સત્યના પ્રયોગો/આફ્રિકા

From Ekatra Wiki
Revision as of 10:49, 13 July 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૫. દક્ષિણ આફ્રિકાની તૈયારી

અમલદારની પાસે મારું જવું અવશ્ય દોષમય હતું. પણ અમલદારની અધીરાઈ, તેનો રોષ, તેની ઉદ્ધતાઈ આગળ મારો દોષ અલ્પ થઈ ગયો. દોષની સજા ધક્કો નહોતો. હું તેની પાસે પાંચ મિનિટ પણ નહીં બેઠો હોઉં. મારું બોલવું જ તેને અસહ્ય લાગ્યું. તે મને વિવેકપૂર્વક જવાનું કહી શકતો હતો. પણ તેના અમલના નશાને કશી હદ નહોતી. પાછળથી મને ખબર પડી હતી કે આ અમલદારને ધીરજ જેવી તો વસ્તુ જ નહોતી. તેની પાસે જનારનું અપમાન કરવું એ તેને સારુ સામાન્ય વાત હતી. પોતાને ન ગમે તેવી વાત થઈ કે તુરત સાહેબનો મિજાજ જાય.

મારું ઘણું કામ તો તેની કોર્ટમાં હોય. ખુશામત કરવાનું તો મારાથી બને તેમ નહોતું. આ અમલદારને અયોગ્ય રીતે રીઝવવા હું માગતો નહોતો. તેની ઉપર ફરિયાદની ધમકી મોકલીનું હું ફરિયાદ ન કરું ને તેને કંઈ ન લખું એ પણ મને ન ગમ્યું.

દરમિયાન કાઠિયાવાડની ખટપટનો પણ મને કંઈક અનુભવ મળ્યો. કાઠિયાવાડ એટલે નાનાં અનેક રાજ્યોનો મુલક. અહીં મુસદ્દીવર્ગનો પાક તો ભારે હોય જ. રાજ્યો વચ્ચે ઝીણી ખટપટ, હોદ્દો જમાવવા સારુ ખટપટ, રાજાના કાચા કાન, રાજા પરવશ, સાહેબોનો પટાવાળાની ખુશામત; શિરસ્તેદાર એટલે દોઢ સાહેબ, કેમ કે શિરસ્તેદાર એ સાહેબની આંખ, તેના કાન, તેનો દુભાષિયો. શિરસ્તેદાર ધારે એ જ કાયદો. શિરસ્તેદારની આવક સાહેબની આવક કરતાં વધારે ગણાતી. આમાં અતિશયોક્તિ હોવાનો સંભવ ખરો. પણ શિરસ્તેદારના ટૂંક પગારના પ્રમાણમાં તેનો ખર્ચ અવશ્ય વધારે રહેતો.

આ વાતાવરણ મને ઝેર સમાન લાગ્યું. હું મારી સ્વતંત્રતા કેમ બચાવી શકીશ એ વિચાર મને રહ્યા જ કરે.

હું ઉદાસીન બન્યો. ભાઈએ મારી ઉદાસીનતા જોઈ. ક્યાંક નોકરી લઈને બેસી જવાથી હું ખટપટમાંથી મુક્ત રહી શકું એ એક વિચાર ચાલ્યો. પણ ખટપટ વિના કારભારું કે ન્યાયાધીશપણું ક્યાંથી મળે?

વકીલાત કરતાં સાહેબની સાથેનો ઝઘડો વચ્ચે આવતો હતો.

પોરબંદરમાં ઍડમિનિસ્ટ્રેશન હતું. ત્યાં રાણાસાહેબને સારુ કંઈક સત્તા મેળવવાનો પ્રયત્ન કરવાનો હતો. મેર લોકોની પાસેથી વધારેપડતી વિઘોટી લેવાતી હતી. તે બાબત પણ મારે ત્યાંના ઍડમિનિસ્ટ્રેટરને મળવાનું હતું. મેં જોયું કે ઍડમિનિસ્ટ્રેટર દેશી હતા, છતાં તેમનો રુઆબ તો સાહેબથીયે વધારે હતો. તેમનામાં હોશિયારી હતી. પણ તેમની હોશિયારીનો લાભ રૈયતને બહુ મળ્યો એમ હું ન જોઈ શક્યો. રાણાસાહેબને થોડી સત્તા મળી. મેર લોકોને તો કંઈ જ ન મળ્યું એમ કહેવાય. તેમનો કેસ પૂરો તપાસાયો એમ પણ મને ન લાગ્યું.

એટલે અહીં પણ હું પ્રમાણમાં નિરાશ થયો. મને લાગ્યું કે ઇન્સાફ ન મળ્યો. ઇન્સાફ મેળવવા સારુ મારી પાસે સાધન નહોતું. બહુ થાય તો મોટા સાહેબને અપીલ કરાય. તેનો શેરો થાય, ‘અમે આ કામમાં વચ્ચે નથી પડી શકતા.’ આવા ફેંસલાની પાછળ જો કંઈ કાયદાકાનૂન હોય તો આશા રહે. અહીં તો સાહેબની મરજી તે કાનૂન.

હું અકળાયો.

દરમિયાન ભાઈની પાસે પોરબંદરની એક મેમણ પેઢીનું કહેણ આવ્યું : ‘અમારો વેપાર દક્ષિણ આફ્રિકામાં છે. અમારી પેઢી મોટી છે. અમારો એક મોટો કેસ ચાલે છે. દાવો ચાળીસ હજાર પાઉંડનો છે. કેસ ઘણો વખત થયો ચાલી રહ્યો છે. અમારી પાસે સારામાં સારા વકીલબારિસ્ટરો છે. જો તમારા ભાઈને મોકલો તો તે અમને મદદ કરે ને તેને પણ કંઈક મદદ મળે. તે અમારો કેસ અમારા વકીલને સારી રીતે સમજાવી શકશે. વળી, તે નવો મુલક જોશે ને ઘણા નવા માણસોની ઓળખાણ કરશે.’

ભાઈએ મારી પાસે વાત કરી. હું આ બધાનો અર્થ સમજી ન શક્યો. મારે માત્ર વકીલને સમજાવવાનું જ કામ કરવું પડશે કે કોર્ટમાં પણ જવું રહેશે એ ન જાણી શક્યે. પણ હું લલચાયો.

દાદા અબદુલ્લાના ભાગીદાર મરહૂમ શેઠ અબદુલ કરીમ ઝવેરીની ભેટ મારા ભાઈએ કરાવી. શેઠે કહ્યું : ‘તમને ઝાઝી મહેનત નહીં પડે. અમારે મોટા ગોરાઓની સાથે દોસ્તી છે. એમની તમે ઓળખાણ કરશો. અમારી દુકાનમાં પણ તમે મદદ કરી શકશો. અમારે અંગ્રેજી પત્રવ્યવહાર ઘણો રહે છે. તેમાં પણ તમે મદદ કરી શકશો. તમારું રહેવાનું અમારા બંગલામાં જ થશે, એટલે તમારા ઉપર કંઈ જ ખર્ચ નહીં પડે.’

મેં પૂછયું : ‘મારી નોકરી તમે કેટલી મુદ્દત સુધી માગો છો? મને તમે પગાર શું આપશો?’

‘તમારું કામ એક વર્ષથી વધારે નહીં પડે. તમને ફર્સ્ટ ક્લાસનું આવવાજવાનું ભાડું ને રહેવા તથા ખાધાખર્ચ ઉપરાંત ૧૦૫ પાઉન્ડ આપીશું.’

આ કંઈ વકીલાત ન કહેવાય. આ નોકરી હતી. પણ મારે તો જ્યાંત્યાંથી હિંદુસ્તાન છોડવું હતું. નવો મુલક જોવા મળશે ને અનુભવ મળશે તે જુદો. ૧૦૫ પાઉન્ડ ભાઈને મોકલીશ એટલે ઘરખર્ચમાં કંઈક મદદ થશે. આમ વિચાર કરી મેં તો પગાર વિશે રકઝક કર્યા વિના શેઠ અબદુલ કરીમની દરખાસ્ત કબૂલ રાખી ને દક્ષિણ આફ્રિકા જવા તૈયાર થયો.