શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૮૬. ધ્રુવની ઉક્તિ

Revision as of 11:49, 11 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૮૬. ધ્રુવની ઉક્તિ|}} <poem> નથી તપવું તપ મારે એકપગે ખડા રહીને હવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૮૬. ધ્રુવની ઉક્તિ


નથી તપવું તપ મારે એકપગે ખડા રહીને હવે!
ભલે પિતાના કરતાંયે તમારો બહોળો હોય ખોળો, પ્રભુ!
મારે એ પામવા માટે
આમ એક પગે ખડા રહીને તપ્યા કરવું નથી દિવસ ને રાત.

ઉત્તમની જનેતા જે સુરુચિ
તે જ થઈ કુ-રુચિ,
ને અપમાનિત કર્યો મને એણે;

પણ તેથી અસ્વસ્થ થઈ,
અ-ધ્રુવ થઈ,
મારે નથી અપમાનિત કરવું મારા બાળપણને.

મારે નથી મેળવવું આકાશમાં – નક્ષત્રલોકમાં કોઈ અ-વિચલ પદ;
બાળપણની ચંચળતાના ભોગે મને ના ખપે કોઈ ધ્રુવ-પદ.

મને તો બાળપણના ચરણ
ત્યારે જ લાગે છે રમ્યતમ,
જ્યારે એ નાચે છે ને કૂદે છે,
ખેલે છે ને સાહસના દેશ ઉત્સાહથી ખૂંદે છે.

ગાંધારીવેડામાં સરી,
દોઢડાહ્યા થઈ,
એક પગે અપંગ બનેલા તપથી મારે તમને પામવા નથી,
મારે તો તમને નાચતાકૂદતા થનગનતા ચરણે
રમત રમતાં પકડીને પામવા છે.

મારે તો તમને ફરજ પાડવી છે : દાવ દેવાની;
– સામે પગલે આવીને મને પકડવાની.

રમતની શરતે તમે કહો તેટલી લંગડી લેવા તૈયાર છું;
પરંતુ આમ એક પગે બગની જેમ ખડા રહીને,
તપની લુખ્ખી લપમાં નથી પડવું મારે.

મને નથી ગમતું
શેષશાયી તમારી પ્રૌઢ મૂરત આગળ
નીચા નમીને શિસ્તબદ્ધ રીતે ખડા રહેવાનું.

મને તો ગમે છે
તમારી બાલકનૈયાની દોસ્તીમાં
માખણચોરી માટે કોઈ શીકા આગળ
કહો ત્યાં સુધી ને કહો તેટલી વાર
નીચા નમીને ખડા રહેવાનું.

હું ધ્રુવ થાઉં ને ઠોયા જેવો ખડો રહું.
ને મને તમે પકડી લો એમાં તે
તમારી શી વશેકાઈ?

પણ હું અ-ધ્રુવ રહું
ને ત્યારેય મને તમે કેમ પકડી લો છો,
એ જ હવે તો જોવું છે મારે :

મને એવી રમત શું નહિ રમાડો, પ્રભુ?

(જળ વાદળ ને વીજ, ૨૦૦૫, પૃ. ૮૩)