શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૧૫. મજા છે આ ‘છે’ની છો પર

From Ekatra Wiki
Revision as of 13:15, 7 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૫. મજા છે આ ‘છે’ની છો પર|}} <poem> પથરાઈ પડી છે પાંખો, ને ઊઘડી રહ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૫. મજા છે આ ‘છે’ની છો પર


પથરાઈ પડી છે પાંખો,
ને ઊઘડી રહ્યો છે પંખો.
ઉકેલાઈને પડ્યો છે તાકો.
ભોંય પર પડ્યો છે ફેલાઈને તંબુ.
ઊંટ તકિયા પર ડોક ઢાળીને
બંધ આંખે
વાગોળે છે તિમિર હળવે હળવે.

હુક્કાની ઊંઘણશી ગડગડમાં
પરપોટા થાય છે રંગના આકાશમાં.
સપનાંની એક આળસુ નજાકત
છલકાય છે હવામાં આસ્તે આસ્તે.

તાળામાં જરાય ફર્યા વિના,
સંચેસંચ ખોલીને,
બંદા ખુલ્લંખુલ્લા છે ચૂપ.
કોઈ કેફી હવાનો રંગ
ચઢતો જાય છે શ્વાસને – અવકાશને.

ખુલ્લી છે મુઠ્ઠીઓ
ને લહેરાય છે કિનખાબી કેવડાની ગંધ
રાતની રસીલી રાહમાં.

ઊઘડ્યો છે મયૂરપંખ
રે રેલાય છે રેશમી સૂર હવાને બાંધતા જુલ્ફમાં
મધરાતી વાતની લીલી દ્રાક્ષ
લૂમતીઝૂમતી ચમકે છે તારાનાં ઝૂમખાંમાં, શ્યામ કેડી પર.

નિરાંતનું સરોવર!
ખીંટી પર અમથાં અમથાં ફરકતાં કામ.
ઘડિયાળમાં તરતો પિક્કડ આરામ.
સુનાર સૂએ.
જાગનાર જાગે.
કદાચ કોઈ કૂવો-હવાડો કરે,
કોઈ ક્રૉસ પર ચઢે.
ભલે! ભલે!! તથાસ્તુ!!!

ભલે રહી જતી તિજોરીઓ ખુલ્લી!
ભલે જામી જાય કસ્તર પીવાના જામમાં.
ભલે ધાડ પડે ધરમીને ઘેર
ને મેવા ખાઈ જાય મવાલીઓ.
ભલે સત્યાગ્રહી ચંપલો કાનાફૂસી કરે અંધારા ખૂણામાં
ને ભલે રચનાત્મક રસ્તાઓ ખૂટલ થાય જડતાથી.
થાય તે ભલે થતું!
આપણે તો ઊંઘની મજા છે આ ‘છે’ની છો પર.
સઢ સંકેલીને
ઘાટ પર આડા પડીને
આળસુ હલેસાંની ગુફતેગો માણી હોય
તો આજે સૂરજને તંગ ન કરશો.
કરવા દો એને કરવું હોય તે.

સઢ તો આવતી કાલે પણ ચઢાવી શકાશે,
ને સામેના કાંઠે આવતી કાલે પણ પહોંચી શકાશે.

Template:Right(ઊઘડતી દીવાલો, ૧૯૭૨, પૃ. ૨૬)