કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૧૭. ગામની વિદાય

From Ekatra Wiki
Revision as of 08:59, 24 June 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૭. ગામની વિદાય

પ્રહ્લાદ પારેખ

હે જી મારા નાનપણાના ગામ ! મારા બાળપણાના ધામ !
તને કરું કે પરણામ, તને કરું રે પરણામ.

તારી આ માટી, તારું પાણી, હે ગામ મારા !
તારી આ ઝાડવાંની છાયા;
એની લાગી છે મને માયા :
છોડવાં નો’તાં એને છોડવાં આજે :
જાણે હૈયાનાં ખેંચાયે છે ચામ. – મારા૦

ના રે કળાયા કદી, નેહના વેલા એવા
ભોંયે આ તારી પથરાયા :
જાવા ઉપાડું મારા પાયને, ત્યાં તો એમાં,
ડગલે ને પગલે એ અટવાયા :
ક્યારે બાંધી લીધો’તો મને આમ ? – મારા૦

તારા ડુંગર ને તારા વોંકળા, હે ગામ મારા !
તારાં આંસુ ને તારાં હાસ :
હૈયાને મારા એણે બાંધી લીધી છે જાણે
કોઈ અદીઠ એવી રાશ :
ખેંચી ઊભાં છે આજ એ તમામ ! – મારા૦
(બારી બહાર, પૃ. ૯૪)