કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૨૫. આવ, મેહુલિયા!
Revision as of 09:14, 24 June 2022 by MeghaBhavsar (talk | contribs)
૨૫. આવ, મેહુલિયા!
પ્રહ્લાદ પારેખ
આવ, મેહુલિયા ! આવ.
તને બોલાવે તળાવ, પેલાં કૂવા ને વાવ રે, – આવ૦
મૂંગાં બોલાવે ઢોરાં;
ઓલાં ખેતર કોરાં કોરાં :
એની માટીને ફરી મહેકાવ, રે મેહુલિયા, – આવ૦
ઓલી નદીયુંનાં નીર,
– એનાં ફાટ્યાં જાણે ચીર !
એને નવલાં તે લ્હેરિયાં અપાવ, રે મેહુલિયા, – આવ૦
કેવી ધરતીની કાય !
એ તો જોઈ કેમ જાય ?
એને હવે નહીં ટટળાવ, રે મેહુલિયા, – આવ૦
સારી ધરતીની માગ :
આજે લાગી છે આગ :
એને આવી હવે તું ઓલાવ, રે મેહુલિયા, – આવ૦
(બારી બહાર, પૃ. ૧૧૩)