શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠ : મૂળની સાથે મેળ, સત સાથે સુમેળ -યોગેશ જોષી

From Ekatra Wiki
Revision as of 11:20, 13 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠ : મૂળની સાથે મેળ, સત સાથે સુમેળ -યોગ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠ : મૂળની સાથે મેળ, સત સાથે સુમેળ -યોગેશ જોષી


મૂળની સાથે મેળ છે ને સત સાથે સુમેળ છે તેવા, સમષ્ટિના સૂર સાથે પોતાના શબ્દનો — શબદનો સૂર મેળવતા-કેળવતા આ કવિને ‘કુમાર’ ચંદ્રક (૧૯૬૪), રણજિતરામ ચંદ્રક (૧૯૮૫), સાહિત્ય અકાદેમી, દિલ્હીનો ઍવૉર્ડ (૧૯૮૬), નર્મદ સુવર્ણચંદ્રક (૧૯૮૩-૮૭), આદ્યકવિ શ્રી નરસિંહ મહેતા ઍવૉર્ડ (૨૦૦૫), ગુજરાત સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર (૨૦૦૬), સચ્ચિદાનંદ સન્માન (૨૦૧૦), વિનોદ નિઓટિઆ કાવ્યમુદ્રા ઍવૉર્ડ (૨૦૧૬) તથા ગુજરાત સરકાર/ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાત સાહિત્ય પરિષદ તેમજ અન્યો દ્વારા અનેક પુરસ્કારો પ્રાપ્ત થયા છે.

નમણો લંબગોળ મધુર ચહેરો, શામળો વાન. મોટું કપાળ, આછા-લાંબા વાળ, ચશ્માં પાછળ ચમકતી, ઊંડું-અઢળક-મબલક જોતી-પરખતી, હદમાં અનહદ નીરખતી આંખો — એમાં અધ્યાત્મનું તેજ, સં-વેદનનો ભેજ. વાણીમાં હૈયાનો ઉઘાડ. અવાજમાં સચ્ચાઈનો રણકો. ‘અમે દીવાલો, નથી અમારે પાંખ: સાદ ના પાડો’ કહેતા. પણ ‘સૂક્ષ્મ’ને સાંભળતા કવિ-કાન. ચહેરા પર ધીર ગંભીર પ્રસન્નતા, ભીતર કવિતાના સતનો જાણે દરિયો, મોજાં પર મોજાં પર મોજાં આવ્યાં કરે ને કવિતા ઊતર્યા કરે — અવતર્યા કરે. ખાદીનો ઝભ્ભો-લેંઘો. ભીતર ગાંધી-સંસ્કારથી ભર્યા ભર્યા. હોઠ પર મીઠું-મધુરું સ્નેહસભર સ્મિત, મારી નવી લખેલી કવિતા હું એમના હાથમાં આપું ત્યારે શરૂમાં એમનો ચહેરો કડક વિવેચક જેવો દેખાય (વાંચતાં વાંચતાં જોડણીની ભૂલો સુધારતા જાય), પછી સહૃદય ભાવક જેવો, પછી અસલ સર્જક જેવો. ચહેરા પર પ્રસન્નતા છલકાય, હોઠ પર વળી મધ-મીઠેરું સ્મિત લહેરાય. આ સ્મિતમાં ઠાકોરજીના મધુર સ્મિતનો અણસાર પણ ક્યારેક ફરકતો જણાય. પિતા ત્રિકમલાલ માણેકલાલ શેઠ ચુસ્ત વૈષ્ણવ. કીર્તનમાં — ઠાકોરજીમાં ઓતપ્રોત. ઘરમાં પુષ્ટિસંપ્રદાયનું વાતાવરણ. ભજન-કીર્તન ને ભાગવતાદિનું વાચન-શ્રવણ. માતાનું નામ સરસ્વતી. સ્નેહાળ, સહનશીલ, કરકસરમાં માને. દીવાસળી પણ ગણીને સળગાવે! (ચંદ્રકાન્ત શેઠને દીકરી વંદનાના લગ્ન વખતે લાલ રીફિલથી કંકોતરી લખતા જોયેલા, એમના હાથમાં મોંઘી પેન કદી જોઈ નથી, આવેલી ટપાલમાંથી એક બાજુ કોરી હોય તેવો કાગળ સાચવી રાખે ને લેખન માટે ઉપયોગમાં લે.)

ચંદ્રકાન્ત શેઠનો જન્મ ૩ ફેબ્રુઆરી, ૧૯૩૮ના રોજ પંચમહાલ જિલ્લાના કાલોલ ગામે. વતન ઠાસરા (જિ. ખેડા). તેઓ જન્મ્યા ને મા લકવાગ્રસ્ત થઈ. બીજાઓને ધાવીને તેઓ મોટા થયા. ઘરમાં વજ્રથીયે વધારે કઠોરતા ને કુસુમથીયે વધારે કોમળતાનો અનુભવ થતો રહ્યો. બાળવિધવા મોટી બહેન સુરીલા કંઠે હલકથી દયારામનાં પદો ગાતી.હવેલીની જેમ ઘરમાંયે સેવા-ઉત્સવ-કથા-કીર્તનનો માહોલ. મંદિરમાં રાસ-હીંચ રમાતાં. આ બધાંના સ્વાદ થકી, ભગવાનના પ્રસાદ થકી કવિનો તન-મનનો પિંડ બંધાતો ગયો. શરીરે નબળા ને રમતગમતમાં ઢીલા તેથી વાચનલેખનમાં જીવ રોપ્યો. જાદુના ખેલ, રામલીલા ને ભવાઈના ખેલ, નટના ખેલ ને રાસલીલાના ખેલ — આ બધું એમની ચેતનામાં રોપાતું ગયું. ‘બા’ શબ્દ બોલવાનું શરૂ થયું ત્યારથી જ તેમની શબ્દાયનની કથા શરૂ થઈ, ‘પહેલીમાંનો અક્ષર પહેલો બા, બા, બા’ આજેય તેઓ ભૂલ્યા નથી. શબ્દ સાથેનો સંબંધ એમને મા સાથેના સંબંધ જેવો લાગે છે. આથી જ તેમણે નોંધ્યું છે:

‘…આપણી માતૃભાષા કાવ્યભાષા બને છે ત્યારે તેમાં વિશ્વભાષાનો આત્મા ધબકતો પામી શકાય છે.’ (‘શબ્દ સાથે મારો સંબંધ’, સં. હર્ષ બ્રહ્મભટ્ટ, અનિલ ચાવડા, પૃ. ૫૪) (‘શબ્દ સાથે મારો સંબંધ’, સં. હર્ષ બ્રહ્મભટ્ટ, અનિલ ચાવડા, પૃ. ૫૪)

પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ હાલોલ અને કણજરીમાં. કણજરીના દરબાર જૂની રંગભૂમિના આશક, નાટકકાર ને કવિ. દરબારમાં રોજ મિજલસ થાય. તરુણ ચંદ્રકાન્તની કવિતા અંગેની પાત્રતાના કારણે મિજલસમાં હાજર થવા નોતરું મળે. પિતાજી ખિજાય. આમ તો સાતમા ધોરણથી કવિતાની શરૂઆત. ૧૯૪૮માં ગાંધીજીનો દેહાંત થતાં કાવ્ય લખેલું: ‘એવા બાપુ અમર રહો!’ કિશોર વયથી જ એમને ગાંધીજી ગમતા ને ખાદી પહેરવાની ઇચ્છા થતી. ૧૯૫૦ પછીથી આઠમા ધોરણથી અમદાવાદમાં કાંકરિયાની પ્રોપ્રાયટરી હાઈસ્કૂલમાં. રવીન્દ્રનાથનું પ્રબળ ખેંચાણ. મૅટ્રિક સુધીમાં પ્રચલિત છંદો પર ઠીક ઠીક પ્રભુત્વ મેળવી લીધેલું. શાળાજીવન દરમિયાન કવિતાના વ્યાયામથી પાંચ-સાત નોટો ભરી દીધેલી. પ્રોપ્રાયરી હાઈસ્કૂલમાં તેઓ ભણતા ત્યારે કવિ શ્રી ઉમાશંકર જોષીનાં દર્શન થયેલાં. ઉમાશંકર સ્કૂલમાં આવેલા ને વ્યાખ્યાન આપવા માટે ‘ભોમિયા વિના’ ગીત ગાયેલું. શાળાના વાર્ષિક અંકમાં એમનું કાવ્ય ‘મા શારદે!’ છપાયેલું.

તેઓ ગુજરાત કૉલેજમાં દાખલ થયા ત્યાર પછી એમની કાવ્યયાત્રાને દિશા અને વેગ મળ્યાં. તેઓ જુનિયર બી.એ.માં હતા ત્યારે લાભશંકર ઠાકર અને રાધેશ્યામ શર્મા સિનિયર બી.એ.માં હતા. એમની મૈત્રી કાવ્યરસે પુષ્ટ થતી ગઈ. લાભશંકરે એમને ‘કુમાર’ની ‘બુધસભા’નું ડહેલું બતાવ્યું ને પછી તો જાણે ગગન ખોલતી બારી ખૂલી ગઈ! કાવ્યપદાર્થની સમજણ વિકસતી ચાલી. મુ. બચુભાઈની ‘બુધસભા’માં સુન્દરમ્, ઉમાશંકર, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, પ્રિયકાન્ત મણિયાર, બાલમુકુન્દ દવે જેવા ઘણા કવિઓની કવિતાને પ્ર-માણવા મળી. રઘુવીર ચૌધરી, લાભશંકર ઠાકર, ચિનુ મોદી, મનહર મોદી જેવા મિત્રો મળ્યા તો ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ, નગીનદાસ પારેખ, મોહનભાઈ શં. પટેલ જેવા ગુરુજનો મળ્યા ને એમના સર્જનની ક્ષણોનું વૈશ્વિકતા સાથે સૂરસંધાન (ટ્યૂનિંગ) શરૂ થયું.

આમ એમનું બાળપણ વીત્યું હાલોલ-કણજરીમાં ને વિશેષ ઘડતર થયું અમદાવાદમાં. આ સંદર્ભે એમણે નોંધ્યું છે —

‘મારામાં ગામડું અને શહેર બેય ભળ્યાં છે. કેટલોક વણાટ શહેરમાં, પણ મૂળભૂત દ્રવ્ય રૂ-સૂતર તો ગામડાનું. મારો કેટલોક વણાટ શહેરમાં એટલે બધું બરોબર એવું નહીં જ. વણાટમાં કેટલાક ગરબડગોટાળાયે ખરા જ. કેટલાંક તો હું સમજું છતાંયે ચાલવા દઉં; ગેરસમજના જોખમ છતાં! મને ગેરસમજ પોસાય છે. અસત હરગિજ નહીં.’

(‘સર્જકની આંતરકથા’, પુનર્મુદ્રણ, ૨૦૧૧, સં. ઉમાશંકર જોશી, પૃ. ૧૦)

અસત એમને હરગિજ પોસાતું નથી આથી જ એમને મૂળની સાથે મેળ છે ને સત સાથે સુમેળ, એમની એક ગીત-પંક્તિ છે —