ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પવનકુમાર જૈન/વરુ અને શ્રી પાપી
વરુ અને શ્રી પાપી
મારી પૂંઠે એક વરુ પડ્યું હતું. હું ખૂબ ઝડપથી દોડ્યે જતો હતો. લાગતું હતું કે ક્યારેક ઠોકર ખાઈને પડી જઈશ. મૂર્છા આવી જશે. એ આવીને મને ફાડી ખાશે. પણ ઉકેલ નહોતો મળતો. હું વર્ષોથી સતત દોડતો હતો. વનો વટાવીને મારે શહેરમાં પહોંચવું હતું, અને ત્યાં મજા કરવી હતી. રસ્તે અનેક નાનાં વરુ મારી પાછળ પડ્યાં હતાં. એમને મારીને હું દોડતો, આગળ વધતો જ રહ્યો હતો. જે વરુને મેં છેલ્લું મારી નાખ્યું હતું, તે મને ઠીક ઠીક ઘાયલ કરી ગયું હતું. ત્યાં સુધીમાં હું સારો એવો થાકી ગયો હતો. મને આરામની તીવ્ર જરૂર હતી. મને શહેરમાં પહોંચવાની ઉતાવળ હતી. આ વરુ, જે મારી પાછળ પડ્યું હતું તે તો ખૂબ ભૂખ્યું અને કદાવર હતું કે કદાચ, મારાં થાક, બીક અને અધીરતાને લીધે તેમ લાગતું હતું. મેં એને ઘાયલ કરવા બબ્બે વાર પ્રયાસો કર્યા, પણ વિજય એનો જ નિશ્ચિત જણાતો હતો. એની જાડી ખાલ પર કંઈ અસર ન થઈ. કદાચ, મારા પ્રહારોમાં જ બળ નહોતું રહ્યું કે મારી હિંમતે દગો દીધો હતો કે હું કદાચ ખૂબ ખૂબ હાંફી ગયો હતો.
રસ્તે કદાચ એક પુલે અડચણ ઊભી કરી હતી. મોટું વરુ મારી પૂંઠે હતું, ત્યારે દોડતાં દોડતાં મને એક નાળા પરના નાના પુલે આકર્ષિત કર્યો હતો. હું ઝંખનાપૂર્વક એ પુલ પર ચડી ગયો હતો. પણ પુલની વચ્ચોવચ પહોંચ્યા પછી જ મને ખ્યાલ આવ્યો હતો કે હું બેભાન થઈને દોડ્યો હતો, અને પુલ તો વચ્ચેથી તૂટેલો હતો. મેં નાળામાં ઝંપલાવ્યું હતું. મને વાગ્યું હતું તેમજ લોહી નીકળવા માંડ્યું હતું. હું પીડાથી કણસતો હતો, છતાં મૂઠી વાળીને દોડ્યે જ જતો હતો. વરુને મજા પડી ગઈ હતી. એ લોહીની ધારે દોડ્યું જ આવતું હતું.
મને થયું હતું કે નાળામાં પડતાં જ હું મરી જઈશ. એટલે નિરાંત થશે કે પછી કદાચ વરુ નાળું જ નહીં ઓળંગી શકે. પણ કોઈ ચમત્કાર શક્ય ન હતો. વરુ તો મારી પાછળ જ આવતું હતું.
હું જીવ પર આવીને દોડ્યો. વન પૂરું જ થવા આવ્યું હતું. પૂરું પણ થઈ ગયું. મને થયું હવે શહેરમાં તો વરુ મારી પાછળ નહીં આવે, તેને કૂતરાંનો ભય લાગશે. પણ મને એ વિચાર જ ન આવ્યો કે મારી પાસે પાળેલાં કૂતરાં કે નોકરો જ ક્યાં હતાં? હથિયારો પણ ન હતાં. એટલે એ વરુ તો દોડતું આવતું જ હતું.
આજુબાજુના લોકોને મારી ચિંતા, અરે! સખત ચિંતા થતી હતી; તેઓ કહેતા હતા, ‘મારી નાખ એ વરુને.’ દોડતાં દોડતાં હું કહેતો હતો કે, ‘ના, મને તો શહેરમાં મજા કરવી છે.’ પણ કોઈ મને ક્યાંય ઘૂસવા નહોતું દેતું. મારી પાછળ પડેલા વરુને તો મારે જ, જાનથી મારી નાખવાનું હતું.
હું ચીસ પાડીને કહેતો હતો કે, ‘મેં એટલાં વરુ માર્યાં તેનું શું? એ એકને ન મારું તો ન ચાલે? મને સખત થાક લાગ્યો હતો, સખત બીક લાગતી હતી, મને શહેરમાં જવાની ઉતાવળ હતી અને મારે મજા કરવી હતી.
કોઈ એમ કહેતું સંભળાતું હતું કે, ‘તેં ક્યાં કોઈ વાઘ-સિંહ કે હાથી-ગેંડા માર્યા છે? તેં તો ફક્ત મામૂલી, નાનાં અમથાં વર માર્યાં છે. એમાં તારી શી બહાદુરી?’
હું રુરુદિષા અટકાવીને કહેતો હતો, ‘પણ, ભાઈ… મારાથી એટલી જ બહાદુરી થઈ શકી. મારા કરતાં હજી ઘણા લોકો ઓછા બહાદુર હતા. તે છતાં, એ શહેરમાં હતા અને મોજથી જીવન ગુજારતા હતા. એમનું શું?’
કોઈએ જવાબ આપ્યો કે, ‘એ પહેલાંનો જમાનો હતો. ત્યારની વાત જુદી હતી. ત્યારનાં નાનાં વરુ, અત્યારનાં મોટાં વરુ કરતાં પણ બળવાન હતાં તથા એ વરુઓને મારનારાઓના ભવિષ્યની કોઈ નિશ્ચિતતા ન હતી.’
હું દોડતાં દોડતાં, હાંફતાં હાંફતાં, માંડ ભયને ખાળતાં જવાબ આપતો હતો કે, ‘પણ, કોના ભવિષ્યની નિશ્ચિતતા છે?’
વરુ મારી પાછળ પૂરવેગે દોડતું હતું.
એમનાં તોતિંગ મકાનોનાં છજાંઓ ઉપર ઊભેલાઓમાં કેટલાક બોલતા હતા, ‘બિચારો ભયથી મૂઢ થઈ ગયો છે.’ ‘વિનાશ કાળે વિપરીત બુદ્ધિ.’ ‘તદ્દન ઘમંડી છે’, ‘જિદ્દી. સાવ જિદ્દી’, ‘નહોતું ધાર્યું કે આ માણસ એ વરુને ક્યારેય નહીં મારી શકે.’
મને લાગતું હતું કે શહેરમાં પ્રવેશ્યા પછી વરુ પાછું વળી જશે; લોકો વરુને ભૂલી જશે; વરુ મને ભૂલી જશે. હું વરુને ભૂલી જઈશ. હું મજા કરીશ. મને મોટરોનાં સપનાં આવતાં; મને તોતિંગ મકાનોનાં સપનાં આવતાં. મને લાગતું કે મને મારો લાંબો વનવાસ ભુલાઈ જશે, શહેરની મજામાં. જો એ મને યાદ પણ આવે, તો મને એનાથી ભયની કંપારી તો નહીં જ છૂટે.
પણ, ત્યાં મારા કાને બૂમ પડી, ‘જોરથી દોડ. વરુ તારી લગોલગ આવી ગયું છે.’ મારું ગળું મને સૂકા પાતાળકૂવા જેવું લાગતું હતું. મને પાણીની ખૂબ જરૂર હતી. પણ એનો કોઈ સવાલ પેદા થતો ન હતો. પાછળ વરુની લબકારા મારતી જીભનું, અને હાંફનું સાતત્ય હતું.
છજા પરથી લોકો બૂમો પાડતા હતા, ‘આ હથિયાર લે. મારી નાખ એને. પણ મને થતું હતું કે હું અટકી શકું તેમ જ ન હતો. હથિયારો કદાચ સાવ તકલાદી હતાં. પોતાના બળ પર મને વિશ્વાસ નહોતો રહ્યો. ખરેખર, મારું બળ ખૂબ ઘટી ગયું હતું. મારે બળ એકઠું કરીને વરુને મારવું હતું. મારે આરામ કરવો હતો. થોડીક વાર માટે હું વરુને સાવ ભૂલી જવા માગતો હતો, જેથી મારો ભય ઓછો થાય.
વરુ મારી પૂંઠે ને પૂંઠે હતું. લોકો મને એની સતત યાદ દેવડાવતા રહેતા હતા. કોઈ મને ક્યાંય ઘૂસવા નહોતું દેતું. હું દોડતો જ જતો હતો.
કોઈ, અચાનક, મારા તરફ ધ્યાન જતાં, બોલી ઊઠતું, ‘વરુની છાતી પર પ્રહાર કર.’ ‘એની ખોપરીનું નિશાન લે.’ ‘એની પીઠ તોડી નાખ.’
ક્યારેય ન આવેલાં આંસુ મારી આંખો સુધી આવી ગયાં હતાં. કંઠે શોષ પડતો હતો. હું નિરુત્તર બનીને દોડ્યે રાખતો હતો. શહેરમાં હું ઊંડે ને ઊંડે પહોંચતો જ જતો હતો. પણ ક્યાંય પ્રવેશ ન હતો. કાશ, મને ઠંડક મળે, મારો થાક ઊતરે, મારી તરસ મટે, વરુથી છુટકારો મળે કે મોત મળે. પણ ના, એ શહેરમાં એવું કંઈ જ ન હતું.
વરુ કેડો મૂકવા જ તૈયાર નહોતું. લોકોના દેકારા-પડકારાથી એ ખૂબ ઉત્સાહિત થઈ જતું હતું. એ લોહીની ગંધથી મત્ત બનીને દોડતું હતું.
મને નિરુત્તર, નિરુત્સાહ, અને પોતાના તરફ નિર્મમ બનીને દોડતો જોઈને, અરેરાટીપૂર્વક કોઈ કહેતું, ‘બહાદુરીથી અને ચૂપચાપ બધું સહન કરે છે.’ ‘ઉન્મત્ત થયો છે, કે થશે.’
દોડતાં દોડતાં, બધું સાંભળતાં, હું વરુના અસ્તિત્વને ભૂલવા મથતો; પળેક માટે ભૂલી જતો. પણ સહસા કોઈ ગાજી ઊઠતું, ‘સાહસ કર!’
મને લથડિયાં આવતાં હોય તેવું લાગતું, ‘મારામાં એવી કોઈ જ શક્તિ નથી બચી, જે મને એવી પ્રેરણા આપે કે આ વરુને મારું કે મરું. મારે તો બસ આ વરુથી બચવું છે. એને ભૂલી જવું છે. પેલા નાળા પરના પુલે દગો દીધો. ત્યાં જ કદાચ ફાવી શક્યો હોત, ત્યાં મને ઘણું વાગ્યું. આખે રસ્તે પુષ્કળ લોહી વહેતું રહ્યું. કદાચ હું બહુ પાપી હોઈશ. કોઈ મને કેમ ક્યાંય ઘૂસવા નહીં દેતું હોય? શહેરની મજા મારે માટે છે જ નહીં? શહેરના અનંત અને અટપટા વ્યાપથી વ્યાકુળ થઈને, લોકોની બૂમોથી ઉન્મત્ત થઈને અને મારા હણાતા બળને લીધે હું કદાચ ફસડાઈ પડીશ… અને પાછળ આવતું વરુ તરાપ મારીને મને ફાડી ખાશે.’
શહેરનો વળાંક આવતો લાગ્યો. પાછું સામે એક વન દેખાયું. મારા પગ લથડતા હતા. દોડતા વરુનો સ્પર્શ થતો લાગતો હતો. મને ખબર નહોતી પડતી કે વનમાં ધસી જવું કે ફરી શહેરમાં દોડી જવું કે વરુને જાત સોંપી દેવી. હું લડવા સદંતર તૈયાર ન હતો. હું અસમર્થ હતો.
એક બાજુ શહેરનું દૃશ્ય હતું, ત્યાં પ્રવેશ ન આપનારા લોકો હતા. બીજી તરફ જંગલનું દૃશ્ય હતું, ત્યાં હિંસક પ્રાણીઓ હતાં. આગળ હું હતો અને પાછળ વરુ હતું. લાગતું હતું કે ક્યારેક ઠોકર ખાઈને પડી જઈશ… વરુ ફાડી ખાશે.
હું પડ્યો. વરુએ તરાપ મારી. હું ઊછળ્યો. એની ગળચી ફરતાં આંગળાં ખૂંપાવી દીધાં. એ હાંફતું હતું, હું પણ. મેં એની આંખમાં જોયું. એક બળી ગયેલું અવાવરું શહેર એમાં દેખાતું હતું.