું ઘરના વાડા સુધી આવી ગયું હતું. વાડો પર શોભી રહેતા વેલાઓ સુકાઈ ગયા હતા. થોરની વાડમાં મોટાં મોટાં છીંડાં પડી ગયાં હતાં. એમાંથી રમણનું ઘર વધારે ઉઘાડું પડી ગયેલું ભળાતું હતું. વાડ પરના વેલાઓને કોઈએ દાતરડાથી વાઢી નાખ્યા હોય એવો ચચરાટ લઈ વાલી ઘરમાં ગળી ગઈ.
ખીચડી થઈ ગઈ હતી. બીજે ચૂલે કઢી તબડતી હતી. શાંતા નર્યા ઘીનો શીરો શેકતી હતી. રાકેશ સાથે મનુમામો આંગણાને ઓટલે ગમ્મતે ચઢ્યો હતો. આખા ઘરમાં શેકાતા શીરાની તાજા તાજા ઘીની વાસ ફરી વળેલી. નાથાને આવા શીરા ખવડાવી ખવડાવીને ગલગોટા જેવો કરેલો. મનુમાં એ નાથો આખેઆખો ઊતરી આવ્યો હતો. શાંતા મનુને જોતી ને ખળભળી ઊઠતી.. એ આધાર હતો અને જીરવવો વસમો હતો. મોટો થતો મનુ પીડા બની શાંતાને ત્રફડાવતો રહેલો. ચોમાસાની રાતોમાં શાંતા મનુના ચહેરે હાથ ફેરવ્યા કરતી. વાલી બાનું એ હેત જોયા કરતી.
ખાતાં ખાતાં પણ વાલી ખોવાયેલી રહી. પાકટ શાંતા એની ઉદાસી પામી ગઈ, પણ પૂછવા માટે હોઠ સુધી આવી આવીને એ ઓલવાઈ જતી હતી. બાને એક રાત મળવા આવેલી વાલી શાંતાને અંદરથી ખોદતી રહી.
અડીએ તો ડિલે ડાઘ પડે એવી કાયા. વાલીને જોનારાં કહેતાં. ‘વાણિયાબામણને ઘેર મોકલવા દૈવે એને ઘડી હશે. પણ નાથાભાઈને ઘેર ભૂલી પડી જઈ.’ નાથો હોત તો શાંતાની ઇચ્છા હતી વાલીને ભણાવીગણાવીને નિશાળમાં મહેતી કરવાની.
પણ દેવને ઘેર દેહ પડ્યો. નાથાએ વાલીની સગાઈ કરી મૂકેલી. પૈસાદાર આબરૂદાર ઘર. જમાઈ તો શ્યામ, જરાય ઘાટીલો નહીં. શાંતા પતિનું વેણ ઉથામવા માગતી નહોતી. વળી એવું ઘર હોય તો વિધવા શાંતાએ દીકરીને નામે ક્યારેય ચિંતા કરવી નહીં પડે એવી લોકોની સલાહ. કાચી વયે વાલીનાં લગન લેવાયેલાં.
રૂપાળી વાલીને આણે વળાવવાનાં વરસો માદીકરી બેઉ જમાઈને જોઈ જોઈને ઠેલતાં ગયેલાં. વાલી કાયામાયાને પરખતી થઈ. મનમાં ચીરાડો થયેલો, પણ નબાપી એ બધું ગળી ગઈ. સસરો-જમાઈ વાલીને ગુમાવવા કરતાં વાટ જોવાનું રાખતા. ન્યાતમાં વાલી જેવી કન્યાઓ કાંઈ વાડના વેલેવે પાકતી નહોતી.
જમાઈનું અણઘડપણું. કામ કૂટવા આગળ વાલીને વીસરી જવાનું શાંત જાણતી હતી. ખાવાપીવાનું કે પહેરવા-ઓઢવાનું દુઃખ એ દુઃખ ના કહેવાય. અદકું દુઃખ મનનું. કાયાનો દીવો એમ ઓલવાઈ જતો નથી. એના ઝબકારા જાણતી શાંતા આજે પારાવાર પસ્તાતી હતી. ખાઈ પરવારી વાલી પાછલા ઘરે બેસવા ગઈ. રમણ મોસાળે ગયો હતો. એની નવી વહુ જોઈ. રમણને જોયે પાંચ પાંચ વરસો વીતી ગયાં, ને રાકેશ… વાલીનું કાળજું ધડકતું હતું.
સમય પાણીના રેલાની જેમ ગયો. ઘોડાના ડાબલા દડબડાવતો ગયો. રમણ શહેરમાં ભણ્યો. હવે ત્યાં જ પાછી નોકરી. વહુ પણ ભણેલી. જોકે વાલીને એ કશી વાતે રૂપાળી ના લાગી. રમણ પોતાને ભૂલી ગયો હશે? ન્યાતની રીતે એના લગનનું નોતરું મળેલું, પણ પોતાના ગામમાં આવેલો રમણ એને કંકોતરી આપવા જરૂર આવશે એવી વાલીની આશા ફળી નહોતી. ત્યારથી એ રમણને જોવા, મળવા અને રાકેશને બતાવવા વ્યાકુળ થયેલી. ખાતરી ખોટી ઠરી.
પાછાં વળતાં વાલીનો પગ સાઇકલનાં ટાયર-ટ્યૂબ પર પડતાં એ છળી ગઈ હતી. શરીરમાં કંપારી વછૂટી ગયેલી. એ ઘરમાં ભરાઈ ગઈ. શાંતા જાગતી હતી.
વાલીએ વાતો કરવાને બદલે ઊંઘવા લંબાવ્યું. ઊંઘ આવતી નહોતી. જળ જંપી ગયાં હતાં. વાલી પેશાબ કરવા વાડામાં નીકળી. રાત સમ સમ જતી હતી. કંસારીઓના કાળા અવાજોમાં જીવન ઓલવાઈ ગયેલું. વાડાની ઑગલીઓ ઓરી આવી ગઈ, કેટલી બધી બચીઓ! ગાલે, હોઠ, માથે, છાતીએ! પડખાં ઘસતી વાલી, રેશમી રૂમાલ, અત્તરનાં પૂમડાં. ક્યારીમાં હવડ વાવને પગથિયે રમણ પાસે એ બેઠી હતી. સાવ અડીને. અડોઅડ લીલ બાઝેલા પાણીમાં સાપ જોઈને બેઉ બહાર આવ્યાં ત્યારે સામેના આંબા નીચે કોક બાઈ પોદળા વીણીને પાછી વળતી હતી.
શાંતા પાણી પીવા ઊઠી. વાલી ઊંઘી ગયાનો ભાવ ઓઢી જંપી રહી. એને યાદ આવ્યું –
ભેંસ વેતર આવતી. આખી રાત રેંક્યા કરતી. માદીકરી ઊંઘી શકતાં નહોતાં. બીજે દંન વાઘજી ભેંસને પાડે દોરી જતો. નાનો મનુ ભેંસ હાંકવા જતો. રખડી રખડી એ સાંજે પાછા આવતા. ભેંસની સાથે પાછળ પડેલો પાડો આંગણે આવતો. ભેંસને ઘરમાં ઘાલે તો પાડો માથાં પછાડીને બારણાં તોડી નાખે. આખી રાત ભેંસ બહાર ખૂટે બંધાઈ રહેતી, રેંક્યા કરતી. થાકેલો વાઘજી ઊંઘી જતો. માદીકરી છાનાંછપનાં પડખાં ઘસતાં. ભેંસ ઊંડે ઊંડે રેંક્યા કરતી સંભળાતી.
આંબે મહોર આવતો. મરવા થતાં કેરીઓ મોટી થતી. આંબલીઓ કાતરે ઊભરાતી. વાડાને ઓટલે બેસી રમણ દાતણ કરતો. ખાટલો ઢાળી વાડવેલાને છાંયે વાંચ્યા કરતો. વાલી કામ કાઢી વાડામાં રહેતી. શાંતા ખેતરોમાં ખોવાઈ જતી. સમાજવ્યવહારોમાં વહી જતા દિવસો. હૂડભૂડ પતિ શંકર સાંભરતાં આણાની ચિંતાએ વાલી વલોવાઈ જતી. પહેલી વાર છેટે બેઠી ત્યારે રમણ એને રૂપાળો લાગ્યો’તો. એ રમણની હસતી આંખો સમજી હતી. દર વરસે ભેંસ વેતર આવતી. રેંકતી. ઉજાગરા કરાવતી. આણું ઠેલાયા કરતું.
તે સાંજે બા ગામમાં બેસવા ગઈ હતી. વાઘજી ખેતરે સૂવા સારું. શહેરથી આવેલો રમણ વાલી માટે કંઈ કંઈ લાવેલો. બંને છેક આંગલીઓ સુધી ખેંચાઈ ગયેલાં. વાવમાંનો સાપ છેક પહેલે પગથિયે આવી ગયો હતો. અંધારું ગરમ લ્હાય વીંટળાઈ વળ્યું હતું.
રમણ થોડાક દિવસોમાં ચાલી ગયો હતો. વાલીને નાવણ ના આવ્યું. શાંતાને એણે લૂગડાં ચડી ગયાંની વાત કરી. ઘરમાં ખોંખારા વગરનો સન્નાટો છવાઈ ગયો. રાહ જોયા વિના વાલી માંદાં રહેતાં સાસુની ખબર કાઢવા સાસરે ગઈ. શાંતાએ સાંજે રાહ જોઈ હતી. પણ વાલી બે રાત રોકાઈને આવી.. શંકરને વાલી વહાલી લાગી હતી.
અચાનક આણું લેવાયું. ગાલે ખાડા પડે એવું હસતી વાલીએ ઘર બાંધ્યું. સીમંત પહેલાં સાસુ ગુજરી ગયાં. દીકરો લૈ આવેલીએ સહુનાં મન જીતી લીધેલા.
વાલી થાકી ગઈ હતી. ખાવાપીવામાં, પહેરવા-ઓઢવામાં એનો જીવ નહોતો લાગતો. મન વાળવા પિયર આવી હતી.
સવારે ઊઠી. વાડામાં દાતણ ચીરતાં ચીરતાં વાલી જોઈ રહી. વાડનાં છીંડાં ચારે બાજુ હતાં. કરામાંની આંબલી કપાઈ ગઈ હતી. આખો વાડો ઉજ્જડ વેરાન લાગતો હતો. વાલી ખાધાપીધા વિના ટાઢે પહેરે ઘેર જવા નીકળી.
‘તારી દેઈની કાંઈની કાંય ખાતરી પડતી નથી. વાલી, તું હાસેટ નંખઈ જઈ લાગે સે.’ બા છેવટે બોલી ખરી. એક રાતમાં વાલી બા સમોવડી થઈ ગઈ હોય એવી લાગતી હતી.
‘ના રે બા, શાની ખાતરી ને શી વાત?’ વાલી વાત ટાળી ગઈ.
ભોંયથી ભૂખ ભાગે થોડી?’ ઓઠે આવેલું વાક્ય એ ગળી ગઈ.
રાકેશને ઊંચકીને શાંતાએ બચીઓથી ગૂંગળાવી દીધો. વાલીના ગાલ હોઠ પર ગરમ ચચરાટ ઊઠ્યો. ઑંગલીઓની આડે તો ડુંગરા એવડું ઘર ઊભું હતું. વાલી એ વાડા ભણી જોઈ ના શકી.
વાલીએ પગ ઉપાડવા મથવું પડ્યું. ના, હવે અહીં રહેવું નહોતું. તો ક્યાંય કશે જવાની ઇચ્છા પણ નહોતી. દદડતી આંખે વાલીએ બા સામે જોયું, ક્ષણવારમાં તો શાંતાની આંખોમાં દીવા જેવાં આંસુડાં સળગી ઊઠ્યાં. વાલી જોઈ ના શકી. પીઠ ફેરવી આંસુ લૂછતી આગળ વધી. ક્યાંય ના લઈ જતું નેળિયું વાલીને ગળી ગયું… [રાતવાસો]