કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૪૪. દિલડાંની વાત
Revision as of 05:09, 25 June 2022 by MeghaBhavsar (talk | contribs)
૪૪. દિલડાંની વાત
પ્રહ્લાદ પારેખ
અમને ન આવડે કંઈ દિલડાંની વાત,
કે’તાં દિલડાંની વાત. – અમને૦
દિલડાંની વાતુ એવી,
વાદળ માંયલી વીજળી જેવી:
હે જી એને કેમ રે બંધાય,
એને કેમ રે ઝલાય,
એથી અમે સાવરે અગન્યાન. – અમને૦
ફૂલડાં સમી જો હોયે,
માળા ગૂંથી તો તો લઈયે:
હે જી આ તો ફૂલડાં નહિ ને
કેવળ ભમતો પરાગ:
એને કેમ રે ગૂંથાય,
એને કેમ રે ઝલાય,
એથી અમે સાવ રે અગન્યાન. – અમને૦
માછલાં સમી જો હોયે,
શબદજાળે બાંધી લઈયે:
હે જી આ તો કલકલ જળરવ,
એને કેમ રે બંધાય,
એને કેમ રે ઝલાય,
એથી અમે સાવરે અગન્યાન. – અમને૦
દિલડું હશે જો વાતો
દિલની ઝલાશે એ તો:
ભલે હોય વીજળી, પરાગ,
કે કલકલ એ અવાજ :
એ તો સૌ દિલડે બંધાય,
એ તો સૌ દિલડે ઝલાય,
એ તો સૌ દિલડે ગૂંથાય. – અમને૦
(સરવાણી, પૃ. ૩૬)